નળ દમયંતી ભાગ 6 : કલિ નળરાજાના શરીરમાંથી કેવી રીતે બહાર નીકળ્યા?

0
506

ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, રાજા નળના ગયા પછી દમયંતી ભટકતી ભટકતી પોતાની માસીના રાજ્યમાં પહોંચે છે અને ત્યાં સુદેવ બ્રાહ્મણ તેમને ઓળખી જાય છે અને તેમને તેમના માતા-પિતા અને સંતાનો પાસે લઇ જાય છે. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

ઋષિ બૃહદશ્વા પાંડવોને નળ-દમયંતીની કથા સુણાવતા, પછી પિતૃગૃહે પહોંચેલી દમયંતીની વિતક-કથા સંભળાવી.

‘હે યુધિષ્ઠિર ! આપનું દુઃખ ઓછું જાણો, કે આપ સૌ ભ્રાતા અને ભાર્યાને સંગાથે છો. પણ નળરાજા પત્નીવિજોગે હતો તો પતિ વિના દમયંતીને પિયર પારકું અને વસમું લાગતું રહ્યું. પિયરમાં અન્ન જળ વસ્ત્ર અલંકારની વિપુલતા ય તેને મન સોહાતી નહોતી. તેથી લગભગ સાધ્વી જેવી સાદગીને એણે અપનાવી લીધી.

પિયર બેઠી વિજોગણી, હૈયે પિયુ મિલનની આસ રે

પ્રભુ પાખે દમયંતી, હવે પાળવા લાગી સંન્યાસ રે.

અલવણ અન્નઅશન કરવું, અવની પર શયન રે.

આભૂષણ રહિત અંગ અબળાનું, કાજળ વિન નયન રે.

નિયમ રાખ્યો નાનાવિધનો, ઉગ્ર આખડી પાળે રે;

પતિવતા તો પિયુને ભજે ને, અન્ય પુરુષ નવ ભાળે રે.

નામ નળનું, ધ્યાન નળનું, સખીસું નળની વાત રે;

દુઃખે જાયે દિવસ ને રયણી, નયણે વરસે વરસાદ રે.

વર્ષાકાળે વિજોગ પીડે, માનિનીને મન ભાલો રે;

વૈદર્ભીને વર્ષાકાળ વીત્યો, આવ્યો શત્રુ શિયાળો રે.

આકાશ અંગિયા અંબુજ ઉઘડ્યાં, નિર્મળ ઈંદુ શરદ રે;

પતિવિજોગ પીડે છે પાપી, સતિ રહે સત્ય બરદ રે.

દુઃખે દિવસ નાંખે દમયંતી, એક વરસ ગયું વહી રે;

ત્રણ સંવત્સરની અવધ વીતી, નાથ આવ્યો નહી રે.

આખરે થાકી હારીને દમયંતીએ તેની માતાને કહ્યું- ‘માતા! હું તમને સત્ય કહું છું. જો તમે મને જીવંત રાખવા માંગતા હો, તો મારા પતિને શોધવાનો પ્રયત્ન કરો.’

પુત્રીની પીડાએ માતા પણ અત્યંત દુઃખી થઈ અને માટે તેના પતિ રાજા ભીમને કહ્યું- ‘સ્વામી ! દમયંતી તેના પતિની ખૂબ ચિંતા કરે છે. તેણે સઘળો સંકોચ ત્યાગીને મને કહ્યું કે આપણે ત્વરિત જ તેમને શોધવાનો ઉદ્યોગ કરવો જોઈએ.’

ચિંતીત ભીમરાજાએ પુનઃ તેમના આશ્રિત બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમને નળ શોધવા જવા માટે સૂચના આપી.

બ્રાહ્મણો દમયંતી પાસે ગયા અને કહ્યું- ‘હે કુંવરી, હવે અમો રાજા નળને શોધવા જઈ રહ્યા છીએ. કોઈ સલાહ કે સૂચન હોય તો આપવા કૃપા કરો.’

