નર્મદા એટલે વિશ્વની એકમાત્ર એવી નદી જેની પરિક્રમા કરવામાં આવે છે, જાણો તેનું મહત્વ અને રોચક વાતો.

0
2157

વિશ્વમાં આવેલી અનેક નદીઓમાં નર્મદા જ એક એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે, જે નર્મદા નદીનું ધાર્મિક મહત્વ સાથે અનેક લોકોની આસ્થાની પ્રતીતિ કરાવે છે. નર્મદા એટલે આનંદ આપનારી. પુરાણોમાં આ ઉપરાંત રેવા, સોમોધ્ભવા અને મેકલકન્યકા નાં નામે વર્ણન કરવામાં આવેલું છે.

નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રાળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે બે થી ત્રણ વર્ષ લાગે છે.

નર્મદા નદીએ ભારતની પાંચમાં નંબરની પૂર્વથી પશ્રિમ તરફ વહેણ ધરાવતી મોટી નદી છે. નર્મદા નદીની કુલ લંબાઈ ૧,૩૧૨ કી.મી જેટલી છે અને કુલ પરિક્રમા રૂટ ૨,૬૨૪ કી.મી જેટલો થાય છે.

વિંધ્ય પર્વતમાળાનાં અમરકંટકનાં ડુંગરમાંથી નીકળતી રેવા અને સાતપુડા પર્વતમાળાના મૈકલ પર્વતમાંથી નીકળતી નર્મદા માંડલ નજીક મળે છે. મધ્યપ્રદેશમાંથી આવીને છોટા ઉદેપુર પાસે હાંફેશ્વર પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે.

નર્મદા નદી અંતે ભરૂચ નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે અને અરબી સમુદ્રને મળે છે. ગુજરાતમાં નર્મદા નદીની કુલ લંબાઈ ૧૬૦ કી.મી જેટલી છે અને પરિક્રમા રૂટ ૩૨૦ કી.મી. જેટલો થાય છે.

વર્તમાન સમયમાં પરિક્રમા વાસીઓની સંખ્યા ઘટી હોય તેવું પ્રતીત થાય છે વળી, હવે પરિક્રમા કરતા યાત્રિકો નદી તટે તટે પરિક્રમા નથી કરી શકતા પરંતુ કેટલાક ભાગોમાં તો નદીથી ત્રણ-ચાર કિમી દુરથી પરિક્રમા કરવી પડે છે.

ધન્ય છે નર્મદા પરિક્રમા રૂટમાં આવતા ગામોના લોકોને કે તેઓ આવનાર યાત્રીકોની ખુબ જ સારી રીતે સરભરા કરી રહ્યા છે જે વર્ષોથી પોતાની ફરજ ગણીને આ કાર્ય નિભાવી રહ્યા છે.

ગાયકવાડ શાસકો સમયે પણ નર્મદા ઘાટ અને તેની આસપાસનાં વિસ્તારને ઉજાગર કરવા અને જુના ધર્મસ્થાનોને સમારકામ તેમજ નવા ધર્મસ્થાનો બાંધવા માટે મહત્તમ પ્રયાસો વર્તમાન અભ્યાસ પરથી જોઈ શકાય છે.

આગામી સમયમાં સરકારશ્રી તરફથી પણ પરિક્રમાવાસીઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિકાસ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે જે સારી બાબત છે. પરિક્રમા રૂટમાં આવતા મંદિરો, આશ્રમો, ગામો મોટા ભાગે ઐતિહાસિક ભૂમિકા ધરાવતા જાણવા મળે છે.

– અતુલ્ય વારસો

(સાભાર કપિલ ઠાકર, અમર કથાઓ ગ્રુપ)