નળ દમયંતી ભાગ 5 : રાજા નળના ગયા પછી દમયંતીનું શું થયું, તે ક્યાં રહી? જાણવા માટે વાંચો સ્ટોરી.

0
833

ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, દમયંતીને વનમાં એકલી મૂકીને જતા રહ્યા પછી નળને કર્કોટક નામનો સર્પ મળે છે. નળ રાજા તેની મદદ કરે છે અને તે સર્પ નળને રાજા ઋતુપર્ણના નગર અયોધ્યામાં જવા કહે છે અને બે દિવ્ય વસ્ત્ર આપે છે. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

જ્યારે વિદર્ભના રાજાભીમને સમાચાર મળ્યા કે એમનાં જમાઈ નળરાજા રાજ્યચ્યુત થઈને તેમની પુત્રી દમયંતી સંગે વન પ્રસ્થાન કરી ગયા છે, તો તેઓએ રાજસેવાના એક હજાર બ્રાહ્મણોને બોલાવ્યા. તેમને અધિક માત્રામાં ધન આપીને સૂચના આપી કે –

“આપ સૌ પૃથ્વી પર સર્વત્ર વિહાર કરીને નળરાજા તેમજ દમયંતી વિષયે માહિતી મેળવી શોધી લાવો. જે બ્રાહ્મણ આ કાર્ય પૂર્ણ કરવામાં સફળ થશે એને એક હજાર ગાય અને એ ઉપરાંત કેટલીક જાગીર પણ આપવામાં આવશે. જો તેઓને અહીં લાવી ના શક્યા અને ફક્ત એમનું ઠેકાણું પણ લાવી આપશે તેને એક સહસ્ર ગાય તો અવશ્ય આપવામાં આવશે જ.”

આ સાંભળી બાહ્મણો ખૂબ પ્રસન્ન થયા અને હોંશે હોંશે નળ-દમયંતીની ભાળ મેળવવા દશે દિશાઓમાં નીકળી પડ્યા.

આ સર્વેમાં સુદેવ નામનો એક બ્રાહ્મણ ખૂબ જ ચતુર, ઉત્સાહી અને ઉર્જાવાન હતો. તનમનમાં લગન જગાવીને એ અનેક નાનામોટા રાજ્યોમાં થાકયા વિના વિહાર કરવા લાગ્યો.

એ સર્વે રાજ્યોમાં સફળતા ન મળી એટલે પછી એણે એક દુરનો પ્રદેશ એવા ચેદિ રાજ્યની મુલાકાત લેવાનું નક્કી કર્યું, અને પછી એ દિશામાં આ યુવાન ઉત્સાહી બ્રાહ્મણ નીકળી પડ્યો.

પણ ત્યાં સુધીમાં તો દમયંતી ચેદિ રાજ્યની રાજધાનીમાં પહોંચી ચુકી હતી. અસ્તવ્યસ્ત અને મેલીધેલી અવસ્થામાં ત્યાંના નગરલોકો તેને ચિત્તભ્રમિત સ્ત્રી સમજી બેઠાં, તો નાના બાળકો તો તેની પાછળ દોડી તેનું વસ્ત્રખેં ચી ખેંચીને, કે પથ્થર ફેકીને તેની સતા મણી કરવા લાગ્યા હતા.

રાજમાર્ગ પર ચાલતો આ કરુણ તમાશો, રાજમહેલના ઝરૂખે બેઠેલા રાજમાતાએ જોયો અને તુરંત જ તેઓએ પોતાની દાસીને સાદ કરીને બોલાવી.

‘અરે જઈને જો તો જરા.. આ સ્ત્રી કોઈક દુ:ખિયારી લાગે છે. નગરજનોની સતા મણીથી બચવા કોઈક આશ્રય શોધતી જણાય છે. તોફાની બાળકો ય બહુ હેરાન કરે છે એને, તો તું જા, અને એને અહીં લઇ આવ. એ તો છે ય પાછી કેવી અલૌકિક સુંદરી ! આપણો તો મહેલ દિપી ઉઠશે તેની હાજરીથી.”

દાસી તુરંત નીચે ગઈ અને દમયંતીને રાજમાતા પાસે દોરી લાવી.

