ભાગ 1 થી 3 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
આગળના ભાગમાં આપણે જાણ્યું કે, કઈ રીતે કલીએ નળ રાજાનું સર્વસ્વ છીનવીને તેમને વનમાં ભટકતા કરી દીધા. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.
નિષધદેશના રાજા નળ અને તેમની પત્ની દમયંતી પર દ્યુ તક્રીડા થકી આવી પડેલ વિપદાની પાંડવોને વાત કરતાં કરતાં ઋષિ બૃહદશ્વા અધવચ્ચે જ અટકી ગયા અને પછી થોડો વિશ્રામ લઈને બોલ્યા-
“તો હે યુધિષ્ઠિર, એ દુઃખી દંપતી જ્યારે ધર્મશાળામાં આવ્યું ત્યારે રાજાનળના શરીર પર વસ્ત્રો નહોતા એટલું જ નહીં, ભોંય પર બિછાવવા માટે સાદડી પણ નહોતી. શરીર ધૂળથી લથપથ હતું. વળી, ભૂખ અને તરસની પીડા તો એ ઉપરાંત હતી.
રાજાનળ કષ્ટપુર્વક ભોંય પર સૂઈ ગયા. તો દમયંતીના જીવનમાં પણ આવી વિકટ પરિસ્થિતિ ક્યારેય આવી નહોતી. કિન્તુ એ સુકુમારી પણ ત્યાં જ સૂઈ ગઈ.
પણ જ્યારે દમયંતી નિંદ્રાધીન થઈ ગઈ, ત્યારે નળરાજાની ઊંઘ ઊડી ગઈ. સત્ય તો એ હતું, કે દુઃખ અને શોકની વિપુલતાને કારણે તેઓ શાંતિની નિંદ્રા પણ નહોતા લઈ શકતા.
આંખો ખુલતા જ રાજ્ય છીનવાઈ જવાના, સ્વજનો છૂટા પડવાના, અને કપડાં સાથે ઉડતા પક્ષીઓના આદિ એક પછી એક દ્રશ્યો નજર સમક્ષ આવવા લાગ્યા.
તેઓ વિચારવા લાગ્યા કે- ‘દમયંતીને મારા માટે ખૂબ પ્રેમ છે. એ જ પ્રેમના કારણે એ ખૂબ જ કષ્ટો સહન કરી રહી છે. તો શક્ય છે કે જો હું તેને ત્યાગી દઉં તો એકલી પડી ગયા બાદ તે તેના પિતાના ઘરે ચાલી જાય. મારી સંગે તો તે માત્ર દુ:ખ જ દુઃખ સહન કરતી રહેશે પણ જો હું તેને ત્યાગીને જતો રહું તો કદાચિત તેને થોડુંઘણું તો સુખ મળે જ.’
અંતે, રાજાનળે નક્કી કર્યું કે- ‘દમયંતીને છોડીને જવું જ વધુ શ્રેયસ્કર છે. દમયંતી તો સાચી પતિવ્રતા નારી છે. માટે તેની પવિત્રતા કોઈ જ ભંગ નહીં કરી શકે.’
આમ ત્યાગવાનો નિશ્ચય કરીને, દમયંતીના સતીત્વની તરફથી નિશ્ચિંત થાય બાદ, રાજાનળે વિચાર્યું કે ‘હું તો સાવ વસ્ત્ર-હીન છું જ્યારે દમયંતીના શરીર પર પણ ફક્ત એક જ વસ્ત્ર છે. તેમ છતાં, તે વસ્ત્રમાંથી અર્ધુ ફાડી લેવું જ વધુ ઇચ્છનીય છે.’
પરંતુ કેવી રીતે? કદાચ તે જાગી જાય તો?
વિચાર કરતાં કરતાં તેઓ ધર્મશાળામાં અહીંતહીં ફરવા લાગ્યા. ત્યાં જ સહસા તેમની નજર મ્યાન વગરની એક ઉઘાડી તર વાર પર પડી. રાજાએ તે ઉપાડી અને તેના વડે ધીરે ધીરે દમયંતીનું અડધું વસ્ત્ર ફાડી લીધું. પછી એ અડધા વસ્ત્રથી તેઓએ પોતાનું અંગ શક્ય એટલું ઢાંકી લીધું.
