વહુઓનું જીન્સ પહેરવું જે સાસુને ગમતું નથી તેઓ જરૂર વાંચે આ સ્ટોરી.

0
2601

નીતા અને માનવ એક જ ઓફિસમાં કામ કરતા હતા. ઓફિસમાં બંનેની આંખો ચાર થઈ ગઈ, પછી મિત્રતા થઈ અને મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તે ખબર પણ ના પડી. બંનેએ એકબીજાના જીવનસાથી બનવાનું વચન આપ્યું હતું. પરિવારના સભ્યોની સંમતિથી બંનેના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. નીતા પણ લગ્ન પછી આંખોમાં સુંદર સપના લઈને માનવના ઘરે આવી હતી.

માનવ નિમ્ન મધ્યમ વર્ગના પરિવારનો છોકરો છે. માનવના પરિવારમાં તેના માતા-પિતા અને મોટી બહેન કનક છે. કનકના લગ્ન થઇ ચુક્યા છે. માનવને તેના માતા-પિતાએ ભણાવીને તેને સક્ષમ બનાવ્યો જેથી તે આજે આટલા સારા પદ પર છે. પણ માનવની માતાની વિચારસરણી બહુ સંકુચિત હતી. સાથે જ તેમને ગુસ્સો પણ વધારે આવતો હતો.

બીજી તરફ નીતા એક ખુલ્લા મનની છોકરી હતી. માનવના પરિવારના સભ્યો સાથે સંપૂર્ણ હળી મળીને રહેવાનો પ્રયત્ન કરતી હતી. તેણીએ માનવની મમ્મીની સંપૂર્ણ કાળજી રાખતી. લગ્ન પછી નીતાએ માનવના પરિવારના રીતિ-રિવાજ પ્રમાણે રહેવાનું શરૂ કર્યું.

માનવની મમ્મી ઈચ્છતી હતી કે તેમની વહુ સાડી પહેરે, માથું ઢાંકે અને એક ભારતીય મહિલાની જેમ સારી રીતે જીવે. ઓફિસ જતી વખતે તે સલવાર સૂટ કે પહેરી શકે છે. તેમના પરિવારના તમામ સભ્યો એક જ મહોલ્લામાં રહેતા હતા. તેથી તેમની વહુને જોયા પછી કોઈ પણ વાતને લઈને કોઈ તેમની નિંદા ન કરે, પરિવારમાં નીતા વિરુદ્ધ કોઈ વાત ન થાય તેવું માનવની મમ્મી ઇચ્છતી હતી. એટલા માટે જ તે ઈચ્છતી હતી કે નીતા હંમેશા સાદી રીતે રહે.

નીતા પરિવારમાં પહેલી મોટી વહુ તરીકે આવી હતી. લગ્નના થોડા મહિનાઓ પછી નીતા એક દિવસ જીન્સ અને ટી-શર્ટ પહેરીને ઓફિસ જવા માટે તૈયાર થાય છે. તેને જોઈને સાસુ તેને ખીજાય છે અને મહેણાં સંભળાવવા લાગે છે. તેમણે કહ્યું કે, લોકો જોશે તો શું કહેશે? તું આ ઘરની વહુ છે, તો વહુની જેમ રહે. સાડી પહેર, સલવાર સૂટ પહેર તેની માટે કોઈ ના નથી પાડી રહ્યું. પણ જીન્સ… છોકરાઓની જેમ તૈયાર થઈને ઓફિસ જવું, શું આ સારું લાગે છે? એક જ સ્વરમાં સાસુએ ઘણું બધુ સંભળાવી દીધું.

નીતાને ઘણું ખરાબ લાગ્યું. તેણીએ હિંમત કરીને કહ્યું, “પણ મમ્મી આજકાલ તો આ બધા પહેરે છે.”

“પહેરતા હશે… પણ અમારા ઘરની વહુ આવા કપડાં પહેરતી નથી.” કહીને નીતાના સાસુએ તેની વાત કાપી નાખી.

નીતા દુઃખી મનથી સલવાર સૂટ પહેરીને ઉદાસ થઈને ઓફિસે ગઈ. તે દિવસે નીતાની સમજણથી સાસુ અને વહુ વચ્ચે જોરદાર વિવાદ થતા થતા બચી ગયો. નીતા પોતાની ઓફિસમાં સારી પોસ્ટ પર હતી. વિદેશના લોકો પણ ત્યાં આવતા હતા અને મોટાભાગના લોકો પશ્ચિમી વસ્ત્રો પહેરતા હતા. તો નીતાની પણ એ જ ઈચ્છા હતી કે તેણીએ પણ વેસ્ટર્ન કપડા પહેરવા જોઈએ.

માનવના ઘરમાં તેને અન્ય કોઈ બાબતે સમસ્યા ન હતી, પણ કપડાં પરના પ્રતિબંધને કારણે તેને થોડી તકલીફ થવા લાગી. માનવ પણ પોતાની મમ્મીને કંઈ કહેતો નહીં. નીતાને લાગે છે કે, વેસ્ટર્ન કપડાં પહેરવા મારા માટે અનુકૂળ છે અને હું ઝડપથી ઓફિસ માટે તૈયાર થઈ જાઉં છે. એટલે ક્યારેક મારે વેસ્ટર્ન કપડા પણ પહેરવા જોઈએ. પણ સાસુની ઈચ્છા આગળ તેણે નમવું પડ્યું. તે સલવાર સૂટ પહેરીને ઓફિસ જતી.

