ભાગવત રહસ્ય 132: નારદજીએ એવું કેમ કહ્યું કે કેવળ યજ્ઞ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી, જાણો કારણ

0
360

ભાગવત રહસ્ય – ૧૩૨

ધ્રુવના વંશમાં પૃથુ મહારાજ થયા અને તેમના જ વંશમાં પ્રાચીનર્બહિ રાજા થયો અને તેને ત્યાં દશ પ્રચેતાઓ થયા છે. પ્રચેતાઓ નારાયણસરોવર આગળ તપ કરે છે. નારાયણ સરોવર આગળ કોટેશ્વર મહાદેવ છે. પ્રચેતાઓ માટે શિવજી ત્યાં પ્રગટ થયા છે. શિવજી પ્રચેતાઓને રુદ્રગીતનો ઉપદેશ કરે છે. પ્રચેતાઓએ શિવજીના કહેવા મુજબ દસ હજાર વર્ષ જપ-તપ કર્યા છે.

તે સમયે નારદજી પ્રાચીનર્બહિ રાજા પાસે આવ્યા છે. રાજા કર્મપ્રધાન છે. અનેક યજ્ઞો તેમણે કર્યા હતા. નારદજી રાજાને પૂછે છે : તમે અનેક યજ્ઞો કર્યા,(કર્મો કર્યા) તમને શાંતિ પ્રાપ્ત થઇ કે નથી થઇ? રાજા કહે છે : ના મનને શાંતિ નથી. મને શાંતિ મળી નથી. નારદજી : તો પછી આ યજ્ઞો (કર્મો) તમે શા માટે કરો છો?

રાજા : મને પ્રભુએ બહુ આપ્યું છે. તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી, બ્રાહ્મણોની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજસેવામાં સંપત્તિનો ઉપયોગ થાય છે એટલે યજ્ઞો કરું છું.

નારદજી કહે છે : યજ્ઞ કરવાથી “દેવો” પ્રસન્ન થાય છે એ વાત સાચી. યજ્ઞ કરવાથી જીવોનું કલ્યાણ થાય છે અને તે સર્વની સેવાનું સાધન છે એ વાત પણ સાચી. પણ…. યજ્ઞ કરવાથી શાંતિ મળતી નથી. શાંતિ ત્યારે મળે કે જયારે જીવ જન્મ મ-ર-ણ-ના ત્રા-સ-માં-થી છૂટે. યજ્ઞ એ ચિત્તશુદ્ધિ માટે છે. ચિત્તશુદ્ધિ થયા પછી એકાંતમાં બેસી ધ્યાન કરવાની જરૂર છે. કેવળ યજ્ઞ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી.

યજ્ઞ કરી પુણ્ય મેળવી તું સ્વર્ગમાં જઈશ પણ જેવું પુણ્ય ખતમ થશે એટલે સ્વર્ગમાંથી ધકેલી દેશે. તને તારા આત્મસ્વરૂપનું જ્ઞાન નથી. આત્મા-પરમાત્માને જાણતો નથી તેથી તને શાંતિ મળતી નથી. હવે તારે યજ્ઞો કરવાની જરૂર નથી. શાંતિથી એક જગ્યાએ બેસીને ઈશ્વરનું આરાધન કર.

મનુષ્ય લૌકિક સુખમાં એવો ફસાયેલો છે કે “હું કોણ છું?” તેનું તેને જ્ઞાન થતું નથી. જે પોતાના સ્વરૂપને (આત્માને) ઓળખી શકતો નથી તે પરમાત્માને કેવી રીતે ઓળખી શકે? હું તને એક કથા કહું છું તે સાંભળ, તેથી તને તારા સ્વરૂપનું જ્ઞાન થશે.

પ્રાચીન કાળમાં પુરંજન નામે એક રાજા હતો. રાજાનો એક મિત્ર હતો તેનું નામ અવિજ્ઞાત. અવિજ્ઞાત પુરંજનને સુખી કરવા સતત પ્રયત્નશીલ રહેતો અને પુરંજનને આ વાતની ખબર ના પડે તેની કાળજી રાખતો. જીવ અને ઈશ્વરની મૈત્રી છે. અવિજ્ઞાત તે ઈશ્વર છે. ઈશ્વરને જીવ પ્રત્યે અપાર કરુણા છે. જીવને ગુપ્ત રીતે હર પળે મદદ કરે છે. તેથી મદદ આપનારો કોણ છે તે દેખાતું નથી.

