મોતીના વાવેતર : વાંચો અદ્દભુત ગુજરાતી રચના અને શામળિયાની ભક્તિમાં મગ્ન થઈ જાવ.

0
525

જળ રે જમનાનાં ઝીલતાં જી રે શામળિયા

મને મોતીડું લાગ્યું હાથ નંદજીના નાનડિયા

ગાડે ભરીને મોતી આણિયું જી રે શામળિયા

માતા, પાડો મોતીડાંના ભાગ નંદજીના નાનડિયા

એક મોતીમાં શું વેં’ચીએ જી રે શામળિયા

મોતી વાવ્યાં ઘણેરાં થાય નંદજીના નાનડિયા

જમનાને કાંઠે ક્યારો રોપિયો જી રે શામળિયા

માંહી વાવ્યો મોતીડાંનો છોડ નંદજીના નાનડિયા

એક મોતીને બબ્બે પાંદડા જી રે શામળિયા

મોતી ફાલ્યાં છે લચકાલોળ નંદજીના નાનડિયા

એક ડાળ્ય ને બીજી ડાળખી જી રે શામળિયા

વચલી ડાળે મોતીડાંની લૂંબ નંદજીના નાનડિયા

થાળ ભરીને મોતી વેડિયાં જી રે શામળિયા

માતા, પાડો મોતીડાંના ભાગ નંદજીના નાનડિયા

કોઈને ચપટી ચાંગળું જી રે શામળિયા

રાણી રાધાને નવસેરો હાર નંદજીના નાનડિયા.

– સાભાર જગદીશચંદ્ર છાયા (ગામ ગાથા ગ્રુપ)