કટકા પટકુળના બે કરી, નળ ચાલ્યો મૂકી સુંદરી;
ગયો જ્યાં ડગલાં સાત ભરી, પ્રીત શ્યામાની સાંભરી.
નળ વિમાસણ મનમાં કરે, એકલી તો એ ફાટીમરે;
વર્યો હું દેવતા પરહરી, વળી વનમાં એ સાથે નીસરી.
ત્રૈલોક મોહન છે એ માનિની, કેમ વેદના સહેશે રાનની,
ન સારું મૂકી જાવું મને, નળ આવ્યો દમયંતી કને.
દીઠું મુખ, અંતર પર જળ્યો, વળી પાછો એ પાછો વળ્યો;
કલિ તાણે મન વાટ ભણી, પ્રેમ તાણે દમયંતી ભણી.
ચિચાર વારિનિધિમાં પડ્યો, આવાગમનને હીંડોળે ચઢ્યો;
સાત વાર ગયો આવ્યો ફરી, તજી ન જાયે સાધુ સુંદરી.
પછી બળ પ્રબળ કળિનું થયું, પ્રેમ બંધન ત્રુટીને રહયું;
સર્પ કંચુકીને તજે જેમ, મારે દમયંતી તજવી તેમ.
વૃક્ષ પત્રને જેમ પરહરે, પુનરપિ તે અંગે નવ કરે;
જેવું હોય વમનનું અન્ન, તેવી મારે એ સ્ત્રી જન.
એવું કહીને મૂકી દોટ, ઉવાટે નળ દોડ્યો સાસોટ;
ત્યાં લગે ધાયો ભૂપાળ, જ્યાં સુધી થયો ના પ્રાત:કાળ.
આમ, દમયંતી ભર ઊંઘમાં હતી જ્યારે રાજા નળ તેને છોડીને ચાલ્યા. કાયામાં કલિ-પ્રવેશને કારણે તેમની બુદ્ધિનો નાશ થયો હોવાથી અંતત: તેમણે પોતાની પ્રિય પત્નીને જંગલની ધર્મશાળામાં એકલી મૂકી ત્યાંથી બહાર નીકળી ગયા.
સમય જતાં જ્યારે દમયંતીની નિંદ્રા પુરી થઈ ત્યારે જાગીને તેણે જોયું કે નળરાજા ત્યાં નથી. આથી અમંગળ આશંકા સાથે એ વિલાપ કરવા લાગી-“મહારાજ! સ્વામી! મારા સર્વસ્વ! તમે ક્યાં છો? મને એકલા ડર લાગે છે, તમે ક્યાં ગયા? બસ, હવે વધુ ઠઠ્ઠા કરશો નહીં. મારા કઠોર સ્વામી! તમે મને કેમ ડરાવી રહ્યા છો? જલ્દી દર્શન દો. હું તમને જોઈ રહી છું. લો, જોઈ જ લીધા. તમે વેલાઓની આડમાં કેમ છુપાયા છો?
હું દુઃખમાં આટલું આક્રંદ કરું છું છતાં તમે મારી પાસે આવીને મને ધીરજ પણ કેમ નથી આપતા? સ્વામી ! મારા માટે કે અન્ય કોઈ માટે મુને શોક નથી. પણ હું માત્ર ચિંતિત છું કે તમે આ ગાઢ જંગલમાં એકલા કેવી રીતે રહેશો? હા નાથ હા..! જે વ્યક્તિએ તમારી આ સ્થિતિ કરી છે, તેણે તમારા કરતા પણ વધુ દુર્દશાવાળું જીવન નિરંતર જીવવું જોઈએ.”
