“નખરાં” – આ નાનકડી રમુજી સ્ટોરી તમને તમારું બાળપણ યાદ કરાવી દેશે.

0
795

– માણેકલાલ પટેલ.

સોમાભાઈ માલાજારના મેળેથી નવો બળદ લાવેલા. એક હતો અને આ બીજો લાવ્યા એટલે સાંતી માટે સરસ જોડ થઈ ગઈ.

સોમાભાઈ વહેલા પાંચ વાગે તો સાંતીડું લઈ ખેતરે પહોંચી જતા. ગામ આખામાં એમની ખેતી વખણાતી. બળદોની એ ચાકરી પણ સારી કરતા.

પણ, થોડા સમય પછી એમનો નવો બળદ વખા પાડવા માંડ્યો. સાંતીએ જોડ્યો હોય ત્યારે એ પાછળ જ રહે. ગાડે જોતરે તોયે એ એવું જ કરે.

આમ થતાં પેલા જૂના બળદના ગળામાં જોતર ખેંચાય એટલે સોમાભાઈ નવા બળદને ઉતાવળે હાંકવા ડચકારા કરે, પૂંછ મરડે અને ક્યારેક પરોણાનો ઉપયોગ પણ કરે.

એ બળદ પણ સમજી ગયેલો તે ધીરે ધીરે રીઢો થતો જતો હતો. હવે તો એ ગળા પરથી ધૂંસરી જ નાખી દેવા માંડ્યો.

ચાર, પૂળા અને ખાણ તો એ પેલા જૂના બળદ કરતાંય વધુ ખાતો હતો. પણ, હવે એને કામચોરીની કુટેવ પડતી જતી હતી.

એક દિવસ એણે કંટાળીને એ બળદને વેચી દેવાનું નક્કી કર્યું ત્યારે એનાં બાએ કહ્યું : ” ભૈ ! બળદ ના વેચાય ! ભણવું નો’તું એટલે બોર્ડિંગમાં તુંયે ઓછાં નખરાં નો’તો કરતો?”

સોમાભાઈ એનાં વૃદ્ધ બા સામે જોઈ રહ્યા.

– માણેકલાલ પટેલ.