નળ દમયંતી ભાગ 2 : દમયંતી સાથે લગ્ન કરવા દેવતાઓ નળનું રુપ લઈને હજાર થયા, જાણો પછી શું થયું?

0
1862

ભાગ 1 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, નળરાજા અને રાજકુમારી દમયંતી એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. પણ દેવતાઓના આદેશને કારણે નળરાજા, રાજકુમારી દમયંતીને દેવતા સાથે લગ્ન કરવા કહે છે. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

નળરાજા અને રાજકુમારી દમયંતીનો વાર્તાલાપ આગળ ચાલી રહ્યો.

રાજા બોલ્યા- “હે કું વરી, હું મારો સ્વાર્થ ત્યારે જ સાધી શકું કે જ્યારે તે ધર્મની વિરુદ્ધ ના હોય.”

રાજાનું ધર્મપલન અને સત્યપ્રિયતા જોઈને દમયંતી ગદગદ થઈ ઉઠી.

‘હે નરેશ્વર, તો હવે એક જ નિર્દોષ ઉપાય છે જે અનુસાર કાર્ય સાધવાથી કોઈ દોષ લાગવાની શકયતા નથી. આપ લોકપાળોની સાથે જ સ્વયંવર-મંડપમાં પધારજો. હું એ સર્વે દેવતાઓની સમક્ષ જ તમને વરમાળા પહેરાવી તમારું વરણ કરીશ, પછી તો તમને કોઈ દોષ નહીં જ લાગે ને..!”

પછી રાજા નળ દેવતાઓ પાસે ગયા. દેવોએ સર્વકઈં પૂછ્યું ત્યારે એ બોલ્યા- “આપ લોકોના આદેશ પર હું દમયંતીના મહેલમાં ગયો હતો. વૃદ્ધ દ્વારપાળો બહાર પહેરો આપી રહ્યા હતા, પરંતુ તેઓએ મને તમારા પ્રભાવ હેઠળ જોયો નહીં. માત્ર દમયંતી અને તેની સખીઓએ મને જોયો. તે બધી આશ્ચર્યચકિત થઈ ગઈ. દમયંતી સમક્ષ મેં આપ સર્વેનું વર્ણન કર્યું, પણ તે તમને પસંદ કરવાને બદલે મારુ જ વરણ કરવાની જીદ લઈને બેઠી છે.

તેમણે કહ્યું છે કે ‘બધા દેવોની સમક્ષ જ સ્વયંવરમાં એ મને વરમાળા આરોપી મારુ વરણ કરશે કે જેથી ધર્મવિધાનમાં વર્ણવેલ વિશ્વાસઘાટનો કોઈ દોષ મને ન લાગે. મેં તમારી સમક્ષ સર્વે વાસ્તવિકતા વર્ણવી આપી છે હવે અંતિમ નિર્ણય આપ લેશો.”

ત્યારે દેવતા કરે વિચાર, ફરી જાતાં હશે સંસાર.

આપણો શ્રમ કેમ જાએ વૃથા, તે માટે વરવી સર્વથા;

જો કન્યાને ગમ્યો નળ ભૂપ, તો આપણ પણ લીજે નળનાં રૂપ.

દેવ કહે- ‘સુણો નૈષધરાય, અમો ધરું તમારી કાય;

પંચ નળ રહિયે એક હાર, ભાગ્ય હોય તેને વરશે નાર.’

નળ કહે- ‘રે કાં નહીં સ્વામ, મેં આવવું તમારે કામ;

માનવ ક્યાંથી સુરની સંગત, દેવ ચારની પામું પંગત.’

બોલ બંધા કીધો નળ દેવ, કાલે એમ કરવું અવશ્યમેવ;

તો, બીજી તરફ ભીમરાજાના મહેલમાં….

ગઈ દમયંતી જ્યાં છે માત, તવ સ્વયંવરની કીધી વાત;

લાડ વચન કન્યાના ગમે, ઘરમાં ભીમક આવ્યા તે સમે.

પુત્રી શીર મૂક્યો ભુજ, કાલે વરને વરજે તું જ;

ઝંખના તુંને છે જે તણી, તે આવ્યો છે નૈષધધણી.

પુત્રી મનમાં પ્રસંન થઇ, પોતાને અંતઃપુર ગઇ.

બીજે દિવસે વિદર્ભરાજા ભીમે શુભ મુહૂર્તમાં સ્વયંવર રાખ્યો અને લોકોને બોલાવવા મોકલ્યા. બધા રાજાઓ પોતપોતાના નિવાસ-સ્થળેથી આવ્યા અને સ્વયંવર મંડપમાં યથાસ્થાને બેસી ગયા. આખી સભા રાજાઓથી ભરાઈ ગઈ.

જ્યારે તમામ તેમની બેઠકો પર બેઠા, કે પોતાની અંગકાંતિથી સર્વેના નયન અને મનને આકર્ષિત કરતી રાજકુંવરી દમયંતી રંગમંડપમાં આવી. જેમજેમ એકેક રાજાઓના પરિચય સભાને દેવાવા લાગ્યા, તેમતેમ દમયંતી એક પછી એકને જોઈજોઈને આગળ વધવા લાગી. પછી આગળ એક જગ્યા પર જઈને એ અટકી ગઈ. ત્યાં નળરાજા જેવા જ આબેહૂબ દેખાતા, એકસમાન વેશભૂષામાં પાંચ રાજાઓ એકસાથે બેઠા હતા.

મન ઇચ્છા નૈષધરાય તણી, કન્યા ગઇ પંચ નળ ભણી;

જુએ તો ઉભા નળ પંચ, કન્યા કહે આ ખોટો સંચ.

હંસનું કહ્યું અવૃથા ગયું, નળ નાથનું વરવું રહ્યું;

એક નળ સાંભળીઓ ધરા, આ કપટી કો આવ્યા ખરા.

પાંચે નળ ચેષ્ટાને કરે, લેવા માળ કંઠ આગળ ધરે;

ત્યારે દમયંતી થઈ ગાભરી, દઈઠું વિપરીત ને પાછી ફરી.

આવી જાહાં પિતા ભીમક, ‘અરે તાત, જુઓ કૌતક;

હું એક નળને આરોપું હાર, દેખી પંચને પડ્યો વિચાર.’

ભીમક કહે, ‘આશ્ચર્ય જા હોય, તું વિણ પંચ ના દેખે કોય;

શકે દેવતા તાંહાં નિરધાર, થઇ આવ્યા નળને આકાર.

વાત સાંભળી ભીમકતણી, કન્યા પુનઃ આવી પંચ નળ ભણી

પાંચ નળને જોઈને દમયંતીના મનમાં સંદેહ ઉત્પન્ન થયો, તે રાજા નળને ઓળખી જ શકતી નહોતી. તેણી જેની તરફ જોતી, તેને એ જ નળરાજા લાગતો.
હવે તે વિમાસણમાં પડી ગઈ કે ‘હું દેવોને કેવી રીતે ઓળખું અને આ જ રાજાનળ છે એમ હું કેવી રીતે જાણી શકું?’

તે ખૂબ જ વ્યથિત થઈ ગઈ. અંતે દમયંતીએ નક્કી કર્યું કે આવી દુવિધામાં દેવોનું શરણ લેવું યોગ્ય છે. એટલે હાથ જોડીને તેણીએ તેમના વખાણ કરવાનું શરૂ કર્યું-

‘હે દેવતાઓ..! હંસના મુખેથી રાજાનળનું વર્ણન સાંભળીને મેં તેમને જ પતિ તરીકે પસંદ કર્યા છે. હું મારા મન અને વાણીથી નળ સિવાય બીજા કોઈને પતિરૂપે નથી ચાહતી. ઈશ્વરે નિષધપતિ નળને મારા પતિ બનાવ્યા છે અને મેં આ વ્રત માત્ર નળની આરાધના માટે જ શરૂ કર્યું છે. મારી આ સત્ય-શપથના બળ પર, હે દેવતાઓ..! મને તેમના જ દર્શન અપાવો. ઓ લોકપાળો, એ માટે તમે સર્વે તમારું મૂળ સ્વરૂપ પ્રગટ કરો, જેથી હું પુણ્યશ્લોક નરપતિ નળને ઓળખી શકું.’

દેવતાઓએ દમયંતીનો આ આર્ત-વિલાપ સાંભળ્યો. તેનો દ્રઢ નિશ્ચય, સાચો પ્રેમ, આત્મશુદ્ધિ, બુદ્ધિ, નિષ્ઠા અને નળ-પરાયણતા જોઈને તેઓએ તેને એવી શક્તિ આપી, કે જેથી તે દેવતા અને માણસ વચ્ચેનો તફાવત સમજી શકે.

