“મારી વહુ એ જ મારી બહેનપણી છે” – વાંચો ઘરને સ્વર્ગ બનાવતી સમજણની સ્ટોરી.

0
2594

મારી વહુ મારી બહેનપણી :

જુહીએ ઓફિસમાંથી આવીને હજી તો ઘરની અંદર સરખો પગ પણ નથી મૂક્યો ને કહેવા લાગી, મમ્મી જલ્દી મારી સાથે ચાલો.

ક્યાં જવું છે જુહી? મને કંઈક જણાવ તો ખરા… પણ તેણીએ સાંભળ્યું નહીં અને ઉતાવળ કરવા લાગી.

ઠીક છે, આવું છું… એમ કહીને મેં પર્સ ઉપાડ્યું અને ઘરને તાળું લગાવીને જુહી સાથે બહાર ગઈ. સાંજના છ વાગી ગયા હતા, અમે બંને ઘરથી થોડે દૂર બજારમાં ગયા જ્યાં પાણી પુરીની લારી ઉભી હતી.

ત્યાં પહોંચતા જ જૂહીએ કહ્યું – ભાઈ, બે પ્લેટ આપો. ખાતા ખાતા તે કહેવા લાગી, મમ્મી હું રોજ ઓફિસેથી આવતી વખતે આ લારી પર બધાને પાણીપુરી ખાતા જોઉં છું. મને ઘણા દિવસથી ખાવાની ઈચ્છા થતી હતી પણ એકલા એકલા ખાવા મન માનતું ન હતું એટલે આજે તમને લેતી આવી. માફ કરજો.

વાંધો નહિ, મને પણ ઘણા સમય પછી પાણીપુરી ખાઈને સારું લાગ્યું. આ સાંભળી જુહી ખૂબ ખુશ થઈ ગઈ.

પાણીપુરી ખાઈને વાતો કરતા કરતા અમે બંને ઘરે પહોંચ્યા. આ મારી વહુ હતી.

લગ્ન કરીને અમારા ઘરે આવ્યાને તેણીને દસ વર્ષ થઈ ગયા છે. અમે બંનેએ એટલો સારો તાલમેલ બનાવ્યો છે કે કોઈ પ્રકારની તકરાર વિના સરળતાથી આગળ વધી રહ્યા છીએ, જેથી ઘરની શાંતિને ખલેલ ન પહોંચે. જ્યારે પણ અમને સમય મળે ત્યારે હું અને જુહી સાથે બેસીને ટીવી જોઈએ છીએ. અમને આ રીતે જોઈને વિકાસ હસતા હસતા કહે છે કે, આ શું વાત થઈ? સાસુ અને વહુએ ઝગડો કરીને મોં ફુલાવીને અલગ અલગ રૂમમાં બેસવું જોઈએ અને તમે ક્યારેય એવું કરતા જ નથી. ત્યારે જુહી કહેતી – પપ્પા, અમારા સંબંધો એજ છે પણ વિચાર નવા છે.

અમને બંનેને જ્યારે પણ મોકો મળે ત્યારે અમે શોપિંગ માટે બહાર જઈએ છીએ. એકવાર એવું બન્યું કે જુહી પૈસા આપવા કાઉન્ટર પર ગઈ હતી અને હું ખુરશી પર બેસીને તેની રાહ જોઈ રહી હતી. ત્યાં ઉભેલી એક વ્યક્તિએ મને પૂછ્યું – માજી, શું તે તમારી દીકરી છે? મેં કહ્યું ના તે મારી વહુ છે. એ પછી પાછળથી અવાજ આવ્યો, મમ્મી, જુઓ ને આ બંને સાસુ વહુ છે પણ કેટલી ખુશ છે. તમે પણ મારા લગ્ન આવા જ ઘરમાં કરાવજો જ્યાં મારી બહેનપણી બનીને મારી સાથે રહે. હું હસવા લાગી અને અને પેલી છોકરીને આશીર્વાદ આપતા તથાસ્તુ કહ્યું.