દમયંતીએ બ્રાહ્મણોને કહ્યું- ‘તમે જે પણ રાજ્યમાં જાઓ ત્યાં લોકોની ભીડ વચ્ચે આ વાત બોલજો કે “ઓ મારા કપટી પ્રેમી ! તમે મારા વસ્ત્રનો અર્ધો ભાગ ફાડીને તમારી દાસીને જંગલમાં નિંદ્રાધીન મૂકીને ક્યાં ચાલ્યા ગયા છો? તમારી આ સેવિકા હજુ પણ એવી જ અવસ્થામાં છે જે અર્ધુ વસ્ત્ર લપેટીને તમારા આવવાની રાહ જોઈ રહી છે અને તમારા વિયોગના દુઃખમાં દુઃખી છે.” તેમની સામે મારી સ્થિતિનું વર્ણન કરજો અને એવી વાતો કહેજો કે જે તેમને પ્રસન્ન કરે અને મુજ પર કૃપા કરે.

જો મારા આ શબ્દો કહ્યા પછી કોઈ તમને કઈં ઉત્તર આપે, તો એ કોણ છે, ક્યાં રહે છે’, એ સર્વે માહિતી મેળવી લેજો અને તેનો ઉત્તર યાદ રાખી અને મને કહેજો. ઉપરાંત એ પણ ધ્યાનમાં રહે, કે તમે આ બધું મારી આજ્ઞાથી કહી રહ્યા છો, એવી તેને બિલકુલ જ ખબર ન પડે.’

બ્રાહ્મણો દમયંતીના નિર્દેશ અનુસાર રાજાનળને શોધવા વિવિધ દિશાઓમાં નીકળી ગયા. લાંબા સમય સુધી શોધખોળ ચાલી. પછી એક દિવસ પર્ણાદ નામનો એક બ્રાહ્મણ દમયંતીના મહેલમાં આવ્યો અને કહ્યું- ‘ હે રાજકુમારી ! તમારી સૂચના મુજબ, નિષધ નરેશ નળને શોધતો શોધતો હું અયોધ્યા નગરી પહોંચી ગયો હતો. ત્યાંના રાજા ઋતુપર્ણ પાસે પણ હું ગયો અને તેમની ભરીસભામાં તમારો મુદ્દો પુનરાવર્તિત કર્યો. પરંતુ ત્યાં તો કોઈએ કંઈપણ ઉત્તર આપ્યો નહીં. જોકે જ્યારે મેં ત્યાંથી પ્રસ્થાન કરવાની હિલચાલ કરી, ત્યારે બાહુક નામના તેમના એક સારથિએ મને એકાંતમાં બોલાવ્યો અને કંઈક કહ્યું.

દેવી ! તે સારથિ રાજા ઋતુપર્ણના અશ્વોને શિક્ષા પ્રદાન કરે છે, એ સ્વાદિષ્ટ ભોજન પણ રાંધે છે; પરંતુ તેના હાથ નાના છે અને તે શરીરે અજબ કદરૂપો છે. તે પુરુષ ઊંડા શ્વાસ લઈને રુદન કરતાં કરતા બોલ્યો કે “કુલીન સ્ત્રીઓ તો ઘોર કષ્ટ મળ્યા બાદ પણ પોતાના શીલની રક્ષા કરતી હોય છે અને પોતાના સતીત્વના બળ પર સ્વર્ગ પર પણ વિજય પ્રાપ્ત કરી લેતી હોય છે. પતિ ત્યાગી દે, તો એ ક્રોધ નથી કરતી પરંતુ પોતાની મર્યાદાનું રક્ષણ કરતી હોય છે. ત્યાગવાવાળો પુરુષ વિપત્તિને કારણે દુઃખી અને અચેત હતો. માટે તેની પર હવે ક્રોધ કરવો ઉચિત નથી.

એ કબૂલ છે કે પતિએ પત્નીનું યોગ્ય રક્ષણ અને સત્કાર નથી કર્યો, પરંતુ તે સમયે એ રાજ્યલક્ષ્મીથી વંચિત, ક્ષુધાતુર, દુઃખી અને દુર્દશાગ્રસ્ત હતો. તેની આવી દયનિય અવસ્થા ધ્યાનમાં લેવી જોઈએ. જ્યારે તે પોતાની પ્રાણ-રક્ષા માટે આજીવિકા ઇચ્છતો હતો, ત્યારે પક્ષીઓ તેનું અંતિમ વ સ્ત્ર છી નવીને તેને લજ્જિત કરીને ઉડી ગયા. તે પછી તેની હૃદયની પીડા અસહ્ય બની ગઈ હતી.” તો હે રાજકુમારી ! એ બાહુકના આ વચન સુણીને, હું તમને સર્વે હકીકત કહેવા આવ્યો છું. હવે તમને જે યોગ્ય લાગે તે કરો. ઇચ્છો, તો મહારાજને પણ આ સર્વે કહો.’

