નરસિંહ મહેતાએ નંદ ગોપાલ માટે લખેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની વધુ મજા આવે છે.

0
238

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે, એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે. નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય કૃષ્ણ-પ્રેમ ઉજાગર થયો છે. નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે.

ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે? ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કંકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે.

– વિવેક મનહર ટેલર

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.

શી કું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,

માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,

મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,

નિત ઊઠીને કેટલું સહીએ, રહેવું નગર મોઝાર રે … જશોદા.

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;

ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.

મારો કાનજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બ્હાર રે,

દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે,

નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા.

– નરસિંહ મહેતા

(સાભાર શોધ, ભાષા તું પ્રથમ શબ્દો વગરની, અમર કથાઓ ગ્રુપ )

સાંભળો ઓડિયો :