જુહી આવી ગઈ એટલે અમે બંને ત્યાંથી નીકળી ગયા. પણ મને લાગ્યું કે જાણે કેટલીક આંખો હજુ પણ અમારી પાછળ આવી રહી છે. હું વિચારવા લાગી કે છોકરીઓ ઘણી બધી ઈચ્છાઓ સાથે સાસરે આવે છે અને આપણે આપણા કડવા વર્તનથી તેમના સપના ચકનાચૂર કરી દઈએ છીએ. પછી તેને એકઠા કરવામાં તેમનું આખું જીવન ટૂંકું પડી જાય છે. પછી એજ કડવાશ તે પોતાની વહુઓને આપે છે.

આ ચક્રની જેમ ચાલતું રહે છે. કોઈએ એ કડવાશ દૂર કરવી જોઈએ જેથી આવનારી પેઢી સુખેથી જીવે અને બીજાને જીવવા દે. આમ વિચારતા વિચારતા ક્યારે ઘરે આવી ગયું ખબર પણ ના પડી.

ઘણી વખત લોકોએ જુહીને અલગ ઘર લઈને અમારાથી દૂર જવા માટે ઉશ્કેરવાના પ્રયાસ પણ કર્યા હતા. પરંતુ જૂહીએ તેમની અવગણના કરી દીધી હતી. એકવાર તો હદ જ થઈ ગઈ હતી. વિકાસના મામાની વહુ અને દીકરો બંને તેને મળવા આવ્યા હતા. તે વહુએ તો અમારી સામે જ જુહીને પોતાના માટે જગ્યા રાખવા અને આરામથી એકલા રહેવાની સલાહ આપી હતી.

તેમના ગયા પછી વિકાસે હસતા હસતા કહ્યું – હા, તો જુહી દીકરા, તમારા માટે એક સારું એવું એપાર્ટમેન્ટ જોઈ લઈએ. એટલે જુહી તરત જ બોલી – પપ્પા, આવા લોકોની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવી જોઈએ.

આ તેના સંસ્કાર છે. તે એ જ શીખી છે કે ઘર દિવાલોથી નહીં પણ પરિવારના સભ્યોથી બને છે. પુત્રવધૂને પણ દરેકને સાથે જોડી રાખી, અને બધાને સાથે લઈ ચાલવાની તક મળવી જોઈએ. દીકરા અને વહુને પણ વચ્ચે વચ્ચે એકલા છોડી દેવા જોઈએ અથવા તેમને તેમનો સમય પસાર કરવાની તક આપવી જોઈએ.

દરેક સમયે તેમની આગળ પાછળ ફરવું ન જોઈએ. તેમના કામમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. જુહી અને હિમાંશુને આ તક સરળતાથી મળી જતી હતી કારણ કે હું શાળામાં કામ કરતી એટલે સવારે 7.30 વાગ્યે ઘરેથી નીકળી જતી. વિકાસ પણ ઘણી વખત ટૂર પર રહેતા હતા.

મારા લગ્ન સમયે મારી સાસુનું વર્તન જોઈને મેં નક્કી કરી લીધું હતું કે, હું મારી વહુ માટે સાસુ નહિ પણ બહેનપણી બનીશ. પછી જ્યારે મારી વહુ આવી તો તે વચન નિભાવવાનો સમય આવ્યો, અને હું મારું વચન નિભાવી રહી છું અને આજુબાજુના લોકો માટે ઉદાહરણ બની રહી છું.

મિત્રો, જ્યાં ઈચ્છા હોય ત્યાં જ રસ્તો હોય છે. અજાણ્યા યુવકનો હાથ પકડીને માતા-પિતા અને પરિવારને છોડીને આવતી યુવતીને દીકરીનો પ્રેમ આપો. તેના માટે ઘરનું વાતાવરણ એવું બનાવો કે તેને ક્યારેય પિયરની યાદ ન આવે, પછી જુઓ તમને તમારું ઘર સ્વર્ગ જેવું દેખાશે. અશક્ય કશું જ નથી, શક્ય બનાવવું આપણા હાથમાં છે.

અસ્તુ.