નિરાધારને કરેલી મદદનું ઋણ ક્યારેકને ક્યારેય તો ચૂકવાય જ છે, વાંચો સાવ સાચી સ્ટોરી.

0
468

જિથરી નામે નાનકડું ગામ. ટી.બી.ની મોટી હોસ્પિટલ. બાજુની જગ્યામાં એક નાના ઝુંપડામાં મોટો પરિવાર વસે. એક દિ’ ગજબ થયો. વરસાદ વધ્યો, ઝુંપડાની ક્ષમતા ઘટી. તૂટી પડ્યું એ. એ કાચી છતને શું ખબર કે મારા તૂટવાથી દસ જણના પરિવારની હિંમત, આધાર બધું ભેગું જ તૂટી જશે!

આશરો ક્યાં લેવો? કોણ આપે? હોસ્પિટલમાં એક ક્વાર્ટર ખાલી પડ્યું’તું. કામચલાઉ આશરો મળ્યો. દસે જણા આવી ગયા ત્યાં. આજે ભૂખ્યા રહેવાનું છે એવું તો સહજ સ્વીકારાઈ ગયું હતું મનમાં.

ગરીબી તમને નાના-નાના દુઃખોનો વિરોધ કે અણગમો નથી કરવા દેતી.

દસે જણ શાંત ચહેરે ને ઉદાસ આંખે બેઠા હતા. આજના ભોજન કરતા આવતીકાલની ઝૂંપડીની ચિંતા વધુ હતી. ત્યાં જ હોસ્પિટલનાં રસોઈયાની સ્ત્રી આવી. પોતાનું નાનકડું બાળક કલાક રમાડવા માટે મૂકી ગઈ.

કલાક-દોઢ કલાક વીત્યો, ત્યાં પાછી એ જ સ્ત્રી દરવાજે પ્રગટી. મોટો તાસ ભરીને ભાખરી, તપેલી ભરીને શાક એ સ્ત્રી અને એની દીકરી લાવેલા. કશી સૂચના વગર, ભાવથી જમાડ્યો આ બહોળા પરિવારને.

વર્ષો પછી એ પરિવારના એક દીકરાએ લખેલું છે આજે હું ડૉક્ટર છું અને તે સ્ત્રીની દીકરીની દીકરીને મારી દવા ચાલે છે. હું એક પૈસો લેતો નથી, પણ મારી દવાની કિંમત સામે એની બાએ તે રાતે આપેલી ભાખરી બહુ મોંઘી હતી.

એ ડોક્ટર આજે બહુ પ્રસિદ્ધ છે. નામે આઈ.કે. વીજળીવાળા-ભાવનગર.

આ તો થઈ ડૉક્ટર સાહેબની વાત, પણ શું તમારાથી કોઈકનું સચવાશે?

તમારી આવતી પેઢીને એમની આવતી પેઢી સાચવે એવું પણ બને!

(ફોટા પ્રતીકાત્મક છે.)