માં એ સાસરે ગયેલી દીકરીને લખેલો આ પત્ર સમય કાઢીને જરૂર વાંચજો, બાપ માટે દિકરી શું છે તે જાણવા મળશે.

0
2964

મારી દિકરીને પત્ર :

મારી લાડલી રાજકુમારી,

કેમ છે બેટા? ઘરની અંદર સૌ કુશલ મંગલ હશો. કાયમ ફોનથી વાતચીત થાય છે આજે લેટર લખવાનો મુડ આવ્યો છે. સારું છે કે મેં તને નાનપણમાં ગુજરાતી શીખવાડ્યું હતું આજે તને મારો લેટર વાંચતા ફાવશે. દરરોજ વિચાર આવે છે, દિકરીને સાસરે શું કામ વળાવી? પરંતું આતો દુનિયાનો દસ્તુર છે, પરણેલી દિકરી સાસરે જ શોભે. તને વિદાઈ આપતાં અમારા કલેજાના ટુકડા થઈ જાય છે, અમે મજબુર માતા-પિતા શું કરીએ?

પહેલી વખત જમાઈ સાથે વિદાય કરી હતી, ફરીથી ફુલ સમાન કોમળ અતિશય વ્હાલા ભાણેજ સાથે જિયાણુ કરીને વિદાય કરી. આમ અનેક વખત તેં મારા ઘરેથી વિદાઈ લીધી છે, પાછી તારા ઘરે જાય છે અમારુ આંગણ સુનુ પડી જાય છે. તું જેટલા સમય માટે સાથે હોય એટલો સમય ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. તારા ઘરે પાછી જાય એટલે અમારુ આંગણ અને હૈયુ બંને સુના પડી જાય છે.

બેટા અમારે માટે તો તારી દરેક વિદાઈ વસમી છે. તૂં બે દિવસ મારે ઘરે રહેવા આવે અને પાછી તારા ઘરે જાય ત્યારે અમારુ હૈયુ ચિ-રાઈ જાય છે. તારા પપ્પા અમારી સામે આંસુ છુપાવે છે, રૂમમાં જઈને અશ્રુઝરણુ વહેતુ મુકે છે. તારો ભાઈ, તારા વીના એકલો પડી ગયો. એકજ વસ્તુ માટે બંને ઝઘડતાં હતાં, મીઠી નોક ઝોક, જ્યારે નવરો પડો હોય ત્યારે એ બધી યાદોને વાગોળ્યા કરે છે ત્યારે તેના ચહેરા પર ઉદાસી છવાઈ જાય છે.

તને ખબર છે તેણે મેડિકલ લાઈન લીધેલી છે ડૉક્ટર બનવા માગે છે એટલે ભણવામાં વર્ષો વીતી જાય. ખબર નહીં ઘરમાં વહુ ક્યારે આવશે? તૂં વ્હાલનો દરિયો, તારાથી દુર એકલા અમારી શું હાલત થાય?

તારી યાદ જ્યારે પણ આવે છે ત્યારે તારા જન્મથી માંડીને તને સાસરે વળાવી ત્યાં સુધીના સંસ્મરણો તાજા થાય છે. બેટા તારો જન્મ થયો ત્યારે દાદા-દાદી બોલી ઉઠ્યાં અમારે ઘરે તો લક્ષ્મીજી પધાર્યાં છે, બહુજ ખુશ થયાં. તારા પપ્પા બોલી ઉઠ્યા ઓ મારી વ્હાલી પરી, મારા મૉઢામાંથી ઉદગાર નીકળ્યા ઓ માય બ્યુટીફુલ પ્રીંન્સેસ, ભાઈ બોલી ઉઠ્યો, નાની ઢીંગલી જેવી મારી પ્યારી પ્યારી બહેન. ઘરમાં બધાંજ ખુશ હતાં. તારા આવવાની ખુશીમાં દાદા-દાદીએ સગાં સબંધી, મિત્ર મંડળ બધેજ મિઠાઈ વહેંચી હતી.

દાદા-દાદીની અતિશય લાડકી, તને ખુબજ પ્યાર કરે છે. નાની પાંચ વર્ષની હતી નવરાત્રિ વખતે ગરબા ગાવા તૈયાર થાય, ચૈણિયા-ચોળી, પગમાં પાયલ પહેરી હોય આખા ઘરમાં ઘુમાય એ ઘુઘરી વાળી પાયલનો રણકાર હજુ કાનમાં ગુંજે છે. કોઈ પણ વસ્તુ જોઈતી હોય આખુ ઘર માથે કરે. ભાઈ-બહેનના ઝઘડા, મારા મારી, તે શાંત કરતાં દાદીને નાકે દમ આવી જાય. તૂં હમેશાં દાદીને કહે દાદી તમે ભાઈને વધારે પ્રેમ કરો છો તમે તેને નથી લડતાં.