તુરંત જ દમયંતીએ જોયું કે દેવોના શરીર પર પ્રશ્વેદ નથી વળતો. તેથી તેમના ગળામાં પડેલી પુષ્પમાળા કરમાઈ નથી તેમ જ કાયા પર બિલ્કુલ મેલ નથી. તેમની પાંપણો ઝપકતી નથી તેઓ સિંહાસન પર બિરાજમાન છે પરંતુ તેમના પગ પૃથ્વીને સ્પર્શતા નથી અને તેમની છાયા પણ ધરતી પર પડતી નથી.

જ્યારે રાજાનળના શરીરનો પડછાયો બની રહ્યો છે. તેની પુષ્પમાળા થોડી સુકાઈ ગઈ છે. અંગ પર પ્રશ્વેદ-બિંદુઓ છે જેને કારણે ત્યાં થોડા મેલ અને ધૂળ બાઝી રહ્યા છે. તેનાં પોપચા એક સમાનરૂપે ફરકી રહ્યા છે અને તેનાં પગ પૃથ્વીને સ્પર્શ કરીને ત્યાં જ સ્થિત છે.

દમયંતીએ આ લક્ષણો દ્વારા દેવતાઓ અને પુણ્યશ્લોક નળને ઓળખ્યા. પછી ધર્મ અનુસાર, નળની પસંદગી કરવામાં આવી. દમયંતીએ તુરંત જ પછી નારીસહજ સંકોચવશ થઈને ઘૂંઘટ તાણી લીધો અને નળના ગળામાં વરમાળા પહેરાવી મૂકી.

દેવો અને મહર્ષિઓ ‘સાધુ – સાધુ’ પોકારી ઉઠ્યા; રાજાઓમાં આક્રોશ વ્યાપી ગયો. પરંતુ રાજા નળે દમયંતીને આનંદાતિરેક સાથે વધાવી લીધી. તેણે કહ્યું-

‘કલ્યાણી..! દેવોની ઉપસ્થિતિમાં પણ તમે તેમનું વરણ ન કરીને મારુ વરણ કર્યું છે, તેથી તમે હવે મને પ્રેમ-પરાયણ પતિ માનજો. હું તમને જ જોઈ-સાંભળીશ. જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તમને પ્રેમ કરીશ ને આ હું તમને શપથપૂર્વક સત્ય જ કહું છું.’

બંનેએ એકબીજાને પ્રેમથી નમસ્કાર કર્યા પછી બેઉએ ઇન્દ્ર આદિ દેવોનું શરણ લીધું. દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થયા. તેમણે નળને આઠ વરદાન આપ્યા.

ઇન્દ્રએ કહ્યું – ‘નળ! તમને યજ્ઞમાં મારા દર્શન થતા રહેશે અને તમને શ્રેષ્ઠ ગતિ મળશે.’

અગ્નિદેવે કહ્યું – ‘જ્યાં તમે મને સ્મરણ કરશો, ત્યાં હું પ્રગટ થઈશ અને તમને મારા જેવું પ્રકાશમય લોક મળશે.’

યમરાજે કહ્યું – ‘તમારા દ્વારા તૈયાર કરાયેલી રસોઈ ખૂબ જ સ્વાદીષ્ટ હશે અને તમે તમારા ધર્મમાં સદાય દ્રઢ રહેશો.’

વરુણે કહ્યું – ‘જ્યાં તમે ઇચ્છો ત્યાં જળ પ્રગટ થશે. અને તમારી માળા સદૈવ ઉત્તમ સુગંધથી પરિપૂર્ણ રહેશે.’

આ રીતે બધા દેવો બે વરદાન આપ્યા પછી પોતપોતાના લોકમાં પ્રસ્થાન કરી ગયા. આમંત્રિત રાજાઓ પણ ચાલ્યા ગયા. રાજા ભીમે પ્રસન્નતાપૂર્વક નળ સાથે દમયંતીના વિધિવત લગ્ન કરાવ્યા.

રાજા નળ થોડા દિવસો માટે વિદર્ભ દેશની રાજધાની કુંડલપુરમાં રહ્યા, પછી રાજાભીમની અનુમતિ મેળવી પત્ની દમયંતી સાથે પોતાની રાજધાની પરત ફર્યા.

