આ હૃદયસ્પર્શી સ્ટોરી વાંચીને તમે જ કહો કે નિઃસંતાન દંપતી અને દુઃખીયારી બાઈમાંથી દાતા કોણ?

0
1605

દાતા :

રાજપુર નામે એક નાનકડું ગામ. ગામની વસ્તી મોટાભાગે ખેતીકામ, ખેતમજુરી અને પશુપાલન સાથે સંકળાયેલી. આ ગામમાં હરજીભાઈનો પરિવાર પણ વસવાટ કરે. હરજીભાઈ નજીકના શહેરમાં કાપડની દુકાનમાં નોકરી કરે, ગામમાં પોતાની બે વિઘા જમીનેય ખરી. ખેતીવાડીનું કામ હરજીભાઈનાં પત્નિ કાંતાબેન સંભાળે.

રવિવાર અને અન્ય રજાના દિવસે હરજીભાઈ ખેતીકામમાં મદદ કરે, સાથે દિકરી મમતા અને પુત્ર મનોજ પણ થોડો ઘણો ટેકો કરે. વર્ષે ખાધા ખોરાકી જોગું ખેતીમાંથી મળી રહે. એક ભેંસ પણ ખરી એ પણ ટેકારુપ ખરી. મમતાએ ગ્રેજ્યુએશન પુરુ કર્યું છે ને મનોજ સીવીલ એન્જિનિયરિંગ ના બીજા વર્ષમાં છે. ટુંકમાં આ પરિવારનું જીવનનું ગાડું ઠીક ઠીક પ્રમાણમાં રગડી રહ્યું છે. મમતાનું સગપણ પણ થઈ ગયેલ છે. લગ્ન આવતા શિયાળામાં કરવાનું આયોજન ઘર સંપત પ્રમાણે થઈ રહ્યું છે.

બાળકોના શિક્ષણ પાછળના છેલ્લા વર્ષોના ખર્ચાઓથી ઘરમાં કોઈ લાંબી બચત તો નથી. પરંતું આ સંતોષી પરિવાર હર્યોભર્યો છે અને ખુશહાલ જીવન વિતાવી રહ્યો છે.

‘ના જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ‘- અણધારી આફત આવી પડી આ પરિવાર પર. શહેરમાંથી નોકરી કરીને રિક્ષામાં સાંજે હરજીભાઈ ઘેર આવી રહ્યા હતા એ સમયે રિક્ષાને અકસ્માત થયો. રામજીભાઈ સડક પર પટકાયા. ત્યાં હાજર લોકોએ દવાખાને તો તરત પહોચાડ્યા હરજીભાઈને. નિદાન થયું કે હરજીભાઈને બ્રેઈન હેમરેજ થયું છે ને કોમામાં સરકી પડ્યા છે. આભ તુટી પડ્યું હરજીભાઈના પરિવાર પર. દવા અને દુવાઓ ખુબ થઈ પરંતુ પંદરમા દિવસે તો આ દુનિયા અને પરિવારને રામ રામ કરી દીધા હરજીભાઈએ.

પરિવાર નિરાધાર થઈ ગયો, દવાખાનાના ખર્ચમાં બચાવેલી થોડી ઘણી માયા મૂડી ખર્ચાઈ ગઈ, ભેંસ પણ વેચાઈ ગઈ.

અભ્યાસમાં ખુબ જ તેજસ્વી એવા મનોજનું ભવિષ્ય તો ઉજળું હતું પરંતુ અત્યારની પરિસ્થિતિનું શું!

સૌથી મોટી વિડંબણા મમતાના પીળા હાથ કરવાની હતી. બન્ને મા દિકરી સતત આંસું વહાવી રહ્યાં હતાં, આજે આ બન્ને સન્નારીઓ પોતાને સૌથી વધારે દુર્ભાગ્યશાળી માની રહી છે. મનોજ બન્નેને સાંત્વના આપવાનો થોડો પ્રયાસ તો કરે છે પરંતુ અંદરથી તો એય તુટી ગયો છે ને આખરે એય તો નાનું બાળ જ ને!

