વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવે છે વરુથિની એકાદશી, જાણો આ દિવસે શું કરવું અને શું નહીં.
પંચાંગ અનુસાર દરેક મહિનામાં બે એકાદશી હોય છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને વરુથિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે વરુથિની એકાદશી વ્રત 16 એપ્રિલ 2023 ના રોજ ઉજવવામાં આવી રહ્યું છે. પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 15 એપ્રિલ 2023 ના રોજ સવારે 08:05 કલાકે શરૂ થઈ રહી છે. જે 16 એપ્રિલે સવારે 06:14 કલાકે સમાપ્ત થશે. બીજી તરફ, આ વ્રતના પારણાં 17 એપ્રિલે સવારે 05:54 થી 10:45 વચ્ચે કરવામાં આવશે.
શાસ્ત્રોમાં એકાદશી વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ વરુથિની એકાદશીનું વ્રત કરે છે અને વિધિ-વિધાન અનુસાર પૂજા કરે છે તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. જો કે, એકાદશી વ્રત સાથે જોડાયેલા કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય પણ કેટલાક એવા કામ છે જે આ દિવસે ન કરવા જોઈએ. આવો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
એકાદશીના દિવસે શું કરવું અને શું નહીં?
વરુથિની એકાદશીના દિવસે, વિશ્વના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો અને આખો દિવસ ભગવાનનું ધ્યાન કરતા કરતા ઉપવાસ કરો. એકાદશી વ્રતના પારણાં બારસ તિથિએ એટલે કે એકાદશીના બીજા દિવસે રાખવામાં આવે છે.
બારસ તિથિ સમાપ્ત થાય તે પહેલા એકાદશી વ્રતના પારણાં કરી લેવા જોઈએ. આ સિવાય એકાદશીના દિવસે દાન-પુણ્ય કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેથી એકાદશી તિથિએ દાન કર્મ જરૂર કરો.
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં તમારે તુલસીનો ભોગ અવશ્ય ચઢાવવો. વિષ્ણુજીને તુલસી ખૂબ જ પ્રિય છે. બીજી તરફ, જો તમે એકાદશીનું વ્રત ન કર્યું હોય તો પણ આ દિવસે માત્ર સાત્વિક વસ્તુઓનું જ સેવન કરો.
એકાદશીના દિવસે માંસાહાર અને મદ્યપાન તેમજ કોઈપણ પ્રકારની માદક અને તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આમ તો ક્યારેય પણ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
એકાદશી પર ચોખાનું સેવન વર્જિત માનવામાં આવે છે, તેથી જો તમે આ દિવસે ઉપવાસ ન કરો તો પણ ચોખાનું સેવન ન કરો.
આ દિવસે ગુસ્સો કરવાથી બચો. તેમજ કોઈ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરો. આ સિવાય એકાદશી તિથિએ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.