નિશ્વાર્થ કુટુંબપ્રેમ અને પરગજુ સ્વભાવ વાળા વ્યક્તિની આ સ્ટોરી તમારું હૈયું કંપાવી દેશે, વાંચવાનું ચુકતા નહિ.

0
858

સબંધોની આરપાર :

નામ એનું વાલો પરંતુ આખું હરિપુરા ગામ વાલો વાંકલો તરીકે જ ઓળખે. કયા ગામનો છે આજ સુધી કોઈનેય ખબર નથી. એક દશકો વીતિ ગયો આ ગામમાં. આજથી દશ વરસ પહેલાં ગામના મુખી રામજી ભગત પોતાની વાડીએ બપોરના સમયે ઘટાદાર લીમડા નીચે ખાટલામાં આરામ કરી રહ્યા હતા. ખેતર પાસેથી જ જાહેર રસ્તો પસાર થાય. એ વખતે આ રસ્તો કાચો હતો. વટેમાર્ગુઓ પાણી પીવા આ વાડીના બોરે જરૂર થોભે.

બરાબર બપોરના સમયે વાલો રામજી ભગતની વાડીએ વળ્યો. બોરના હોજની પાળી પર પડેલ લોટા વડે પાણી પીધું, હવાડામાં હાથ પગ ધોયા ને ફાળિયા વડે મોં લુંછીને ખાટલાથી થોડે દૂર બેઠો, બેસતાં જ ઉંડો નિસાસો નંખાઈ ગયો. અચાનક રામજી ભગતની આંખ ખુલી ગઈ. ઝબકી ને ખાટલામાં બેઠા થઈ ગયા ને ચારેબાજુ નજર કરતાં વાલો નજરે પડ્યો. આવો ભાઈ, કેમ છો? આટલો ઉંડો નિસાસો કાં?

વાલો તો નિરૂતર બેસી રહ્યો પણ ભગતની નજર તો માણસ પારખુ, થોડા નિરીક્ષણમાં જ એમના મનમાં કંઈક પ્રશ્ન થયો. ઉઠીને વાલા પાસે આવ્યા ને બોલ્યા, ભાઈ કોણ છો તમે? આમ સાવ નિરાશ કેમ છો? ભુખ્યા હોય એવું પણ લાગે છે. વાલો હજી નિરૂતર જ છે. ભગત અકળાયા. ભાઈ કંઈક તો બોલ! તને તારા વ્હાલા સ્વજનના સોગન છે. બસ, વાલાની આંખમાંથી દડ દડ આંસુ સરી પડ્યાં. ભગતે પીઠ પર હાથ પસવારીને સાંત્વના આપી ને પછી કહ્યું, ભાઈ તમે કંઈક બોલો તો ખબર પડે!

વટેમાર્ગુ છું, ક્યાં જવું એ તો મનેય ખબર નથી પણ આ પેટનો ખાડો પુરવા ક્યાંક જઈને મજુરી કરવી છે. ગામ તો હવે જ્યાં રહેવાનું થાય એ ને નામ વાલો છે. ભગત કૌતુકભરી નજરે ચાળીસેક વરસની ઉંમરના વાલાને નિહાળી રહ્યા ને છેવટે કંઈક ફેંસલો કરીને બોલ્યા, તો પછી બે ચાર દિવસ મારી વાડીએ રોકાઈ જા. હું આ ગામનો મુખી છું. મારુ નામ રામજી છે તને એમ નિરાશ કરુ તો મારી માણસાઈ લાજે. હા, તને ફાવે તો પછી મજુરી નક્કી કરશું.

વાલાએ આંસુ લુંછીને કહ્યું…ઠીક છે મુખીબાપા. ઘેરથી ભાતું આવ્યું ને રામજી ભગતે વાલાને પેટ ભરીને જમાડ્યો. ચાર દિવસ જોતજોતામાં પસાર થઈ ગયા, એ ચાર દિવસમાં વાલો ને એનું કામ. કોઈ કામમાં કહેવું ના પડે. નવરાશના સમયે સતત પ્રભુ સ્મરણ. રામજી ભગતના મનમાં એટલું તો નક્કી થયું કે ખેડૂતનો જીવ છે એ નક્કી ને પાછો ધાર્મિક જીવ છે .

