નવી આવેલી વહુએ પતિ, સાસુ અને દિયરોને સમજાવ્યું પોતાનું કામ જાતે કરવાનું મહત્વ, વાંચો સ્ટોરી.

0
1307

રમીલાબેન આજે ખુબ ટેંશનમાં આવી ગયા હતા કારણે કે રોજ કામ પર 8 વાગ્યે આવનારી રેખા આજે 11 વાગી ગયા તો પણ આવી નહોતી. તે મનો-મન વિચારવા લાગી કે આજે રેખા ન આવે તો ઘરનું કામ કોણ કરશે? કપડાં તો હું મશીનમાં ધોઈ લઇશ પણ કાલ રાતના વાસણ, ઘરનું કચરા પોતું વગેરે કરતાં કરતાં તો હું ઘણી થાકી જઈશ.

રમીલાબેને 12 વાગ્યા સુધી રાહ જોઈ અને આજુ બાજુ વાળાઓની કામ વાળીઓને કામ કરવા માટે ઘરે બોલાવી પણ બે-ત્રણે ના પાડ્યા પછી છેવટે એક કામવાળીએ હા પાડી અને ઘરના દરેક કામ કરી આપ્યા. રમીલાબેને પણ જે રૂપિયા થાય તેના કરતા 50 રૂપિયા વધારે આપી દીધા. સાંજે પણ રમીલાબેન એ જ ટેંશનમાં હોય છે કે, જો રેખા કાલે પણન આવે તો શું થશે?

રમીલાબેનના ત્રણ છોકરા હતા. ત્રણેય કોલેજમાં ભણતા હતા. તેમની રહેણીકરણી અવ્યવસ્થિત હતી. કપડાથી લઈને દરેક વસ્તુ તેઓ વ્યવસ્થિત રાખતા ન હતા. ઘરે પણ કોલેજના મિત્રો આવતા ત્યારે ચા-નાસ્તો કર્યા પછી નાસ્તાની ડીશો જ્યાં ને ત્યાં મૂકીને જતા રહેતા. દરેક કામ રમીલાબેન જ કરતા હતા. પોતાનો રૂમ કેવી રીતે સાફ રાખવો તે તેમના બાળકો જાણતા નહોતા.

સમય પસાર થયો ગયો. કોલેજ પછી મોટા દીકરાને સારી નોકરી મળી ગઈ અને થોડા જ સમયમાં લગ્ન પણ નક્કી કરી દેવામાં આવ્યા. રજાના દિવસે દીકરાની થનારી પત્ની નિશા રમીલાબેનના ઘરે આવતી અને તેમને કામ કરવામાં મદદ કરતી, જે જોઈને રમીલાબેન ખુબ ખુશ થતી કે ભણેલી અને નોકરી કરતા હોવા છતાં તે મને કામમાં મદદ કરતી હતી. પણ શું લગ્ન પછી પણ આવું ચાલશે?

થોડા મહિનામાં લગ્ન થયા અને રમીલાબેનને રસોઈ કરવાના કામથી છુટકારો મળ્યો, કારણ કે નિશા સવારે બધાનું ટિફિન બનાવી લેતી અને સાંજે પણ કોઈ તાજી શાકભાજી લઇ આવતી અને સાંજનું પણ ખાવાનું તે જ બનાવતી.

એક દિવસ નિશા નોકરાણીને કહી રહી હતી કે ‘તમને કેટલી શરદી થઇ ગઈ છે, તમે હજુ પણ કામ કરો છો. અહીં બેસો હું તમારા માટે ચા બનાવી દઉં. ને કાલે આવતા નહિ અને પરમ દિવસે પણ સારું લાગે તો જ આવજો. નોકરાણીની આંખ ભરાઈ ગઈ અને તે ચા પી ને જતી રહી.

