નળ દમયંતી ભાગ 7 : પતિને ઓળખવા માટે દમયંતીએ આ રીતે લીધી તેમની પરીક્ષા.

0
711

ભાગ 1 થી 6 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, દમયંતી પોતાના પતિ નળને ફરીથી મેળવવા માટે પોતાનું ખોટું સ્વયંવર આયોજે છે, તો બીજી તરફ નળરાજાના શરીરમાંથી કલિ બહાર નીકળી જાય છે. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

ઋતુપર્ણના આગમનના સમાચાર રાજા ભીમને મોકલવામાં આવ્યા, એટલે તેણે સામૈયું કરાવી યોગ્ય સ્વાગત કરાવ્યું.

દસે દિશાઓ ઋતુપર્ણના રથના રણકારથી ગુંજી ઉઠી.

નળરાજાના ઘોડા પણ કુણ્ડિનનગરમાં રહેતા હતા, કે જ્યારથી તેઓ તેમના સંતાનોને ત્યાં લાવ્યા હતા.

તે અશ્વોએ પણ રથના રણકાર વડે નળરાજાના આગમનને જાણી લીધું, અને પહેલાની જેમ જ પુનઃ તેઓ પ્રસન્નાવસ્થામાં આવી ગયા.

દમયંતી પણ રથના અવાજથી રોમાંચિત થઈ ઉઠી.

તે મનોમન બોલી પડી- “આ રથનો ધ્વનિ મુજ હૃદયે પૂર્વવત્ ઉલ્લાસ ઉત્પન્ન કરે છે, તો નિશ્ચિતપણે તેને હાંકનારો મારા પતિ જ હશે. હવે આજે જો તેઓ મારી પાસે નહીં આવે તો હું ધધકતીઆ ગમાં કૂદી જઈશ. ટીખળ-મસ્તીમાં ય મેં ક્યારે તેમની સાથે અસત્ય કે અશિષ્ટ વાત કરી નથી. ઉપરાંત તેઓ પણ એક શક્તિશાળી, ક્ષમાશીલ, વીર, અને એક પત્નીવ્રતી છે. તેમનાં વિયોગે હવે મારી છાતી કંપી રહી છે.’

તે પછી, દમયંતી મહેલની છત પર ચડી ગઈ અને આતુરતાપૂર્વક એ રથનું આગમન અને તેમાંથી સારથિનું ઉતરવું જોતી રહી અને મનમાં મનોરથના મહેલ ચણતી રહી.

અયોધ્યાધિપતિ ઋતુપર્ણનું અચાનક જ આગમન વિદર્ભરાજા ભીમ માટે એક અચરજ આપનારી ઘટના હતી. તે છતાંય ભારે ઉત્સાહ સહિત તેઓએ અતિથીનું સ્વાગત કર્યું. રાજા ઋતુપર્ણને ઉત્તમ કક્ષમાં ઉતારો આપવામાં આવ્યો.

તો, ઋતુપર્ણ સ્વયં પણ અચંબિત તેમ જ મૂંઝવણમાં હતા કારણ સમસ્ત કુણ્ડિનપુરમાં તેમને સ્વયંવરની કોઈ જ હિલચાલ દેખાતી નહોતી.

રાજા ભીમ એ બાબતથી બિલકુલ અજ્ઞાત હતા કે તેમની પુત્રીના સ્વયંવરનું આમંત્રણ મળવાને કારણે જ રાજા ઋતુપર્ણ અહીં આવ્યા હતા.

માટે સર્વે કુશલ-મંગલ પૂછ્યા બાદ તેમણે ઉત્સુકતાવશ ઋતુપર્ણને કહ્યું : ‘મહારાજ, આપના આગમનથી મને અધિક જ હર્ષ થયો છે, પણ આ આગમનનો હેતુ હજુ કળી શકાયો નથી.’

ઋતુપર્ણ માટે એ ભારે દુવિધાપૂર્ણ ક્ષણ હતી. સ્વયંવર માટેની કોઈ જ તૈયારી તો દેખાતી નહોતી એમાં હવે યજમાન દ્વારા તેમને આગમનનો હેતુ પણ પુછાયો, એટલે એક વાત તો સ્પષ્ટ થઈ કે સ્વયંવર તો આયોજિત હતો જ નહીં.

તેથી પોતાને પ્રાપ્ત સ્વયંવરના આમંત્રણની વાત મનમાં જ ધરબી તેઓ ચતુરાઈપૂર્વક બોલ્યા : ‘રાજન, હું તો માત્ર તમને પ્રણામ કરવા હેતુ જ આવ્યો છું.’