તારા પપ્પા ટીવી જોતા હોય અથવા તો પિક્ચર જોતા હોય ત્યારે જો તેમાં દિકરીનો સાસરે વિદાઈનો પ્રસંગ આવે ત્યારે રડવાનુ ચાલુ કરે, એ સીનમાં તેમને તૂં અને પોતે દેખાય અને કહે મારી દિકરીને સાસરે નહી મોકલુ, ઘર જમાઈ શોધીશ. બેટા કયો છોકરો પોતાના માતા-પિતાને છોડીને સાસરીમાં ઘરજમાઈ બનીને રહે? તારા પપ્પા જ્યારે સીગરેટ પીવે ત્યારે તૂ એમને રોકતી હમેશાં કહે પાપા સીગરેટ ના પીશો, તમારી તબીયત માટે સારી નથી. બેટા,તારા પાપાએ સીગરેટ છોડી દીધી છે, કોઈના કહેવાથી માને નહી તારું કહેલુ માન્યુ. મહિનામાં એક વખત તો તારુ ફોટો આલ્બમ કાઢીને અવશ્ય જોવે છે.

બીજું તને ખાસ કહેવાનુ, તારા સાસુ-સસરા તારી સાથે જ રહે છે, તો તેમનુ ખાસ ધ્યાન રાખજે . તેમને ખરાબ લાગે અને તમનુ દિલ દુભાય એવું વર્તન ક્યારેય ના કરીશ. બંને ઉંમર લાયક માણસ છે કંઈ કહે તો સહન કરી લેજે, જવાબ સામો આપીને બળવો પોકારીએ તો ઘરમા મહાભારત રચાય. ઘરમાં શાંતિ જોઈતી હોય તો કાન ખુલ્લા રાખવા અને મૉ બંધ રાખવું. તને થશે મારી મા તો વ્યાસપીઠ ઉપર બેસીને ઉપદેશ આપવા બેસી ગઈ છે, પરંતુ ઘરની શાંતિ એક સ્ત્રીના હાથમાં છે, ઘરને સ્વર્ગ સમાન બનાવવું કે યુધ્ધનુ મેદાન.

તને હમેશાં કહું છું એમ આજે પણ કહું છુ, દિકરી બે કુળને તારે છે, માટે બેટા અમારા આપેલ સંસ્કારથી સાસરીમાં અમારી આબરૂનુ ધ્યાન રાખજે. હું જાણુ છું તૂં મારી ડાહી અને સંસ્કારી દિકરી છે એવુ કંઈ કરવાની નથી, બેટા હું મા છુંને માટે જ ન કામની બધી ચિંતાઓ કર્યા કરું છું.અહિયાં અમેરિકામાં જૉબ, ઘર, પરિવાર બધું હેન્ડલ કરવું તે હાર્ડ છે. હું તને શીખામણ આપુ તેનુ પાલન કરવુ, સમય ઓછો મળે એટલે કોઈ વાર પાલન ન પણ થઈ શકે એ હું સમજી શકું છું.

રસોઈ કરવામાં તો હવે પર્ફેક્ટ થઈ ગઈ હોઈશ નહી? તમે આજકાલની છોકરીઓ દરેક વસ્તુ, કોઈ પણ મનમાં સવાલ ઉઠ્યો, બાબલો ચીડ ચિડીયો થઈ ગયો છે કેમ? મારા પતિનુ વર્તન બદલાઈ ગયું છે કેમ? મને આજકાલ થાક બહુ લાગે છે, કંટાળો આવે છે કેમ? રેસીપી જોઈએ છે, ઓનલાઈન રીસર્ચ કર્યું સોલ્યુસન શોધી કાઢ્યું, સાચો જવાબ મળી રહે, કોઈને પુછવાની માથાકુટ જ નહી. કેટલુ સરસ નહી બેટા?

સાચું કહું મોર્ડન ટેક્નોલોજી મને ગમે છે. મને યાદ છે તૂં પ્રેગનેન્ટ હતી ત્યારે પણ બાળઉછેર અને બાળકની ટેઈક કેરના ક્લાસ લીધા હતા. ભાઈ અમારું જીવન તો અલગ હતું, એ પણ સારું જ હતું, અમે એમાં ઘણાં ખુશ હતાં. અમારી પાસે ખુબજ સમય હતો, તારી પાસે સમયનો અભાવ છે. ખબર નહીં આટલો મોટો પત્ર વાંચવાનો કંટાળો આવશે યા તો તૂં થોડો થોડો વાંચીને ચાર દિવસે પુરો કરીશ. ભલે વાંચતા ગમે તેટલા દિવસ લાગે પરંતું પત્ર પુરે પુરો વાંચજે. હું જાણુ છું અમે તને મીસ કરીએ છીએ તેમ તૂં પણ અમને મીસ કરતી હોઈશ. મારી ડાહી દિકરી છે ને મૉ પર બતાવતી નથી.

બેટા બીજા શું ખબર છે? વીરની પાંચમી બર્થડે નજીક આવી રહી છે, આવતે મહીને બર્થડે આવે છે અમે બધા ત્યાં આવીશું. વીરને મારા બદલે રમાડજે, વીરને ખુબ ખુબ પ્યાર. અહિયાંથી કંઈ લાવવાનુ હોય તો જણાવજે. જમાઈને અમારી યાદ, તારા સાસુ-સસરાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. ચાલ તો બેટા રજા લઈશ.

લિ.

તારી મમ્મી – જય શ્રી કૃષ્ણ.

– સાભાર વિચાર ધારા – હેમા પટેલ.