નટા જટાની જાત્રા ભાગ – 2, વાંચો શાહબુદ્દીન રાઠોડની હાસ્યકથા અને મન હળવું કરો.

0
615

(ભાગ 1 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.)

ભાગ 1 માં આપણે જાણ્યું કે કઈ રીતે નટા જટાને જાત્રા કરવાની ઈચ્છા થાય છે અને તેનો જાત્રાએ નીકળી પડે છે, જેમાં તેઓ એક ડોશીમાની ઘંટી બગાડી નાખે છે. પછી તેઓ બીજા ગામમાં એક પ્રતિષ્ઠિત ચાવડા પરિવારને ત્યાં જમવા માટે જાય છે. ત્યાંથી નીકળતી વખતે તેમને લાડવા આપવામાં આવે છે. આવો હવે આગળની સ્ટોરી વાંચીએ.

નટો – જટો કહે , “અમે જાત્રાળુ છીએ. અમારી પાસે કાંઈ વાસણ નથી.”

મૂળજીભાઈ કહે , “ મૂંઝાવ મા. આ નાના માટલામાં લાડવા ભરી લ્યો અને લઈ જાવ હારે.”

નટા – જટાના હરખનો પાર નો રિયો. બંનેએ માટલામાં લાડવા ભર્યા અને આગળ ચાલી નીકળ્યા .

બેય જણા અસ્થળની જગ્યામાં એક ઓરડીમાં રોકાણા. બંનેએ ખૂબ ખાધું હોવા છતાં બેયનું ધ્યાન લાડવા ભરેલ માટલામાં હતું. ઊંડેઊંડે બેયને એમ હતું કે નાહીને હું સૂઈ જાઉં અને બીજો લાડવા ખાવા માંડે તો?

છેવટે નટો બોલ્યો. નટો જટા કરતાં હોશિયાર ખરો. કો’કને વળમાં નાખવો હોય તો નાખી દે એવોય ખરો. જટો સાવ સીધો , ભોળો , સીધી લીટીએ હાલવાવાળો , આંટીઘૂંટી વગરનો. એણે નટાની વાત ધ્યાનથી સાંભળી.

નટો કહે , “જો , આપણે એક તો મોડું ભાણું પાડ્યું છે. અત્યારે અમથી ભૂખ નથી. એટલે લાડવાનું માટલું ભલે રહ્યું એમ ને એમ. આપણે બેય સૂઈ જઈએ.”

જટો કહે , “ ભલે , તને જેમ ઠીક લાગે એમ.”

ધીરેથી નટાએ સોગઠી મારી , “પણ જો , રાતે જેને સારામાં સારું સપનું આવે ઈ કાલ બધા લાડવા ખાય. તને આવે તો તું તારે તું ખાજે. હું એકાદશીનો અપવાસ કરીશ , બસ ? ”

જટો વિચાર કરીને કહે , “ ભલે , આવે તો તને આવે. મને ક્યાં સપનાં આવે છે ?” બેય જણા સૂતા.

સવાર પડયું. બેય ઊઠ્યા. કૂવામાંથી પાણી કાઢી નાહ્યા. જેચંદ શેઠના સાળા રવિચંદે બેયને બબ્બે અડાળી ચા પણ પાઈ. બંને સતીની વાવ જોવા ગયા. વાસુકિમંદિરે પણ જઈ આવ્યા. રૂપાવટીના માર્ગે વિરક્ત કુટિયા સુધી જઈ આવ્યા. સ્વામીજીનાં દર્શન કરી પાછા આવ્યા.

નટાને જલદી પાછા ફરી લાડવા આરોગવાની તાલાવેલી હતી. પણ જટો તો લહેરથી ધીરેધીરે ચાલતો અને “જવાય છે હવે” કહી મોડું કરતો હતો. છેવટે બેય જણા અસ્થળની જગ્યામાં આવ્યા.

નટો કહે , “ બોલ , તને કેવું સપનું આવ્યું ? જલદી કહે.”

જટો કહે “અરે , ક્યાંક પહેલાં સારે ઠેકાણે બેસવા તો દે. શું સપનાની આટલી બધી તારે ઉતાવળ છે ? ”

ઠેઠ દૂર ઓસરીના છેડે બંન્ને ઓરડાની બહાર બેઠા.

જટો કહે , “લે , નટા કહે , તું તારા સપનાની વાત કહે.”

