સાસુએ મહેમાનોની સામે વહુને ‘મીઠા જેવી’ કહી તો વહુને ખોટું લાગી ગયું, પછી જે થયું તે… વાંચો લધુકથા

0
369

આ તે સમયની વાત છે જ્યારે મારા લગ્નને એક વર્ષ થયું હતું. મારા મનમાં સાસુનો ડર તો હતો, પણ બધાં જ કામોમાં કુશળ હોવાને કારણે એ વિશ્વાસ હતો કે હું ધીમે ધીમે બધાંનાં દિલ જીતી લઈશ. જો કે, લગ્નના એક વર્ષ પછી પણ અને દરેક કાર્ય કુશળતાથી કર્યા પછી પણ, મેં સાસુના મોઢેથી મારા માટે વખાણનો એક પણ શબ્દ સાંભળ્યો નહોતો. તેથી મારા મનમાં તેમના પ્રત્યે થોડી કડવાશ આવવા લાગી હતી.

એ દિવસોમાં મારી સાસુને મળવા કેટલાક સંબંધીઓ આવ્યા હતા. વાતચીત દરમિયાન મારા વિશે મારી સાસુનો અભિપ્રાય જાણવા કેટલાક સંબંધીઓએ પૂછ્યું કે તમારી નાની વહુ કેવી છે? તો મારા સાસુએ કહ્યું, ‘મીઠા’ જેવી છે. હું તેમના માટે ચા-નાસ્તો લઈને જઈ રહી હતી, તેથી મેં તે લોકોની આ વાત સાંભળી લીધી.

આ સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું અને હું કમને બધાના ચરણ સ્પર્શ કરીને રૂમમાં આવીને રડવા લાગી. રાત્રે ખાવાનું પણ મન ન હતું. મેં ખાવાનું બરાબર ન ખાધું આ જોઈને સાસુએ મને પૂછ્યું, શું વાત છે? તું બહુ ઉદાસ દેખાઈ રહી છે, અને ખાવાનું પણ ખાધું નથી. શું તારી તબિયત સારી નથી. આ સાંભળીને, હું ફરીથી રડી પડી અને મેં જે સાંભળ્યું હતું તે બધું કહી દીધું.

આ સાંભળીએ સાસુએ હસીને કહ્યું, બસ. આટલી અમથી વાત છે. તેં મારા શબ્દોનો ખોટો અર્થ કાઢ્યો છે. મારો કહેવાનો અર્થ એ હતો કે પુત્રવધૂ એ મીઠા જેવી છે જેનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી, કારણ કે તે આપણા માટે પોતાનું બધું જ છોડીને આવે છે. અને જેમ મીઠા વિના બધું જ સ્વાદહીન લાગે છે તેમ પુત્રવધૂ વિના બધું સ્વાદહીન લાગે છે. અને ઘરની ઈજ્જત તો વહુથી જ હોય છે ને.

મારી સાસુનો આ દૃષ્ટિકોણ જાણીને હું દંગ રહી ગઈ. આ બનાવ પછી તેમના પ્રત્યેના મારા વિચાર બદલાઈ ગયા. મને મારી સાસુના રૂપમાં બીજી માઁ મળી ગઈ.

મિત્રો, ઘણી વખત આપણે ખોટું સમજી કે વિચારી લઈએ છીએ અને પછી ખોટી ધારણા બનાવીને સંબંધને બગાડી દઈએ છીએ. ઘણી વખત આપણી ગેરસમજણને કારણે સંબંધ તૂટી જાય છે. તો હંમેશા દરેક બાબતને સારી રીતે સમજ્યા પછી કોઈ પગલું ભરવું. એકવખત પરિવારમાં તિરાડ પડે છે તો તેને જોડવી મુશ્કેલી બની જાય છે.