બ્રાહ્મણની આ સઘળી વાત ચિત્ત દઈને સાંભળી રહેલી દમયંતીની આંખો આંસુથી ભરાઈ આવી. તે તુરંત જ એકાંત જોઈને પોતાની માતા પાસે ગઈ.
‘માતા ! હમણાં આપ આ વાત પિતાશ્રીને ન કહેશો, પણ હવે આ કાર્ય કાજે હું પેલા સુદેવ નામના યુવાન બ્રાહ્મણની નિમણૂક કરવા ઈચ્છું છું. જે રીતે સુદેવે મને શુભ મહુર્તમાં અહીં પહોંચાડી હતી, એવી જ રીતે શુભ શુકન જોઈને એ અહીંથી નીકળીને અયોધ્યા જાય અને મારા પતિદેવને અહીં લાવવાનો પ્રપંચ કરે.’

આ પછી દમયંતીએ પર્ણાદને બોલાવી તેનો યોગ્ય સત્કાર કરી પુરસ્કૃત કર્યો અને અદારપૂર્ણ વિદાય આપી.

તે પછી તુરંત જ તેણે સુદેવ બ્રાહ્મણને બોલાવ્યો અને કહ્યું:

“પુનરપિ જાઓ તેડવા રે, મુજ જીવન વસે છે જાંહે,

પરીક્ષા એ પુણ્યશ્લોકની, એકે દિવસે આવે આંહે,

જાઓ અયોધ્યા માંહે, ગુરુજી, હવે બેસી રહ્યા તે કાંહે,

જઇ કહો ઋતુપર્ણ રાયને, વૈદર્ભી તજીને નળ મહારાજ,

સ્વયંવર ફરી માંડિયો રે, ને છે લગ્નનો દહાડો આજ,

એ વાતે નથી લાજ, ગુરુજી, જેમતેમ કરવું રે રાજ,

કપટે લખી છે આ કંકોતરી રે, ઋતુપર્ણને આપું નિમંત્રણ,

સુદેવ તેડી લાવજો, જોઇએ એ બાહુકનાં આચરણ,

એનું કેવું છે અંતઃકર્ણ, એનાં જોઇએ વપુને વર્ણ,”

‘બ્રાહ્મણ દેવ! આપ શીઘ્ર અયોધ્યા નગરી જાઓ અને રાજા ઋતુપર્ણને સંદેશો આપો, કે વિદર્ભનરેશ ભીમની પુત્રી દમયંતી પુનઃ સ્વયંવર દ્વારા પોતાના માટે પતિ વરણ કરવા ઈચ્છે છે. તો અનેક મોટા રાજાઓ અને રાજકુમારો તે હેતુસર ઉપસ્થિત થઈ રહ્યા છે. સ્વયંવર માટેનું શુભ મહુર્ત આવતીકાલનું જ છે. આપને આમંત્રિત કરવામાં વિલંબ થયો તે બદલ ક્ષમા ઇચ્છીએ છીએ પરંતુ આપ જો પહોંચી શકો તો અવશ્ય આવજો. રાજકુમારીનો પૂર્વ પતિ નિષધરાજા નળના જીવિત હોવા કે ન હોવા વિશે ઘણી અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી આવતીકાલે સૂર્યોદય સમયે તે પોતાના માટે બીજા પતિનું વરણ કરશે.’

આચરણ અશ્વપાલક તણાં, અહ્યાં આવે તો ઓળખાય રે;

પત્ર લેઇ પ્રપંચનો સુદેવ, આવ્યો અયોધ્યા માંય રે.

દમયંતીની આજ્ઞા અનુસાર સુદેવ બ્રાહ્મણ અયોધ્યાનગરી ગયો અને ત્યાં રાજા ઋતુપર્ણને જૂઠી કંકોત્રી આપી શીખવ્યા મુજબનું બધું કહ્યું.
રાજાએ સુદેવ બ્રાહ્મણની વાત સાંભળીને બાહુકને બોલાવ્યો અને મધુર અવાજે સઘળું સમજાવતા બોલ્યા- ‘હે બાહુક ! આવતીકાલે વિદર્ભનંદિની દમયંતીનો સ્વયંવર છે. તો હું એક જ દિવસમાં વિદર્ભદેશમાં પહોંચવા માંગુ છું. પરંતુ આટલી ઝડપથી ત્યાં પહોંચવું શક્ય છે, એવું જો તમને લાગે, તો જ હું ત્યાં જવા પ્રયાણ કરીશ.”

