મોડું થાય તો :
– માણેકલાલ પટેલ
ચંદુભાઈની અચાનક તબિયત લથડી. બ્યાસી વર્ષની ઉંમરે એમને પિત્તાશયની તકલીફ થઈ હતી.
રાજીવ ગભરાઈ ગયો. એ એમને ડૉક્ટર શર્મા સાહેબની હોસ્પિટલે લઈ ગયો. બે દિવસ પછી ઓપરેશનનું નક્કી થયું.
રાજીવને ચેન નહોતું પડતું. બે દિવસ પહેલાં જ શર્મા સાહેબે એનું ચેક અપ કર્યું હતું.
અચાનક એના બાપુજીની તબિયત બગડતાં એમને અહીં દાખલ કર્યા એ પછી ડૉક્ટરે રાજીવને બોલાવીને કહ્યું : “જો તમે મોડું કરશો તો…..”
સાથે આવેલ એની પત્ની સુષ્મા કંઈક પૂછવા જતી હતી ત્યાંજ રાજીવ બોલ્યો : ” આપણે મોડું કરવું જ નથી, સાહેબ !”
ડૉક્ટર રાજીવ સામે જોઈ રહ્યા.
એકાદ કલાક પછી રાજીવને વોમિટ થઈ. બીજા દિવસે પણ અશક્તિને લીધે ચક્કર આવી ગયા.
સુષ્માએ કહ્યું : ” તમે આટલી બધી ચિંતા ન કરો. બાપુજીને સારું થઈ જશે.”
આમ જ બે દિવસ નીકળી ગયા.
ઓપરેશન કરી ચંદુભાઈનું પિત્તાશય કાઢી નાખવામાં આવ્યું.
થોડા દિવસો પછી એમને હોસ્પિટલમાંથી રજા આપી એ પછી સુષ્માને બાપુજીની સંભાળ રાખવાનું કહી રાજીવ સીધો હોસ્પિટલમાં દાખલ થઈ ગયો.
એનું ઓપરેશન થઈ ગયા પછી ડોક્ટરે કહ્યું :” રોગનું નિદાન થયા પછી આવા કેસમાં મોડું જ ન કરાય !”
“પણ, મારા કરતાં બાપુજીનું ઓપરેશન વધુ જરૂરી હતું.” રાજીવ કહેવા માગતો હતો પણ દાઢના કેન્સ રને લીધે એનું નીચલું જડબું કાઢી નાખેલ હોઈ એ બોલી ન શક્યો.
– માણેકલાલ પટેલ.