અમો અબળા માણહ બીજે નવ કીજે આસ,
કેમ ધીરજ ધરું હું નારી, છઉં તમારી દાસ, હો નળરાય;
રાત્ર અંધારી તો માહરી. વલે કોણ થાશે,
તમ ચરણ કેરી આણ, પ્રાણ મુજ જાશે, હો નળરાય;
આહાં તો બોલે સાવજ, નાગ વાઘ ને વરુ,
બોલો બોલો વાહો છો ક્યમ, સમ હું તો મરું, હો નળરાય;
હાંહાંજી જાઓ છો હાડ, રાડ થશે ફાં સુ,
અગોપ રહ્યા ન આવે દયા, દેખી આંખડીએ આંસુ, હો નળરાય;
તમારાં પાલાં નવ પેખું કંથ, પંથ કેમ લહું રે,
નિશા અંધારી ભયાનક, સ્થાનક કેમ રહું રે, હો નળરાય;
નૈષધ દેશની રાણી, તાણી અતીસય રોય રે,
પ્રભુજી અંગ અવેવ મારા, તારા જોય રે, હો નળરાય;
ઘેલી સરખી ચાલે, વાહાલે વછોડી રે,
માંડ્યું વલવલવું, જોવું રોવું મૂક્યું છોડી રે, હો નળરાય;
વલવલતી વૈદર્ભી વાટે, ઉચાટે ભરી,
કારણ સ્વામી શું, મુને પરહરી, હો નળરાય;
વહાલા નવ દીજે છેહ, નેહ તો વિચારો,
કર્મે વાળ્યો આડો આંક, વાંક શો મારો, હો નળરાય;
આમ, દમયંતી દુઃખમાં ભાન ભૂલી બેઠી. પછી આકુળવ્યાકુળ થઈ એ નિરાધાર નારી અહીંતહીં અથડાતી કૂટાતી રહી ત્યારે તેને એ પણ ભાન ન રહ્યું કે પોતે એક વિશાળકાય અજગરની સાવ સમીપ પહોંચી ગઈ છે.
એટલે અજગર માટે તે સાવ સહેલો શિ કાર બની ગઈ. તેણે તુરંત જ દમયંતીના શરીર ફરતે ભરડો લીધો અને પછી એને ગળી જવાનું શરૂ કર્યું.
પરંતુ તે સમયે પણ દમયંતીને ચિંતા હતી તો ફક્ત પોતાના પતિની કે તે એકલા કેવી રીતે જીવશે. એટલે તે આક્રંદ કરવા લાગી- ‘સ્વામી! એક અનાથની ભાંતિ આ અજગર મને ગળી જઈ રહ્યો છે, આપ મારી સહાયતા માટે કેમ દોડી આવતા નથી?’
દમયંતીનું આ આક્રંદ એક શિ કારીને કાને જઈ અથડાયું. શિ કારની શોધમાં જ તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એ ત્યાં દોડતો આવ્યો અને જોયું કે કોઈ સુંદરીને એક અજગર ગળી રહ્યો છે, એટલે તેણે તેના તી ક્ષ્ણ હથિ આરથી અજગરનું મોંકા પી નાખ્યું. આમ એ વ્યાધે દમયંતીને અજગરથી સલામત છોડાવી.
પછી શાંત પાડી તેને નવડાવી અને આશ્વાસન આપી ભોજન પણ કરાવ્યું. દમયંતી થોડી સ્વસ્થ થઈ એટલે શિ કારીએ પૂછ્યું- ‘સુંદરી ! તું કોણ છો? કયા દુઃખમાં પડીને કયા ઉદ્દેશે અહીં આવી છો?’
દમયંતીએ વ્યાધને પોતાની આપવીતી કહી સંભળાવી. પરંતુ એ શિ કારી પુરુષનું ધ્યાન તો એ સર્વે સુણવામાં રહ્યું જ નહોતું, બલ્કે એ તો દમયંતીની સુંદરતા, તેની વાણી અને મધુરતા જોઈને તેના પર કામમોહિત થઈ ચુક્યો હતો.
એટલે તેણે મીઠીમીઠી વાતો કરીને દમયંતીને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો. પણ દમયંતી શીઘ્ર વ્યાધનું દૂષિત મન કળી ગઈ. તેના મલિન ઇરાદાની ગંધથી દમયંતીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. પોતાના રોષમિશ્રિત સ્વરમાં તેણે એ શિ કારીની ચેષ્ટાઓ રોકવા ચાહી; પરંતુ જ્યારે તે કોઈપણ રીતે ના અટક્યો, ત્યારે..
ક્રોધે સતીએ સાંભરયુ સત્, રોઇ સમર્યા કમળાપત્.
વિઠ્ઠલજી ચડજો વારે, હું તો રહી છું તમ આધારે;
છો વિપત સમયના શ્યામ, હે મધુસૂદન રાખો મામ.
આપ્યું પદ ધ્રુવને અવિચળ, ગ્રાહથી મૂકાવ્યો મદગળ;
રાખ્યો પ્રહલાદ વસિયા થંભ, રક્ષા કરો ધરો ન વિલંબ.
