નવી વહુની સામે જ સાસુ, નણંદ અને બીજી મહિલાઓ કરવાલાગી તેના પિયરવાળાની નિંદા, જાણો પછી શું થયું.

0
1039

બહાર બધા જાન આવવાની તૈયારીમાં રોકાયેલા હતા અને હું ત્રીસ વર્ષ પહેલાની યાદોમાં ખોવાઈ ગઈ. ત્રીસ વર્ષ પહેલા આ ઘરમાં વહુ બનીને આવી હતી. મનમાં હજારો રંગના સપના સજાવ્યા, થોડો ડર પણ હતો કે અજાણ્યા લોકો વચ્ચે કેવી રીતે રહીશ? તેમના વિચાર વર્તન બધું અલગ હતું. દરવાજા પર પહોંચતા જ મારી સાસુએ આવીને આરતી ઉતારી. લોકોની આંખો મારા ગળા સુધી રહેલા ઘૂંઘટની અંદર પણ પહોંચી રહી હતી. ઉમરો પાર કરતા જ બધા મારી આસપાસ આવીને ઉભા રહી ગયા.

સાસરિયામાં નવી વહુની હાલત અને પ્રાણી સંગ્રહાલયમાં નવા જાનવરની હાલત એક જેવી જ થઇ જાય છે, સૌના આકર્ષણના કેન્દ્રમાં તે રહે છે. જેવી હું રૂમમાં ગઈ કે બધા સંબંધીઓનું ટોળું પણ મારી સાથે આવી ગયું. હું મારી જાતને સામાન્ય બનાવવા માટે એકાંત શોધી રહી હતી પણ ભીડ મારી પાછળ પાછળ આવતી રહી. બધાની વચ્ચે હું ઘેરાઈને બેઠી હતી. મને પરણીને લાવવા વાળા પતિ મને ક્યાંય જોવા મળતા ન હતા જેની મારે એ સમય જરૂર હતી.

તે આવે પણ કેવી રીતે? તે આવે તો ત્યાં બધા જાત જાતની મજાક કરવાનું શરુ કરી દે. બધા મને તાકી રહ્યા હતા અને હું તેમની નજરોથી અસહજ અનુભવી રહી હતી. તેમની ફઈ નજરોથી જ મારા ઘરેણા તોલી રહી હતી. એટલામાં મારી સાસુ પણ આવી ગયા. હું ચુપ ચાપ બેસીને તેમની વાતો સાંભળવા લાગી.

ફઈએ કહ્યું વહુના પિયરના ઘરેણા ઘણા હલકા લાગે છે. ત્યારે મારી સાસુએ જવાબ આપ્યો અમે તો કાંઈ વધુ માગ્યું ન હતું. અમને એમ કે તેઓ તેમની રીતે જ વધુ આપી દેશે. નંદની (મારી મોટી નણંદ) ના લગ્નમાં અમે કેટલા ભારે ભારે ઘરેણા બનાવરાવ્યા હતા. સાસરીયા વાળા આજ સુધી તેના વખાણ કરે છે.

તેમની વાતો સાંભળીને હું અંદર સુધી હચમચી ગઈ કે આ કેવા લોકો છે જે નવી વહુને નીચી દેખાડી રહ્યા છે. જેટલા સોનેરી સપના જોયા હતા બધા એક સાથે તૂટતા દેખાવા લાગ્યા. હું કાંઈ પણ બોલી શકી નહિ. મારા કુટુંબ વાળા માટે આવા શબ્દ સાંભળીને આંખોમાં આંસુ આવી ગયા.

હું નવા ઘરના વાતાવરણમાં સેટ થવાનો પ્રયત્ન કરવા લાગી. રસોડામાં જયારે પહેલી વખત ખાવાનું બનાવવા ગઈ ત્યારે કોઈ પણ મદદ માટે ન આવ્યું. મને ખાવાનું બનાવતા આવડતું હતું પણ અહિયાંના લોકો કેવું ખાવાનું પસંદ કરતા હતા તે મને ખબર ન હતી. તેનું પરિણામ એ આવ્યું કે, જે ખાવાનું મેં બનાવ્યું તે ખાતા જ બધાના મોઢા બગડી ગયા.