રાજા ઋતુપર્ણની આ સાવ જ અણધારી વાત સાંભળીને નળનું હૃદય ચૂર ચૂર થવા લાગ્યું.

તેણે મનમાં વિચાર્યું કે ‘દમયંતીએ દુઃખથી અચેત થઈને જ આવું કહ્યું હશે. કે પછી.. શક્ય છે કે તે આવું જ કરવા ઇચ્છતી હોય. પણ ના ના, ચોક્કસ જ તેણે આ યુક્તિ ફક્ત મારી પ્રાપ્તિ માટે જ કરી હશે. તે સદાચારી, તપસ્વી અને ગરીબડી છે. દુર્બુદ્ધિવશ મેં જ તેને ત્યજીને મોટી ક્રૂરતા કરી. અપરાધ મારો છે. તે તો આવું ક્યારેય કરી જ ના શકે. અસ્તુ, સત્ય શું અને અસત્ય શું તેની જાણકારી તો ત્યાં ગયા પછી જ ખબર પડશે, પણ રાજા ઋતુપર્ણની ઈચ્છા પૂરી કરવામાં મારો પણ સ્વાર્થ તો છે જ.”

આટલું વિચાર્યા બાદ બાહુકે હાથ જોડીને કહ્યું કે- ‘ હે રાજન, હું તમારા કથનાનુસારનું કાર્ય પાર પાડવાની પ્રતિજ્ઞા લઉં છું, આપ એ બાબતે નિષ્ફિકર રહેશો.”

તે પછી, અશ્વશાળામાં જઈને બાહુકે શ્રેષ્ઠ ઘોડાઓનું પરીક્ષણ કરવું શરૂ કર્યું. પછી ઉત્તમ કોટિના ચાર અશ્વો જોડીને તેણે રથ તૈયાર કર્યો.

રાજા ઋતુપર્ણ તેમાં સવાર થયા. અને તુરંત જ નભચારી પક્ષીઓ આકાશમાં ઉડે, તેમ તેમનો એ રથ થોડા જ સમયમાં નદીઓ, પર્વતો અને જંગલોને પાર કરતો ખૂબ જ વેગમાં અંતર કાપવા લાગ્યો.

એક જગ્યાએ રાજાનું ઉપવસ્ત્ર નીચે પડી ગયું તો તેમણે બાહુકને રથ થાંભવવા કહ્યું કે જેથી તેઓ એ વસ્ત્ર ઊંચકી લાવવા કહી શકે.

ત્યારે બાહુક બોલ્યો- ‘તમારું એ વસ્ત્ર ભલે હમણાં જ પડ્યું હોય પણ એટલીવરમાંય આપણે એક યોજન આગળ નીકળી ગયા છીએ. તો હવે પાછા વળીને ત્યાં ફરી જવું શું યોગ્ય નિર્ણય ગણાશે?”

રાજાને અશ્વોના વેગનો ખ્યાલ આવી જતાં તેઓ પ્રભાવિત થઈને ચૂપ રહ્યા.

થોડીવાર પછી અશ્વોના ચારા-પાણી-વિશ્રામ માટે રથને એક ઝરણાં પાસે ઉભો રાખ્યો, ત્યારે ફક્ત સરળતાથી સમય પસાર કરવા હેતુએ, ઋતુપર્ણ બોલ્યા:

‘બાહુક ! તમે મારી ગણિતની ચતુરાઈ જુઓ. સામે બહેડાનું વૃક્ષ છે, એના પર જે ફળો અને પર્ણો દેખાય છે, એનાં કરતા, જે જમીન પર પડ્યા છે તે પર્ણો અને ફળોની સંખ્યા એકસો ગણી વધારે છે. આ વૃક્ષની ડાળીઓ અને શાખો પર પચીસ સહસ્ર પર્ણ છે અને ફળોની સંખ્યા સાડા ચૌદસો છે. જો તમે ઇચ્છો તો ગણતરી કરો.’