આ બધું જોયા પછી રમીલાબેન બોલ્યા – ‘અરે નિશા આ શું કર્યું? આ લોકોને વધારે માથા પર બેસાડવાની જરૂર નથી. તું એ કીધું એટલે 1-2 દિવસમાં તે સારી થઇ જશે તો પણ આવશે નહિ. તેના બદલે કોઈ બીજીને બોલાવીશું તો તેને પણ થોડા પૈસા વધારે આપવા પડશે.

નિશા : આ સમસ્યાનું સમાધાન છે મારી પાસે. દરેકે પોતાના થાળી વાટકા જાતે ધોવાના અને સ્નાન કર્યા પછી પોતાના અન્ડરગાર્મેન્ટ જાતે જ ધોઈને સુકવી દેવાના.

રમીલાબેન : આજ સુધી મેં મારા દીકરાઓને થાળી ઉચકવા ન દીધી, અને તું નવી આવેલી વહુ તેમની પાસે કામ કરાવવા માંગે છે.

નિશા : હું તેમના જોડે બીજાનું કામ કરાવવા માંગતી નથી, તેમનું પોતાનું જ કામ કરાવવા માંગુ છું. નાનપણથી જ એવી ટેવ પાડી હોત તો તેમનેય ભારે ન પડત. પણ કાંઈ નહીં હવે ટેવ પાડીશું. પહેલા અચકાશે પણ પછી આદત પડી જશે. અને મમ્મી તેઓ આ બધા કામ કરશે તેમાં શરમ અનુભવવાની કોઈ જરૂર નથી. હું પણ નોકરી કરું છું તો પણ ઘરનું કામ કરું છું, ને અને તમારો દીકરો કોઈ દિવસ મારા કામમાં મદદ કરવા આવતો પણ નથી. જો તે મને મદદ કરે તેમાં ખોટું શું? તમે કશું બોલતા નહિ હું જે કરું તે જોતા રહો.

નિશાએ બધાને કહી દીધું કે જમ્યા પછી પોતાની થાળી-વાટકી જાતે ધોઈ લેવા અને સ્નાન કર્યા પછી પોતાના અન્ડરગ્રાર્મેન્ટ અને કપડાં વગેરે જાતે જ ધોઈને સુકવી દેવા. જો એવું નહિ કરો તો તમારા કપડાં કે વાસણ અમારા બંનેમાંથી કોઈ ધોઈ આપશે નહિ. રમીલાબેને પણ કહી દીધું કે વહુ જેવું કહે તેવું જ કરવું. ત્રેણય ભાઈઓને આ બધું કરવું ગમતું નહિ પણ બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

થોડા દિવસો પછી રમીલાબેને પોતાની વહુને કહ્યું કે, હવે તે લોકોને ટેવ પડી ગઈ છે અને તેઓ હવે કોઈ કામ કરવાની ના પણ પાડતા નથી.

નિશા : આ બધું તેમના માટે જ છે, કાલે ઊઠીને તેમનામાંથી કોઈ બહાર જશે તો તે આ બધા કામથી ટેવાયેલા હશે એટલે તકલીફ નહિ પડે. અને મારા બંને દિયર જે દિવસમાં બે-ત્રણ વખત કારણ વગર કપડાં બદલતા રહેતા હતા તે પણ બંધ થઇ ગયા.

આપણે બધા માણસો છીએ એટલે થાક લાગવાનો જ છે. તો આપણે ત્યાં કામ કરવા વાળા વધારે માંદા પડે અને તેમને થોડો આરામ મળે તો તેમાં ખોટું શું છે? જો એ બીમાર જ ન પડે તો બીજાને વધારે પૈસા આપવા પણ ન પડે. અને જો તે કોઈ દિવસ ન પણ આવે તો આપણે તો છીએ જ આપણું પોતાનું કામ કરવા માટે. તેનાથી આપણા રૂપિયા તો બચશે જ પણ શરીર પણ આળસુ નહિ બને.

રમીલાબેન : અરે વાહ, મારી નિશા વહુએ તો આખું ઘર સંભાળી લીધું.