મિથુન રાશિવાળા એટલે કે ક, છ ઘ શબ્દવાળા લોકો ખૂબ ઝડપથી કરે છે પ્રગતિ, જાણો તેમના વિશે A to Z માહિતી.

0
933

ઉત્સાહી હોવાની સાથે ખુબ ચતુર હોય છે મિથુન રાશિના જાતકો, આ ખરાબ આદત સુધારવી છે ખુબ જરૂરી. મિથુન બેવડા સ્વભાવનું પ્રતિક દર્શાવે છે : મિથુન જાતકો ઝડપથી વિરોધી બાબતોને સ્વીકારી લેતા હોય છે. આ જાતકો પરસ્પર વિરુદ્ધ હોય તેવી બાબતોને એક સાથે સ્વીકારવાનો સ્વભાવ ધરાવતા હોઈ શકે છે. મિથુન જાતકો સ્વભાવે જિજ્ઞાસુ, બહિર્મુખી ,પ્રતિભાશાળી, બોલકણા અને માનસિક રીતે ચપળ હોય છે. કોકટેલ પાર્ટીઓમાં આ રાશિના જાતકો એક મુદ્દામાંથી બીજા મુદ્દા પર બહુ સરળતાથી વાત શરુ કરવાની કુનેહ ધરાવતા હોય છે. જાહેરમાં અન્ય લોકો પર હળવા કટાક્ષ કરવામાં પણ મિથુન રાશિના જાતકો ઘણા પારંગત હોય છે. કેટલાક લોકોને મિથુન જાતકોનો સંગાથ ઘણો ગમે છે તો કેટલાક ને તેમનો સ્વભાવ નથી ગમતો કારણકે આ રાશિના જાતકો પવન પ્રમાણે દિશા બદલવામાં નિપુણ હોવાથી લોકો તેમને છીછરા સ્વભાવના પણ માને છે. આપની વિનોદી અને વેધક વાણી વિરોધીઓ સામે શાબ્દિક યુદ્ધમાં જીત અપાવે તેવી હોય છે અને આ વાકછટાના કારણે જ આપના વિરોધીઓ ગણતરીની મિનિટોમાં જ આપના મિત્ર બની જાય છે. જીવનમાં ક્યારેક ઊંચા આકાશમાં ઝડપથી ઊડી જવાના બદલે ધીમે ધીમે ફૂલોની સુગંધ માણવા મતલબ કે સારા સમયનો આનંદ માણવા માટે થોડો સમય ફાળવવાની આપે જરૂર છે.

નામાક્ષર : ક, છ ઘ

સ્વભાવ : દ્વિસ્વભાવ

સારા ગુણ : બુદ્ધિચાતુર્ય ધરાવનાર , મુત્સદ્દી , જોશીલા , ઉત્સાહી , ચતુર , મનમોજી, મજાકિયા અને પ્રતિભાશાળી

નકારાત્મક ગુણ : બે મોઢે બોલનારા, દ્વિધા યુક્ત, આળસુ અને અવ્યવસ્થિત

વિશેષતાઓ : બુદ્ધિચાતુર્ય , મુત્સદ્દીગીરી, જોશ, ઉત્સાહ, ચતુરાઈ, મનમોજી, મજાકિયા અને પ્રતિભાશાળી, બે મોઢે બોલનારા, અનિર્ણાયક , આળસુ અને અવ્યવસ્થિત

મિથુન રાશિનું ચિહ્ન : ગદાધારી નર અને વીણા વગાડતી સ્ત્રી (જોડકું)

સ્વામી ગ્રહઃ મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે જે બાળપણ અને યુવાવસ્થા સાથે સંબંધ ધરાવે છે. આ ગ્રહ સૌરમંડળના કોઈપણ ગ્રહની સરખામણીએ વધુ ઝડપથી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ ગ્રહ આપણા વિચારો અને તેને અન્ય સમક્ષ પ્રગટ કરવાની કળાનો નિર્દેશ આપે છે. આ ગ્રહ આપણામાં છુપાયેલી સજાગતા અને સારાસારનો વિવેક પારખવાની બૌધ્ધિક શક્તિ વ્યક્ત કરે છે. મિથુન રાશિનો આ અધિપતિ ગ્રહ અધીરો અને સતત પરિવર્તનશીલ છે. આ ગ્રહ આપણને બોલવાની તેમ જ સાંભળવાની પ્રેરણા આપે છે પરંતુ જરૂરી નથી કે કોઈ પગલાં લેવા માટે તે પ્રેરે.