ભીમરાજાને ગળે આ ઉત્તર બિલકુલ ન ઉતર્યો. કારણ એટલું તો તેઓ સારી પેઠે સમજતા હતા કે સો યોજનથી વધુ દુરનું અંતર કાપીને કોઈ ફક્ત પ્રણામ કરવા હેતુ તો ના જ આવે.

‘અસ્તુ. જે પણ કારણ હશે તે પછીથી જાહેર થશે જ..!’ – એવું મન વાળીને રાજા ભીમે પુનઃ અતિથીના સત્કારમાં મન પરોવ્યું, જ્યારે બીજી તરફ, બાહુક વાર્ષ્ણેયની સાથે અશ્વશાળામાં રહ્યો અને ઘોડાઓની સેવામાં લાગી ગયો.

દમયંતીએ વિચારવાનું શરૂ કર્યું, ‘રથનો અવાજ મારા પતિના રથ જેવો લાગતો હતો, પણ તે તો ક્યાંય જ દેખાતા નથી. હા કે ના, પણ વાર્ષ્ણેયએ તેમની પાસેથી રથ-વિદ્યા શીખી હશે, એટલે જ આ રથ તેમનો લાગતો હશે. શક્ય છે કે ઋતુપર્ણ પણ એ વિદ્યા જાણતા હોય. પણ, તેમની સંગે આવેલ પેલા કુરૂપ માનવી કોણ છે, એ જાણી લેવું જોઈએ.

પછી દમયંતીએ પોતાની સેવિકાને બોલાવીને કહ્યું, ‘કેશિની! તું અતિથિકક્ષમાં જા અને જાણ કે અયોધ્યારાજ સાથે આવેલો પેલો કદરૂપો પુરુષ કોણ છે. શક્ય છે કે એ જ મારા પતિ હોય. બ્રાહ્મણો દ્વારા મેં જે સંદેશો મોકલ્યો હતો તે જ તેમને કહો અને તે બાબતે તેમનો જવાબ સાંભળ્યા પછી મને આવી જણાવ..!’

કેશિનીએ જઈને બાહુક સાથે વાત કરી.

બાહુકે રાજાના આગમનનું કારણ આપ્યું તથા સંક્ષેપમાં વાર્ષ્ણેયના અને પોતાના અશ્વ-જ્ઞાન વિષયે તેમજ પોતાની પાક-કલાનો પરિચય એ દાસીને આપ્યો.

પછી કેશિનીએ પૂછ્યું- ‘બાહુક! રાજા નળ ક્યાં છે? શું તમે એમના વિષયે જાણો છો? અથવા તમારો સાથીદાર વાર્ષ્ણેય કઈં જાણે છે?’

બાહુકે કહ્યું- “કેશિની ! વાર્ષ્ણેય નળરાજાના સંતાનોને અહીં છોડીને અહીંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ તે તેમના વિશેનું કશું જાણતો નથી. આ સમયે નળરાજાનું સ્વરૂપ બદલાઈ ગયું છે. તેઓ છદ્મવેશે રહે છે. એમને તો બસ, સ્વયં પોતે અથવા એમની પત્ની દમયંતી જ ઓળખી શકશે. કારણ કે તેઓ પોતાનાં ગુપ્ત ચિહ્નો અન્ય કોઈ સમક્ષ પ્રગટ કરવા ઇચ્છતા નથી.”

સેવિકા ધ્યાનપૂર્વક સાંભળતી રહી.

“કેશિની ! નળરાજા વિપત્તિમાં પડી ગયા હતા અને માટે જ તેમણે પત્નીનો ત્યાગ કર્યો હતો. તો રાજકુંવરી દમયંતીએ તેમનો ક્રોધ કરવો ના જોઈએ. નળરાજા જ્યારે ખોરાક માટે ચિંતિત હતા ત્યારે પક્ષીઓ તેમનું એકમેવ વસ્ત્ર હરણ કરીને લઇ ગયા. એ પછી એમનું હૃદય પીડાથી ખિન્ન હતું. એ સત્ય છે, કે તેઓએ તેમની પત્ની સાથે યોગ્ય વર્તન કર્યું નથી. તેમ છતાંય, દમયંતીએ તેમની દુર્દશાને ધ્યાનમાં રાખીને ક્રોધિત ના થવું એવું મારુ માનવું છે. તેણે જે પુનર્વિવાહનો નિર્ણય લીધો છે તે સદંતર અયોગ્ય છે.”