ચોથા દિવસે સાંજે ભગતે કહ્યું, બોલો વાલાભાઈ શું કરવું છે? વાલાએ કહ્યું આપનો વિચાર મુખીબાપા, આપ જે આપશો એ મંજુર છે મને પણ બે હાથ જોડીને એક શરત રાખું છું કે, કે ક્યારેય મારુ ગામ ઠામ ના પુછતા. હું કોઈ રખડું ભાગેડું નથી કે નથી કોઈ ગુનેગાર, ચોર કે લુટારો.

રામજી ભગતેય વિચારમાં પડી ગયા. શું ઘટના ઘટી હશે આ પ્રભુમય જીવ સાથે? કુદરતે શું થપાટ મારી હશે આ મહેનતું માનવી પર? હૈયામાં ઘણાય પ્રશ્નો થયા ભગતને પરંતુ એય બોલી ના શક્યા. બસ એટલું જ કહ્યું કે, વાલાભાઈ બાર મહિને તને પુરા પચ્ચીસ હજાર રૂપિયા આપીશ ને ખાવું પીવું, કપડાં લત્તાં બધું મારા પર. આજ સુધી માત્ર દાડિયાથી કામ કરાવતો હતો હવે તારો ટેકો રહેશે ને મારી ચિંતા ઓછી થશે.

વાલો ફરી નિરૂતર છતાંય બે પાંચ મિનિટે એટલું જરૂર બોલ્યો, મુખીબાપા મારે પૈસા શું કરવા છે? તમે આશરો આપ્યો એ જ મોટો ઉપકાર છે મારા પર.

વાલાભાઈ રૂપિયા તો કોઈ ધર્મકાર્યમાં વાપરજો. તમારી પાસે મફત મજુરી તો નહિં કરાવું. હું એવો નગુણો માનવી નથી, રામજી ભગત લાગણીપુર્વક બોલ્યા.

વાલો પ્રભુનો જીવ. ભજન સત્સંગમાં રાતના ઉજાગરા કરે. આધેડ ઉમરેય ના થાક કે ના કંટાળો. બાળપણથી જ થોડા ત્રાંસા પગે ચાલવાની ટેવ એટલે આ ગામના લોકોએ વાલો વાંકલો નામ છાપી દીધું, બાકી પ્રતિભા તો ભગતની. આ નામ સાથે વાલાનેય કોઈ અણગમો નહીં. દશકો આમ ને આમ વીતિ ગયો, ગામનો અઢળક પ્રેમ મળ્યો વાલાને, પરંતુ એની જીંદગીનો પડદો હજી સુધી ના ઉંચકાયો તે ના જ ઉંચકાયો.

મુખી રામજીભાઈ માયાળું જીવ. એમનાં ધર્મપત્ની સાકરબેન પણ પરગજુ. સંતાન સુખમાં ભગવાને એક દિકરી આપી છે પરંતુ આ દંપતિને નથી એનો રંજ કે અફસોસ! આખા પંથકનું આબરૂદાર ખોરડું છે રામજીભાઈનું. ગામના પાદરમાં જ માથું વાવે એવી પચાસ વિઘા જમીન છે એમની. દિકરી ઉષા પાંચ વર્ષ પહેલાં ડોકટરના અભ્યાસ માટે કેનેડા ગઈ છે વર્ષમાં એકાદ આંટો મારે છે વતનમાં. વાડીએ આવે ત્યારે વાલાભાઈ સાથે જરૂર વાત કરે.

જ્યાં ઉષા અભ્યાસ કરે છે એ જ વિસ્તારમાં જ એક કિરણકુમાર નામે ડોકટર પ્રેકટીસ કરે છે જે અવાર નવાર કલાસ લેવા પણ આવે છે. જેમનું વતન પણ ઉષાના ગામથી પચાસ કિલોમીટર દુરનું ફુલપુરા છે. સાહજિક પરિચય બાદ એક બીજા વચ્ચે ઘણી વખત વાતચીત થાય છે. એક જ જ્ઞાતિ અને એક જ જિલ્લાનાં રહેવાસી એવાં ઉષા, કિરણ વચ્ચેનો પરિચય વધતો જાય છે.

