વાંચો નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી, જાણો તેમની ખાનદાની અને શોર્યની વાતો.

0
651

નાથા ભાભા મોઢવાડિયા : બહારવટિયા – પોરબંદર

મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતાં, વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો. એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂંટી નામનો મેર એકસો માણસને લઇને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો, વાળું કરીને રાતે ચંદ્રમાને અજવાળે મહેમાનો ખાટલા ઢાળીને બેઠા છે, એમાં નાથા ભાભા ની વાત નીકળી છે, એમાં રાણા એ વાત ઉચ્ચારી :

” વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા ભાભા ના દુહા બોલે છે”

” કોણ? રાજો બારોટ ? ”

” હા, રાજો, બારોટ, બોલાવો તેને ઇંણે ; દુહા તાં સાંભળીએ !”

” રાણા, ઇ બારોટ જરાક બટકબોલો છે, તું એને બોલ્યે કાંવ ધોખો તો નહિ ધર ને? ”

” ના ,ના, દુહા સાંભળવામાં ધોખો વળી કિવાનો ? ઇ તોજિવાં કામાં ઇવાં નામાં . ”

રાજા બારોટ ને તેડાવામાં આવ્યો,

” કાં બારોટ ! નાથા ભાભાની દુહાની તેં ઓલી ” વીશી ” બનાવી છે, ઇ અમારા મે’માનને સાંભળવાનુ મન છે, સંભળાવીશ ને ? ”

” પણ બાપ, કોઇને વધુ-ઘટુ લાગે તો ઠાલો દખધોખો થાય, માટે મારી જીભને આળ આવે એવું શીદ કરાવો છો? ”

” ના, ના , તું તારે મન મોકળું મેલેને બોલ, શૂરવીરની તારીફ નહિ સાંભળીયે તો બીજું સાંભળવું શું ?”

” ઠીક ત્યારે લ્યો બાપ.”

એમ કહીને રાજા બારોટ હોકો પડતો મૂકીને નાથા બહારવટિયાની ” વીશી ” બુલંદ અવાહે શરૂ કરી :

એક તેં ઉથાપિયા , ટીંબા જામ તણા,

(તેનિયું) સુણિયું સીસોદરા, નવખંડ વાતું , નાથિયા!

[હે સિસોદિયા રજપૂતના વંશમાંથી ઊતરેલા નાથા મેર! પ્રથમ તો તેં જામ રાજાનાં કંઇક ગામડા ઉજ્જ્ડ કર્યા, તેની કીર્તિની વાતો ચોમેર પ્રસરી ગઇ છે.]

બીજે નાનાં બાળ, રોતાં પણ છાનાં રહે ,

પંચ મુખ ને પ્રોંચાળ, નાખછ ગડકું , નાથિયા!

[તારી ખ્યાતિ તો એવી છે કે તું સાવજ સરીખો એવી તો ગર્જના કરે છે કે રોતાં છોકરાં પણ એ ત્રાડ સાંભળીને ચૂપ થઇ જાય, પંચમુખો , પ્રોંચાળો એ સિંહનાં લોક-નામો છે.]

ત્રીજે જાડેજા તણું , મોઢા છોડાવ્યું માણા,

ખંડ રમિયો ખુમાણ, તું નવતેરી , નાથિયા!

[ત્રીજી વાત : તે જાડેજા વંશના જામ રાજાનું માન મુકાવ્યું છે, ભીમ જેમ એક હાથમાં નવ અને બીજા હાથમાં તેર હાથી લઇને નવતેરી નામની રમત રમતો હતો, તેમ તું પણા એકસામટાં શત્રુદળને રમાડતો યુદ્ધ્ની રમતો રમ્યો છે.]

ચારે દાઢે ચાવ, બારાડી લીધી બધી ,

હવ્ય લેવા હાલાર, નાખછ ધાડાં , નાથિયા!

[ચોથું : તેં તો જામનો બારાડી નામનો આખે પ્રદેશ દાઢમાં લઇને ચાવી નાખ્યો, અને હવે તો તું એની હાલારની ધરતી હાથ કરવા હલ્લા લઇ જાય છે.]