આટલું કહેતા કહેતા બાહુકનો સ્વર પીડાથી તરડાવા લાગ્યો. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને તે લગભગ વિલાપ કરવા લાગ્યો જે જોઈને દાસી દ્રવીત થઈ ઉઠી.

થોડીવારમાં તે દમયંતી પાસે આવી અને ત્યાંની બધી વાતચીત અને બાહુકના રુદન બાબત વાત કરી.

દમયંતીની આશંકા હવે દ્રઢ થવા લાગી, કે બાહુક જ રાજા નળ છે, પરંતુ તેમનું સાવ જુદું જ શારીરિક સ્વરૂપ તેને મૂંઝવતું હતું.

તેણે દાસીને કહ્યું- ‘કેશિની ! તું પુનઃ તેની પાસે જા અને વિના કઈં બોલ્યે, ત્યાં જ ઉભી રહે અને તેની દરેક ચેષ્ટાઓનું ગહન નિરીક્ષણ કર. જો તે અગ્નિ માંગે છે, તો તેને આપીશ નહીં. જો એ પાણી માંગે તો દેવાના વિલંબ કરજે. તેની એક એક હિલચાલ અને વર્તન વિષયે મને પછી અહીં આવીને વર્ણવ.’
કેશિની ફરી પાછી ત્યાં બાહુક પાસે ગઈ અને તેનાં દેવ સમાન તેમ જ મનુષ્ય જેવા તમામ ચરિત્રનું શાંત ચિત્તે ઊંડું નિરીક્ષણ કર્યું.

થોડી વેળા બાદ તે પાછી ફરી અને દમયંતીને તેનું વૃતાંત આપ્યું.

‘રાજકુમારી ! એવું ભાસે છે કે આ બાહુકે જળ, થલ અને અગ્નિ, આ સર્વે પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું છે. આ પ્રકારનો મનુષ્ય ના મેં ક્યાંય જોયો છે, કે નથી સાંભળ્યો. આવતાજતાં જો ક્યાંક નીચો દરવાજો આવે, તો તે નમતો નથી. બલ્કે તેને જોઈને દરવાજો સ્વયં ઉંચો થઈ જાય છે અને તે નમ્યા વગર પસાર થઈ જાય છે. નાનામાં નાનું છિદ્ર પણ તેના માટે એક ગુફા સમાન બની જાય છે. જળ ભરવા રાખેલ ઘડા તેની દ્રષ્ટિ પડતા જ સ્વયં જળથી ભરાઈ ગયા.

તેણે ઘાસનો પુળો લઈને સૂર્ય સામે ધર્યો, તો અગ્નિ આપમેળે તેમાં પ્રગટી ગયો. તદુપરાંત અગ્નિને સ્પર્શ કર્યા પછી પણ તે જળતો નથી. તો પાણીનો પ્રવાહ તેની ઇચ્છાનુસાર વહે છે. જ્યારે તે તેના હસ્તે પુષ્પોને મસળે છે, તો તેઓ કરમાતા નથી, પણ પ્રફુલ્લિત અને સુગંધિત દેખાય છે. આ સર્વે અદ્ભુત લક્ષણો જોઈને, હું તો સ્તબ્ધ થઈ ગઈ અને અતિ શીઘ્રતાપૂર્વક તમારી પાસે આવી છું.’

બાહુકની સર્વે દૈનિક ક્રિયાઓ અને ચેષ્ટાઓ વિષયે સાંભળીને, દમયંતી નિશ્ચિતરૂપે જાણી ગઈ, કે અવશ્ય આ તેનો પતિ જ છે. એ પછી, તેણે પોતાના બે બાળકોને દાસી કેશિની સંગે બાહુક પાસે મોકલ્યા.

ઇન્દ્રસેન અને ઇન્દ્રસેનને ઓળખીને, બાહુક તેમની સમીપ આવ્યો અને બંને બાળકોને તેની છાતી સરસા ચાંપી પોતાના ખોળામાં બેસાડ્યા. તે આ બાળકોને મળીને ખૂબ વિચલિત થઈ ગયો અને રુદન કરવા લાગ્યો. પિતૃ-સ્નેહની અભિવ્યક્તિ તેના ચહેરા પર સ્પષ્ટ વ્યક્ત થવા લાગી.