સત્ય હોય સદા નિરંતર, અસત્યથી જો હોઉં સ્વતંતર;
ન મૂક્યા હોય નળ મનથી, કુદ્રષ્ટે ન જોયું હોય અન્યથી.
આપાત્કાળ રહી હોઉં સત્યે, નળ સમરી રહી હોઉં શુભ મતે;
પંચમહાભૂત સાક્ષી ભાણ, ન ચૂકી હોઉં નળનું ધ્યાન.
તો સત્ય બળે દેઉં છૌં હું શાપ, ભસ્મ થજો વ્યાધનું આપ;
વચન નીસર્યું સતીનાં મુખથી, ને અગ્નિ લાગ્યો પગના નખથી.
આમ દમયંતીનો શ્રાપ હવામાં ગુંજતાની સાથે જ પેલો દુષ્ટ શિ કારી ભ સ્મીભૂત થઈ ગયો અને તેનું પ્રાણ-પખેરુ ઉડી ગયું.
એ વ્યાધના અચાનક મ-રૂ-ત્યુથી દમયંતી સ્તબ્ધ થઈ ગઈ. એકાએક જ જે કઈં બની ગયું એ તેનાં માનવામાં નહોતું આવતું.
સાવ જ ક્યાંકથી એક અજગર આવ્યો અને તે મ-રૂ-ત્યુના મુખમાં ધકેલાઈ ગઈ. સહાયસ્વરૂપે એક વ્યાધ ક્યાંકથી જાણે કે પ્રગટ થયો અને તેને બચાવી લેવાઈ. પણ થોડી જ ક્ષણોમાં એ સુખદ પળો ફરી કષ્ટદાયક બની, કે જ્યારે એ જ વ્યા ધના મનમાં તેનાં રૂપનુંશિ કાર કરવાની મેલી મુરાદ જન્મી.
ફરી પોતે અસહાય અવસ્થામાં મુકાઈ ને તેનાં મુખેથી અનાયાસે જ શ્રાપવચનો નીકળ્યા. એ જ ક્ષણે એ શાપને કારણે એ પાપી વ્યાધ ભ સ્મીભૂત થઈ ગયો. તો, વિધાતા તેની સાથે હતી કે તેની સામે? પરમેશ્વર રુઠયો છે કે રિઝ્યો, એ અકળ હતું.
પરંતુ તેનો પતિ વિખૂટો પડી ગયો છે એ નક્કર વાસ્તવિકતા છે, એ સમજાતા દમયંતી ફરી વિલાપ કરવા લાગી. પોતાને કારણે એક પારધીએ જીવ ખોવો પડ્યો એ પણ એને દુષ્કર લાગવા લાગ્યું.
પતિવિણ જીવન નિરર્થક ભાસવા લાગ્યું અને નિરાશાની એ પળોમાં એને જીવન-ત્યાગ કરવાનો ઉન્માદ ઉપડી આવ્યો.
પ્રાણ ત્યાગે નથી હું બીતા, શું કરું સ્વામી પાખે જીવતા;
કેશનો પાંગરો ગુંથી ગ્રંથે, લઇ ભરાવ્યો ફાંસો કંઠે.
“હો વિષ્ણુ એટલું માગતી અમ્રું, નળની દાસી થઈ અવતરું;”
કલિને ખેલ બગડતો લાગ્યો. નારી જીવતી રાખવા ભાગ્યો
હવે કલજુગે ધાર્યું મંન, વિચાર્યું કૌતક હું કરું ઉત્પન્ન.
મ રણથી ઉગારી લીધી, એવી માયા કળિએ કીધી;
દીઠી તેણે તપસ્વી આશ્રમ વાડી, તો ગઈ દમયંતી ફાંસો કહાડી.
કલિ બેઠો ત્યાં વેશ ધરી, જાણે સાધુ કોય જટાધરી
ન ગ્ન દિગંબર છે મહંત, થઈ પાસે હરખ્યું ચંત;
માયાવી ઝૂંપડીમાં સાધુને ભાળી દમયંતી એને પૂછે કે,
“મહારાજ મુજ નાડી જોઈને કહો મારા પતિએ શીદને મુજે ત્યાગી, ક્ષેમ તો છે ને એ? ભલે હું રહી બડભાગી.”
