મમ્મીનું પેન્સન : દીકરા અને વહુઓએ પેન્શનના ભાગ કરવાની વાત કરી પછી જે થયું તે જાણવા જેવું છે.

0
1751

ભૂપતભાઈ જાજું પેન્સન ખાઈ શક્યા નહીં.. આમ તો તંદુરસ્ત હતા , પણ મહામારી ભ રખી ગઈ.. નિવૃત્તિના ત્રીજા વરસે ગુ જરી ગયા..

એના સાંસારીક કામો તો બધા પુરા થઈ ગયા હતા.. બે દિકરા અને એક દિકરી હતી.. ત્રણેયને ધામધુમે પરણાવ્યા હતા.. બેય દિકરાને જુદા જુદા શહેરમાં સારી નોકરી હતી.. ત્રણેયને ઘરે બે બે બાળકો હતા.. નાના મોટા તહેવારમાં બધા એક ઘરે ભેગા થાય.. બે ભાભી અને નણંદ વચ્ચે પણ સારો મેળ હતો.. બાપદાદાની ખેતી ભાગમાં આવી હતી , તેમાંથી પણ બે ભાગ કરી દિકરાઓને નામે કરી દીધી હતા.. બે દિકરા માટે અલાયદા મકાનની ગોઠવણ કરી દીધી હતી..

પણ એના ગયા પછી વાતાવરણ પલટાવા લાગ્યું.. નાનો દિકરો અને વહુ પાંચમની વિધિ કરવા આવ્યા પછી એક દિવસ વધુ રોકાયા.. રાત્રે બે દિકરા વહુ અને વનીતાબેન બેઠાં હતાં , ત્યારે મિલ્કતના ભાગની વાત નિકળી..

ભૂપતભાઈએ નિવૃત થતી વખતે આવેલ રકમમાંથી બધા બાળકોના નામે બેંકમાં સરખી રકમ મુકી હતી.. અને એક પ્લોટ ખરીદ્યો હતો.. નાનાએ એ પ્લોટમાં ભાગ માંગ્યો.. થોડી ચર્ચા પછી બેયનો અડધો ભાગ એમ નક્કી થયું..

પછી મમ્મીના પેન્સનની વાત થઈ.. વનીતાબેનને કુટુંબ પેન્સન ચાલુ થઈ ગયું હતું , જે માસીક પાંત્રીસેક હજાર જેટલું હતું.. નાની વહુએ દરખાસ્ત મુકી.. ” અમને એમાંથી ત્રીજો ભાગ આપવો.. અથવા હવે હું મમ્મીને લઈ જાઉં અને તમને ત્રીજો ભાગ આપશું..” વનીતાબેને તો એમ જ કહ્યું કે ” તમને બધાને ઠીક લાગે તેમ કરો..” ઘણી ચર્ચા થઈ પણ નિર્ણય આવ્યો નહીં.. બધા સુઈ ગયા..

સવારે વનીતાબેન ગંગામા પાસે ગયા.. ગંગાડોશી કડેધડે શરીર.. ને સાચાબોલો જીવ.. ગમે તેને મોઢે પરખાવી દે.. વનીતાબેને વિગતવાર વાત કરી , સલાહ માંગી..

ગંગામાએ કહ્યું.. ” ના .. એવું ના કરવા દેતી.. પેન્સન તો તારી કમાણી કહેવાય.. અત્યારે તારું શરીર ચાલે છે.. પછી સાવ ઘડપણમાં તારી પાસે પૈસા હશે તો બધા સાંચવશે.. પેન્સન તું તારી પાસે જ રાખ.. એમાંથી મહિને પાંચ હજાર , જેના ભેગી રહે તેને ખાધાખોરાકીના આપતી જા.. વારે તહેવારે વહુ છોકરાં માટે કપડાલતા લઈ દે.. મરજી પડે તેમ દાન પુન કર.. દિકરા વહુ માથે હાથ રાખીને જીવને.. પેન્સનના ભાગ દિકરા સીધા પાડી લેશે તો , તું ઓશીયાળી થઈ જઈશ..”

વનીતાબેનને આ વાત ગળે ઉતરી.. ” પણ માં , મને આ વાત મુકવાનું ફાવશે નહીં.. તમે ચાલોને..”

ડોશી આવ્યા.. ચારેયને ખખડાવી નાખ્યા.. ” એલાવ .. શરમ નથી આવતી..? મોટી નોકરીઓ કરો છો તોય માંના પેન્સનમાં જીવ નાખ્યો.. ? ભૂખે મ રેછે તમારા છોકરાં..? આ એની મરજી પડે તેની સાથે રહેશે.. ને મહિને પાંચ હજાર આપશે.. મન પડે ત્યાં દાન ધર્માદા કરશે.. એના ગયા પછી જે વધે એ તમારું..”

ડોશીની વાત સામે કોઈ પાસે દલીલ ન હતી.. ડોશી ચાલતા થયા.. મોટી વહુએ કહ્યું.. “ ગંગામા .. ચા પીતા જાવ..”

ડોશી બોલ્યા..” મારી વાત માનવી હોય તો ચા પીઉં.. નહીંતર કોઈદી નહીં પીઉં..”

– જયંતીલાલ ચૌહાણ ૨૪-૭-૨૧