નવી મહિલા સરપંચે પિયરમાંથી મામેરાના રૂપમાં જે માંગ્યું તે જાણીને કહેશો, “શાબાશ દીકરી… “

0
1177

(અડધો ભાગ લઘુકથા – ભાગ 8, 9)

(આગળના ભાગોમાં આપણે જાણ્યું કે, એક સંસ્કારી દીકરીએ સ્કૂલનું ઉદઘાટન કર્યું પછી ગામની પંચાયતમાં મહિલાઓને જગ્યા અપાવી. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.)

પહેલી બેઠક :

આનંદપુર ગામની સ્ત્રી અનામત પંચાયતની આજે પહેલી બેઠક હતી.. બેઠકમાં સભ્યો ઉપરાંત ગામના તમામ નોકરીયાતોને બોલાવ્યા હતા. બધા શિક્ષક- શિક્ષિકાઓ, ગ્રામસેવક, આંગણવાડી વાળા બેન, નર્સબેન અને તલાટી મંત્રી બધા જ હાજર હતા. એ ઉપરાંત ગામના આગેવાનોને પણ આગ્રહ કરીને બોલાવ્યા હતા.

સરપંચ તરીકે રુપાએ પોતાની વાત મુકી.

“હું ખાસ કરીને કર્મચારી વર્ગને અપીલ કરવા માંગું છું.. તમે બધા ઉમરમાં મારા વડિલ છો.. અને તમે જ આ ગ્રામ પંચાયતના હાથપગ છો.. તમારી કામગીરી એ જ ગામની કામગીરી ગણાય.. કર્મચારી પર મોટો આરોપ કામચોરી, દિલ દગડાઈ અને લાંચનો હોય છે. તમે બધા આ દુર્ગુણથી છેટા રહેવાનું વચન આપો. એવું આ ગામની દિકરી તરીકે, પિયરમાંથી મામેરું માંગું છું.”

રુપા ગળગળી થઈ ગઈ.. ને આવી ભાવુક વાતથી બધાની આંખો ભીની થઈ.

નિવૃતિ નજીક પહોંચેલા કરશનદાસ તલાટી ઉભા થયા.

“અમે સાચા ખોટા ઘણા કર્યા.. હવે સમજાય છે કે રુપિયા નહીં, નામના જ કિંમતી છે. આ બેઠેલા બધા વતી હું ખાત્રી આપું છું કે સૌ ઈમાનદારી અને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવશે.. ને દિકરી.. તારી આગેવાની હેઠળ દેશભરમાં ડંકો વાગે તેવા કામ કરશું.”

નાથાબાપા બોલ્યા.. ”આ તો રુપિયાનો ખોટો ભૂખ હડકવા છે.. બાકી હદમાં રહીને ખરચ કરે તો ધુબાકા છે.. આવડા પગારમાં કોઈને ઘટે નહીં.. ને એમ છતાંય ઘટે તો મને કહેજો.. અમારી ડોશી, એટલે તમારી માં.. એ રુપિયાનો ઘણો સંઘરો કર્યો છે.. એમાંથી ચોરીને આપી દઈશ.. બસ..” બધા હસી પડ્યા.

બેઠક પુરી થયેલી જાહેર કરવામાં આવી.

ત્યાં બે છોકરા ચાની કિટલી ને રકાબી લઈને આવ્યા.

“જમનામાંએ બધા માટે ચા મોકલાવી છે.”

(ટ્રસ્ટીશીપ)

રુપાએ સરપંચ તરીકે કામ ઉપાડી લીધું. વિવેક અઠવાડિએ એકવાર તેને ગાડીમાં આનંદપુર લઈ જતો, તે દરમિયાન રુપાએ ગાડી ચલાવવાનું શીખી લીધું.

આજે કનુભાઈ વહેલા ઘરે આવ્યા. સાસુ વહુને ચીંતા થઈ. રુપાએ પુછ્યું.. “પપ્પા, તબીયત સારી નથી?“

” ના, એવું નથી.. તમે બેય મારી પાસે બેસો..”

તે આગળ બોલ્યા.. “નિલમ, આપણો માલ વિદેશ જાય છે. તે પેઢી સાથે ભાવની રકઝક ચાલતી હતી. સગાઈના બીજે દિવસે આપણે ચોક્ખી વાત લખી હતી કે જુના ભાવે હવે વધુ માલ મળશે નહીં, અને પાછલી તારીખથી ભાવ વધારો આપવો પડશે. તે વખતે મેં મનોમન વિચારેલ કે સોદો પતે તો વધારાની રકમમાં રુપાનો ચોથો ભાગ.”

એમણે બોલવાનું ચાલુ રાખ્યું.. ”આજે એ કંપનીની હા આવી, ને હિસાબના નાણા પણ આવી ગયા.”

એણે ઓફીસબેગ ખોલી, ચેક કાઢ્યો.. “આ લે, તારા ભાગના ૯૨૫૧૪૦.” કહીને ચેક રુપાને આપ્યો.

રુપા ખુશ થઈ, પગે લાગવા નમી, ત્યાં કનુભાઈએ રોકી.

“ભગવાને દિકરી ના આપી, એટલે મારું એક સપનું અધુરું રહી ગયું. હું ઓફીસેથી આવું ને એ નાનકડી ઢીંગલી દોડીને ભેટી પડે. આ વાતનો ખાલીપો મારા દિલમાં લાગે છે.”

રુપા ભાવાવેશમાં એકદમ ભેટી પડી.. “પપ્પા.. હું તમારી ઢીંગલી નથી?“

એના આંસુઓએ કનુભાઈનો ખભો ભીંજવી દીધો. મીનીટો સુધી એ રુપાને પંપાળતા રહ્યા. જાણે પાંચ વરસની ઢીંગલી ના હોય.

નિલમબેને ઉભા થઈ ફોટા પાડ્યા.

બધા હજી બેઠા હતા ત્યાં વિવેક આવ્યો. સાથે નવી મીની કાર આવી. બધાએ બહાર આવી જોઈ.

વિવેકે કહ્યું. “રુપા આ મમ્મીની ભેટ છે. હવે તું એકલી આનંદપુર જઈ શકીશ.”

રુપા બોલી.. “આજે તો મારા પર પ્રેમનો ધોધમાર વરસાદ પડ્યો.. ને તમે ત્રણેય રજા આપો તો, હું મારા ભાગની રકમ ગામ માટે વાપરું. ગાંધીજી કહેતા કે આપણને ભગવાન સંપત્તિ આપે તે આપણી નથી. આપણે તો ટ્રસ્ટી છીએ. સંપત્તિ તો લોક-કલ્યાણ માટેની જ હોય.”

કનુભાઈએ મજાક કરી.. “નિલમ, તું કહે તેટલા રુપિયા આપું. તારો અડધો ભાગ મને આપી દે.”

“ના હો.. એવો ખોટનો સોદો કરું.. એટલી હું અણસમજુ નથી.”

– જયંતીલાલ ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ)