નવા વર્ષના દિવસે સાસુએ વહુને જે શિખામણ આપી તે દરેક માં એ પોતાની દીકરીને આપવાની જરૂર છે, જાણો કઈ?

0
984

લઘુકથા – “છે અને નથી” :

આજે બેસતું વર્ષ હતું..

પ્રવીણભાઈ અને દુર્ગાબેન કુટુંબમાં મોટા હતા.. એટલે સવારથી જ એનાથી નાની ઉમરના સગા કુટુંબીઓ મળવા આવવા લાગ્યા.

માલિનીને સાસરિયામાં આ પહેલી દિવાળી હતી. આવનાર વડિલોને પગે લાગવામાં અને સરભરા કરવામાં થાકી ગઈ. પણ ઉત્સાહથી કરતી રહી. બપોર સુધી આમ ચાલ્યું.

જમીને પ્રવીણભાઈ અને તરુણ દુકાને ગયા. આગલી રાતે ચોપડા પૂજન માટે દુકાનમાં સામાન આઘોપાછો ગોઠવવો પડ્યો હતો, તે ફરીથી સરખો ગોઠવવાનો હતો.

નાનું મોટું કામ પતાવી, માલિની મોટો બટવો લઈ બેઠકમાં આવી. સાસુ પાસે બેસીને વડિલોએ આપેલ નોટો કાઢી. સાસુને બતાવી.

“જુઓ મમ્મી.. કેટલા બધા પૈસા મને આપ્યા.”

“કેટલા છે?”

“ગણ્યા નથી.. પણ ઘણા બધા છે.”

દુર્ગાબેન હસ્યા..

માલિનીએ પુછ્યું.. “મમ્મી.. તમને હસવું કેમ આવ્યું?”

“મને હસવું એમ આવ્યું.. કે તારા મોઢે ‘ઘણા બધા’ શબ્દ સાંભળવાની મજા આવી.”

“મમ્મી.. મને કંઈ સમજાયું નહીં..”

“જો.. તને એક સલાહ આપું.. તું અહીં આવી.. પછી હું જોઉં છું કે તને એક ખરાબ ટેવ છે.. રસોડામાં કોઈ ચીજ ખુટવા આવી હોય, ત્યારે તું એમ બોલે છે કે.. ‘ખાંડ નથી..’ ‘ચા નથી..’ ‘હળદર નથી..’ ‘ધાણાજીરુ નથી..’

“એમ બોલવું સારું ન કહેવાય.. એને બદલે એમ બોલીએ તો સારું લાગે.. કે ‘ચાર દિવસ ચાલે એટલી ખાંડ છે..’ ‘આજે ચાલે એટલી ચા તો છે..’

“નથી.. નથી.. એમ કરીએ, તો ઘરમાંથી રિધ્ધિ સિધ્ધિ ઉઠી જાય.. કમાનાર અને લાવી આપનાર સાંભળે તો એને ચીંતા થાય.”

જેમ પ્યાલામાં અડધે સુધી પાણી ભર્યું હોય તો એમ પણ કહેવાય.. કે ‘અડધો ખાલી છે’.. ને એમ પણ કહેવાય.. કે ‘અડધો તો ભરેલો છે.’

માલિની ધ્યાનથી સાંભળતી હતી. એની આંખમાં ઝળઝળિયાં આવ્યા.

સાસુએ એને ખભે હાથ રાખ્યો.. “અરે ગાંડી.. હું તને ખીજાતી નથી.. પણ સલાહ આપું છું.. એટલા માટે કે.. મારી વહુ સોમાં સોંસરવી બને.”

માલિનીએ આંસુ લુછ્યા.. બોલી.. “હું નાની હતી ત્યારથી જ.. મા વગરની થઈ ગઈ.. મા વગર આવી શીખામણો મને કોણ આપે.”

એ સ્વસ્થ થઈ. સાસુ સાથે નજર મિલાવી. સ્મિત કર્યું.

“મમ્મી.. તમને વહુ ગમે કે દિકરી?”

સાસુએ જવાબ ન આપ્યો. માલિનીનો ખભો થપથપાવ્યો.

“ગઈ રાતે તું રંગોળી પુરવામાં મોડે સુધી જાગી છો.. ને સવારે વહેલી ઉઠી છો.. થાકી ગઈ હઈશ.. જા બેટા.. સુઈ જા..”

માલિનીને જવાબ સમજાઈ ગયો હતો.

– જયંતીલાલ ચૌહાણ ૧૦ -૧૦ -૨૧