ઉષા એની લાગણી માતા પિતા રામજીભાઈ અને સાકરબેનને જણાવે છે. દિકરી પર સંપુર્ણ વિશ્વાસ ધરાવતા રામજીભાઈ ઉષાએ કરેલ નિર્ણયને આવકારે છે પરંતું ઉષાએ કહ્યું, ના પપ્પા હું પહેલાં કિરણને લઈને આવું પછી આપ નિર્ણય લેજો. આપની પરિક્ષામાં કિરણ પાસ થાય તો જ આપ મંજુરીની મહોર મારજો. કિરણ પણ એ જ મત ધરાવે છે.

પ્લેનની ટિકિટ બૂક થઈ ગઈ છે. ઉષા પોતાનો સામાન પેક કરી સાથે લઇને પોતાની હોસ્ટેલ પરથી કિરણના મકાને આવી છે. ઉષા અને કિરણ સામાન સુટકેશમાં પેક કરી રહ્યાં છે એ જ વખતે કિરણનું પર્સ હાથમાંથી નીચે પડી ગયું. અંદરની વસ્તુઓ પણ પર્સ બહાર નિકળી ગઈ જેમાં એક પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ હતો જે ઉષાના હાથમાં આવ્યો.

ફોટાને ધારી ધારીને ઉષા જોવા લાગી. કિરણે કહ્યું, શું જુએ છે? આ ફોટો કોનો છે કિરણ? કિરણની નજર ફોટા પર પડતાં જ હતાશા સાથે બોલ્યો, પપ્પા છે. ઉષાએ ઝડપભેર કહ્યું, શું નામ છે એમનું? હાલ ક્યાં છે? ખબર હોત તો શું જોઈએ ઉષા! તને ખબર છે કે, મમ્મી બાળપણમાં પ્રભુને પ્યારી થઈ ગઈ ને પપ્પાને ઘર છોડીને ગયાને દશકો થઈ ગયો, તને આ બધી વાતો જણાવેલ જ છે ઉષા. મેં પપ્પાનું નામ પૂછ્યું છે કિરણ. એનો જવાબ આપો મને.

વાલાભાઈ નામ હતું એમનું ઉષા. હેં! હતું નહીં પણ છે. ઉષા ભાવાવેષમાં ફરીથી બોલી, હા.. હતું નહીં પણ છે… હું કંઈ સમજ્યો નહીં ઉષા. તું શું કહેવા માગે છે? કિરણ આજે હું બહું જ ખુશ છું. પ્રથમ તો એ કે એક દિકરાનું મિલન એક બાપ સાથે કરાવીશ અને બીજું એ કે, મારી પસંદગી ઉપર મારા પપ્પા મહોર મારવાના જ છે એટલે એક જમાઈને એમના સાસુ સસરા સાથે મિલન કરાવીશ.

કિરણ હજી ગડમથલમાં છે. એને બાપ દિકરાના મિલનનો ભેદ ના સમજાયો, પરંતું ત્યાં સુધી તો ઉષાએ કિરણના ગળે વળગીને સહર્ષ અશ્રુસભર જવાબ આપ્યો કે, આપણા પપ્પા વાલાભાઈને હું સારી રીતે ઓળખું છું કિરણ. ઘેર જતાં વેંત એમનું મિલન થઈ જશે કિરણ પરંતુ ઘેર પહોંચીએ ત્યાં સુધી કંઈ હવે ના કહેશો કિરણ.

કિરણ બે હાથે માથું પકડીને બેસી ગયો ને ચોધાર આંસુએ રડવા લાગ્યો. ઉષાએ ખુબ સાંત્વના આપી. ઉષા એટલું તો બોલ કે પપ્પા ક્યાં છે? હરિપુરા, મારા વતનમાં છે પપ્પા.

આજે ઉષા અને કિરણ આવી રહ્યાં છે. રામજીભાઈના પરિવારમાં આજે આનંદ આનંદ છે. આજ સવારથી જ વાલો પણ રામજીભાઈના ઘેર છે. બપોરના અગિયાર વાગ્યા છે. રામજીભાઈના ઘરની આગળ ટેક્સી આવીને ઉભી રહીં. ઉષા અને કિરણ જેવાં ટેક્સીમાંથી ઉતર્યાં કે રામજીભાઈ અને સાકરબેન ઉષાને ભેટી પડ્યાં, કિરણને મીઠો આવકાર આપ્યો.