ક્ષણવાર પછી, બંને બાળકો તેણે કેશિનીને પાછા સોંપ્યા અને કહ્યું- ‘આ બન્ને બાળકો મારા બે બાળકો સમાન જ છે, તેથી તેમનું સ્મરણ થતાં, હું વ્યાકુળ થઈ ઉઠ્યો હતો. ઓ કેશિની ! તમે વારંવાર મારી પાસે અહીં આવો છો, તો ખબર નહીં લોકો શું વિચારવા લાગશે, માટે તમારું મારી પાસે વારંવાર આવવું શુભ નથી. તો કૃપા કરીને હવે તમે જાઓ.’

કેશિની પુનઃ દમયંતી પાસે આવી અને સઘળું વૃતાંત કહી સંભળાવ્યું.

એટલે દમયંતીએ તે સેવિકાને પોતાની માતા પાસે મોકલી અને કહેડાવ્યું- ‘માતા ! મેં નળરાજા સમજીને વારંવાર બાહુકની પરીક્ષા લીધી છે. લક્ષણોમાં કોઈ જ ફરક ન દેખાતા હવે ફક્ત મને એના રુપ બાબતે જ સંદેહ રહ્યો છે, તો હવે હું તેને જાતે જ ચકાસવા માંગુ છું. માટે, તમે બાહુકને મારા મહેલમાં આવવાની અનુમતિ આપવા કૃપા કરશો. ઈચ્છો તો તમારા પિતાશ્રીને આ બાબત જણાવો કે ન જણાવો, એ તમારા પર નિર્ભર કરું છું.’

આથી રાણીએ તેના પતિ ભીમરાજા પાસે ગયા અને પુત્રીએ આયોજિત સર્વે કાર્યક્રમ વિશે વિસ્તારમાં વાત કરી. રાજા ભીમને હવે ઋતુપર્ણના આગમનનું કારણ સ્પષ્ટ થયું. એ રાજાને અકારણ જ અહીં સુધીનો ફેરો પડ્યો એ બાબતે અફસોસ પણ થયો. પણ પતિની શોધ માટેની પુત્રીની આ સઘળી પ્રક્રિયામાં તેઓ એક પિતા તરીકે સઘળો સાથ સહકાર આપવા ઇચ્છતા હતા તેથી બાહુક તેમની પુત્રીને એકાંતમાં મળે એ બાબતે તેમણે સત્વરે અનુમતિ આપી. અને સ્વયં જ કોઈ સેવકને બોલાવી, બાહુકને રાણીવાસમાં બોલાવવાનો આદેશ આપ્યો.

સેવક અશ્વશાળામાં ગયો અને રાજકુંવરી દમયંતી એકાંતમાં મળવા ઈચ્છે છે એ પ્રકારનો સંદેશ બાહુકને આપ્યો.

બાહુક ઉઠ્યો. હાથ મોં ધોયા બાદ અનાયાસે જ જળ ભરેલ પાત્રમાં તેની નજર પડી ને એમાં પોતાનું કદરૂપુ પ્રતિબિંબ નિહાળ્યું. આવતીકાલે પુનર્વિવાહ કરવા નીકળેલી દમયંતીને શુ આ કુરૂપ દેહ તરફ કોઈ આકર્ષણ ઉત્પન્ન થઈ શકે ખરું? પોતે આપેલ કષ્ટ અને વિયોગથી ત્રસ્ત એવી આ નારીને પાછલી પીડા ભૂલવવા પોતાનું આવું સ્વરૂપ, સમર્થ થશે ખરું?

તે પુનઃ રડી પડ્યો. તેના પ્રેમની આ તે કેવી પરીક્ષા હતી..!

તો બીજી તરફ કક્ષમાં દમયંતી જાણે કે વૈરાગ્યની મૂર્તિ સમ બેઠી હતી. પોતે લીધેલ નિયમ મુજબના જ તેણે ભગવા વસ્ત્રો પરિધાન કર્યા હતા. કેશ વાળીને તેણે જટા બાંધી હતી. તેનો દેહ કૃશ અને મલીન હતો. આમ, કુરુપતાને તો જાણે કે એણે અષ્ટાંગે ઓઢી લીધી હતી.

આવું કુરૂપ યુગલ એકમેકને મળીને કોઈ દૈહિક આકર્ષણે સમીપ આવે એવી શક્યતાઓ નહીંવત હતી.

(ક્રમશ:)

ભાગ 1 થી 6 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)