અને નટાએ વાત માંડી…..

“અહાહા…. , જટા ! શું સપનું આવ્યું છે ! રાતે હું સૂતો.

હજી આંખ લાગે નો લાગે ત્યાં સ્વર્ગમાંથી વિમાન આવ્યું. બે દેવદૂતો ઊતર્યા. વિનયપૂર્વક મને ઉઠાડી અને હાથ જોડી કરગરવા લાગ્યા કે દેવરાજ ઇન્દ્ર આપને યાદ કરે છે અને અત્યારે ને અત્યારે આપને લઈ જવાનો આદેશ આપ્યો છે. માટે આપ પધારો. આપ આ વસ્ત્રો અને આભૂષણો પહેરી તૈયાર થઈ જાવ. હું તરત જ ઊઠ્યો તૈયાર થાવા.

જટો કહે , “ માણસનો કાળ આવે પછી વિમાન તેડવા આવે એ પણ કોઈ ભગત હોય અને આખી જિંદગી ભક્તિ કરી હોય તો. એના બદલે તને જીવતાં તેડી જવા વિમાન આવ્યું ! કેવો ભાગ્યશાળી !”

નટો કહે , “વાત તો સાંભળ. વિમાનમાં પાછો પલંગ . એમાં મને સુવરાવી દીધો , મખમલના ગાદલા માથે. ઓશીકાંયે માથું લસરી જાય એવાં મુલાયમ.
હું તો પડ્યા ભેગો ઘસઘસાટ ઊંઘી ગયો . ”

જટો કહે , “સારું કર્યું સૂતો ઈ, આપણે ઘણા દિવસથી હેરાન થઈએ છીએ ! ”

“સવારમાં ઊઠતાં વેંત નોકરચાકર હાજર થઈ ગયા. મેં મોઢું ધોયું , ત્યાં કાજુ , બદામ અને કેસર – પિસ્તાં અડવાળેલ દૂધના વાટકા આવ્યા. પછી મને સ્વર્ગના હોજમાં નાહવા લઈ ગયા. આખા શરીરે અનુચરોએ ચંદનનો લેપ કર્યો. પછી મને ધીરેધીરે નવરાવ્યો. પણ મારે તો હોજમાં તરવું હતું. તે મેં તો માર્યો ધૂબકો અને મંડ્યો તરવા. અપ્સરાઓ જોવા ભેળી થઈ ગઈ હું ઘણી વાર હોજમાં તર્યો.

જટો કહે , “હા , તું ઊંઘમાં હાથપગ હલાવતો’તો…”

નટો કહે , ત્યાં ભોજનનો સમય થયો. ચાંદીના બાજોઠ માથે સોનાની થાળીમાં બત્રીસ જાતનાં ભાવતાં ભોજન પીરસાણાં અને પછી સ્વર્ગની અપ્સરાઓએ જે તાણ કરી છે ! ઘડીક ઉર્વશી મોહનથાળ ખવરાવે ત્યાં મેનકા જાંબુ મોઢામાં મૂકી દયે. રંભાએ તો શું મેસૂર ખવરાવ્યો છે !

હું તો ખાઈખાઈને ધરાઈ ગયો. મેં કહ્યું , “ હવે નહીં , ભાઈસા’બ ! ”

જમ્યા પછી મને તરત દરબારમાં લઈ ગયા. મારા માટે સિંહાસન મૂક્યું. એના ઉપર હું બેઠો. દેવરાજ ઇન્દ્ર મને ઊઠીને સામે ચાલીને લેવા આવ્યા. ત્યારપછી જે અપ્સરાએ નાચ કર્યો છે ! હું જિંદગીમાં કોઈ દી ભૂલી નહિ શકું. ગંધર્વ મંડ્યા ગાવા – પણ કેવું ?…. ”

જટો કહે , “ પોપટઆપા ભજન ગાય એવું ? ”

નટો કહે , “ અરે , તુંય સાવ અક્કલ વગરનો છે. અરે , આ તો સ્વર્ગનાં નાચગાન ! પણ ત્યાં તો મારી મંડી આંખ્યું ઘેરાવા. દેવરાજ ઇન્દ્રે ઇશારો કર્યો. બે દેવદૂતો મને પલંગમાં પોઢાડી ગ્યા અને આંખ ઊઘડી ત્યાં જોયું તો જગ્યાની ઓરડીમાં હું હતો.

