સાસુએ નવી વહુને સમજાવ્યું બચતની સાથે સ્વાસ્થ્યનું પણ કેવી રીતે રાખવું ધ્યાન.

0
1535

મન થાય ત્યારે બહાર ખાવા જતા નવદંપતીએ જરૂર વાંચવી જોઈએ આ સ્ટોરી, કામનો સંદેશ છુપાયેલો છે.

કમલાબેનના દીકરા સુરેશના નવા નવા લગ્ન થયા હતા. નવા નવા લગ્ન હોવાના કારણે દીકરો જયારે કામ પરથી ઘરે આવે ત્યારે પોતાની પત્નીને લઈને ફરવા અને બહાર ખાવા લઇ જતો હતો. છોકરાના હમણાં લગ્ન થવા હોવાના કારણે કમલાબેન બંનેને કાંઈ બોલતા નહોતા, પરંતુ આવું લગ્નના પાંચ-છ મહિના સુધી ચાલતું રહ્યું.

એક દિવસ કમલાબેને પોતાના દીકરાને બોલાવ્યો અને જણાવ્યું કે, તમે જે ત્રણ-ચાર દિવસમાં બહાર ખાવા જાવ છો તે સારું ન કહેવાય, પૈસાનો બગાડ તો થાય છે અને સાથે સાથે તમે તમારા સ્વાસ્થ્યને પણ બગાડો છો. સુરેશને ખબર હતી કે તેની મમ્મીને પહેલાથી બહાર ખાવાનું ગમતું નહોતું.

મમ્મીની આ વાત સાંભળીને સુરેશે જવાબ આપ્યો કે, આટલું તો ચાલ્યા કરે છે. આપણે એટલું તો કમાઈ લઈએ છીએ કે બહાર ખાવાનો ખર્ચો સરળતાથી નીકળી જાય. અને રહી ફિટનેસની વાત તો અમે બંને સવારે જીમ અને બીજી બધી એક્ટિવિટીઓ તો કરીએ જ છીએને, તો પણ અમે થોડું ઓછું જવાનો પ્રયત્ન કરીશું.

દીકરાની આ વાત સાંભળીને માં સમજી ગઈ કે દીકરાને સમજાવવાનો કોઈ ફાયદો નથી, એટલે તેમણે નક્કી કર્યું કે હવે એક વખત વહુને આ વાત સમજાવું. લગ્ન પછી કમલાબેન પોતાની વહુ કિંજલ સાથે દીકરી જેવો જ વ્યવહાર કરતા હતા અને કિંજલ પણ તેમને માં જ સમજતી હતી. કમલાબેને નક્કી કર્યું કે, દીકરા જેવી સીધી વાત કરીશ તો કિંજલને પણ ખોટું લાગી શકે છે, એટલે તેને બીજી રીતે સમજાવવાનું નક્કી કર્યું.

સુરેશ અને કિંજલ બહાર ફરીને અને જમીને આવ્યા તેના બીજા દિવસ સવારે કમલાબેને સુરેશને બોલાવ્યો.

કમલાબેન : ગઈકાલે તમે જે ફરવા માટે ગયા હતા ત્યાં તમને ખર્ચો કેટલો થયો હતો?

સુરેશ : લગભગ 450 થી 500 રૂપિયા. પણ આજે તમે આવું કેમ પૂછી રહ્યા છો?

કમલાબેન : કાંઈ નહિ.

સુરેશના નોકરીએ ગયા પછી કમલાબેન પોતાના કામમાં લાગી પડ્યા. થોડા સમય પછી કિંજલને બોલાવી અને પોતાના પર્સમાંથી 300 રૂપિયા આપ્યા અને શાક માર્કેટમાંથી શાકભાજી લાવવાનું કીધું. કિંજલ પૈસા લઈને શાકભાજી લેવા ગઈ.

કિંજલ જયારે શાકભાજી લઈને ઘરે આવી તો કમલાબેને તેને બોલાવી.

કમલાબેન : આ તું જે શાકભાજી લાવી છે તે કેટલા દિવસ સુધી ચાલશે?

કિંજલ : અઠવાડિયું જેવું ચાલી જશે મમ્મી.

કમલાબેન : તું તો ભણેલી છે એટલે તને હિસાબ કરતા તો આવડતું હશે. અને આપણે માટે શું સારું અને શું ખરાબ તેના વિષે પણ જાણતી હશે?

કિંજલ : હા.

કમલાબેન : ગઈકાલે તમે જે બહાર ખાવા ગયેલા તેનું બિલ લગભગ 500, જે તમે બે વ્યક્તિએ ખાધું બરાબર?

કિંજલ : હા, પણ..

કમલાબેન (વહુની વાત કાપતા બોલી) : પિઝા, બર્ગર, ચાઇનીઝ જેવી બહારની વસ્તુ ખાવાથી આપણા શરીર પર ખરાબ અસર થાય છે અને તેને સુધારવા માટે તમે જીમ અને બીજા બધા કામમાં ખર્ચો કરવા લાગો છો. આજે મેં તને 300 રૂપિયા આપ્યા તેમાંથી તું અઠવાડિયું ચાલે એટલી શાકભાજી લઈને આવી છે, અને મને ખબર છે કે તેમાંથી પણ તું એ થોડા પૈસા બચાવ્યા હશે.

હવે આ 300 રૂપિયાની શાકભાજી બનાવવા માટે જે મસાલો અને બીજા ખર્ચની વાત કરવામાં આવે તો લગભગ 200 જેવા થાય. એટલે જે 500 રુપિયામાં તમે બે વ્યક્તિ ખાઈને આવ્યા એટલા જ પૈસામાં અઠવાડિયું શાકભાજી બની જશે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. રહી વાત બનાવવાની મહેનતની તો તમે જે જીમ વગેરે કરો છો તેના કરતા અડધી કસરત રસોઈ બનાવવામાં થાય છે. હવે તું મને જણાવ કે કયો ખર્ચો આપણા માટે ફાયદાકારક છે.

કિંજલ : મને અમારી ભૂલનો અનુભવ થઈ ગયો છે મમ્મી. તમારી વાતો હું સારી રીતે સમજી ગઈ છું અને મને તમારી વાતનું ખોટું પણ લાગ્યું નથી.

કિંજલ બહાર જઈ રહી એટલામાં કમલાબેને તેને રોકી અને કહ્યું કે, તમે બહાર ખાવા જાવ તેમાં કોઈ સમસ્યા નથી પણ તમે એક મર્યાદામાં બહાર જવાનું રાખો. દર 3-4 દિવસે બહાર જવા કરતા મહિને કે બે મહિને જશો તો સારું રહેશે. બહારનું સદંતર બંધ કરવાની જરૂર છે. તમે યુવાન છો અને નવા જમાનાના છો તો ક્યારેક ક્યારેક જવામાં કાંઈ ખોટું નથી. હંમેશા યાદ રાખવું કે ઘરની સ્ત્રીએ ફક્ત ઘરની બચત નહિ પણ ઘરમાં રહેતા લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

– દીપક મેટકર.