રાજમાતાએ દમયંતીને સમીપથી જોઈને કહ્યું- “દેખાય તો છે તું ખૂબ દુઃખી, પરંતુ તોય તારી કાયા કેટલી તેજસ્વી છે ! મને કહે દીકરી, તું કોણ છે, ક્યાંથી આવી છે, આવી અસહાય અવસ્થામાંય આટલી નીડર કેવી રીતે રહી શકી છો?”

“હું એક પતિવ્રતા નારી છું.” -દમયંતીએ નમ્રતાપૂર્વક પોતાની વાત કરતાં કહ્યું- “હું છું તો કુળવાન, પણ દાસીનું કાર્ય કરું છું. અંતઃપુરમાં રહી ચુકી છું; તે છતાંય, હું ક્યાંય પણ રહી શકવા સમર્થ છું. ફળ-મૂળ ખાઈને દિવસો વિતાવું છું. મારા પતિદેવ ખૂબ જ ગુણવાન પુરુષ છે અને મુજથી ખૂબ પ્રેમ પણ કરે છે, પણ મારા ભાગ્યનો વાંક છે કે, મારા કોઈ પણ અપરાધ વગર જ અર્ધી રાત્રે મારી નિંદ્રાવસ્થામાં તેઓ મને છોડીને કશે ચાલ્યા ગયા છે. અહર્નિશ હું તેમને શોધતી ફરું છું અને તેમનાં વિરહજ્વાળામાં સળ ગતી રહુ છું.”

આટલું કહેતા, દમયંતીના નયન છલકાઈ ગયા અને તે વિલાપ કરવા લાગી.

આ જોઈ રાજમાતાનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ કહેવા લાગ્યા- “હે કલ્યાણી, સાવ સ્વાભાવિક જ મને તુજ પર પ્રેમ ઉભરાઈ રહ્યો છે. તું અહીં મારી સંગે જ રહે. હું તારા પતિને શોધવાનું કાર્ય કરીશ. તેઓ જ્યારે આવે ત્યારે એમને તું અહીં જ મળજે.”

“માતા,” -દમયંતી જવાબ આપતા બોલી- “હું અવશ્ય અહીં રહું પણ મારી એક શરત માનવાની આપ બાંહેધરી આપો એવી મારી ઈચ્છા છે.”

“બોલ પુત્રી, તારા જેવી કુલીન કન્યાની શરત પણ શ્રેષ્ઠ જ હશે એવું મને લાગે છે.”

“મારી કોઈ મોટી શરત નથી. બસ, હું કોઈ દિવસ કોઈનું એઠું નહીં આરોગું; કોઈના પગ નહીં ધોઉં; પરપુરુષ સાથે હું કોઈ પ્રકારની વાતચીત નહીં કરું; જો કોઈ પુરુષ મારી સાથે કુચેષ્ટા કરે તો એને તમારે દંડીત કરવો જોઈશે. અને જો એ વારંવાર આવું કરે તો દે હાંત દંડ આપવો. મારા પતિની શોધખોળ માટે હું બ્રાહ્મણો સાથે નિરંતર વાતચીત કરતી રહીશ. મારી આટલી શરતો જો આપ મંજુર કરો તો જ હું અહીં નિવાસ કરીશ. અન્યથા, નહીં.”

દમયંતીના આવી ઉચ્ચ કક્ષાના નિયમો સાંભળી રાજમાતા અધિક પ્રસન્ન થયા. દમયંતીના શીલવાન હોવાના પ્રમાણપત્ર સમાન જ આ સઘળા શબ્દો તેમને લાગ્યા. તુરંત જ તેઓએ પોતાની પુત્રી ઇન્દુમતિને બોલાવી.

“બેટા ઇન્દુમતિ, આ સ્ત્રીને દાસી નહીં, દેવી જ સમજજો. વયમાં એ તારા જેવડી જ છે, તો તારી સખી સમાન જ વ્યવહાર કરજે. આપણા મહેલમાં જ એ રહેશે. તો તમે બેઉ સંગે જ એકમેકનું મનોરંજન કરતી રહેજો.”

ઇન્દુમતિ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક દમયંતીને પોતાની સાથે પોતાના મહેલમાં લઈ ગઈ. પછી પોતે ઘડેલા નિયમોનું પાલન કરતી દમયંતી ત્યાં જ નિવાસ કરવા લાગી.