પરમાત્મા પવન, પાણી, પ્રકાશ, બુદ્ધિ બધું જીવને આપે છે. પછી કહે છે કે બેટા, એક કામ તું કર અને એક કામ હું કરું. તારી અને મારી મૈત્રી છે. ધરતી ખેડવાનું કામ તારું, વરસાદ વરસાવવાનું કામ મારું. બીજ તારે રોપવાના અને એમાં અંકુર પ્રગટાવવાનું કામ મારું. બીજ ઉત્પન્ન થયા બાદ રક્ષણનું કામ તારું પોષણનું કામ મારું. આ બધું કરવા છતાં હું સઘળું કરું છું તે જીવને ખબર પડવા દેતા નથી. પ્રભુની આ અવિજ્ઞાત લીલા છે. તે પછી ભગવાન કહે છે ખાવાનું કામ તારું અને પચાવવાનું કામ મારું. ખાધા પછી સુવાનું કામ તારું જાગવાનું કામ મારું.

ઈશ્વર સુત્રધાર છે, તે સુતો નથી. નિદ્રામાં પણ આપણું રક્ષણ કરે છે. આપણે રેલગાડીમાં સારી જગ્યા મળે તો સુઈ જઈએ છીએ, પણ એન્જીનનો ડ્રાઈવર સુઈ જાય તો? આ બધું પરમાત્મા કરે છે છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે? પ્રભુના જીવ પર કેટલા બધા ઉપકાર છે! છતાં જીવ કૃતઘ્ન છે.

પુરંજન એ જીવાત્મા છે. પુરમ શરીરમ જનયતિ. પોતાનું શરીર એ પોતે બનાવે છે. પુરંજને વિચાર કર્યો નહિ કે હું કોના લીધે સુખી છું. સર્વદા ઉપકાર કરનાર ઈશ્વરને ભૂલીને તે એક દિવસ નવ દરવાજા વાળી નગરીમાં દાખલ થયો. (નવ દરવાજા વાળી નગરી તે માનવ શરીર. શરીરને નાક, કાન વગેરે નવ દરવાજા છે.) ત્યાં આવ્યા પછી તેને એક સુંદર સ્ત્રી મળી.પુ રંજને તેને પૂછ્યું : તમે કોણ છો?

સ્ત્રીએ જવાબ આપ્યો : હું કોણ છું, મારું ઘર ક્યાં છે, મારા માતાપિતા કોણ છે, મારી જાતિ કઈ છે, તે કશું હું જાણતી નથી. પણ તમારે પરણવું હોય તો હું તૈયાર છું, હું તને સુખી કરીશ.

સુંદર દેખાતી હતી એટલે કશું પણ વિચાર કર્યા વગર પુરંજને તેની સાથે લગ્ન કર્યું. સ્ત્રીમાં એવો આસક્ત થયો કે થોડા સમયમાં તેને ૧૧૦૦ પુત્રો થયા. વિચાર કરો, સંસારસુખ ભોગવવાની ઈચ્છા અને સંકલ્પવાળો જીવ એ બુદ્ધિ સાથે પરણે છે. બુદ્ધિ જાણતી નથી કે તેના માતાપિતા ઘર વગેરે ક્યાં છે? ઇન્દ્રિયો ૧૧ છે. એક એક ઇન્દ્રિયોના ૧૦૦ સંકલ્પો તે એક એકના સો પુત્રો. તે પુત્રો માંહે માંહે લડે છે. એક વિચાર ઉદભવે તેને બીજો દબાવી દે છે. સંકલ્પ-વિકલ્પથી જીવને બંધન થાય છે.

ઘણા વર્ષો સુધી પુરંજન સંસાર સુખ ભોગવે છે. બીજી બાજુ કાળદેવની દીકરી જરા સાથે કોઈ લગ્ન કરતુ નહોતું. તે કહે છે : મને કોઈ વર બતાવો. તેને કહે છે કે તને વર બતાવું. પુરંજનનગરીમાં એક જીવ છે તે તારી સાથે લગ્ન કરશે. પછી પુરંજનની ઈચ્છા ન હોવાં છતાં જરા(વૃદ્ધાવસ્થા) તેને વળગી. પુરંજનનું બીજું લગ્ન જરા સાથે થયું.

વધુ આવતા અંકે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)