આટલું મસાલાદાર ખાવાનું અમે નથી ખાતા, બાપ રે મરચાનું જ શાક બનાવી દીધું કે શું? અરે રીફાઇન તેલમાં નહિ સરસીયાના તેલમાં શાક બનાવવાનું હતું, આ તો ઘી ની જગ્યાએ તેલથી વઘાર કરી દીધો દાળનો, મારી સાસુ પણ બધાની હા માં હા મળાવી રહ્યા હતા. મને અહિયાંના રીત રીવાજ શીખવવાને બદલે મને મહેણાં સંભળાવી રહ્યા હતા. સાસુને કાંઈ કહેતી તો તે પોતાની સાસુ વિષે જણાવવા લાગી જતી. અરે મારી સાસુ જેવી સાસુ મળે તો ખબર પડે તને, મારી સાસુએ પણ આવી રીતે જ તેનું શાસન ચલાવ્યું હતું. તું જયારે સાસુ બનીશ ત્યારે તને ખબર પડશે.

રેશમા ક્યાં છો? જલ્દી આવ પૂજાની થાળી લઈ લે જાન આવી ગઈ. હું ત્રીસ વર્ષ પહેલાની યાદો માંથી બહાર આવીને મારા દીકરા સુરજ અને વહુ જ્યોતિ માટે પૂજાની થાળી લઈને આવવા લાગી. દરવાજા ઉપર ઉભેલી વહુને જોઈને મને તેમાં ત્રીસ વર્ષ પહેલાની રેશમા દેખાવા લાગી. મેં બંનેની આરતી ઉતારી. દીકરા વહુએ મારા ચરણ સ્પર્શ કર્યા. મારું મન ભરાઈ આવ્યું. મેં બંનેને ગળે લગાવી લીધા.

અંદર આવતા જ મેં વહુ અને દીકરાને રૂમમાં આરામ કરવા માટે મોકલી દીધા. જેથી બંનેને તેમના માટે સમય મળી જાય. હું એવું કોઈ પણ ખોટું કામ કરવા માંગતી ન હતી જે ત્રીસ વર્ષ પહેલા મારી સાસુએ મારી સાથે કર્યું હતું.

બધા સંબંધીઓ વહુના ઘરેથી આવેલી વસ્તુમાં ખામીઓ કાઢી રહ્યા હતા તો મેં કહી દીધું, વસ્તુથી વધુ કિંમતી તો મારી વહુ છે. અમે તો કાંઈ માગ્યું જ ન હતું પણ તેમણે ઘણું બધું આપી દીધું. મારા એ જવાબની સંબધીઓ ઉપર શું અસર પડી તેની મને શી ખબર, પણ મારી વહુએ જયારે મારી વાત સાંભળી તો તેના મનમાં મારા માટે પ્રેમ અને સન્માન વધી ગયું.

રસોઈ પૂજા વખતે વહુએ ખીર બનાવી. હું ત્યાં ઉભી રહીને તેની મદદ કરવા લાગી. હું તેને એવો અનુભવ થવા દેવા માંગતી ન હતી કે તેના સાસરિયામાં માત્ર તેની સાસુ શાસન કરે છે. દિવસો પસાર થતા ગયા અને સંબંધ મજબૂત થતા ગયા. જ્યોતિ પહેલા દિવસથી જ મારી સાથે ઘણી ભળી ગઈ. તેણીએ મજાક મજાકમાં કહ્યું પણ ખરું કે, મમ્મી મેં વિચાર્યું હતું કે તમે પણ બીજા લોકોની સાસુ જેવા જ હશો. પણ તમે તો મારા મમ્મીથી પણ સારા છો.

મેં પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું, મેં વહુથી સાસુ બનવા સુધીની સફર કરી છે એટલા માટે મને ખબર છે કે વહુની શું આશા હોય છે અને સાસુનું શું કર્તવ્ય હોય છે.

આજે હું અને મારી વહુ બંને મળીને કામ કરીએ છીએ, કોઈ અમને જોઇને કહી જ ન શકે કે અમે સાસુ વહુ છીએ. બધા કહે છે કે આ બંને તો એકદમ માં દીકરી જેવા લાગે છે. તે સાંભળીને મને ખુબ આનંદ થાય છે.

આ સ્ટોરી વાંચીને ઘણા લોકોના મનમાં વિચાર આવી રહ્યો હશે કે, તે વહુ ઘણી જ ભાગ્યશાળી છે જેને રેશમા જેવી સાસુ મળી. પણ હું બસ એટલુ જ કહીશ કે કેમ ન આપણે જ આગળ ચાલીને એક સારી સાસુ બની જઈએ. જો તમે એક દીકરાની માં છો તો અત્યારથી એક સારી સાસુ બનવાની શરુઆત કરી દો. કેમ કે સાસુ પણ ક્યારેક વહુ હતી અને દરેક વહુ ક્યારેકને કયારેક સાસુ બનશે. પરિવર્તન આપણા પોતાથી જ કરીશું જેથી આગળ ચાલીને દરેક સાસુને એક સારી વહુ મળે અને દરેક વહુને એક સારી સાસુ.