“ચકીકો”
– અનિરુદ્ધ “આગંતુક”
(માનવીય મનની સૂક્ષ્મ લાગણીઓની વાર્તા)
ચકી રિસાઈને પિયર જઈને બેઠી હતી. ચકાને દુઃખી થવું જોઈતું હતું, પણ.. ઉલટાની તેને આ એકલા રહેવાની સ્વતંત્રતા ગમી. તેથી તે અડધો દિવસ તો આળસુની જેમ સુઈ રહ્યો. પછી મૂડ આવ્યો એટલે એક નાનું ફ્લાય કરી આવ્યો. બાદમાં માળામાં બેસીને આવતા જતા લોકોને જોતાજોતા નાસ્તો કરવા લાગ્યો.
શરૂઆતનો આનંદ હવે એકલતામાં ફેરવાઈ ગયો. બેચેની, અકડામણથી ચકો કંટાળી ગયો. નિર્જીવ વસ્તુઓની અલકમલક રીતે ગોઠવણી કરીને પોતાની જાતને આનંદ આપવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ, તેને નવાઈ લાગી. રોજ ચેતનાસભર આનંદ આપતી વસ્તુઓ આકે તેને જડ કેમ લાગતી હતી?
ઝાડના પાંદડાના અવાજમાં પણ સંગીતને મહેસુસ કરી લેનાર ચકાને આજે તેનો અવાજ શોરબકોર કેમ લાગી રહ્યો હતો? પ્રકૃતિ અચાનક જ રસહીન કેવી રીતે બની ગઈ? ચકો ગૂંગળાઈ ગયો.
હારીને થાકીને તેણે ચકીને મિસકોલ કર્યો. ચકીએ કોલ બેક કરીને પૂછ્યું, “શું થયું?”
ઇગોઇસ્ટ ચકાએ કહ્યું કે, “ભૂલથી લાગ્યો” (તારા વિનાની આ સૃષ્ટિ મને ખાવા દોડે છે એવું કહેવામાં ચકાને તેનો મેલ ઈગો નડતો હતો.)
“ઓકે, ધેટ્સ ફાઈન.. ટેક કેર.!” કહીને ચકીએ ફોન મૂકી દીધો.
પોતાની જાતને કોસતો ચકો સુનમુન બેસી રહ્યો. થોડીક વારમાં અચાનક તેને વૃક્ષપર્ણનું મસ્ત મ્યુઝીક સંભળાયું. પાણીના અવાજમાં મસ્ત સરગમ વાગી. પ્રકૃતિ આનંદ આપવા લાગી. નિર્જીવ વસ્તુઓ હવે ચેતનાસભર લાગવા લાગી.
ચકાએ પાછળ જોયું. ચકી આવીને બેસી હતી. ભયંકર આવેગથી ચકો ચકીને વળગી પડ્યો.
હા, ચકાના એક મિસ કોલથી તેની વેદના પારખી ગયેલી ચકી આવી ચુકી હતી. ચકીને કોઈ ઈગો નહોતો. અરે.. ચકીનો તો ઈગો કહો કે ઓળખ કહો… એ ખુદ ચકો જ હતો.
પ્રકૃતિ આ મિલનથી ઝૂમી રહી. ચકીએ સાબિત કરી દીધું કે સંબંધો નિભાવવા માટે થઈને નારીજાતિ હંમેશા નમવા/હારવા/જતું કરવા તૈયાર હોય છે.
– અનિરુદ્ધ “આગંતુક”
(ઊર્મિલ ગોરે બી પ્લસ યુ આર નોટ અલોન ગ્રુપમાં શેર કરેલી પોસ્ટ)