ત્રીજો ભાવઃ ત્રીજો ભાવ સંદેશ વ્યવહાર અને વાતચીત સાથે સંકળાયેલી તમામ બાબતો નિર્દિષ્ટ કરે છે. પરંપરાગત વિચારસરણી અનુસાર ત્રીજા ભાવમાં ભાઈ -બહેનો વચ્ચેની વાતચીત અને તેમની સાથેના સંબંધોનો પણ સમાવેશ થાય છે. આ સ્થાન ટૂંકા અંતરની મુસાફરી અને પ્રવાસનું પણ પ્રતિનિધિત્વ કરે છે.

મિથુન રાશિનું તત્વઃ મિથુન રાશિનું તત્વ વાયુ છે જે હલનચલન કે ગતિશીલતાનો સંકેત આપે છે. જાગૃત મગજ અને ભાષા પર પ્રભુત્વ ધરાવતા મિથુન રાશિના જાતકોમાં સંપર્ક વ્યવહારની કળા જન્મજાત હોય છે. વાયુ તત્વના કારણે મિથુન જાતકો સારા વિચારક પણ હોય છે. તેઓ કોઈપણ કામગીરી કરતા વિવેકબુદ્ધિ પર વધારે ભાર મૂકતા હોય છે. વસંતના વાયરાની જેમ સ્વભાવે હળવા અને ખુશમિજાજી હોય છે પરંતુ તેમના શબ્દોમાં પ્રચંડ વાવાઝોડાની શક્તિ પણ તેઓ લાવી શકે છે. વાયુ તત્વના કારણે મિથુન જાતકોમાં સતત પરિવર્તનશીલતા જોવા મળે છે. બુધ્ધિ શક્તિથી એક કોયડાને અલગ અલગ અભિગમથી ઉકેલવાની લાક્ષણિકતા તેઓ ધરાવે છે.

મિથુન જાતકોની શક્તિઃ વિવિધ રસના વિષયોમાં જિજ્ઞાસાવૃત્તિ રાખવી એ મિથુન જાતકોની સૌથી મોટી શક્તિ છે.

મિથુન જાતકોની નબળાઈઃ સૌથી મહત્વના કામ પરત્વે જ આપ બેધ્યાન થઈ જાવ તે આપની સૌથી મોટી નબળાઈ છે.

મિથુન જાતકોની કારકીર્દિ : મિથુન સંશોધકોની રાશિ છે. મિથુન જાતકો જન સંપર્ક, ઓફિસર, પત્રકાર, કલાકાર, લેખક, માનસિક રોગ નિષ્ણાત, મનોવૈજ્ઞાનિક, સેલ્સ અને વૈજ્ઞાનિક જેવા વ્યવસાય અપનાવી શકે છે.

મિથુન જાતકોના પ્રણય સંબંધો : મિથુન જાતકો પ્રથમ દ્રષ્ટિએ પોતાનો પ્રભાવ જબરદસ્ત પાડતા હોય છે. હળવી પ્રણયચેષ્ટાઓમાં આપ નિપુણતા ધરાવો છો. અને સામેની વ્યક્તિને પોતાના વશમાં કરી શકો છો. સમય જતા લગ્નમાં આપનો રસ ઓછો થઇ શકે છે કારણ કે આપને સમજાશે કે લગ્ન અને રોમાંસ બે અલગ વસ્તુ છે. આપ એક કરતા વધુ વ્યક્તિઓ સાથે પ્રેમ, લગ્ન અને સંબંધો માટે જાણીતા હોવ છો.

મિથુન જાતકો મિત્ર તરીકેઃ આપ એક સારા મિત્ર છો અને આપની સરાહના કરવામાં આવે તો આપ સારી રીતે પ્રેમની પ્રતિક્રિયા આપો છો. આપ દિલથી યુવાન રહો છો અને પાર્ટી કે મહેફિલમાં આપની ખોટ સાલે છે.જનસંપર્ક જાળવવામાં આપ ખૂબ પાવરધા છો.

મિથુન જાતકો માતા તરીકેઃ માતા તરીકે મિથુન રાશિની માતા ઘણી જીવંત અને ઉત્સાહી હોય છે. આપ આપના બાળકનું પાલન સારી રીતે કરવાની સાથે પોતાની કારકીર્દિ પણ સંભાળી શકો છો. આપ ઘણી દ્રષ્ટિએ જોતાં એક ઉત્કૃષ્ટ માતા છો.

મિથુન જાતકો પિતા તરીકેઃ પિતા તરીકે, બે પેઢી વચ્ચેના વૈચારિક અંતરને કારણે ઊભી થતી સમસ્યા આપને ક્યારેય નડતી નથી. મિથુન જાતકોનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેમના બાળકો કરતા ઘણો આગળ હોય છે. આપે ફક્ત આપના બાળકોના પ્રયત્નોને બિરદાવવા જોઈએ અને તેની ટીકા ન કરવી જોઈએ.

