મોબાઇલે તમારા જીવનમાંથી કેટલા ‘સ’ છીનવી લીધા તે જાણો છો? આ લેખ તમને સમજાવશે સંબંધોનું મહત્વ.

0
1221

સંબંધોનું મહત્વ :

ન ગણિત, ન ભાષા, ન વિજ્ઞાન, સંબંધ એટલે સામાજિક વિજ્ઞાન. સંબંધને નિભાવવા માટે સંવાદ જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી છે ક્યારે શું બોલવું અને ક્યારે શું ન બોલવું? આજે મારે તમારી સાથે જે સંબંધની વાત કરવી છે, તે છે પતિ પત્નીના સંબંધ. પતિ પત્નીના સંબંધ ખરેખર ખૂબ જ મધુર હોય છે. પણ જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ ખૂબ જ ઓછા કપલ વચ્ચે સંબંધની આ મધુરતા જળવાયેલી જોવા મળે છે.

જેમ જેમ સુખ સુવિધાઓ વધતી જાય છે, તેમ તેમ સંબંધો વચ્ચેનું અંતર પણ વધતું જાય છે. હવે ટેક્નોલોજીનો જમાનો છે. મોબાઈલ ફોન તો બધા પાસે હોય જ છે. મોટાભાગના પતિ-પત્નીઓ મોબાઈલ પર, મિત્રવર્તુળમાં તેમજ કિટી પાર્ટીમાં પોતાનો સમય વ્યતીત કરે છે. આજકાલના પતિ પત્ની એકબીજાને ઓછો સ્પર્શ કરે છે, પણ મોબાઈલ ને વધારે સ્પર્શ કરે છે.

બે જણ વચ્ચે લાગણીઓ ઓછું થવાનું એક કારણ મોબાઈલ પણ છે. બાજુમાં રહેલા પોતાના પાર્ટનરને ગુડ મોર્નિંગ અથવા ગુડ નાઈટ કહે કે ન કહે પણ મિલો દૂર રહેતા પોતાના મોબાઈલ ફ્રેન્ડસને ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ કહેવાનું ચૂકતા નથી.

ત્યારે વિચાર આવે છે કે મોબાઇલે કેટલા ‘સ’ છીનવી લીધા છે. સંબંધ, સંવાદ, સ્પર્શ, સ્મિત અને સમય. પતિ-પત્નીના આ વધતા જતા અંતરને જોઈને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે.

આજે મારે એના જ રિલેટેડ એક ઘટના તમારી સાથે શેર કરવી છે. મારી સામેની સોસાયટીમાં એક કપલ રહે છે. તેમના પ્રેમ લગ્ન થયા છે. લગ્નને હજી બે જ વર્ષ થયાં છે. શરૂ શરૂમાં તો તેમના વચ્ચે ખૂબ જ પ્રેમ દેખાતો હતો. પણ કોણ જાણે કેમ ધીરે ધીરે આ પ્રેમી યુગલના પ્રેમને કોની નજર લાગી ગઈ. પતિ સવારે કામ પર જાય તેની પહેલા અને સાંજે ઑફિસેથી પાછો ફરે પછી રોજ તેમના ઘરેથી લડવા ઝઘડવાનો અવાજ આવતો.

દિન-પ્રતિદિન તેમના ઝઘડા વધવા લાગ્યા. હવે આ તેમનો રોજનો ક્રમ બની ગયો હતો. પણ થોડા દિવસથી આ અવાજ આવતો બંધ થઈ ગયો. મને આશ્ચર્ય થયું. આટલા દિવસના ઝગડા પછી અચાનક હવે લડવા ઝઘડવાનો અવાજ નથી આવતો. મને થયું કે તેમના વચ્ચે સંધિ થઈ ગઈ હશે. બંનેના સંબંધમાં હવે પહેલાં જેવી મધુરતા આવી ગઈ હશે. પણ આ ઝઘડા બંધ થવાનું કારણ જાણ્યું તો ખરેખર ખૂબ જ આઘાત લાગ્યો.

પતિને ગળાનું કેન્સર થયું હતું. તેની સ્વરપેટી કાઢી નાખવામાં આવી હતી. હવે તેમના પતિ ક્યારે પણ નહિ બોલી શકે. પણ જ્યારે પત્નીને તેની ભૂલ સમજાઇ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હવે તે પત્ની તેના પતિ સાથે વાત કરવા માટે તરસે છે. પણ હવે તે જિંદગીભર તેના પતિ સાથે વાત નહીં કરી શકે. હવે તેને ફક્ત ઇશારાથી જ વાત કરવી પડશે.

આ ઉદાહરણ પરથી આપણે એટલું જાણી લેવું જોઈએ કે, પછીથી અફસોસ કરવાનો કોઈ જ મતલબ નથી. પતિ-પત્નીને એકબીજા માટે જ્યારે પણ સમય મળે તો તેનો સદુપયોગ કરવો જોઈએ. દિવસે દિવસે જિંદગી માંથી એક એક દિવસ ઓછો થતો જાય છે. તેને આવી રીતે વ્યર્થ ન કરવો. અને પતિ-પત્ની વચ્ચેના ટેમ્પરરી અબોલા ક્યારેક જીવનભરના અબોલા ન બની જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

Written by : Meena Amrut Karia (અમર કથાઓ ગ્રુપ)