ભાગવત રહસ્ય 47: નારદજીને કેવી રીતે ભક્તિનો રંગ લાગ્યો તે જાણવા આ ભાગવત કથા વાંચો.

0
830

ભાગવત રહસ્ય – ૪૭

નારદજી કહે છે કે – સાંભળો. હું સાત-આઠ વર્ષનો હોઈશ. મારા પિતા નાનપણમાં મ-ર-ણ-પા-મે-લા. તેથી મને મારા પિતા બહુ યાદ નથી. પણ મારી માં એક બ્રાહ્મણના ઘરમાં દાસી તરીકે કામ કરતી હતી. હું દાસી-પુત્ર હતો. હું ભીલના બાળકો સાથે રમતો. મારા પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થતાં અમે જે ગામમાં રહેતા હતા ત્યાં ફરતા ફરતા કેટલાક ભજનાનંદી સંતો આવ્યા.

ગામ લોકોએ તેમનું સન્માન કર્યું. કહ્યું કે ચાર મહિના અમારા ગામમાં રહો. તમારા જ્ઞાન-ભક્તિનો અમને લાભ આપો. અને સંતોને કહ્યું – આ બાળકને અમે તમારી સેવામાં સોંપીએ છીએ. તે તમારા વાસણ માંજ્શે, કપડાં ધોશે, પૂજાના ફૂલો લાવશે. ગરીબ વિધવાનો છોકરો છે. પ્રસાદ પણ તમારી સાથે જ લેશે.

“સાચાં સંત મળવા મુશ્કેલ છે, કદાચ મળે તો એવા સંતોની સેવા મળવી મુશ્કેલ છે. મને સંતોના એકલા દર્શન જ નહિ પણ સેવા કરવાનો પણ લાભ મળ્યો. મારા ગુરુ પ્રભુ ભક્તિથી રંગાયેલા હતા. સાચા સંત હતા. અમાની હતા. બીજાને માન આપતા હતા. મને તેમના પ્રત્યે સદભાવ જાગ્યો. એમના સંગથી મને ભક્તિનો રંગ લાગ્યો.

ગુરુ એ મારું નામ હરિદાસ રાખ્યું. ગુરુદેવ પ્રેમની મૂર્તિ હતા. સંતોને સર્વ પ્રત્યે સદભાવ હોય છે, પણ મારા પર ગુરુદેવે વિશિષ્ટ કૃપા કરી. ગુરુજી જાગે તે પહેલાં હું ઉઠતો. ગુરુજી સેવા કરે ત્યારે ફૂલ-તુલસી હું લઇ આવતો. મારા ગુરુજી આખો દિવસ વેદાંતની, બ્રહ્મ-સૂત્રની ચર્ચા કરે પણ રોજ રાતે કૃષ્ણ કથા, કૃષ્ણ કિર્તન કરે. કનૈયો તેમને બહુ વહાલો. તેમના ઇષ્ટ દેવ બાલકૃષ્ણ હતા.”

આ ઋષિઓ, સંતો બાલકૃષ્ણની આરાધના કરે છે. બાળક જલ્દી પ્રસન્ન થાય છે. કનૈયાનો કોઈ ભક્ત તેને બોલાવે તો લાલો દોડતો આવે છે.

“મારા નાનપણથી એક-બે ગુણો હતા. હું વહેલો ઉઠતો. વહેલો ઉઠનાર સંતોને ગમે છે. હું બહુ ઓછું બોલતો. બહુ બોલનાર સંતોને ગમતા નથી. મારા માં વિનય હતો, ગુરુદેવ પાસે હાથ જોડી હું ઉભો રહેતો.”

એક દિવસ કથામાં મારા ગુરુદેવ બાલકૃષ્ણની બાળ-લીલાનું વર્ણન કરતાં હતા. તે મેં સાંભળી.

બાળ લીલામાં પ્રેમ છે. નાનાં બાળકો કનૈયાને બહુ વહાલા લાગે. શ્રી કૃષ્ણનો મિત્ર પ્રેમ અલૌકિક છે. મિત્રો માટે એ માખણચોર બન્યા છે. ચોરી કરી માખણ પોતે ખાધું નથી, મિત્રોને ખવડાવ્યું છે. ગુરુદેવે બાળ લીલાનું એવું વર્ણન કર્યું કે મને બહુ આનંદ થયો. કથા શ્રવણથી લાલા માટે સદભાવ જાગ્યો. મારું કોળીઓના બાળકો સાથે રમવાનું છૂટી ગયું. હું રમવાનું ભૂલી ગયો અને રોજ કથામાં જવા લાગ્યો. શ્રી કૃષ્ણ લીલામાં એવું આકર્ષણ છે કે જે સાધુ, સન્યાસીઓના મનને પણ ખેચી લે છે.”

