નડતર :
લેખક – માણેકલાલ પટેલ
લગભગ તો મફાભૈનાયે દાદા પણ કહેતા કે “આ આજની વાત નથી.” તો પછી આજનાં છોકરાંઓને તો ખબર જ ક્યાંથી હોય?
મફાભૈનો પાછલો વસ્તાર પણ માનસિક રીતે હેરાન થતો હતો. વાત એવી હતી કે એ બધાંને વહેમ હતો કે કોઈ પૂર્વજ થયા છે અને એ આખા પરિવારને પરેશાન કરે છે. ઘણું કર્યું – મંત્ર, તંત્ર, ભૂવા- ભોપાળા- પણ, પરિસ્થિતિમાં કોઈ ફર્ક ન પડ્યો. છેવટે એ પૂર્વજને બેસાડવાનું નક્કી કર્યું. બેસાડ્યા.
એક દિવસ એમના સગા રામજી ભગત એમના ઘરે આવેલા.એ દિવસે મફાભૈ અને બીજો પુરુષ વર્ગ ઘરે નહોતો. ભગતને આવેલા જોઈ મફાભૈની વહુ પુરી ડોશી અને એમની બેય વહુઓએ ભગતને આવકાર આપી ઓશરીમાં ખાટલો ઢાળી બેસાડ્યા. પુરીડોશી પાણીનો લોટો આપી ગયાં. એ પછી મોટી વહુ ચા આપી ગઈ. થોડીવારે નાની વહુ આવીને લોટો અને ખાલી કપ-રકાબી લઈ ગઈ.
આ વખતે ભગત વિચારતા હતા : ” ઘરમાં કોઈ પુરુષ તો છે નહિ તો આ સાસુ અને બન્ને વહુઓ ઘરમાં જાય છે ત્યારે લાજ કોની કાઢે છે?” એમણે પુરી ડોશીને આ બાબતે પૂછ્યું ત્યારે એમણે જે જવાબ આપ્યો એ સાંભળી એ મનોમન હસવા લાગ્યા પણ કંઈ બોલ્યા નહિ.
સાંજે મફાભૈ અને એમના બન્ને દીકરાઓ આવ્યા પછી બધાં વાળુપાણી પતાવી વાતે ચઢ્યા ત્યારે ભગતે કહ્યું : ” આમ તો હું આવું કોઈનું કામ કરતો નથી. પણ, તમે સગા છો એટલે જો તમે બધાં કહેતાં હો તો હું તમારા બેસાડેલા પૂર્વજને મોક્ષ અપાવી શકું છું.”
“તો તો તમારા જેવા કોઈ ભગવાને નહીં! ” પુરી ડોશીની આંખોમાં ચમક આવી ગઈ.
પંદરેક દિવસ પછી ભગત પાછા આવ્યા ત્યારે એમણે જોયું કે મફાભૈનો આખો પરિવાર ખીલખીલાટ હતો.
સાંજના એ પાછા વળ્યા ત્યારે ગામની બહાર આવેલા તળાવમાં એમણે પંદરેક દિવસ પહેલાં મફાભૈના ઘરેથી નાળિયેરમાં બેસાડેલા પૂર્વજને લાવી પધરાવી દીધેલા એ યાદ કરીને મનમાં મુશ્કરાયા : ” મેં ક્યાં કંઈ કર્યું જ છે? જેમ કાંટાથી કાંટો નીકળે એમ…….”
લેખક – માણેકલાલ પટેલ.