“મોમ, હાઉ સ્વીટ યુ આર..” અનંતની આ સ્ટોરી તમને ભાવુક કરી દેશે.

0
479

સામાન્ય કુટુંબના અનંતની શૈક્ષણિક લાયકાત સારી હતી, એટલે વિદેશી કંપનીમાં નોકરી મળી ગઈ. આવડત અને કામમાં ચોકસાઈ પણ વધુ લાગતાં, કંપનીએ વધુ પગારથી વડી કચેરીમાં તાલીમ માટે મોકલવાની દરખાસ્ત કરી. મમ્મી પપ્પા અને હમણાં જ પરણીને આવેલી અરુણા અને તેના માતાપિતા સાથે ચર્ચા કરી, થોડી અગવડ વેઠી લઈને તકનો લાભ લેવાનું નક્કી કર્યું. સમજુ અરુણાએ પોતે બધું સંભાળી લેશે એવી ધરપત આપી.

અનંત અમેરીકા ગયો. તે નિયમિત ફોન કરતો રહેતો, અને સારી એવી રકમ પણ મોકલતો રહેતો. અરુણા એમાંથી સારી એવી બચત પણ કરી શકતી. બે વરસની બચતમાંથી ઘરનું સમારકામ પણ કરાવી લીધું.

બધું બરાબર ચાલતું હતું, પણ ટુંકી માંદગીમાં સસરાએ દુનિયામાંથી વિદાય લીધી. અનંત પાછા આવવાની ગોઠવણ કરી રહ્યો હતો. એ દરમિયાન સાસુએ પણ દુનિયામાંથી વિદાય લીધી.

અનંતે ફોન પર અરુણાને જણાવ્યું કે ” મારો અહીંની નોકરીનો કરાર સમય પુરો થવામાં છે. પણ બીજી તૈયારી માટે મને ત્રણેક માસ લાગશે. તું સંભાળી લેજે અને તારા મમ્મી પપ્પાની સલાહ લઈ, બધી વિધિઓ પતાવી લેજે. અને બીજું કે, હું એક વિગતવાર પત્ર લખીને મોકલીશ, તેના પર વિચાર કરીને જવાબ આપજે.”

અનંતનો પત્ર આવ્યો..

” પ્રિય અરુણા..

મેં તારાથી એક વાત છુપાવી છે, તે આજે લખી રહ્યો છું. અહીં કંપનીની ઓફીસમાં એક સ્ત્રી સાથે સહીયારું કામ કરવાનું આવ્યું. એનું નામ સોફીયા હતું. સરસ સ્વભાવની, અને એક વરસની દિકરી મોનાની માં હતી. છુટાછેડા લઈ પોતાની માલિકીના મકાનમાં એકલી રહેતી.

અહીં આપણી રીતનું ખાવાનું મળે નહીં, તેથી હું જાતે રસોઈ કરતો. બપોરે જમતી વખતે આપણી વાનગી એને ચાખવા આપતો. આપણું ખાણું એને બહુ પસંદ આવતું. કયારેક એ સામેથી જ વધારે બનાવી લાવવા મને કહેતી.

અમારો પરિચય વધ્યો. હું અવારનવાર એને ઘરે જતો. એક દિવસ અમે મર્યાદા ઓળંગી ગયા. એને આપણા વિષે બધી જાણકારી હતી.

એક દિવસ એણે લગ્ન વગર સાથે રહેવાની દરખાસ્ત મુકી. “તમે મારી સાથે આવી જાવ, તો ઘરભાડું અને બીજા ઘણા ખરચા બચી જાય. તમે પત્નીને વધુ રકમ મોકલી શકો. મારા ઘરખર્ચમાં તમે ભાગ નહીં આપો તો ચાલશે. મને તમે અને તમારું ગુજરાતી ખાણું ગમે છે. તમારો કંપની કરાર પુરો થાય ત્યારે જતા રહેજો.”

મેં એની વાત માની લીધી. અમે ત્રણેય સુખથી સાથે રહેવા માંડ્યા. મેં તને વધારે પૈસા મોકલવાનું ચાલુ કર્યું.

સોફીયા છ મહિના પહેલાં કમળાની બિમારીમાં દુનિયા છોડી જતી રહી, અને મને મોનાના વાલી તરીકેની જવાબદારી સોંપતી ગઈ. અત્યારે હું એના મકાનમાં જ રહું છું. મોના મારી ખુબ હેવાઈ છે. સોફીયાએ મારા પર વિશ્વાસ મુકી મિલ્કત અને મોના મને સોંપ્યા છે. હવે શું કરવું? એ દ્વિધા છે.

અરુણા, તારો ગુ નેગાર હોવા છતાં એક સ્પષ્ટ ઉત્તર માંગું છું. હું મોનાને લઈને ત્યાં આવતો રહું, તો તું મોનાનો સ્વિકાર કરીશ?

જો ” હા ” હોય તો તૈયારી કરું.” ના ” હોય તો હું કાયમ માટે અહીં રોકાઈ જઈશ. મેં અત્યાર સુધી બચાવેલ રકમ તને મોકલી આપીશ. અને તું ઈચ્છા પ્રમાણે જીવવા મુક્ત થઈશ.”

અરુણા મોડી રાત સુધી વારંવાર પત્ર વાંચતી રહી. અને વિચારતી રહી. અંતે ” હા ” વાળો ઉત્તર ફોન પર આપી દીધો.

અનંત મોનાને લઈ વિમાન માર્ગે મુંબઈ ઉતરી, ભાડાના વાહનમાં ઘરે આવવા નિકળ્યો.

સવારના પુજાપાઠ કરી અરુણા રાહ જોતી બેઠી હતી. અનંત અને મોના આવ્યા. અનન્ય ભાવસભર વાતાવરણ રચાઈ ગયું. હર્ષના આંસુ લુછી , સ્વસ્થ થઈ. અરુણાએ ચારેક વરસની મોનાને ખોળામાં લીધી..

અનંતે મોનાને કહ્યું. “ માય લવ, ધીસ ઈઝ યોર રીયલ મોમ. ”

અરુણાએ પ્રસાદના શીરાનો કોળીયો મોનાને મોંમાં આપ્યો. મોનાએ પોતાની રીતભાત મુજબ અરુણાને ચુંબન લીધું. બોલી “મોમ, હાઉ સ્વીટ યુ આર.. આઈ લવ યુ..”

અરુણાએ અનંત સામે જોયું. જાણે એની આંખો બોલી રહી હતી. ” તમે મારા અનંત છો.. એનો અંત હોય જ નહીં..”

પુજાઓરડીમાં ચોપાઈ વગડી રહી હતી..

હરિ અનંત.. હરિકથા અનંતા..

– જયંતીલાલ ચૌહાણ ૧૧-૭-૨૧ (અમર કથાઓ ગ્રુપ) (પ્રતીકાત્મક ફોટા)