વાલાભાઈ સરસામાન લેવા ટેક્સી બાજું જેવા વળ્યા કે કિરણ સાથે નજર ટકરાઈ. આંખો ચોળીને ફરીથી કિરણ સામે જોયું. કિરણની ચકળવકળ આંખો પણ અત્યારે પિતાજીને જ શોધી રહી હતી. કિરણની નજર પણ પિતાજી પર પડી. ફરીથી બન્નેની નજર મળે એ પહેલાં વાલાભાઈ ઝડપભેર ત્યાંથી ચાલવા માંડ્યા. કિરણ પપ્પા.. પપ્પા… બુમો પાડતો રહ્યો ત્યાં સુધી તો ત્યાં હાજર બધાંની નજર ઝડપભેર ચાલતા વાલાભાઈ પર મંડાઈ.

કિરણ દોડ્યો… પાછળ ઉષા.. એની પાછળ રામજીભાઈ….

આખરે ક્રોધ મિશ્રિત અશ્રુભીની આંખો અને શ્વાસે ભરાયેલા વાલાભાઈને બધાંએ મળીને રોકી લીધા.

બધાંએ મળીને વાલાભાઈને રોકી તો લીધા પરંતુ તેમના મુખેથી શબ્દો નિકળી રહ્યા હતા કે, ‘એ નપાવટને દુર કરો અહીંથી. એ કુળના કલંકને દુર કરો અહીંથી, જે થાળીમાં ખાય એ જ થાળીમાં થુકનાર નરાધમને દુર કરો મારાથી.

છેવટે રામજીભાઈએ બથ ભરીને વિનવણી કરી કે, ‘ગાંડો થયો છે કે શું વાલાભાઈ? ‘તું શું કહેવા માગે છે?

એણે એની ભાભીની આ બરૂ પર હાથ નાખ્યો છે મુખીબાપા. વાલાભાઈ રડતાં રડતાં બોલ્યા.

કિરણ આ બધું સાંભળી રહ્યો હતો,જે મોટેથી બોલ્યો,

જે ગામના ઘરેણા સમાન હોય, ગામ આખું જેને પૂજનિય ગણતું હોય એવા બાપનું સંતાન જો નપાવટ હોય તો પપ્પા હું આ બધાંની વચ્ચે તમને વચન આપું છું કે હું જાતે મારી જીંદગી સમાપ્ત કરી દઈશ.

છેવટે બધું રામજીભાઈએ સંભાળી લીધું. વાલાભાઈને સમજાવીને ઘેર લાવ્યા છતાંય આનંદનો પ્રસંગ ગમગીનીમાં ફેરવાઈ ગયો. ઉષાને કિરણ પર સંપૂર્ણ વિશ્વાસ હતો છતાંય બાકીની ચર્ચા જમ્યા પછી કરવાનું નક્કી થયું. ચર્ચામાં ત્રણ જણના ભાવિનો ફેંસલો હતો. બધાંના જીવ અત્યારે તો ઉંચા હતા.

રાત્રે આઠ વાગ્યે રામજીભાઈનો પરિવાર અને કિરણ તથા વાલાભાઈ ચર્ચા માટે ગોઠવાઈ ગયાં,.

નવ વર્ષ પહેલાંનો ભૂતકાળ કિરણે વાગોળી જોયો. કેનેડામાં કિરણ જેને ત્યાં રહેતો હતો તે એનો પિતરાઈ ભાઈ કરણ હતો, જે એની પત્ની તૃષા સાથે રહેતો હતો. એને ત્યાં કરિયાણાની દુકાન હતી. એક દિવસ ભાઈ કરિયાણાની દુકાને હતો ત્યારે ભાભી કિરણ જોડે ચેનચાળા કરવા લાગી. કિરણ વાતને પામી ગયો ને ભાભીને વશ ના થયો તે ના જ થયો.

ભાભીએ આખરે એના પતિને ફોન કરીને ઘેર બોલાવ્યો ને કિરણ ઉપર ખોટું આળ નાખ્યું. કિરણે ભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ બધું નિષ્ફળ. છેવટે એ ઘર છોડીને નાનકડી રૂમ રાખીને કિરણ રહેવા લાગ્યો પરંતુ તેને શાંતિ ના મળી. એક બાજુ અભ્યાસ અને બીજી બાજુ બદનામીનું કલંક! એને એ કલંક તરત જ ભૂંસવું હતું તેથી સાતમા દિવસે પ્લેન પકડીને પોતાના વતન ફુલપુરા આવ્યો.

આવ્યો તો ખરો પરંતુ ઘેર તાળું મારેલ જોયું. કાકા કુટુંબમાં હોહા મચી ગઈ. કોઈના શબ્દો સંભળાયા… કાળમુખો આવ્યો.. કોઈ વળી… બદમાશ આવ્યો… જેમના પર અપાર હેત હતું એવા પિતરાઈઓ હાથમાં ધોકા, લાકડીઓ લઈનેમા રવા દોડી આવ્યા. મહોલ્લાના કેટલાક વડીલોએ વચ્ચે પડીને બચાવ્યો કિરણને. નિર્દોષતા સાબિત કરવા કિરણે ઘણી મથામણ કરી પરંતુ બધુ વ્યર્થ.

મહોલ્લા બહારના એક વડીલ ને કિરણે પુછ્યું, મારા પિતાજી ક્યાં છે? સામુહિક પ્રત્યુતર સંભળાયો, ‘તે મોંઢુ કાળુ કર્યું એટલે એતો બિચારો શરમનો માર્યો ઘર છોડીને નિકળી ગયો, રામ જાણે ક્યાં હશે! જીવતો હશે કેમ રીગયો હશે!’ એક મિનટ પણ થોભવું કિરણ માટે ભારે થઈ ગયું. નીચા મોઢે ચાલતી પકડી.

મહોલ્લાના નાકે મગનકાકા આગળ ઉભો રહ્યો. મગનકાકા દુરથી બધું સાંભળી તો રહ્યા જ હતા એમણે વિશેષમાં કહ્યું, તારા બાપને તારા પિતરાઈઓએ ભાઈઓના વ્યવહાર બહાર મુક્યા છે ને પાંચ લાખ દંડ વસ્યુલ્યો છે તારુ પાંચ વિઘા ખેતર બાકી હતું તે ગિરવે મુકાવીને. આબરુય ખોઈને જમીનેય ખોયી.

કિરણને ઉંચે આભ ને નીચે ધરતી જેવું થઈ પડ્યું. ઝડપભેર ત્યાંથી નીકળીને ગામને પાદર માતાજીનું સ્થાપન હતું ત્યાં આવીને બેઠો. આંખોમાં તો શ્રાવણ ભાદરવો હતો જ. બધાં પાસાં પર વિચાર કરી જોયો. કોર્ટે કેશ, પોલીસ ફરિયાદ અને અન્ય વિકલ્પો પર પરંતુ એમાંય કંઈ ઉપાય ના દેખાયો. ભગ્ન હ્રદયે માતાજીને બે હાથ જોડીને કરગરવા લાગ્યો, હે મા! દુધનું દુધ ને પાણીનું પાણી કરાવજે દયાળી! મારા પપ્પા કોઈ ખોટું પગલું ના ભરે એવી વિનંતી કરુ છું, એમનું મિલન કરાવજે મા!

સાંજ પડવા આવી હતી. ના ભુખનું ભાન ના તરસનું. પાછળ આવેલ ધર્મશાળામાં લંબાવી દીધું. આરતી ટાણે આવેલ ગામના મિત્રોને હકિકતની જાણ કરીને દરેકને પોતાનું સરનામું આપી ભલામણ કરી કે મારા પિતાજીની ક્યાંય ભાળ મળે તો આ સરનામે જાણ કરવા વિનંતી કરુ છું.

સવારે ઉઠીને સગાં સબંધીઓમાં પિતાજીની શોધખોળ કરી. ત્રણ ત્રણ દિવસ બધે તપાસ કરી પરંતુ બધું નિરર્થક! બધે સરનામું આપીને ભલામણ કરી એટલું જ. અભ્યાસની ચિંતા તો હતી જ. છેવટે ચોથા દિવસે હતાશ હૈયે કેનેડા નિકળી ગયો ને દર વર્ષે એક આંટો માર્યો એ જ સરનામું ને એ જ ભલામણ. એનાથી વિશેષ કોઈ સફળતા નહીં! ડોકટરનો અભ્યાસ પુરો થયો ને ત્યાં જ પ્રેકટીસ શરુ કરી ત્યાં સુધી કંપનીમાં પાર્ટ ટાઇમ જોબ કરીને ખર્ચો પુરો કર્યો.

દવાખાનું શરુ કર્યા પછી ભાડાના મોટા મકાનમાં રહેવા ગયો. આમ એક દશકાની હકીકત કિરણે સૌની આગળ કહીં સંભળાવી. જો કે આ હકીકતની જાણ ઉષાને તો હતી જ જે કિરણે કહેલ હતી.

હવે વારો વાલાભાઈનો હતો. વાલાભાઈએ શરૂઆત પોતાનાં પત્નિનામો તથી કરી. એ દશ વર્ષનો હતો ત્યારે એની મા સ્વર્ગે સિધાવી ગઈ. મા અને બાપ, એ બન્નેનું હેત આપીને એને ભણાવી ગણાવીને મોટો કર્યો. ડોકટરી માટે કેનેડા મોકલ્યો.

વીસ વિઘા જમીનમાંથી પંદર વિઘા જમીન કિરણના અભ્યાસ ખર્ચ અર્થે ભાઈઓ આગળ ગિરવે મૂકવી…. ભાભીની ઈ જ્જત પર હાથ નાખવાનો કિરણનો પ્રયાસ થયો એ બાબતે ભાઈનો કેનેડાથી વાલાભાઈ પર પત્ર આવવો… ભાઈઓ અને ગામલોકોનું ભેગું થવું…. વાલાભાઈને ભાઈઓના વ્યવહાર બહાર મુકવા….. પાંચ લાખનો દંડ કરવો…… એટલેથી આઘાતમાં સરી પડવું અને કાયમ ગામ છોડવું……

વાલાભાઈએ ક્રમવાર બધું કહી સંભળાવ્યું.

સૌ ચૂપ હતાં પરંતુ રામજીભાઈ મુખી તાળો મેળવી રહ્યા હતા….. જે અચાનક બોલ્યા, કિરણ નિર્દોષ છે. ભાઈની જમીન હડપ કરવા માટે કાવાદાવા ખેલાયા છે, મારો અનુભવ ખોટો પડે તો મારુ મુખીપણું લાજે. હવે બધાં શાંતિથી ઉંઘી જાઓ, સવારે મારા અનુભવની સત્યતા પર મહોર લગાવવા ફુલપુરા જઈશું…

સવારે આઠ વાગ્યે પ્રાઈવેટ ગાડી કરીને રામજીભાઈ, કિરણ અને વાલાભાઈ પહોચ્યા ફુલપુરા.

મહોલ્લામાં પહોંચતાં જ રોકકળ સંભળાઈ. હાજર સૌ વાલાભાઈ અને કિરણને ઓળખી ગયાં.

કોઈક દુરના ભાઈએ આવીને કહ્યું કે કેનેડામાં રહેતાં ભલાભાઈનાં પુત્ર કરણ અને પુત્રવધૂ તૃષાને તેમના ઘરમાં વિજળીનો શોક લાગતાં બન્નેનાં મો તથઈ ગયાં. સાત વર્ષનો પુત્ર વરૂણ નસીબજોગ બચી ગયો. અત્યારે વહેલી સવારે જ બન્નેના મૃતદેહો લાવ્યા.

અંતિમવિધિ કરીને પાછા આવતાં જ ત્રણ ચાર જણ કૌટુંબિક ભાઈઓએ વાલાભાઈને કહીં સંભળાવ્યું, હાથનાં કર્યા હૈયે વાગ્યા.

વાલાભાઈ પુત્ર કિરણને ભેટી પડ્યા. દિકરા મને માફ કર. ભાઈઓ સાથેની અતિશય લાગણીના આવેશમાં હું મારા ખુદના લો હીનેય ઓળખી ના શક્યો.

રામજીભાઈના અનુભવનો તાળોય મળી ગયો, કિરણની નિર્દોષતાનોય તાળો મળી ગયો પરંતુ વાલાભાઈના નિશ્વાર્થ કુટુંબપ્રેમ અને પરગજુ સ્વભાવનો તાળો ના મળ્યો તે ના જ મળ્યો. આખરે ઉષા કિરણને આશિર્વાદ આપી બરાબર સાતમા દિવસે તાળો મેળવવા ઉપડી ગયા હરીધામ.

લેખન -નટવરભાઈ રાવળદેવ થરા.

તા. ૧૯/૦૯/૨૦૨૧