એક જમા પાસું આ પરિવારનું એ છે કે, સંસ્કાર અને સંસ્કૃતિને વરેલો છે જે પ્રાણવાયુ બનીને આ પરિવારને હુંફ આપી રહ્યો છે, બાકી તો જ્યાં ઘરનો મોભ તુટે એ કુટુંબની વેદના અને પરિસ્થિતિ શું હોય એ તો સૌ સમજી શકે. સમય વિતતો ગયો, છ મહિના વીતી ગયા. ઘરનો ખુણો છોડીને કાંતાબેન બહાર નિકળતાં થયાં ને પિયરમાં એક આંટો મા રી આવ્યાં. અનેક આશાઓ સાથે વિશ્વાસ લઈને ગયાં હતાં પિયરમાં. ભાઈઓ આગળ દિકરીના વિવાહની વેદના વર્ણવી પરંતુ સંપૂર્ણ નિષ્ફળતા મળી એમાં.

ભાભીઓએ વાતનો દોર હાથમાં લઈ લેતાં કહ્યું કે જુઓ કાન્તાબેન, હરજીલાલના દવાખાનાના ખર્ચમાં અમેય ત્રીસ ચાળીસ હજાર તો આપી ચુક્યાં છીએ અને અમારેય ઉમરલાયક દિકરા દિકરીઓ થઈ ગયાં છે, છતાંય વીસ પચ્ચીસ હજારનું મામેરુ લઈને તો આવશું હો. પંદર વીસ હજારનાં વાસણ, કપડાં ને પાંચેક હજાર રોકડ આપશું.

માત્ર છ મહિનામાં કુટુંબ, ભાઈ ભાંડુંના વ્યવહારોને સારી રીતે સમજી ગયેલ કાંતાબેને ભાઈઓના ઘરેથી ભગ્ન હ્રદયે વિદાય લીધી. ભાઈઓની પરિસ્થિતિ એકંદરે સારી હતી એટલે તો આશા લઈને આવ્યાં હતાં પરંતુ ભાભીઓ પાસેથી જે સાંભળ્યું એને હ્રદયના અગોચર ખુણામાં ધકેલ્યા સિવાય છૂટકો નહોતો.

બસમાં ચડીને ઘરની વાટ પકડી કાંતાબેને. બાયપાસ જતી બસ ક્યારે રાજપુરના ચાર રસ્તે આવીને ઉભી રહી એ પણ ખબર ના રહી. કંડકટરે ‘એ બેન રાજપુર આવ્યું ‘- કહ્યું ત્યારે તંદ્રામાંથી જાગતાં હોય તેમ હડફ કરતાં સીટમાંથી ઉભાં થઈને દરવાજેથી ચૂપચાપ ઉતરીને ચાલતાં થયાં ગામને મારગ. બસનાં બધાં જ મુસાફરો આ અભાગી બાઈને એકીટશે નિહાળી રહ્યાં હતાં એ કાંતાબેનને ક્યાંથી ખબર હોય! હા ધીમા અવાજે કોઈના બોલાયેલા શબ્દો ‘દુઃખીયારી બાઈ લાગે છે ‘- એ પડઘાઈ રહ્યા હતા.

રાજપુરના પ્રવેશદ્વાર પાસે જ ભગવાન શિવજીનું શીવાલય છે. કાંતાબેનના પગ શિવાલય પાસે આવતાં અટક્યા. આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. મંદિરના ઓટલા પાસે આવીને ફસડાઈ પડ્યાં. થોડી સાતા મળતાં તૂટક તૂટક શબ્દોમાં ભોળાનાથ આગળ બે શબ્દો બોલ્યાં, ‘હે પ્રભુ! એક રાંડીરાંડની વહારે આવજે મારા નાથ ‘

ઘેર પહોંચતાં જ રાહ જોઈ રહેલ પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલ મમતા અને મનોજ મા ને ભેટી પડ્યાં. કોણ કોને સાંત્વના આપે? છતાંય રૂદન હ્રદયને હળવું કરી દે છે એ અહેસાસ ત્રણેય જણને થયો.

વાળુપાણી કરીને ત્રણેય જણે પથારીમાં લંબાવ્યું. કઠણ કાળજુ કરીને મમતાએ કાંતાબેનને કહ્યું, મમ્મી મારા લગ્નની ઉતાવળ કરીને દેવાદાર નથી થવું, ગમે તેમ કરીનેય તમારા જમાઈને હું મનાવી લઈશ. સમજુ દિકરીની મનોવ્યથાને સમજી ગયેલ કાંતાબેને કહ્યું, બેટા તું ચિંતા ના કરીશ. તારી મા હજી જીવે છે, પરંતુ હ્રદયમાં તો હતાશા સિવાય કંઈ નહોતું.