નટો કહે , “ લે , બોલ , આવું સપનું આવ્યું. હવે કહે , તને કેવું સપનું આવ્યું ? ”

જટો કહે , “મારું સપનું સાંભળવા જેવું નથી. પરભુ બાપના દુશ્મનને આવાં સપનાં નો દેખાડે. અરેરે… ! શું દુઃખી થયો છું સપનામાં ! હજી આખા શરીરમાં કળતર થયા કરે છે.”

નટો લહેરમાં આવી ગયો. એણે માની લીધું કે જટાના સપનામાં કાંઈ સારાવાટ નહિ હોય. આમેય મૂરખના સપનામાં શું સાંભળવા જેવું હોય ?

નટાએ કહ્યું , “પણ તોય કહે તો ખરો , કેવું સપનું આવ્યું ?

જટો કહે , “હું તો સૂતો. ઘોર અંધારી રાત. હાથ નો સૂઝે એવું – ચોહલાં પાડી લ્યો એવું અંધારું. ભેંકાર રાત.

એમાં ખાલી તમરાંનો અવાજ. સૂકાં પાંદડાં ખરે એનીય બીક લાગે એવી બિહામણી રાત.

એમાં અંધારામાં એક કાળો ઓળો ધીરેધીરે મારી પાંહે મંડ્યો આવવા. હું તો ફફડી હાલ્યો. અવાચક થઈ ગ્યો. મોઢામાંથી અવાજ નીકળે નહિ. હું તો મંડ્યો થરથર કાંપવા. ઓળો નજીક આવ્યો. મેં જોયું , એ જમરાજાનો વકરેલો પાડો હતો. એનો કદાવર દેહ, ગાંડા ડોળા, એમાં પાછા લાલઘૂમ.

પાડો મારી સામે જોઈ રણક્યો ત્યાં હું ધ્રુજવા મંડયો. પાડો ઓસરીમાં ચડી ઓરડામાં આવ્યો. ઊભો રહ્યો. માથેથી જમરાજ ઊતર્યા મોટી મૂછ , ટૂંકું કપાળ , માથે શિંગડાંવાળો મુગટ અને પાડા જેવો જ કાળો – કાળમીંઢ પાણામાંથી કંડાર્યો હોય એવો દેહ…

પરથમ તો જમરાજે મારી સામે જોયું. મેં પણ સામું જોયું. એમની મોટી આંખ્યુંમાં ક્રોધનો લાલ રંગ મંડ્યો ધીરેધીરે દેખાવા. કાંઈ પણ બોલ્યા – ચાલ્યા વગર એમણે એક ગ દા મને વળ ગાડી. હું બેવડ વળી ગયો.

મેં આજીજી કરી , “ભાઈસા’બ , મારો કાંઈ ગુનો ? ”

મને કહે , “ઊઠ , ઊભો થા.”

હું ઊઠીને ઊભો થઈ ગયો.

જમરાજ કહે , “આ માટલું ઉપાડ , મૂક વચ્ચે અને એમાંથી લાડવો ખા. ”

મેં કીધું , “ મારાથી નો ખવાય. મારે નટાને જાણ કરવી પડે.”

“તું સપનામાં પણ સાચું બોલ્યો એ ઠીક કર્યું.” નટાએ જટાની સચ્ચાઈનાં વખાણ કર્યા.

જટો કહે , “હું બોલતાં તો બોલ્યો , ત્યાં તો જમરાજાએ મને એક લા ફો વળ ગાડ્યો. મને કહે , “ મારી સામે દલીલ કરે છે , નપાવટ ? મંડ્ય ખાવા ! ખબરદાર જો ઊંચું ઉપાડીને જોયું છે તો ! એક શબ્દ બોલ્યો તો ભીં તે ભ ટકાડીશ , સમજ્યો ?”

મેં કહ્યું , “ ભલે , ભાઈસા’બ , આપ કહેશો એમ કરીશ , પણ મહેરબાની કરી મા રશો મા. ખાવામાં ભલે ગમે એટલી કષ્ટી પડે , પણ માર મારાથી નહિ ખવાય .”