પાંચે તું પડતાલ, કછિયુંને કીધા કડે,

મોઢા ડુંગર મુવાડ , નત ગોકિરા, નાથિયા!

[પાંચમું : તેં કચ્છી જાડેજા લોકોને પણ સપાટામાં લઇ કબજે કર્યા છે, અને હે મોઢવાડીયા ! ડુંગરની ગાળીમાં તારા નાદ નિરંતર થયા જ કરે છે]

છઠ્ઠે બીજા ચોટ ,(કોઇ) નાથાની ઝાલે નહિ,

કરમી ભેળ્યો કોટ, તર જ દેવળિયા તણો

[નાથા બહારવટિયાની ચોટ કોઇ ખમી શકે તેમ નથી , દેવળિયાનો કોટ તો તેં હે ભાગ્યવંત ! ઘડી વારમાં તોડી નાખ્યો.]

સાતે તું ડણકછ સુવણ, મોઢા ડુંગર માંય ,

(ત્યાં તો) થરથર જાંગું થાય , રજપૂતાંને રાત દી

[હે મોઢવાડિયા ! તું સિંહ સરીખો ડુંગરમાં ત્રાડો દઇ રહ્યો છે, તેથી દિવસ અને રાત રજપૂતોનાં પગની જાંઘો થરથર કાંપે છે.]

આઠે વાળું હે કરે, વેડા મૂકે વાણ,

તણ નગરે ગરજાણ, નાખે મૂતર નાથિયા!

નવે સારીતો નહિ, હાકમને હંસરાજ,

વશ તેં કીધો વંકડા, રંગ મૂછે નથરાજ !

[અમરેલી નો સૂબો હંસરાજ , મોટા રાજાઓને પણ ન ગાંઠતો તેને હે નાથા તેં વશ કર્યો, તારી મૂછોને રંગ છે.]

દસમે એક દહીવાણ, દરંગો આછાણી દલી,

(તેમ) ખંડ બરડે ખુમાણ, નર તું બીજો , નાથિયા!

[જેમ દિલ્લી પર આક્રમણ કરનાર વીર દુર્ગાદાસજી રજપૂતાનામાં પાક્યા હતા, તેવો બીજો મર્દ તું બરડામાં નીવડ્યો.]

અગિયારે મેર અભંગ , લોકુંમાં લેખાત,

નાથા જલમ ન થાત , (જો) વંશમાં વાશિયાંગરાઉત !

[અને હે નાથા ! જો તારો જન્મ મેર્રોના વંશમાં ન થયો હોત તો સાચેસાચ આખી મેર જાતિ શૂદ્ર્ જેવી લેખાત હે વાશિયાંગના પુત્ર !]

” બારોટ, ઇ દુહો જરા ફરી વાર બોલ જો તાં ” …. રાણા ખૂંટીએ વચ્ચે બોલીને વેગમાં ચડેલ બારોટ ને અટકાવ્યો..

” હા લ્યો બાપ ! ”

” અગિયારે મેર અભંગ , લોકુંમાં લેખાત,

નાથા જલમ ન થાત , (જો) વંશમાં વાશિયાંગરાઉત !”

હં હજી એક વાર કહો તો !”

ફરી વાર બારોટે દુહો ગાયો,

પછી આગળ ચલાવ્યું ,..

બારે બીલેસર તણું , ઉપર મોઢા એક ,

ત્રેપરજાંની ટેક, નાથા, તેં રાખી નધ્રુ!

તેરે તેં તર વાર , કછિયુંસું બાંધી કડ્યો ,

હવ્ય લેવા હથિ આર , નાખછ ધાડાં નાથિયા!

[અત્યાર સુધી તો તેં આ કચ્છમાં આવેલા જામને માટે કમ્મરે તર વાર બાંધી હતી , પણ હવે તો આખો હાલાર લેવા તું હલ્લા કરી રહ્યો છે.]

ચૌદે ધર લેવા ચડે , ખુમારા ખરસાણ ,

(એને) ભારે પડે ભગાણ , નગર લગણ નાથિયા !

