“ન જાણ્યું જાનકી નાથે” : સુવિધા, ધન, વૈભવ બધું અહીં જ રહી જવાનું છે, વાંચો સત્ય જણાવતી લઘુકથા.

0
831

ચંદુ શહેરમાંથી ગામમાં આવ્યો ત્યારે એના ખાસ મિત્ર મહેશને મળવા ગયો.

એ ઘણા સમયે વતનમાં આવ્યો હતો. અહીં ઘણું બધું બદલાઈ ગયું હતું.

મહેશ એને પોતાનું નવું ઘર બતાવવા લઈ ગયો.

ત્રણ માળનું મકાન જોઈને ચંદુ ભાવવિભોર બની ગયો.

મહેશે કહ્યું : “કાલની ક્યાં કોઈને ખબર પડે છે? આ જોને ! છેલ્લાં ત્રણ વર્ષમાં હું અઢળક કમાયો તે આ ગામમાં આલીશાન મકાન બનાવી શક્યો છું. આ વચ્ચેના માળનો રૂમ આખો બાપુજી માટે બનાવ્યો છે. એમણે અમારા માટે શું નથી કર્યું? એમાંય બાના ગુજરી ગયા પછી તો એ સાવ એકલા પડી ગયા છે. હવે એમને કોઈ તકલીફ ન પડે એ જોવાની અમારી ફરજ છે.”

મહેશે એ રૂમમાં સોફા, કલર ટી.વી., ફ્રિજ, એ.સી. બધું જ વસાવ્યું હતું. પંચોતેર વર્ષે પરસોત્તમભાઈના જીવને હાશ થાય એવી સગવડો જોઈ ચંદુને મહેશ પર માન થયું.

વળી એણે કહ્યું : “આ બધું એમના જ આશીર્વાદનું પરિણામ છે, ચંદુ ! થોડાં પુસ્તકો પણ રાખ્યાં છે. બે છાપાં પણ એમના માટે ખાસ મંગાવીશું. એમના ભાઈબંધો બધા ભેગા મળીને એયને ભલે જૂની વાતો કરે અને શાંતિથી સમય વીતાવે ! બીજું જોઈએ પણ શું, આપણે ?”

મહેશના ચહેરા પર વ્યાપી રહેલા આનંદને જોઈ ચંદુએ પૂછ્યું : “આ નવા ઘરમાં ક્યારે રહેવા આવવાનું છે?”

“બસ, આવતા મહિનાની સુદ આઠમે. તારે અને ભાભીએ આ પ્રસંગે ખાસ આવવાનું છે. કોઈ બહાનું નહીં ચાલે, સમજ્યો?”

ચંદુ શહેરમાં આવ્યો. થોડા દિવસો પછી મહેશનો મેસેજ મળ્યો.

એ વાંચી સફેદ કપડાં પહેરીને ગળામાં ખેસ નાખી ઘરની બહાર નીકળતા ચંદુને એની પત્ની જોઈ રહી.

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગુપ)