વાસણ ધોવા સિવાય બીજું કોઈ કામ નહોતી કરતી નવી વહુ, પછી જેઠાણીએ જે પગલું ભર્યું તે જાણવા જેવું છે.

0
3055

રાજની પત્ની સિમરન ખૂબ જ હસમુખ અને સમજદાર સ્વભાવની છે. તે એકદમ મોર્ડન જમાનાની વહુ છે. બંનેના લગ્નને હજુ માત્ર 2 મહિના જ થયા હતા. બંને એક મલ્ટિનેશનલ કંપનીમાં સારા હોદ્દા પર હતા.

સિમરન પોતાના માં બાપની એક માત્ર સંતાન હોવાના કારણે ખૂબ પ્રેમ પૂર્વક તેનો ઉછેર થયો હતો. ઘરના કામ તેને ઓછા જ આવડતા હતા. જ્યાં જમવાનું બનાવવાની વાત આવે તો પિયરમાં તો તેની માં હતી અને પરિવાર સમૃદ્ધ હતો એટલે એ કામ માટે એક કામવાળી રાખી લીધી હતી. તે ઘરના બીજા કામ કરવાની સાથે સાથે જમવાનું પણ બનાવી દેતી હતી. સિમરનનું જીવન સારું ચાલી રહ્યું હતું.

સિમરનના સાસુ-સસરા, જેઠ-જેઠાણી બધા સારા સ્વભાવના હતા, પણ તેના માટે એક સમસ્યાની એ હતી કે સાસરિયામાં બધુ કામ જાતે જ કરવું પડતું. અહીં કોઈ કામવાળી વગેરે નહોતી. સાસરિયામાં કોઈ તહેવાર કે શુભ પ્રસંગ વગેરે આવતા તો સિમરન દુઃખી થઇ જતી હતી. કારણ કે તે મુંઝવણમાં પડી જતી કે મને તો કોઈ કામ આવડતું નથી અને જો કોઈ કામ કરીશ અને તેમાં કોઈ ગડબડ થઇ જાય તો મારા જ પરિવારનું નામ ખરાબ થશે.

પણ સિમરને એક ઉપાય શોધી લીધો. તે વાસણ ધોવાનું કામ કરવા લાગી. તે હંમેશા વાસણ વાળી જગ્યાએ જ ઊભી રહી જતી. આ જોઈને ઘણી વખત અન્ય સભ્યોને સમજાતું નહોતું કે તે ફક્ત એક જ કામ કેમ કર્યા કરે છે. સાસુ અને જેઠાણી એટલા માટે કાંઈ બોલતા નહોતા કે સિમરનને આવ્યા ને હજી વધુ સમય થયો ન હતો. અને જો તેને કાંઈ બોલીએ તો તેને ખોટું લાગી જાય તો સમસ્યા વધી જાય એટલા માટે તેમણે આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું.

જોકે તેના જેઠને આ વાત પચતી નહોતી. તે તેનું કારણ જાણવા માંગતા હતા પણ કોઈ દિવસ સિમરનને આ બાબતે પૂછવાની હિંમત કરી શક્યા નહીં. પણ એક વખત સિમરન વાસણ ધોવા માટે બેસી હતી ત્યારે તેમણે નજીકમાં બેસેલા રાજને મજાકમાં પૂછી લીધું કે, “ભાઈ આ શું થઈ રહ્યું છે?”

આ સાંભળી રાજ એકદમથી બોલ્યો, “ભાઈ આ મારી પત્નીનું મનપસંદ કામ છે, અને તેનું મન પસંદ કામ કરવાથી હું તેને કેવી રીતે રોકી શકું?

આ સાંભળી રાજનો ભાઈ સમજી ગયો કે, સિમરનને રસોઈ અને ઘરના બીજા કામ કરવામાં મુશ્કેલીઓ આવે છે. તેણે આ વાત પોતાની પત્નીને જણાવી અને તેણે પોતાની સાસુને.

સાસુ : મને પણ એવો અનુભવ થયો હતો કે સિમરનને આ બધુ કામ ફાવતું નથી.

જેઠાણી : આ તો તમારી ફરજ છે ને કે ઘરમાં વહુને કેવી રીતે દરેક કામ શીખવાડવામાં આવે. હું જ્યારે નવી નવી આ ઘરમાં આવી હતી ત્યારે તમે મને ઘણી એવી વસ્તુઓ શીખવાડી હતી જે મને જરા પણ આવડતી નહોતી.

સાસુ : એના પિયરના ઘરનું વાતાવરણ અલગ છે એટલા માટે મેં વધુ ધ્યાન ન આપ્યું.

જેઠાણી : હવે મેં નક્કી કર્યું છે કે હવેથી આપણે સિમરનને ઘરના દરેક કામ શીખવાડી દઇશું. અને તેનાથી કોઈ નાની-મોટી ભૂલ થાય તો તેને પણ શાંતિથી સમજાવીશું, જેવી રીતે તમે મને સમજાવતા હતા.

પછી જેઠાણી અને સાસુએ સિમરનને ઘરના બધા કામ પ્રેમ પૂર્વક શિખવાડ્યા અને સિમરન પણ ધીમે ધીમે બધુ શીખી ગઈ. હવે તે સાસરિયાંમાં કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ જાતના ડર વિના ઘરના દરેક પ્રકારના કામની જવાબદારી ઉપાડી શકે છે અને સારી રીતે કામ પુરા કરે છે.

ઘણી વખત રાજ પણ સિમરનને ચિડવે છે કે, હજુ પણ તને તારું વાસણ ધોવાનું મનપસંદ કામ ગમે છે કે, હવે તારી પસંદ બદલાઈ ગઈ છે?

સિમરન પણ ખૂબ પ્રેમ પૂર્વક જવાબ આપે છે, મારા બે ગુરુને તમારી ફરિયાદ કરીશ તો તમારું વાસણ ધોવાનું કામ  તમારું મનપસંદ કામ થઈ જશે.

(નોંધ : હવે કોઈ એવી કમેંટ ન કરતા કે જેઠાણીને કામ કરવાનું ગમતું નહોતું એટલા માટે દેરાણીને દરેક કામ શીખવાડી દીધા. તે તેને દરેક પરિસ્થિતિ માટે તૈયાર કરવા માંગતી હતી, જેથી ઘરમાં સાસુ કે જેઠાણી હાજર ન હોય તો પણ સિમરન દરેક વસ્તુ સંભાળી શકે. થીંક પોઝીટીવ બી પોઝીટીવ.)