સંતોની આંખ શુદ્ધ હોય છે. પવિત્ર હોય છે. સંતો આંખમાં પરમાત્માને રાખે છે. તેથી તેમનામાં અલૌકિક શક્તિ હોય છે. સંત ત્રણ પ્રકારે કૃપા કરે છે. સંત જેની તરફ વારંવાર કૃપા દ્રષ્ટિથી નિહાળશે તેનું જીવન સુધરી જશે. માળા કરતાં જેને સંભાળશે તેનું જીવન ધન્ય થશે. પ્રેમમાં જેને ભેટી પડે તેનું કલ્યાણ થશે.

ગૌરાંગ મહાપ્રભુના ચરિત્રમાં કથા આવે છે. તેમને એક એક યવન (અંગ્રેજ)પર કૃપા કરેલી.

વૈષ્ણવોના કિર્તનથી એક યવનની નિંદ્રામાં ભંગ થાય. તેથી તે યવન વૈષ્ણવોને ચા-બુ-ક-થી મા-રે-છે.

મહાપ્રભુએ આ સાંભળ્યું. હું આજે ત્યાં કિર્તન કરીશ. ’હરિ બોલ-હરિ બોલ’ કરતાં ત્યાં ગયા છે. પેલો અધમ જીવ હતો. તે મહાપ્રભુને મા-ર-વા-ગ-યો. મહાપ્રભુ તેને પ્રેમથી ભેટી પડ્યા. યવનના જીવનમાં પલટો આવ્યો.

સંત જેને પ્રેમથી ભેટી પડે છે તેને કૃષ્ણ પ્રેમનો રંગ લાગે છે.

“મારા ગુરુ મને પ્રેમથી મને વારંવાર નિહાળે. ગુરુજી કહે – આ છોકરો બહુ ડાહ્યો છે. જાતિહીન છે પણ કર્મહીન નથી. એક દિવસ સંતો જમી રહ્યાં પછી હું તેમનાં પતરાળાં ઉઠાવતો હતો. મને ભુખ લાગી હતી.

ગુરુજી મને આમ સેવા કરતાં જોઈ રહ્યાં હતા. તેમનું હૃદય પીગળ્યું. મને પૂછ્યું કે હરિદાસ તેં ભોજન કર્યું કે નહિ? મેં હાથ જોડી વિવેકથી કહ્યું કે હું સંતોની સેવામાં છું. સેવા કર્યા પછી ભોજન લઈશ.

ગુરુદેવે આજ્ઞા કરી કે પતરાળાંમાં મેં જે રાખ્યું છે તે તારા માટે રાખ્યું છે. આ મહાપ્રસાદ છે.

મારા જીવનું કલ્યાણ થાય તેવી ભાવનાથી તેમણે પ્રસાદ આપ્યો અને મેં ખાધો.”

શાસ્ત્રની મર્યાદા છે કે ગુરુજીની આજ્ઞા વિના ગુરુજીનું ઉચ્છીષ્ઠ (છોડી દીધેલું) ખાવું નહિ.

આનું (શિષ્યનું) કલ્યાણ થાય એવી ભાવનાથી ગુરુ પ્રસાદ આપે ત્યારે તે પ્રસાદમાં દિવ્ય શક્તિ આવે છે. સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે.

સંતનું હૃદય પીગળતાં તે બોલીને આપે ત્યારે તે પ્રસન્ન થયા છે તેમ સમજવું.

“એક તો બાલકૃષ્ણનો એ પ્રસાદ હતો, વળી મારા ગુરુજી આરોગેલા એટલે એ મહાપ્રસાદ થયો. મેં પ્રસાદ ગ્રહણ કર્યો. મારા સર્વ પાપ નાશ પામ્યાં. મારી બુદ્ધિ સુધરી, મને ભક્તિનો રંગ લાગ્યો. કૃષ્ણ પ્રેમનો રંગ લાગ્યો.

તે દિવસે હું કિર્તનમાં ગયો તે વખતે મને નવો જ અનુભવ થયો. કિર્તનમાં અનેરો આનંદ આવ્યો અને હું નાચવા લાગ્યો. હું દેહભાન ભૂલી ગયો. ભક્તિનો રંગ મને તે જ દિવસથી લાગ્યો. ચાર મહિના પછી મને બાલકૃષ્ણનો અનુભવ થયો.”

સંપત્તિ આપી સુખી કરવા એ સંતનું કામ નથી. સાચા સંતો જયારે કૃપા કરે છે ત્યારે પાપ છોડાવે છે.

સાચા સંત સંપત્તિ કે સંતતિ આપીને સુખી કરતાં નથી પણ સન્મતિ આપીને સુખી કરે છે.

ભગવત પ્રેમ વધારી ભગવત પ્રેમ સિદ્ધ કરી આપી ભક્તિનો રંગ લગાડી સુખી કરે છે.

સાચા સંત કૃષ્ણ પ્રેમના માર્ગમાં, પ્રભુ પ્રેમના માર્ગમાં વાળે છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)