નીતાના લગ્નના ઘણા મહિનાઓ પછી, નીતાની નણંદ કનક થોડા દિવસો માટે તેના પિયર રહેવા આવી. તે પહેલીવાર જીન્સ ટોપ પહેરીને પોતાના પિયરે આવી હતી. દીકરીને જોઈને સાસુ બહુ ખુશ થઈ ગયા અને બોલ્યા, “કનક, તું બે-બે મોટા બાળકોની માં બની ગઈ છે. છતાં પણ હજુ તું છોકરી જેવી જ લાગે છે. ખૂબ જ ફિટ છે…. મેંટેન શરીર છે… તને જોઈને કોઈ કહી શકે નહિ કે તું બે બાળકોની માં છે. તું આ કપડામાં ખૂબ સુંદર દેખાઈ રહી છે. સાસુએ ખુશી ખુશી કહ્યું.

નીતા પણ ઉભી ઉભી સાસુની વાતો સાંભળી રહી હતી. તેને ખરાબ લાગી રહ્યું હતું પણ તે કાંઈ બોલી નહિ. નીતાને રોજેરોજ સલવાર સૂટ પહેરીને ઓફિસે જતી જોઈને કનકે પૂછ્યું, “ભાભી તમે જીન્સ ટોપ કેમ નથી પહેરતા? તેને પહેરીને ઓફિસમાં કેટલું આરામદાયક રહે છે?

” હા, પણ….”

“પણ શું…. ભાભી, તમે પણ પહેરોને. મેં આ કપડા પહેરવાનું શરૂ કર્યું, તો અનુભવ થયો કે તે ખૂબ આરામદાયક છે. જુઓ, હું તમારા માટે પણ લાવી છું.”કનકે હસતાં હસતાં કહ્યું.

“પણ… મમ્મી તો ના પાડે છે.”

ત્યારે કનક મમ્મીને પૂછે છે, “કેમ મમ્મી, તમે ભાભીને કેમ ના પાડો છો? જ્યારે હું પહેરું છું તો તમને સારું લાગે છે. તો ભાભી પહેરે તેમાં શું ખરાબી છે?

“પણ દીકરા… ઘરની વહુ આવા કપડાં પહેરશે તો આજુબાજુના લોકો શું કહેશે? અમારા ઘરની વહુઓ ક્યાં જીન્સ ટોપ પહેરે છે.” સાસુએ ચિંતા કરતા કહ્યું.

“મમ્મી પરિવારની આ પહેલી વહુ છે જે જોબ કરે છે. હવે જમાનો બદલાઈ ગયો છે. જ્યારે સલવાર સૂટ, સાડી કપડાં કેહવાય છે, તો જીન્સ ટોપ પણ કપડાં જ હોય છે. આમાં અમને આરામ અને સગવડ પણ મળે છે. હું મારા સાસરિયામાં ઘણી વખત આ જ પહેરી લઉં છું અને હવે મને ખૂબ જ આરામદાયક લાગે છે. મારી સાસુ કંઈ કહેતી નથી. તમે પણ ભાભીને પહેરવાની પરવાનગી આપી દો. હવે તે તમારી વહુ નથી દીકરી જ છે. લોકોનું શું છે… લોકો થોડા દિવસ વાતો કરશે અને પછી ચૂપ થઇ જશે. ભાભીને જેમાં અનુકૂળ લાગે તે તેમને કરવા દો.

મમ્મીએ કનકની વાત સાંભળી અને ઊંડા હૃદયથી કનકની વાત સ્વીકારી. તેમણે કહ્યું “ઠીક છે, જેમ તમે બંને ઈચ્છો છો તેવું થશે.”

“લો ભાભી, તમે કાલે આ કપડા પહેરીને ઓફિસ જશો.” કહીને કનકે નીતા માટે લાવેલા કપડા નીતાને પકડાવી દીધા. બીજા દિવસે નીતા કનકે આપેલા કપડા પહેરીને ઓફિસ જવા તૈયાર થઈ.

સાસુએ તેને જોઈને કહ્યું, “તમે બંને કદાચ સાચા છો. સમયની સાથે આ આજની જરૂરિયાત છે. કપડાં ગમે તે હોય…. બધા સારા જ હોય છે. જે આરામદાયક લાગે… તે જ પહેરવા જોઈએ. પણ એક વાતનું ધ્યાન રાખવું કે, ખુલ્લમ ખુલ્લા ન રહો. શરીરને ઢાંકીને રાખે એવાં કપડાં સારા હોય છે. અને કપડાં એવા જ પહેરવા જે શરીરને ઢાંકે ન કે અંગ પ્રદર્શન કરે.”

“અરે વાહ મમ્મી, તમે તો બહુ હોશિયાર થઈ ગયા ને…” કનકે હસીને કહ્યું.

“હા… કનક, કાલે રાત્રે બેસીને મેં તમારા બંને વિશે વિચાર્યું. મને લાગ્યું કે કદાચ મારે સમય સાથે બદલાવું જોઈએ. તમારી ઈચ્છાઓને પૂરી કરવી એ મારી ફરજ છે.”

નીતા અને કનક સાસુએ ભેટી પડી. નીતાએ કહ્યું, “થૈક યું મમ્મી… થૈક યું કનક દીદી.”

(નોંધ : બંધ બેસતી પાઘડી પહેરવી નહિ.)