‘કોઈ ઘેર છે?’ ઝાંપેથી અવાજ આવ્યો, ઉભડક હ્રદયે આડા પડેલ મનોજે ઝાંપે જઈને પુછ્યું, ‘કોનું કામ છે?’ પરંતુ અજાણ્યા પુરુષ સ્ત્રી ને જોઈને આવકાર આપ્યો ‘આવો ‘ બન્ને સ્ત્રી પુરુષ અંદર આવ્યાં. મમતા અને કાંતાબેન ઉઠી ગયાં હતાં. કાંતાબેને પણ આવકાર આપ્યો, ‘આવો ભાઈ, આવો બહેન ‘

આવેલ દંપતિએ હકીકત વર્ણવી, ‘સોમનાથ દર્શનેથી આવીએ છીએ. સાથે કાર હતી પરંતુ આ ચાર રસ્તે આવતાં પંક્ચર થયું, સ્પેર વ્હીલને પણ પંક્ચર છે એટલે કાર સાઈડમાં પાર્ક કરીને રાત્રી રોકાણ માટે આવ્યાં છીએ, મારુ નામ મહેશભાઈ અને આ મારાં ઘરવાળાં ઉમાબેન છે અમે બન્ને શિક્ષક છીએ. આ રહ્યું મારુ ઓળખકાર્ડ ‘મહેશભાઈ મનોજને ઓળખકાર્ડ બતાવે છે.’ અને હા, રસ્તામાં જમીને જ આવ્યાં છીએ, માત્ર રાત્રી રોકાણ માટે આવ્યાં છીએ જો તમને વાંધો ના હોય તો.’

ભાઈ, આ પણ માનવીનું જ ઘર છે ને અજાણ્યા તોય તમે માનવી જ છો, ખુશીથી રોકાઓ ભાઈ. ઉંમરમાં ચાળીસેકની આજુબાજુના શિક્ષક દંપતિને સપ્રેમ ઘેર લાવ્યાં કાંતાબેન.

મહેશભાઈ અને મનોજની ઓસરીમાં પથારી થઈ ને ઉમાબેનની ઓરડામાં. રાત્રીના અગિયારના ટકોરે કાંતાબેનની મોટી બહેન રમાબેનનો ફોન મમતાના ફોનમાં આવ્યો. માસીનો ફોન છે મમ્મી લે.

શું કર્યું ભાઈના ઘેર જઈને બહેન? પ્રત્યુતરમાં કાંતાબેને આવેલ મહેમાનની હાજરીને પણ ભુલી જઈને સઘળી હકીકત વર્ણવી. અડધો કલાકની વાતચીત પછી ફોન મુકાઈ ગયો. સવાર થયું. સૌ જાગ્યાં, સ્નાનાદિ, ચા -પાણી થયાં. એ પુરુ થતાં જ ઉમાબેને કાંતાબેનને કહ્યું જુઓ, આ મારા પતિને એક સંસ્થા સાથે સારા સબંધો છે, જે જરૂરીયાતમંદોને એક લાખ રૂપિયાની વગર વ્યાજે લોન આપે છે દિકરીના વિવાહ માટે. રાત્રે તમારાં બહેન સાથે ફોન પર થયેલી વાતચીત મેં સાંભળી છે, એટલે આ લોન મારા પતિ તમને બે દિવસમાં મંજૂર કરાવી આપશે. માત્ર તમારો બેંક ખાતા નંબર આપો, અને હા આ મારા પતિનો અને મારો ફોન નંબર છે (કાગળ પર લખી આપે છે) કાંતાબેન.

મનોજ કાર સુધી સાથે જાય છે ને પંક્ચર કરાવડાવીને વિદાય આપે છે.

બરાબર ત્રીજા દિવસે મમતાના મોબાઈલમાં કાંતાબેનના બેંક ખાતામાં એક લાખ રુપિયા જમા થયાનો મેસેજ આવે છે, મમતા આ અઢળક ખુશીનો સંદેશ કાંતાબેનને આપે છે, કાંતાબેન રડી પડે છે.