[દુશ્મનોની સેના તારા ઉપર ચ ડાઇ કરે છે, પણ પાછું એને જામનગર સુધી નાસી જવાનું પણ મુશ્કેલ પડે છે.]

પંદરે તુંને પાળ , ભડ મોટા આવીને ભરે,

ખત્રી હવ્ય ખાંધાળ, ન કરે તારી નાથિયા !

[મોટા મોટા સમર્થ ગામધણીઓ પોતાનાં ગામોના રક્ષણ બદલ તને પૈસા ભરે છે, તારી છેડ હવે કોઇ ક્ષત્રિય કરતો નથી.]

સોળે નવસરઠું તણા, બળિયાં દંઢછ ખાન ,

કછિયું તોથી કાન , નો રે ઝાલ્યા , નાથિયા !

[આખા સોરઠના મોટામોટા માણસોને કે દકરીને તું દંડ વસૂલ કરે છે.]

સતરે શૂરાતન તણો, આંટો વળ્યો અછે,

બાબી એ જાડો બે , (તને) તેં નમાવ્યા, નાથિયા !

[શૂરાતન એવું તો તને આંટો લઇ ગયું છે કે તે જૂનાગઢના નવાબ બાબીને તથા નગરના જામ જાડેજાને , બંનેને તોબા પોકરાવી છે.]

અઢારે ઈડર તણો , નકળંક ભેરે નાથ,

હાકમ પેટે હાથ, તેં નખાવ્યા , નાથિયા !

[તારી સહાયમાં તો ઇડરનો ગોરખનાથજી અવધુત ઊભો છે, તેથી જ તું મોટા રાજાઓને લાચાર બનાવી રહ્યો છે.]

ઓગણીસે ઓસરિયા , જાડી ને બાબી જે,

કેસવ ભૂપત કે’ ,લૂંને નમિયા પખેણો , નાથિયા !

[જાડેજા અને બાબી જેવાને તે નમાવ્યા , માત્ર કૃષ્ણ પ્રભુ તને નમ્યા વિનાનો રહ્યો છે.]

વીસે તું સામા વડીંગ , ધરપત થાકા ધ્રોડ ,

ચાડ્યા ગઢ ચિત્રોડ , નર તેં પાણી . નાથિયા !

[તારી સામે ઘોડા દોડાવીને રાજાઓ હવે થાક્યા છે, તેતો તારા અસલના પૂર્વજ સિસોદિયાઓના ધામ ચોતોડને પાણી ચડાવ્યું.]

આ ” વીશી ” બોલી બારોટ બોલ્યા…

” લ્યો બાપ ! નાથા ભાભાની આ “વીશી” ,” ને ફરી હોકો હાથમાં લીધો,

” ડાયરામાં વાહ બારોટ ! વાહ !” એમ ધન્યવાદ થવાં લાગ્યા..

” હું તો બાપ, મારા પાલણહારની કાલીઘેલી આવડી તેવી કાવ્ય કરું છું , હું કાંઇ મોટો કવેસર નથી. ”

જયારે બહુ વાહ વાહ થઇ ત્યારે રાણો ખુંટી મર્મમાં હસવા લાગ્યો..

” કેમ બાપુ હસવુ આવ્યું ?” રાજા બારોટે પૂછ્યું.

” હસવું તો આવે જ ના , બારોટ ! અટાણે તો નાથો ભાભો આખી મેર ભોમ નો શિરોમણી છે ને તમે એના આશ્રિત છો, એટલે તમે એને સોને મઢો , હીરેય મઢો, રાજા કહો , કે ભગવાન , પણ ઓલ્યા અગિયારમા દુહામાં જરાક હદ છાંડી જવાણું છે , બારોટ !”

” અને નાથો ન જન્મ્યો હોત તો મેર જાતી તમામ શિદ્ર માં લેખાત ! બસ ! એક નાથો જ કાંવ શેર લોઢું બાંધી જાણે છે? બીજાં બધા કાંવ રાંડીરાંડના દીકરા છે?”

