રોંઢાના ચા નાસ્તાનો ડંકો પડ્યો. ગોદાવરી પલંગમાંથી ઉઠી. આજે સવારે કોક દાન કરવા આવ્યું હતું, તે નવી માળા આપી ગયું હતું. એ લઈને એ સીધી સત્સંગની જગ્યાએ ગઈ. હમણાં ડાયાબીટીસ ઉંચું આવતું હતું, એટલે ચા પીવાનું બંધ કર્યું હતું. એટલે બીજી ડોશીઓ સાથે એ રસોડા તરફ ના ગઈ. નાની ઢોલકી , ઝાંઝ પખાજ , ખંજરી , મંજીરા સાથે રોજની જેમ સત્સંગ ચાલુ થયો. પણ એમાં એને મજા ના આવી. આજે કમર વધુ દુખતી હતી.
વૃધ્ધાશ્રમમાં મંદિર સારું હતું. એ હળવે હળવે ગઈ. થાંભલીનો ટેકો લઈને બેઠી. નવી માળા સાડીના છેડા નીચે રાખી એક પછી એક મણકા ફેરવવાનું ચાલુ કર્યું ને મનના મણકા પણ ફરવા લાગ્યા.
બચપણનો મણકો નજરે ચડ્યો. નિશાળે આવતી બીજી છોકરીઓના સારા કપડાં જોઈ, એ પણ મા પાસે માંગતી. મા ક્યારેક બહાનું કાઢતી. ક્યારેક ગરીબીની સમજણ આપતી. તો ક્યારેક ખીજાઈ પણ જતી.
થોડી મોટી થઈ, ત્યારે સમજણ આવી. ઘરમાં મદદ કરવા મજુરીએ જવા લાગી. ‘પાંચ પૈસા ઘરમાં વધારે આવશે, તો સુખી થવાશે.’ પણ બાપની બિમારી બચતને ચાવી જતી.
યુવાની આવી. સગાઈની વાતો થવા લાગી. મનમાં આશા જાગી કે ‘સારું ઘર મળશે.. સુખેથી રહીશ.’ પણ ત્યાંય એનું એ જ. સાધારણ સાસરું મળ્યું. સાસુનો કચવાટ. માવડિયો ધણી. સુખ છેટું રહ્યું.

દિકરી દિકરાને ભણાવ્યા પરણાવ્યા. ફરી આશા જન્મી. ‘દિકરો સારું કમાશે. વહુ ઘર સાંચવી લેશે. સુખેથી રહેશું.’
એ ઈચ્છા ફળી નહીં.. સ્વછંદી વહુ સાથે ફાવ્યું નહીં.. બન્ને પાછાં નાના ગામડે રહેવા આવ્યા.. પતિએ દુનિયામાંથી વિદાય લીધી.. સમાજની બીકે દિકરા વહુએ ફરીથી સાથે રહેવા આવવા કહ્યું.. ગોદાવરીએ ના પાડી..
અને અંતે આ વૃધ્ધાશ્રમમાં આશરો લીધો..
એનાથી જરાક હસાઈ ગયું.. માળા ફેરવવી બંધ કરી..
” હું પણ પેલા હરણ જેવી છું ને? તરસ લાગી.. ભર ઉનાળે તપતા રણમાં પાણી ગોતવા નિકળ્યું.. જ્યાં નજર કરે, ત્યાં ઝાંઝવાના નીર.. આમ દોડ્યું.. તેમ દોડ્યું.. ક્યાંય પાણીનું ટીપું ના મળ્યું.. ને અંતે..
હું પણ એની મૃગતૃષ્ણાની જેમ.. સંસારમાં સુખ ગોતવા નિકળી.. ક્યાંય ના મળ્યું.. ને હવે આ માળાના મણકામાં શોધું છું..”
એણે માળા ફેંકી દીધી.
સાંજના વાળુનો ડંકો પડ્યો. ગોદાવરીને જમવાના ટેબલ પર ના જોતાં, કોઈ શોધવા નિકળ્યું.
ગોદાવરી થાંભલીના ટેકે નિષ્ચેતન થઈ ગઈ હતી.
– જયંતીલાલ ચૌહાણ ૧૩-૮-૨૧