નટા , હું તો ઊંધું ઘાલીને મંડ્યો ખાવા. લૂખા લાડવા ગળા હેઠે ઊતરે નહિ , તોય જમરાજાની બીકે હું તો ખાવા જ મંડ્યો. એમનું ધ્યાન નહોતું ત્યારે મેં ચાર લાડવા તો પાડાને ખવડાવી દીધા , પણ માટલામાં લાડવા ધાર્યા બહાર નીકળ્યા.

હું જ્યાં જમરાજ સામું જોઉં ત્યાં ડોળા કાઢી કહે , “ખાઈ જા , જો જીવવું હોય તો.”

હું ધીરેધીરે કરીને બધા લાડવા ખાઈ ગ્યો. બહારના પાણિયારેથી ત્રણ લોટા તો પાણી પીધું તયેં માંડ જીવને નિરાંત થઈ. જાતાં – જાતાં પાડો મારી સામે જોઈ રણક્યો. જમરાજા ખુશ થયા. મેં હાથ જોડી નમન કર્યું.

અને એ જેમ આવ્યા હતા એમ અંધારામાં પાછા દેખાતા બંધ થયા.

લાડવા વધુ ખાવાથી મારી આંખ્યું ઘેરાણી. હું તો ગોદડું ઓઢીને સૂઈ ગયો. વહેલું પડે સવાર. તેં જો ઉઠાડ્યો ન હોત તો હું તો હજી સૂતો જ હોત. ”

જટાની વાત સાંભળી નટો મોળો પડી ગયો – તેને શંકા થઈ. નટાએ પૂછી નાખ્યું. “તે તું સાચે જ બધા લાડવા ખાઈ ગ્યો ?”

જટો કહે , “ જો તારે જોવું હોય તો જોઇ લે. મારે શું કામ ખોટું બોલવું જોઈએ ? ”

નટાએ જોયું , માટલું ખાલીખમ હતું. એ ક્રોધના આવેશમાં ધ્રુજવા મંડ્યો. નટાએ માટલાનો ઉપાડીને ઘા કર્યો. માટલું ભીંત હારે ભટકાણું ફૂટી ગયું. ઠીકરાં ચારેકોર વેરાણાં.

નટો કહે , “ માંડી વાળેલ ! તને જમરાજાએ ખવરાવ્યું તોય તેં મને કેમ ન ઉઠાડ્યો ? મને હાક મારવી હતી ને ? ”

જટો કહે , ” મેં બહુ રાડ્યું પાડી , ઘણા સાદ પાડ્યા , પણ એ વખતે તું બરોબર સ્વર્ગમાં બત્રીસ ભાતનાં ભોજન આરોગતો હતો. અપસરાયું તને તાણ્ય કરી કરીને ખવરાવતી’તી. તને મારો સાદ ક્યાંથી સંભળાય ? મેં તો ઘણા સાદ પાડ્યા’તા. ”

નટો રોવા જેવો થઈ ગયો.

જટાને દયા આવી. એણે કહ્યું , “જો , નટા , સામી ખીંટીએ ઝોળી ટીંગાય છે તે એમાં બધા લાડવા હેમખેમ અકબંધ પડ્યા છે. તું તારે ખાવા હોય એટલા ખાઈ લે , મારે નથી ખાવા. પણ એટલું ધ્યાન રાખજે , જીવતરમાં લાખના સપના કરતાં રૂપિયો રોકડો ખિસ્સામાં હોય એ સારું. અને બીજું એ ધ્યાન રાખજે , જીવતરની વાટમાં સત્તાના , સંપત્તિના , સુખના લાડવા ભાળીને ભાઈબંધને ભૂલી એકલા ખાઈ જાવાના ઓરતા નો રખાય. આ ભાઈબંધીની દીવાલને આવા સ્વાર્થનો લૂણો નો લાગે ઈ જોવું એનું નામ જ ભાઈબંધી :

જટાની વાત પૂરી થઈ ત્યાં વિજયભાઈએ આવીને કહ્યું , “પધારો જમવા.” અસ્થળની જગ્યાના તમામ મહેમાનો , સાધુ – સંતો ને યાત્રીઓને પૂજ્ય નાનાબાપુની પુણ્યતિથિ હોવાથી માત્રાબાપુ તરફથી જમવાનું હતું.

ઝોળી ખીંટીએ એમ ને એમ રહી અને બંને જમવા માટે ઊઠ્યા.

– શાહબુદ્દીન રાઠોડ.

(ભાગ 1 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.)

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)