લઘુકથા – ઉં હું :
ઘરમાં નાના મોટા આઠ માણસ. જેઠાણી શાંતાને કમરનો દુ:ખાવો. દેરાણી દેવુને જ જાજો ઢસરડો કરવો પડે. અવારનવાર ઘરકામ માટે માથાકુટ થતી, આજે ભડકો થઈ ગયો. બપોરે રસોઈ થઈ પણ બધાએ ખાધું ન ખાધું. સાંજથી નોખા થવાનું નક્કી થયું.
દેવુ નાના દિકરાને લઈ પોતાના ઓરડામાં ચાલી ગઈ. હર્ષને બપોરે ભાભુ સાથે સુવાની ટેવ, પણ ધબ્બો મારી પરાણે સુવડાવ્યો.. હર્ષ રોતો-રોતો જ સુઈ ગયો.
દેવુએ પ્રયાસ કર્યો.. પણ એકાદ ઝોલું પણ ન આવ્યું.. હર્ષને મા રવા બદલ વસવસો ઓછો થતો ન હતો.. મન વિચારે ચડ્યું.. “ભાભી છોકરાંવને આંગળી પણ અડાડવા દેતા નથી.. ઘર વહેવારની પણ મારે કંઈ ચીંતા નથી.. દુ:ખાવો છે, એટલે કામ નથી કરી શકતા.. એટલા સારુ જ નોખું શા માટે થવું.”
રોંઢાની ચાને હજી ઘણીવાર હતી, દેવુ ઉઠી રસોડામાં જઈ ચા મુકવા લાગી.
વાસણનો ખખડાટ સાંભળી, શાંતાને થયું કે વાસણના ભાગ કરતી હશે.
પણ દેવુએ બારણું ખટખટાવી કહ્યું.. “ભાભી.. ચા થઈ ગઈ..”
ચા પીતાં શાંતા બોલી.. “આજે આટલી વહેલી કેમ?”
દેવુએ જવાબ વાળ્યો..” માથું દુ:ખે છે.. ઉંઘ ના આવી.”
શાંતાએ માથાપર હાથ મુક્યો, “અલી.. આ તો ધખારા મારે છે. લાવ, તેલ ઘસી દઉં. ”
શાંતા ખાટલે બેઠી, દેવુ નીચે. તેલ ઘસાતું હતું. દેવુનું માથું ઢીલું થઈ શાંતાના સાથળ પર ટેકવાઈ ગયું. શાંતાના તેલવાળા આંગળા વાળમાં ફરતા થંભી ગયા. જાણે સમય પણ અટકી ગયો.
શાંતાએ કહ્યું “લે.. હવે તો બેઠી થા.”
દેવુ બોલી.. “ઉં..હું..”
-જયંતીલાલ ચૌહાણ ૧૮-૯-૧૯
(દેવુંનુ ક્રોધ ઉતર્યા પછીનો પસ્તાવો તેનું હૃદય પરિવર્તન કરે છે. જેઠાણી પણ બધુ ભુલી દેવુંને તેલ ઘસી દે છે. આવી સમજદારી દરેકમાં હોય તો ઘરના ભાગલા ના પડે.)