બોલે કળી નાસા ગ્રહી, અપ્રીત ન્હાના કારણે થઇ.
અલ્પ અપરાધની ભ્રાંતે, કામિની તજી છે કાંતે.
ભીમ સુતા આનંદી અપાર, જોગી દીસે જગદીશ અવતાર;
ફરી અક્રીને પગે નમે, “નળને પ્રસન કરો જી તમે.”
મુનિ કહે “નળને છે ક્ષેમ, પણ ઉતર્યો તુજથી પ્રેમ;
નળ શોધે છે નાર અન્ય, તું કરજે ઉપજે મન.”
ત્યારે હરખ્યો પ્રેમદાનો પ્રાણ, “મારા પ્રભુને છે કલ્યાણ;
લક્ષ નારી કરો રાજન, પણ મારે તો નળનું ધ્યન.”
ઠરી ઠાર તે જાણી નળ, નારીએ લીધાં જળ ફળ;
પામે વિરામ કીધું શયંન, નિદ્રાવશ થઈ સ્ત્રીજંન;
સ્વપ્નાંમાં દીઠા નળ રાય, જાગી તો દુઃખ બમણું થાય.
કલિએ માયા કરીને નળના ખોટા વાવડ આપી દમયંતીનેમ રતી તો બચાવી પણ એનું દુઃખ બમણું કરી નાખ્યું.
સવાર પડ્યે વ્યથિત અવસ્થામાં જ આગળ વધતી વધતી દમયંતી પતિશોધમાં નિર્જન અને ભયંકર જંગલમાં આગળ વધતી ગઈ.
ઘણા પર્વતો, નદ, નદીઓ, વનરાઈઓ, હિં સક પશુઓ પિશાચો આદિને જોતીજોતી, પ્રિયતમ-વિરહના ઉન્માદમાં એ સર્વેને પોતાના પતિનું ઠેકાણું પૂછતી પૂછતી ઉત્તર દિશામાં એ આગળ વધતી ગઈ.
ત્યાં તો, તેણે ઘણા હાથીઓ, ઘોડાઓ અને રથો સાથે આગળ વધતા વેપારીઓનું એક ટોળું જોયું.
વેપારીઓના મુખી સાથે વાત કર્યા પછી જાણ્યું કે એ વેપારીઓ રાજા સુબાહુના રાજ્ય ચેદી-દેશ જઈ રહ્યા છે. તે જાણ્યા પછી, દમયંતી તેમની સાથે જોડાઈ ગઈ.
પતિના દર્શનની ઝંખના તેના મનમાં વધી રહી હતી.
ઘણા દિવસો સુધી ચાલ્યા પછી, તે વેપારીઓના માર્ગમાં ફરી એક ગાઢ જંગલ આવ્યું. ત્યાં એક ખૂબ જ સુંદર તળાવ હતું. લાંબી મુસાફરીને કારણે બધા જ થાકી ગયા હતા, એટલે તેઓએ ત્યાં રોકાઈને રાતવાસો કરવાનો નિર્ણય કર્યો.
વેપારી ત્યાં વાસો રહ્યા, બે પોહોર રાત્રીના ગયા,
નયણે આંસુડા ગળે, દમયંતી બેઠી ઝાડ તળે,
ગજ્-જૂથ જળ પીવા આવ્યા, સિંહ થઇ કળિએ બીહાવીઆં, ભડકી બધી ગજમંડળી, વેપારી મા રયા મગદળી,
જે કોઈ સતીને કુત્સિત બોલીયા, તે સૌને ગજે રગદોળીયા, અધિષ્ઠાતા વેપારી તણો, તેડયો જીવતો સાથ આપણો,
ભાઈઓ કતૂહુલ મોટું હવું, મુને ઘટે છે વન બીજે જવું,
એવે કલિજુગ પાપી આવીયો, વેશ તે જોશીનો લાવિયો,
તિથિપત્ર વાંચીને એમ કહે, ચેતો વેપારી કો જીવતો ન રહે,
નહી રહે કો જીવતા, ઉત્પાત દારૂણ હોય રે;
એ કૃત્યા આવી કાલની, તેણીએ ખાધા સર્વ કોય રે.