‘હું આ બહેડાના વૃક્ષને કાપીને તેના ફળ અને પાનની બરાબર ગણતરી કર્યા પછી જ આપનો દાવો સાચો છે કે કેમ તે નક્કી કરીશ, મહારાજ.’

એમ કહી બાહુકે વૃક્ષ કાપી ગણતરી કરી તો રાજાએ કહેલી વાત સાચી ઠરી.

‘આપનું જ્ઞાન અદભુત છે શું આપ મને એ જ્ઞાન આપી શકો મહારાજ?’ -બાહુકે પ્રભાવિત સ્વરમાં વખાણ કરતાં પૂછ્યું.

‘ગણિતની વિદ્યાની જેમ જ દ્યુતના પાસાઓના વશીકરણની વિદ્યામાં પણ હું એટલો જ પારંગત છું.’ -રાજા પોરસાઈને બોલ્યા.

‘આપ મને એ વિદ્યા શીખવો. એનાં બદલામાં હું આપને અશ્વોની વિદ્યા શીખવીશ.’ -બાહુકે સસ્મિત કહ્યું.

ઋતુપર્ણે પાસઓનું વિજ્ઞાન બાહુકને શીખવ્યું અને કહ્યું- ‘અશ્વવિદ્યા તમે મને નગરની અશ્વશાળામાં શીખવજો એટલું તમારા પર બાહુક, મારુ ઋણ બાકી રહેશે, પણ આપણે હવે પ્રવાસ પુનઃ શરૂ કરીએ.’

‘જેવી આજ્ઞા મહારાજ, હું અશ્વોને ઝરણાં પાસેથી દોરીને લાવું.’

એમ કહી બાહુક ઝરણાં તરફ ગયો.

પરંતુ પાસઓનું વિજ્ઞાન મસ્તિષ્કમાં જતાં જ કર્કોટક નાગનું તીખું વિષ ઓકતો ઓકતો કલિ, નળરાજાના શરીરમાંથી બહાર નીકળી આવ્યો.

નળરાજા તેને જોઈ ખૂબ ક્રોધિત થયા અને તેને શ્રાપ આપવા તત્પર થયા. આ જોઈને કલિરાજ ભયથી કાંપતા હાથ જોડીને નળરાજાને વિનંતી કરવા લાગ્યો-

‘હે નળરાજા, તમે તમારો ક્રોધ શાંત કરો, હું તમને યશસ્વી બનાવીશ. રાજન, જે સમયે તમે દમયંતીનો ત્યાગ કર્યો હતો, તે જ સમયે તેણે મને શાપ આપ્યો જ છે. અત્યંત પીડા સાથે કર્કોટક સર્પના વિષમાં જળતો બળતો હું તમારી કાયામાં નિવાસ કરી રહ્યો હતો. હવે હું તમારી શરણમાં છું, મારી પ્રાર્થના સાંભળો અને મને શાપ ન આપો. હું વચન આપું છું કે જે કોઈ તમારા પવિત્ર ચરિત્રનું ગાન-પઠન કરશે તેને મારો કોઈ જ ભય નહીં રહે.’

રાજા નળે નિજ ક્રોધને શાંત કર્યો, અને તુરંત જ ભયભીત કલિ, એ બહેડાના વૃક્ષમાં પ્રવેશ કરી ગયો. એનાં પ્રવેશ સાથે જ તે વૃક્ષ સુકાઈને ઠુઠું બની ગયું.

આમ, કલિએ નળરાજાનો પીછો છોડી દીધો, પરંતુ તેમનું મૂળ સ્વરૂપ તો હજુ ય બદલાયેલ જ રહ્યું હતું.

તેઓ બાહુક સ્વરૂપે જ હતા.

બાહુકે અશ્વોને દોરીને રથ સુધી લાવી રથ જોડ્યો.

કલિ-સંવાદથી તદ્દન અજાણ એવા રાજા ઋતુપર્ણ રથમાં સવાર થયા અને રથ પવનવેગે દોડવા લાગ્યો.

સંધ્યા સમય પૂરો થતાંની સાથે જ તેઓ વિદર્ભદેશના કુણ્ડિનપૂરમાં પ્રવેશી ગયા.

(ક્રમશ:)

ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)