ઋષિ બૃહદશ્વાના મુખેથી પાંડવો નળ-દમયંતીની કથા રસપૂર્વક સાંભળી રહ્યા હતા, ત્યારે આ મુકામે દમયંતીનું વૃતાંત અધ્ધર મૂકીને ઋષિએ નળરાજાની કથા પુનઃ આગળ વધારી.

નાગરાજ કર્કોટકની સલાહ મુજબ જ, તેણે આપેલ કેટલાક વરદાન અને બે દિવ્ય વસ્ત્રો સાથે લઈને નળરાજાએ અયોધ્યા નગરી તરફ પ્રયાણ કર્યું.
હવે તેમનું દૈહિક સ્વરૂપ તેમના મૂળ રૂપ કરતાં એટલું જુદું થઈ ગયું હતું કે તેમનું નજીકનું સ્વજન પણ તેમને ઓળખી શકે તેમ નહોતું.

દસ દિવસના પગપાળા પ્રવાસ બાદ તેઓ અયોધ્યા પહોંચ્યા પછી ત્યાંના રાજા ઋતુપર્ણના દરબારમાં ઉપસ્થિત થયા અને તેમને નિવેદન કર્યું કે-

“મારું નામ બાહુક છે. હું અશ્વોને હાંકવામાં તેમજ તેમને નવી નવી ચાલ શીખવવાનું કાર્ય કુશળતાપૂર્વક કરું છું. અશ્વવિદ્યામાં મુજ સમાન નિપુણ આ પૃથ્વી પર કોઈ જ નહીં હોય. અર્થ સંબંધી તેમજ અન્ય ગંભીર સમસ્યાઓ પર પણ હું સરસ સલાહ સૂચનો આપી શકું. પાક-કલા પણ મને પૂર્ણપણે હસ્તગત છે, તેમ જ હસ્તકલાના સર્વે કામ તેમ જ અન્ય કઠિન કાર્ય કરવાની પણ મારી સદૈવ તૈયારી રહેશે. તો કૃપયા આપ મારી આજીવિકાનું મૂલ્ય નિશ્ચિત કરીને મને આપની સેવામાં રાખી લો.”

અયોધ્યા-નરેશ નળરાજાની વાતોથી પ્રભાવિત થઈને બોલ્યા- “બાહુક ! સારું થયું તમે અહીં આવ્યા. તમે વર્ણવેલ એ સર્વે કાર્ય હવે હું તમારે હસ્તક સોંપુ છું. પરંતુ હું શીઘ્રગામી સવારીને વિશેષ પસંદ કરું છું એટલે તમે એવો કોઈક ઉદ્યોગ કરો કે મારા અશ્વોની ચાલ ઝડપી બની જાય. હું તમને અશ્વશાળાનો અધ્યક્ષ નિયુક્ત કરું છું. દર માહ એક સહસ્ર સોનાની મહોર તમને શ્રમજીવિકા રુપે મળતી રહેશે, ઉપરાંત જીવલ અને વાર્ષ્ણેય (નળરાજાનો જૂનો સારથી) સદાય તમારી સમક્ષ ઉપસ્થિત રહેશે. તો તમે આનંદથી મારા દરબારમાં રહો.”

રાજા ઋતુપર્ણનો સત્કાર અને સન્માન પ્રાપ્ત કરી, નળરાજા બાહુક સ્વરૂપે અયોધ્યામાં રહેવા લાગ્યા. પણ નિશદિન તેઓ દમયંતીનું સ્મરણ કરીને નિસાસો ભરતા.

જે ચક્રવાક દિવસે વહુ સાથ રાખે,

તે સંગરંગ રમતાં રવિતાપ સાંખે;

રાતે વિજોગ થકિ ચંદ્રપકાશ ખૂંચે,

જો દુઃખ હોય દિલમાં કશુંએ ના રુચે.

આમ, જો જીવનસખી સાથ હોય તો આકરા ટાઢ-તડકા પણ સહ્ય લાગે, કિન્તુ જો પ્રિયતમાનો વિરહ હોય તો ચંદ્રનો શીતળ-પ્રકાશ પણ કાંટા ભેરવે. હૈયે પ્રિયની પીડા હોય તો કોઈ જ સુખ ના રુચે.

