પતિ ઓફીસે જવા નિકળે ત્યારે ઘણીવાર તારાબેન ડેલીએ ઉભા રહે.. આજે એણે જોયું તો એક છોકરી હાથમાં સળિયો પકડી કચરા ફંફોળી રહી છે.. અને બુમ પાડે છે.. “એ.. વાળ લાવો વાળ..”
એ નજીક આવી.. તારાબેન એને જોઈ રહ્યા.. તેર ચઉદ વરસની એ છોકરી નમણી હતી.. જટિયા વાળ અને મેલા કપડાંમાં પણ એ સુંદર લાગતી હતી.. એણે પુછ્યું..
“માસી, વાળ હોય તો લાવો..”
” વાળ તો નથી.. પણ તારે ખાવું છે..?” તારાબેનથી અનાયાસ પુછાઈ ગયું..
છોકરીએ ખચકાઈને કહ્યું.. “હા .. હોય તો લાવો..”
તારાબેન વધેલી બે રોટલી અને દાળ ભાત લઈ આવ્યા.. થાળી ધરી..
“મને ઝબલામાં આપોને.. ખાઈ લઈશ..”
દાળ ઝબલામાં ના ભરાય.. તું તારે આમાં જ ખાઈ લે..
એણે ડેલી સામે બેસીને ખાઈ લીધું.. તારાબેને પાણી આપ્યું.. છોકરીએ થોડું પીધું, અને થાળી વાટકો ધોઈ નાખ્યા..
થોડા દિવસ પછી તારાબેનને અવાજ સંભળાયો.. “એ.. વાળ લાવો વાળ..”
એ બહાર આવ્યા.. છોકરી ડેલી સામે ઉભી હતી.. તારાબેને એની આંખોમાં જોયું.. અને લાગ્યું.. કે એ ખાવાનું માંગે છે..
“બેસ.. થોડું ખાઈ લે..” એમ કહી એ અંદર ગયા..
આ ક્રમ ચાલુ થયો.. ત્રણ ચાર દિવસે છોકરીનો અવાજ સંભળાય.. તારાબેન ખાવાનું આપે.. છોકરી ખાઈ, વાસણ ધોઈ ચાલી જાય..
એક દિવસ એણે નામ પુછ્યું.. છોકરીએ કહ્યું.. “સકુ..”
તારાબેન બોલ્યા.. “સકુ..?”
“ના માસી.. સકુ નહીં.. સકુ.. સકુ..”
તારાબેન હસી પડ્યા.. “તો ચકુ.. એમને..?”
છોકરી પણ હસી..”હા માસી.. એવું ..સકુ..” એને ‘ચ’ બોલવાની ટેવ ન હતી..
“તને વાંચતા લખતા આવડે છે..?” છોકરીએ કહ્યું..”થોડું થોડું..”
“ચકુ, તારે બધુ શીખવું હોય તો તું રોજ આવતી જા.. અહીં ખાઈ લે જે.. હું પાટી પેન ચોપડી લાવી દઈશ.. રોજ એક કલાક વાંચજે લખજે..”
“તો.. માસી તમારા વાસણ રાખી મુકજો.. હું ઉટકી દઈશ..”
અને .. લખવા, વાંચવા અને વાસણ ઉટકવાનો નવો ક્રમ ચાલુ થયો..
બે દિવસ પછી દિકરી ભાવિષાનો જન્મ દિવસ હતો.. તારાબેન પતિ સાથે એના માટે કપડાં ખરીદવા ગયા હતા.. એણે પતિને કહ્યું..
“મેં તમને કહ્યું નથી.. પણ એક વાળ વિણવાવાળી છોકરી.. ચકુ, રોજ એક કલાક આપણી ડેલીએ બેસીને ભણે છે.. એના માટે એક જોડ ખરીદીએ તો..?”
પતિને હસવું આવ્યું.. “તું રોજ એને ખવડાવે છે.. અને ભણાવે છે.. એની મને ખબર છે.. અમારી પુરુષોની રાત્રી બેઠકમાં વાત થઈ હતી.. બધાએ તારા વખાણ કર્યા.. પણ તને એક બીજી વાતની ખબર નહીં હોય.. શેરીના બધા એ છોકરીને ‘તારામાસીની ભાણકી’ કહે છે..”
પતિ પત્ની બેય ખુબ હસ્યા..
– જયંતીલાલ ચૌહાણ ૩-૬-૨૧ (અમરકથા ગ્રુપ)