શારીરિક બાંધોઃ મિથુન જાતકો સરેરાશ ઊંચાઇ ધરાવતા હોય છે. તેમની દેહયષ્ટિ પાતળી હોય છે. ત્વચાનો વર્ણ ગોરો અથવા ફીક્કો અને વાળનો રંગ હલકો કાળો હોય છે. ચહેરાના હાવભાવમાં બેબાકળાપણું જોવા મળે છે. તેમની આંખો તેજસ્વી હોય છે. તેમના દાંત વધુ મજબૂત નથી હોતા અને તેઓ ઝડપથી બોલતા હોય છે.

સ્વાસ્થ્યઃ મિથુન જાતકો વધુ પડતા સક્રિય હોવાને કારણે તેમણે વધુ ખાવું પડે છે. તેમણે જમવામાં નિયમિત રહેવું જોઇએ. મિથુન રાશિનું પ્રભુત્વ હાથ-પગ અને ફેફસાં પર હોય છે.

સૌંદર્ય ટીપ્સઃ મિથુન જાતકોએ ઑરેન્જ અને લેમન યલો જેવા ભડક રંગો પહેરવા જોઇએ. તેમની આંખો તેજસ્વી હોય છે તેથી મસકારા કરે તો સારૂં લાગે. તેમની ત્વચાનો રંગ ગોરો હોવાથી ટૂંકા સ્કર્ટ કે સ્લીવલેસ પોષાકો પહેરી શકાય. તેમના હાથપગ પાતળા હોવાથી ભારે આભૂષણો પણ પહેરી શકાય.

મનગમતી ખાદ્યસામગ્રીઃ મિથુન જાતકોને ભાવતા ખોરાકમાં પાલક, ટમેટા, નારંગી, લીલા દાણા, કોથમીર, અખરોટ, આલુ, ગાજર, ફૂલાવર, નારિયેળ, છડેલા ઘઉંનો સમાવેશ થાય છે. તેમણે વ્યસનથી દૂર રહેવું જોઇએ.

આદતોઃ મિથુન જાતકોને કામ અને આરામ બંનેની જરૂર હોય છે. કામમાં ધ્યાન આપવાની આદત કેળવો.

મૃગશીર્ષ નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ ચંદ્ર અને સ્વામી મંગળ છે. આથી તેમનામાં ઉત્સાહ જોવા મળે છે અને તેઓ વધુ મહેનત કરનારા પણ હોય છે. આ જાતકોમાં કૂટનીતિ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. તેમનામાં જાતીય આવેગનું પ્રમાણ વધારે હોય છે. આ જાતકોમાં પુરુષોમાં સંપૂર્ણપણે પૌરુષત્વ અને સ્ત્રી જાતકોમાં સંપૂર્ણપણે સ્ત્રીત્વ જોવા મળે છે. ઉપરાંત તેમનામાં આત્મવિશ્વાસ પણ હોય છે. જીવનમાં તેઓ કોઈપણ ધ્યેય નક્કી કરે તેને હાંસલ કરવા શક્ય એટલી મહેનત કરે છે. તેમનું જીવન સફળ થાય છે અને સ્વભાવ સરળ રહે છે.

આર્દ્રા નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ રુદ્ર (શંકર) અને સ્વામી રાહુ છે. આથી મિથુન રાશિમાં આ નક્ષત્ર સાથે જન્મેલા જાતકો કુશળ રાજનીતિજ્ઞ અને કૂટનીતિજ્ઞ બની શકે છે. જરૂર પડ્યે તેઓ બીજાને ભોંમાં ભંડારવાની ક્ષમતા પણ ધરાવે છે. તેઓ જુઠ્ઠુ બોલે તો પકડાતા નથી. તેઓ ક્યારેય ગંદી રાજનીતિ નથી રમતા. તેમની રાજનીતિ સારી અને સાચી હોય છે.પોતાની કારકીર્દિને ક્યારેય આંચ આવવા દેતા નથી અને તેમાં પણ પકડાતા નથી.

પુનર્વસુ નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ અદિતિ (દેવોની માતા) તથા સ્વામી ગુરુ છે. તેમનામાં ધાર્મિકતા વધારે હોય છે જ્યારે રાજનીતિનું પ્રમાણ ઓછુ હોય છે. તેમનો સ્વભાવ સરળ હોય અને ઉત્સાહ વધારે જોવા મળે છે. તેઓ બીજાનું અહિત કરી પોતાનું હિત જોતા નથી. તેમનામાં કામેચ્છા સિમિત હોય છે. પત્ની સિવાય કોઈની સાથે સંબંધ રાખતા નથી. તેઓ સ્વાર્થી હોવા સાથે પ્રેમ પણ કરે છે.