આમ, જ્યારે એ વેપારીઓના હથિઓને કલિએ સિંહ સ્વરૂપ લઈ ડરાવ્યાં ત્યારે ભયભીત હથિઓએ વેપારીની છાવણીમાં તોફાન મચાવી તે બધાંને ઘા યલ કર્યા ને કેટલાય મ-રૂ-ત્યુપામ્યા, ત્યારે વેપારીનો મુખી ખૂબ ચિંતાગ્રસ્ત થઈ ગયો. તો કલિ ત્યારે જ્યોતિષ બની આવ્યો અને આ દુર્ઘટના માટે છાવણીમાં આશ્રય લઈ રહેલી દમયંતીને ખરાબ પગલાંની ગણી કારણભૂત બતાવી.
વેપારીઓ સર્વે ક્રોધે ભરાયા અને દમયંતીને ત્યાંથી કાઢી મૂકી.
દમયંતી ફરી નિરાશ અને લાચાર થઈ ગઈ.
પણ થોડીવારમાં જ કેટલાક વેદપાઠી અને સંયમી બ્રાહ્મણોના કાફલાનો તેને સંગાથ થઈ ગયો. એ કાફલા સાથે ચાલતી ચાલતી આ દુઃખી નારી સાંજ પડતા સુધીમાં ચેદી-નરેશ સુબાહુની રાજધાનીમાં પહોંચી.
પણ ત્યારે તેના કેશ વિખરાયેલા હતા અને અંગ પરનું એનું અર્ધવસ્ત્ર મેલુંઘેલું હતું. આવા અસ્તવ્યસ્ત અવસ્થાવાળી કોઈ સ્ત્રીને સુઘડ, સ્વચ્છ બ્રાહ્મણોના કાફલાની પાછળ પાછળ આવતી જોઈને નગરજનોએ તેને કોઈક ચિત્તભ્રમિત સ્ત્રી સમજી લીધી. નાના બાળકો માટે તો એ મનોરંજનનું સાધન બની ગઈ.
સૌ તેની ટીખળી કરવા લાગ્યા અને પાછળથી તેની પર પથ્થર પણ ફેંકવા લાગ્યા. એ સૌથી પોતાને બચાવતી આગળ વધતી દમયંતી રાજમાર્ગ પર રાજમહેલની પાસે પહોંચી
ત્યાં ઝરૂખે બેઠેલી રાજમાતાએ તેને જોઈ અને તુરંત પોતાની દાસીને સાદ કર્યો.
પણ, એ સાદ દમયંતીના સદભાગ્યનો હતો કે દુર્ભાગ્યનો?
ઋષિ બૃહદશ્વાના મુખે પાંડવો નળ-દમયંતીની કથામાં દમયંતીના દુર્ભાગ્યનું વૃતાંત સાંભળી રહ્યા હતા. ઉત્સુકતાવશ યુધિષ્ઠિર હવે નળરાજા વિશે જાણવા આતુર થઈ ગયા.
“હે મુનિવર, દમયંતીથી છુટા પડેલ નળરાજા વિશે પણ કઈંક વિસ્તારમાં જણાવવા કૃપા કરશો.”
ત્યારે બૃહદશ્વ ઋષિ બોલ્યા- “દમયંતીને નિદ્રાધીન છોડીને નળરાજા વનમાં આગળ વધ્યા, તે સમયે આગળ જતાં જંગલમાં અચાનક જ આગ લાગી હતી. આવી ભયાનક અગનજ્વાળાઓ જોઈને રાજા થોડો અચકાઈ ગયો.
ત્યાં જ તેના કાનમાં અવાજ આવ્યો, ‘નળરાજા નળરાજા..! બચાવો..! જલ્દી આવો બચાવો મને..!’
રાજા ચોંકી ગયા. ત્વરિત દોડીને અવાજની દિશામાં ગયા.
‘ડરશો નહીં.. હું આવી ગયો છું.’ કહી રાજા દાવાનળમાં પેસી ગયા. ત્યાં જોયું તો નાગરાજ કર્કોટક ગૂંચળું વળીને ત્યાં પડ્યો હતો.