ધન્ય છે અજાણ્યા માનવરત્નને…….

મમતાનાં લગ્નની તિથિ નક્કી થઈ, કંકોતરીઓ છપાઈ. એ કંકોતરી આપવાનું મહેશભાઈ અને ઉમાબેનને કેમ ભુલાય!

ફોનથી સરનામું મેળવીને કાંતાબેન ઉપડ્યાં મહેશભાઈને ગામ કંકોતરી આપવા. ગામમાં જઈને કોઈક ને મહેશભાઈનું ઘર પુછ્યું, પેલા માણસે ઘર તો બતાવ્યું પરંતુ એક સવાલ પણ કર્યો, બહેન મહેશભાઈ તમારે શું થાય? કાંતાબેને લોન અપાવ્યાની વાત કરીને કહ્યું, આમ ગણું તો મારો ભાઈ કહેવાય.

અજાણ્યો ઘર બતાવનાર મહેશભાઈનો સગો નાનોભાઈ હતો.

કાંતાબેન તો મહેશભાઈના ઘર તરફ ચાલતાં થયાં પરંતુ પાછળ નિસાસા સાથેના શબ્દો સંભળાયા, હે પ્રભુ! આવા પરમાર્થી ભાઈ ભાભીને ઘેર શેર માટીની ખોટ!

કાંતાબેનના પગ અટકી ગયા, પાછા વળીને અજાણ્યા જણને ફરીથી પુછ્યું, ભાઈ તમને તમારા વ્હાલા સ્વજનના સોગંદ છે, શું હકીકત છે?

અજાણ્યા માણસે કહ્યું, મહેશભાઈ મારા મોટા ભાઈ છે, તમે જે લોન અપાવ્યાની વાત કરી એવી વગર વ્યાજની લોન કોઈ આપતું નથી પરંતુ એમણે પોતાના રુપિયા આપ્યા હશે. એમના પરમાર્થી સ્વાભાવથી આખું ગામ પરિચિત છે, અફસોસ એ છે કે, આવા પરમાર્થી ભાઈને વસ્તાર નથી.

કંકોતરી અપાઈ ગઈ, લગ્ન લેવાઈ ગયાં. સુખશાંતિથી અવસર પુરો થયો. ત્રણ મહિના પસાર થઈ ગયા.

રવિવારના દિવસે કાંતાબેનના આંગણામાં કાર આવીને ઉભી રહી. મહેશભાઈ અને ઉમાબેન કારમાંથી ઉતરીને કાંતાબેનને જય શ્રી કૃષ્ણ કહ્યા. સાથે સાથે ખુશીના સમાચાર આપ્યા કે, ઉમાબેનને સારા દિવસો જાય છે ને અમે સોમનાથ દર્શન કરવા જઈએ છીએ, અહીંથી નિકળ્યાં એટલે તમને મળીને જવાની ઈચ્છા થઈ.

કાંતાબેનની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી. મોઢામાંથી શબ્દો સરી પડ્યા, હે ભોળાનાથ! તે મારી આબરુ રાખી તો ખરી! પરાયાં ગરીબ જણની દિકરીઓ પોતાના ખર્ચે પરણાવનનાર માયાળું સ્વજનના અંતરના ઓરતા પુરા કર્યા ખરા મારા નાથ!

આડોશી -પાડોશીનું ટોળું જમા થઈ ગયું, ગૂપસૂપને ચર્ચાઓ થઈ ને સૌ બોલી ઉઠાયાં, ટેક તો બાકી કાંતામાની!

ત્રણ ત્રણ મહિનાથી માત્ર દૂધ પીને રહેવું ને સવાર સાંજ ભોળાનાથની ત્રણ ત્રણ કલાક માળા. એ પણ ધર્મના ભાઈના ઘેર પારણું બંધાય એ માટે!

મહેશભાઈ અને ઉમાબેન બધું મુંગા મોંએ સાંભળી રહ્યાં હતાં, કાંતાબેનને ભેટી પડ્યું આ શિક્ષક દંપતી. તેમની પાસે અત્યારે બોલવાના કોઈ શબ્દો નહોતા.

અહીં કોણ દાતા એ તો મારો ભોળાનાથ જાણે.

લેખન રચના :- નટવરભાઈ રાવળદેવ થરા. તા -17/07/2021