” તો વળી એની ખળે ખબર્યુ પડશે બાપ ! ”

બીજે દિવસે રાણા સંગાથી હારે દ્વારકાજીને પંથે પડી ગયા.

થોડા સમય પછી પાછા ફર્યા ને વણગા પટેલ ને ત્યાં ઉતારો રાખ્યો.

કોઇકે રાજા બારોટ ને જઇ ને સમાચાર આપ્યા કે રાણા ખૂંટી દ્વારકાથી પા્છા આવ્યા છે ને તેમની પાસેથી જામનગરના ચીલાવાળાએ ભોગત ગામને પાદર દાણ પડાવ્યું છે, ત્રણસો કોડી નું.

તે રાતો રાત માથે’થી પાઘડી ઉતારી સોગિયું લાઠિયું બાંધી પગપાળા પાલેપાણે પોચી અને પરોઢિયે બહારવટીયા ઉઠે જ બારોટ ને દીઠાં,

” ઓહો હો ! બારોટ તું અટાણે કીવો ? કાંઇ માઠા સમાચાર છે?”

” હા બાપ, નાથો ભાભો પંડ્યે જ પાછો થયો છે?”

” કેમ બારોટ અવળાં વેણ?”

” અવળાં નથી બાપ, સાચે જ નાથો દુનિયા છોડી જતો રહ્યો બાકી દ્વારકાની જાત્રાએ જાતાં મેરની પાસેથી જામના ચાકર ત્રણસો કોરી દાણ કઢાવે?”

પછી નાથા એ બારોટની બધી વાતો સાંભળી અને એની છાતીએ ઘા પડ્યો,

” ભાઇ કો’ક દોત કલમ લાવજો તો ”

ખડીયો કલમ હાજર થયાં, અને કાગળની ચબરખી બનાવી,

” લે બારોટ, હું લખાવાં ઇં તું લખ , લખ કે ભોગતના દાણા લેવાવાળાઓ !,

છત્રાવાના મેર રાણા ખૂંટી પાસેથી તમે જે ત્રણસો કોરીનું દાણ લીધું છે,

તેમાં ત્રણસો કોરી દંડની ભેળવી ને કુલ છસો કોરી તમારા જ ગામોટ્ની સાથે પરબારા મોઢવાડે પાછી મોકલી દેજો,

નીકર નાથા મોઢવાડિયાનું સામૈયુ કરવાની સાબદાઇ મા રે’જો,”

ચબરખી લઇ એક સાંઢીયા સવારને ભોગત રવાના કર્યો અને બારોટ ને વળાવ્યાં,

બપોરે મોઢવાડે વણગા પટેલની ડેલી એ એક ખેભર્યો સાંઢીયો સામે આવીને ઝૂકીયો,

સાંઢીયા ના અસવારે કોરીની પોટલી રાણા ખૂંટી ને સોંપી,

“આ શું છે ભાઇ !”

“આ ત્રણસો કોરી તમારા દાણની અને બીજી ત્રણસો નાથા ભાભા એ નગર પાસેથી લીધેલ દંડ ની, સંભાળી લ્યો ”

” પણ ક્યાંથી ?”

” ભોગાતથી ,જામ્ના ચીલાવાળા પાસેથી ”

રાજા ખૂંટી ડાયરામાં આખી વાતની જાણ થઈ નીચું જોઇ ગયો,

અને બારોટ સામે પોટલી ધરી બોલ્યા,

” આ લે દેવ ! આ તુંને સમરપણ !”

” ઇ કોરિયું ની વાત પછી પ્રથમ તો મને રજા આપો કે હવે અગિયારમો દુહો બોલવાની મને રજા છે, બાપ ?”

” ભલે ભાઇ, તારી મરજી ! સો વાર કબૂલ છે ”

તરત જ બારોટ ગોઠણભેર થઇને, બરડા ડુંગર તરફ બંને હાથ લંબાવી વારણા લેતો લેતો બોલ્યો

અગિયારે મેર અભંગ , લોકુંમાં લેખાત,

નાથા જલમ ન થાત , (જો) વંશમાં વાશિયાંગરાઉત !

આવી હતી ખાનદાની અને શોર્યની વાતો….

– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)