‘રાજન! હું કર્કોટક નામનો સર્પ છું. ખૂબ જ તેજસ્વી ઋષિ એવા નારદજી સાથે મેં દગો કર્યો હતો.’ -સર્પ પોતાની કરમકહાણી કહેવા લાગ્યો- ‘એને કારણે નારદજીએ અહીં મને શ્રાપ આપ્યો હતો કે આ જગ્યા પરથી હવે હું હલી શકીશ નહીં. ‘જ્યાં સુધી નળરાજા પોતાના હસ્તે તને નહીં ઊંચકે ત્યાં સુધી તું અહીં જ પડ્યો રહે. એ ઉચકશે ત્યારે જ તું શ્રાપમુક્ત થશે.’ એવા એ શ્રાપને કારણે અત્યારે હું ખસી શકતો નથી અને માટે આ દાવાનળમાંબ ળીને ભસ્મ થઈ જઈશ તો કૃપા કરી મને બચાવો.’
નળરાજા આ બધું સાંભળી રહ્યા.
‘ઝાઝો વિચાર ના કરશો. મારી સહાય કરો. હું આપનો મિત્ર બની રહીશ અને તમારા હિતની જ વાત બતાવીશ. મારા ભારથી ડરશો નહીં, કારણ હું મારી કાયાને સંકોચીને હલકી બનાવી શકું છું.’ -આટલું કહીને એ સર્પ અંગુઠાના કદનો થઈ ગયો.
નળરાજાએ તેને ઉપાડી લીધો અને સળગતા વનની બહાર લઈ આવ્યા.
કર્કોટક બોલ્યો- ‘રાજન..! મને હવે પૃથ્વી પર ન મૂકશો. ચાલો, થોડા પગલાંઓ ગણતરી કરતા કરતાં આગળ ચાલો.’
એક, બે, ત્રણ એમ ગણતા ગણતા રાજાએ ડગ ભર્યા. પણ જેવું દસમા પગલે એ ‘દસ’ બોલ્યા કે કર્કોટક સર્પે તુરત તેમને ડસી લીધું.
આ સર્પનો એવો નિયમ હતો કે જ્યાં સુધી કોઈ ‘ડસ’ કે ‘દસ’ ના કહે ત્યાં સુધી એ કોઈને ડસતો નહીં.
પણ, સાપના આમ કરડવાથી નળરાજાનું સમૂળગું સ્વરૂપ જ બદલાઈ ગયું અને રાજા સ્વયં આશ્ચર્યચકિત રહી ગયા.
“રાજન, તમારી કાયામાં પ્રવેશ કરીને કલિએ તમને પારાવાર દુઃખ આપ્યું છે, પણ હવે મારા વિષના પ્રતાપે કલિ તમારા શરીરમાં ખૂબ જ દુઃખ ભોગવશે. તમને કોઈ ઓળખી શકે નહીં, તે માટે જ મેં તમારું સ્વરૂપ બદલ્યું છે. તમે મારી રક્ષા કરી છે. હવે તમને હિં સક પ્રાણીઓ, પક્ષીઓ, શત્રુઓ કે બ્રહ્મવેતાના શ્રાપ આદિનો પણ ભય રહેશે નહીં. હવે તમારા પર કોઈ પણ વિષની અસર નહીં થાય અને તમે યુ ધમાં પણ સદૈવ વિજયી થશો.’
નળરાજા માટે એ સઘળા શબ્દો વરદાનસ્વરૂપ લાગ્યા.
‘હે રાજા, હવે તમે તમારું નામ “બહુક” રાખો અને દ્યુ તકલામાં કુશલ એવા રાજા ઋતુપર્ણના નગર અયોધ્યામાં જાઓ. તમે ત્યાં તેમને તમારી અશ્વવિદ્યાથી પરિચિત કરાવજો અને તેઓ તમને દ્યુ તક્રીડાનું રહસ્ય જણાવશે તેમ જ તમારા મિત્ર પણ બની જશે. આમ દ્યુ તનું રહસ્ય જાણ્યા પછી તમે તમારી પત્ની, પુત્રી, પુત્ર, રાજ્ય આદિ સઘળું જ પાછું મેળવી શકશો. જ્યારે તમે તમારું મૂળ સ્વરૂપ ધારણ કરવા ઈચ્છો ત્યારે મારુ સ્મરણ કરીને, આ વસ્ત્રો ધારણ કરી લેજો.’ -આમ કહી કર્કોટકે રાજાનળને બે દિવ્ય વસ્ત્ર આપ્યા અને તુરંત જ ત્યાંથી અંતર્ધ્યાન થઇ ગયો.
(ક્રમશ:)
ભાગ 1 થી 3 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)