દિવસો વીતતા ગયા, પતિ-પત્ની જુદા જુદા નગરોમાં એકમેકનો વિયોગ સહેતા નિરંતર એકમેકના સ્મરણોમાં વાસ કરી રહ્યા હતા, ત્યારે વિદર્ભનગરીના હજાર બ્રાહ્મણો ધરતીના દરેક ખૂણે તેમની ભાળ મેળવવા સતત પ્રવાસ કરી નિરંતર પ્રયત્નશીલ હતા.

એમાંનો એક સુદેવ નામનો બ્રાહ્મણ, કે જેણે અનેક નગરોમાં ખોજ કરીને પછી ચેદિ રાજ્યમાં પ્રયત્ન કરી જોવાનું વિચાર્યું હતું, એ લાંબા પ્રવાસ કરતો કરતો ચેદિમાં આવી પહોંચ્યો. થોડા દિવસ ત્યાં નિવાસ કર્યો પણ સફળતા ન મળી.

એકવાર ફરી નિરાશા લઈને એ પરત જવા નીકળ્યો ત્યાં અકસ્માતે જ, એ રાજમહેલે જઈ ચડ્યો કે જ્યાં પુણ્યાહવાચન થઈ રહ્યું હતું.

ઇન્દુમતિ સંગે દમયંતી બેસીને એ મંગલકાર્ય નીરખી રહી હતી. સુદેવે દમયંતીને જોઈ, તો તેનું મુખમંડળ તેને પરિચિત લાગ્યું.

“અવશ્ય આ જ ભીમ-નંદિની છે. આનાં જેવું જ રૂપ મેં પહેલાં પણ જોયું હતું, એ આજે જોવા મળ્યું. અતિ ઇષ્ટ થયું આ, મારી યાત્રા સફળ થઈ લાગે છે.”

તે દમયંતીની પાસે જઈને હળવેથી બોલ્યો- “વિદર્ભનંદિની..!”

સાંભળીને દમયંતી ચોંકી ગઈ. આ સંબોધનમાં તો તેનો સઘળો ભેદ સમાયેલો હતો.

દમયંતીના મુખ પર આવેલ ભાવપલટો સુદેવને વિશ્વાસ પ્રદાન કરી ગયો.

“હે કું વરી હું તમારા ભાઈનો મિત્ર સુદેવ બ્રાહ્મણ છું. રાજા ભીમની આજ્ઞાથી તમને શોધવાનું કાર્ય મને સોંપવામાં આવ્યું છે.”

દમયંતી સઘળું સાંભળી રહી. તેની આંખમાં અશ્રુ ઝળકી ઉઠ્યા.

આ જોઈને સુદેવે આગળ કહ્યું- “તમારા માતપિતા અને ભાઈ સાનંદ છે, ઉપરાંત તમારા બેઉ સંતાનો પણ સકુશલ છે. પણ તમારા વિયોગે સર્વે કુટુંબીજનો પ્રાણહીન સમાન થઈ ગયા છે. એક હજાર બ્રાહ્મણો વિવિધ દિશામાં તમારી શોધ ખાતર ફરી રહ્યા છે. હું એમાંનો એક છું.”

દમયંતીના સંયમનો બંધ હવે તૂટી ગયો અને એ ઊંચા અવાજે ડૂસકાં ભરીને વિલાપ કરવા લાગી.

અચાનક જ દમયંતીની આવી અવસ્થા જોઈને ઈન્દુમતિ ગભરાઈ ગઈ. તે પોતાની માતા પાસે અંતઃપુરમાં દોડી ગઈ, ને સમજાઈ હતી એટલી વાત કરી. રાજમાતા તુરંત જ ત્યાં આવી ગયા. તેમને બ્રાહ્મણની પૃચ્છા કરી.

“મહારાજ, આ કન્યા કોણ છે, કોની પુત્રી, કોની પત્ની છે? તેના કુટુંબથી વિખૂટી કેવી રીતે પડી ગઈ? તમે કેમ કરીને તેને ઓળખી?”

રાજમાતાના એકસામટા અનેક પ્રશ્નોના ઉત્તર દેવા સુદેવે તેમને દમયંતીનું સંપૂર્ણ ચરિત્ર કહી સંભળાવ્યું અને પછી કહ્યું- “જેમ રાખ હેઠળ દબાયેલ ચિનગારી તેની ગરમીને કારણે વર્તાઈ આવે છે, એવી જ રીતે આ દેવીના રૂપ અને તેનાં લલાટને જોઈ હું તેમને ઓળખી શક્યો છું.”