રાજા નળે પોતાની રાજધાનીમાં ધર્મ અનુસાર પ્રજાનું પાલન કરવાનું શરૂ કર્યું, અને સાચે જ તેમના દ્વારા રાજા શબ્દનો અર્થ સાર્થક થયો. તેમણે અશ્વમેધ વગેરે જેવા ઘણા યજ્ઞો કર્યા. સમય જતાં દમયંતીના કુખે પુત્ર અને નામની પુત્રીનો જન્મ થયો.

મહર્ષિ બૃહદશ્વા આગળ બોલ્યા- ‘ હે યુધિષ્ઠિર..! જે સમયે ઈન્દ્ર લોકપાલ દમયંતીના સ્વયંવરમાંથી પરત ફરતા પોતાના લોકમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં કળિયુગ અને દ્વાપરને મળ્યા.

ઈન્દ્રએ પૂછ્યું- ‘હે કલિરાજા..! ક્યાં પ્રસ્થાન કરી જાવ છો?’

કલિએ કહ્યું- ‘પૃથ્વીલોક પર વિદર્ભકુંવરી દમયંતી સાથે લગ્ન હેતુસર તેનાં સ્વયંવરમાં જાઉં છું.’

ઈન્દ્ર ઉપહાસપૂર્ણ હસ્યા અને કહ્યું – ઓહ, તમે અતિ વિલંબ કર્યો. તે સ્વયંવર તો પૂર્ણ થઈ ગયો છે. કુંવરી દમયંતીએ રાજા નળનું વરણ કરી લીધું અને અમે સૌ તો બસ તાકતા જ રહ્યા.

કળિરાજાએ ક્રોધિત થઈને કહ્યું- ‘ઓહ, આ તો એક મોટો અનર્થ કર્યો. તેણે દેવોની અવગણના કરી એક મનુષ્યને અપનાવ્યો, તેનો તેને દંડ થવો જ જોઈએ.’

ત્યારે સર્વ દેવોએ કહ્યું – ‘વાસ્તવમાં એવું નથી. અમારી અનુમતિ મળ્યા બાદ જ દમયંતીએ નળનું વરણ કર્યું છે. આ નળરાજા સર્વગુણ સંપન્ન અને પૂર્ણપણે તેને લાયક છે. તે તમામ ધર્મોના મર્મજ્ઞ અને સદાચારી પુરુષ છે. તેમણે ઇતિહાસ-પુરાણો સાથે તમામ વેદોનો અભ્યાસ કર્યો છે. તેઓ ધર્મઅનુસાર યજ્ઞ રચી તેમાં દેવતાઓને સંતુષ્ટ કરે છે, ક્યારેય કોઈને હેરાન કરતા નથી, તેમ જ સત્યવાદી અને દ્રઢનિશ્ચયી છે. તેમની ચતુરાઈ, ધીરજ, જ્ઞાન, તપ, પવિત્રતા, દમ અને શમ લોકપાલો સમાન જ છે. માટે તેને શાપ આપવો એ નરકની હળહળતી અગ્નિમાં પડવું સમાન છે.”

આટલું કહીને દેવતાઓ ચાલ્યા ગયા.

તેમના ગયા બાદ, કલિએ દ્વાપરને કહ્યું – ‘બંધુ..! હું મારો રોષ રોકી શકતો નથી, તેથી હું નળના શરીરમાં નિવાસ કરીશ. પછી હું તેને રાજ્યચ્યુત કરી નાખીશ એટલે દમયંતી સાથે તે રહી શકશે નહીં. માટે મારી એક વિનંતી છે કે તમે પણ દ્યુતના પાસામાં પ્રવેશ કરીને મારી સહાયતા કરો.’

દ્વાપરે તેમની વાત સ્વીકારી. પછી, દ્વાપર અને કલિ બંને નળની રાજધાનીમાં જઈને સ્થાયી થયા. બાર વર્ષ સુધી બન્ને એ જ પ્રતીક્ષામાં રહ્યા કે નળરાજામાં કોઈ દોષ જોવા મળે, આખરે એક દિવસ તેમની એ પ્રતિક્ષાનો અંત આવ્યો, અને નળરાજાનું ભાગ્ય-પતન પ્રારંભ થયું.

(ક્રમશ:)

વધુ આગળના ભાગમાં.

ભાગ 1 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)