નાનો ભાઈ પોતાના મોટા ભાઈને કરતો હતો નફરત, એક દિવસ એવો બનાવ બન્યો કે બધી નફરત ઓગળી ગઈ

0
1179

“એક જ ઘર”

અમે બે ભાઈઓ એક જ ઘરમાં રહીએ છીએ, હું પહેલા માળે અને ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર પર. પણ ખબર નહીં ક્યારે અમે બંને ભાઈઓ એકબીજાથી દૂર થતા ગયા. એક જ ઘરમાં રહીને પણ વધુ વાત ન કરવી, હુંસા-તુસી વાળી વાતોને વધુ મહત્વ આપવું, આ બધું ચાલતું હતું.

ભાઈ ઓફિસ માટે વહેલા નીકળતા અને ઘરે વહેલા આવતા, જ્યારે હું મોડો નીકળતો અને મોડો પાછો આવતો, એટલે મારી કાર હંમેશા તેમની કારની પાછળ ઉભી રહેતી. દરરોજ સવારે કાર હટાવવા માટે તેમનો અવાજ મને હંમેશા ખટક્યા કરતો, મને લાગતું કે મારી ઊંઘ બગડી રહી છે. કેટલીકવાર રાત્રિના સમયે તેમનું બોલવું બિલકુલ સહન ના થતું. મારા બાળકોને ફ્લોર પર કૂદવા માટે ના પાડવી, અને કહેવું કે તેના લીધે અમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે.

આવી રીતે દિવસો પસાર થતા ગયા. એક વખત હું બાલ્કનીમાં બેઠો હતો કે નીચેથી ઘરનો દરવાજો ખૂલવાનો અવાજ સંભળાયો. ડોકિયું કરીને જોયું તો ત્યાં સોસાયટીના યુવાનોનું ટોળું હતું જે કોઈ તહેવાર માટે ફાળો માંગવા આવ્યા હતા.

મારા ભાઈ પાસેથી ફાળો લઈને એ લોકો પહેલા માળે મારા ઘરે આવવા માટે સીડીઓ ચઢવા લાગ્યા, ત્યારે ભાઈએ કહ્યું, “અરે ઉપર ના જશો, ઉપર અને નીચે એક જ ઘર છે”. આ સાંભળી યુવાનોનું ટોળું નીકળી ગયું, પણ ભાઈના શબ્દો મારા મગજમાં ગુંજવા લાગ્યા, “ઉપર અને નીચે એક જ ઘર છે”.

મને શરમ આવવા લાગી કે ભાઈમાં આટલી મહાનતા છે, અને હું તેમને નફરત કરું છું? વાત સો-બસો રૂપિયાના ફાળાની નહોતી, પણ દ્રષ્ટિકોણની હતી અને ભાઈ સારી વિચારસરણીમાં મારાથી ઘણા આગળ હતા.

બીજા જ દિવસથી મેં સવારે વહેલા ઉઠીને ગાડી બહાર કાઢવાનું શરુ કરી દીધું. બાળકોને રાત્રે વહેલા સૂઈ જવાની સૂચના આપી, જેથી મોટા ભાઈ ઘરમાં શાંતિથી સૂઈ શકે, કારણ કે “એક જ ઘર” છે.