ત્યારે ઇન્દુમતિએ સ્વયં પોતાના હસ્તે દમયંતીનું લલાટ ધોયું. કંકુનો લોપ થતા જ તેની ભ્રમરો વચ્ચે લાલ ચિહ્ન, ચંદ્રમા સમાન પ્રગટ થઈ ઉઠ્યું. લલાટનો એ તલ જોઈને રાજમાતા રોઈ પડી. તેમણે દમયંતીને પોતાની છાતી સરસી ચાંપી ખૂબ ખૂબ વ્હાલ કર્યું અને પછી બોલ્યા-

“આ જન્મચિહ્ન થકી હવે હું તને ઓળખી શકી છું પુત્રી, કે તું મારી બહેનની દીકરી છે. તારી માતા અને હું, બન્ને સગી બહેનો છીએ. અમે બેઉ દશાર્ણ દેશના રાજા સુદામાની પુત્રીઓ છીએ. તારો જન્મ મારા પિતૃગૃહે જ થયો હતો અને ત્યારે મેં તને જોયેલી. જેમ તારા પિતાનું ઘર તારું પિયર છે, એવું જ આ ઘરને પણ સમજ. આ સંપત્તિ જેટલી મારી, એટલી જ તારી ગણ..!”

દમયંતી આ સઘળું સાંભળી ખૂબ પ્રસન્ન થઈ. તેણે પોતાની માસીને હૃદયપૂર્વક પ્રણામ કર્યા.

રાજમાતાએ જ્યારે અફસોસ જાહેર કર્યો કે પોતે તેને ઓળખી ના શકી, ત્યારે દમયંતી બોલી:

“હે મા સમાન માસી, મારી ઓળખાણ ના પડી તો શું ગજબ થયો? અમસ્તીય હું તો અહીં તમારી પુત્રી સમાન જ રહી છું. તમે મારી સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરી અને મારી રક્ષા પણ કરી છે. હવે તો સંદેહ નથી જ, કે હું અહીં પૂર્ણ સુખરૂપ રહી શકીશ. પરંતુ માતે ! ઘણા સમયથી હું અહીંતહીં ભટકી રહી છું. મારા નાના નાના બાળકો મુજથી વિખૂટાઈને મારા પિતાને ત્યાં છે. વળી તેઓ તો પોતાના પિતાથી ય અળગા છે, તો સાચે જ હૃદયથી ખૂબ દુઃખી હશે. જો આપ સાચે જ મારું હિત ઇચ્છતા હો, તો મને વિદર્ભ મોકલવાનો શીઘ્ર પ્રબંધ કરી આપો એવી મારી અરજ છે.”

રાજમાતા લાગણીના અતિરેકે ગળગળી થઈ ગયા. પછી, પોતાના પુત્ર, એવા ચેદિ-રાજાને સૂચના આપીને તેઓએ પાલખી મંગાવી; ભોજન વસ્ત્રાદિ ઘણી જરૂરી વસ્તુઓ આપી, મોટી સૈનાની સુરક્ષા હેઠળ દમયંતીને તેઓએ ભાવભીની વિદાય આપી.

સુખરૂપ વિદર્ભદેશ પહોંચી ગયા એટલે ત્યાં વિદર્ભનંદિનીનો ભવ્ય સત્કાર થયો. ઘણા સમયની દુ:ખિયારી નારી પોતાના માતપિતા, સંતાનો અને સખીઓને સ્નેહપૂર્વક મળી.

રાજા ભીમ પણ ખૂબ પ્રસન્ન થયા. તેઓએ સુદેવ બ્રાહ્મણને એક સહસ્ર ગૌ, અમુક ગામની જાગીર અને દ્રવ્ય આપી સંતુષ્ટ કર્યો.

પરંતુ કલિકોપ હજુ ઓછો નહોતો થયો. પતિ-પત્ની તો હજુય વિખુટા જ હતા. વળી નળરાજા તો ન ઓળખાય એવા ભિન્ન સ્વરૂપમાં હતા, તો એવામાં એમની ભાળ મેળવવી ખૂબ અઘરી પડવાની હતી.

(ક્રમશ:)

ભાગ 1 થી 4 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)