નણંદ અને દિયર કારણ વગર ભાભી સાથે ઝગડતા, એક દિવસ ભાભીએ કર્યું એવું કામ કે તેમની બોલતી બંધ થઈ ગઈ

0
2262

“પ્રતિકાર”

સુનીતા લગ્ન કરીને એવા સાસરે ગઈ જ્યાં તેની વાત સાંભળનાર કોઈ નહોતું, પોતાનું અને હમદર્દ કહી શકાય એવું કોઈ નહોતું. બધા તેને દબાવવાની કોશિશ કરતા અને તે ચૂપચાપ દુઃખ સહન કરતી અને તે દરેકનું કામ કરતી રહેતી. તેમ છતાં તેની નણંદ અને દિયર તેની સાથે કારણ વગર ઝગડતા અને તેને ખુબ પરેશાન કરતા. ઉપરથી તેનો પતિ એવો માણસ કે તે બધું જોતો હોવા છતાં બધું નજર અંદાજ કરતો. જ્યારે પણ તે વધારે પરેશાન થતી ત્યારે તે ચુપચાપ તેના રૂમમાં જતી અને રડતી.

જો તે તેના પિયરે જતી તો તે ત્યાં પણ કોઈને કંઈ કહેતી નહીં. પરંતુ માતા પોતાના બાળકોની નસે નસથી વાકેફ હોય છે. એટલે સુનીતાની મમ્મીને પણ પોતાની દીકરીનો ચહેરો જોઈને ખબર પડી ગઈ હતી કે દીકરી ઉપરથી ખુશ હોવાનો ડોળ કરે છે, પરંતુ અંદરથી દુઃખી છે. લગ્ન પછી છોકરીઓના ચહેરા પર જે ખુશી હોવી જોઈએ, તે દેખાતી નથી અને લગ્ન પહેલા તેના ચહેરા પર જે ચમક હતી તે પણ ખોવાઈ ગઈ છે.

પણ તેમણે દીકરીને વધુ ચિંતિત કરવાનું યોગ્ય ન સમજ્યું અને તેને કહ્યું, “જો સુનીતા બેટા… અન્યાય કરવો જો ખોટું છે, તો અન્યાય સહન કરવો એ એનાથી પણ વધુ ખોટું છે. જો તું પહેલા કોઈનું ખોટું નથી કરતી, અને જો તારી સાથે કોઈ ખોટું કરે તો તારે પોતે જ તેની સામે આવાજ ઉઠાવવો પડશે.” સુનીતાએ તેમની આ વાત મગજમાં ફિટ કરી લીધી.

એ પછી જયારે તેની નણંદ અને દિયરે તેની સાથે ગેરવર્તણૂક કરી તો સુનીતાએ મનમાં પોતાની માતાની વાત યાદ કરી ને તેનામાં હિંમત આવી ગઈ. તેણીએ તેમને કહ્યું “જુઓ મારી સાથે જે કોઈપણ ખોટું કરે છે, તેમની સાથે હું ખોટું નથી કરતી કે નથી તેમને વળતો જવાબ આપતી, પરંતુ મારો ખોળો ખંચેરી દવ છું. અને મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરું છું કે, હું પ્રભુ જેણે મને જે આપ્યું તે પાછું તેની પાસે જ જતું રહે.

સુનીતાની વાત સાંભળીને તેઓ થોડા ડરી ગયા, એ પછી ભલે ડરને કારણે જ પણ સુનીતાએ તેમના વર્તનમાં ઘણો બદલાવ જોયો. સાચે જ જે લોકો બીજા માટે ખાડો ખોદતા હોય, તેઓ પોતે તેમાં પડી જવાના નામથી જ ઘણા ડરતા હોય છે.

લેખક – રીટા મક્કડ.