નસીબના ખેલની આ રમુજી સ્ટોરી વાંચીને તમારું મન હળવું થઈ જશે.

0
816

લખુ ભાગાણી.

અટક તો એની બીજી હતી , પણ ઓળખ લખુ ભાગાણી તરીકેની હતી. આ છાપ એની વહુને લીધે પડી હતી. પહેલાં તો લોકો પાછળથી ભાગાણી કહેતાંં. કોક મોઢે કહે, તો લખુ ખીજાતો. હવે ખીજાવાનું બંદ કરી દીધું. જાણે અટક જ થઈ ગઈ. ‘લખુ ભાગાણી.’

મૂળ વાત એમ હતી કે લખુનું ક્યાંય ગોઠવાતું નહોતું. રુપ રંગ, માલ મિલ્કત, ભણતર આબરુ એમાં કાંઈ વખાણવા જેવું નહીં. સગાના સગા, એના સગા, સાવ ચોક્ખા નાતીલા બધે ફરી વળ્યા, પણ સગાઈ થઈ નહીં.

પછી આજુબાજુના ગામને બદલે દુર તપાસ ચાલુ કરી. એક ઠેકાણેથી હા આવી. જોવાનું ગોઠવાયું ત્યારે વચેટિયાએ ચોખવટ કરી. “જુઓ, ગામમાં અમારા વિરોધી ઘણા છે. તમને કોઈ વધારીને વાત કરે, એ પહેલાં કહી દઉં કે છોકરી ભાગીને પાછી આવેલી છે.”

લખુ અને એના માબાપે ના પાડી.. “ના એવું તો નથી કરવું.”

વચેટિયાએ કહ્યું “કાંઈક વહેવારમાં સમજો, તો એની નાની બેનનું ગોઠવાવી દઉં.”

દશ હજાર લઈને વચેટિયાએ નાની દિકરી સાથે સગાઈ કરાવી દીધી. લગન લેવાયા. મહેમાન આવ્યા. મંડપ રોપાયા. જમણવાર થયો. સાંજે પાંઉભાજી ખાધી. રાતે દાંડીયારાસ લીધા.

ગામ છેટેનું હતું એટલે સુવાને બદલે સીધા તૈયાર થઈ, જાનૈયા જાનડિયું બે બસમાં ગોઠવાઈ ગયા ને મોંસુજણું થતાં જાન પહોંચી. વેવાઈને પાદરે સામેથી બે જણા આવ્યા. વચેટિયો અને કન્યાનો કાકો. વચેટિયાએ કહ્યું. “હમણાં બીજા બસમાંથી ઉતરતા નહીં. ખાલી વર અને વરના માબાપ જ ઉતરે.”

પાંચેય થોડે દુર ગયા. વચેટિયો બોલ્યો “સાંભળો, તૈયાર થવાનું બહાનું કરી કન્યા રાતે ભાગી ગઈ છે. અમે અટાણ સુધી ગોતી પણ મળી નથી. જમણવારની રસોઈ ને નાસ્તાના ગાંઠિયા થઈ ગયા છે. ગોરબાપા તૈયાર છે. તમારે મોટી કબુલ હોય તો, જાનને હેઠી ઉતારો. નહીંતર વાળો પાછી.”

મુંઝાતા મુંઝાતા લખુની માં બોલી “બીજા કોઈને ક્યાં ખબર છે અને અણસારે તો બેય બેન સરખી છે. થાવાનો ખરચો તો થઈ ગયો. દિકરા ખાટું મોળું કર્યા વગર ફેરા ફરી લે.”

લખુના લગન થઈ ગયા. મોડે મોડે સગા વહાલા અને ગામનાને આ વાતની ખબર પડી કે, લખુના નસીબમાં ભાગેલી વહુ જ હતી. ભલે એ મોટીને પરણે કે નાનીને. એટલે છાપ પાડી દીધી ‘લખુ ભાગાણી.’

એ ક્યારેક વહુને ખીજવતો “એલી, તારા બાપને કહેજે કે નાની પાછી આવે ત્યારે મને બદલાવી દ્યે.”

વહુ પણ માથાની હતી. એ કહેતી “ હું સીધી અહીંથી જ ભાગીશ. તો મારો બાપ પાછી માંગશે તો તમે ક્યાંથી દેશો?”

– જયંતીલાલ ચૌહાણ ૨-૭-૨૧ (અમર કથાઓ ગ્રુપ)