નોકરાણીએ પોતાની શેઠાણી માટે જે કર્યું તેનાથી તેનું બધું અભિમાન ઉતરી ગયું, સ્ટોરી વાંચીને આંસુ આવી જશે

0
2578

પૈસાથી નાની પણ હૃદયથી મોટી નોકરાણીએ શેઠાણીનું હૃદય પરિવર્તન કરી નાખ્યું, વાંચો સત્ય ઘટના પર આધારિત સ્ટોરી.

“આત્મબોધ”

એક સત્ય ઘટના પર આધારિત આ સ્ટોરી થોડા દિવસો જૂની છે, જ્યારે સ્કૂલ બસની હડતાલ ચાલી રહી હતી તે સમયની વાત. મારા મિસ્ટર એક જરૂરી બિઝનેસ મીટિંગમાં વ્યસ્ત હતા, તેથી મારે મારા 5 વર્ષના પુત્રને શાળાએથી લેવા ટુ-વ્હીલર પર જવું પડ્યું. જ્યારે હું ટુ-વ્હીલર પર ઘર તરફ પાછી આવી રહી હતી ત્યારે રસ્તામાં મેં અચાનક મારું સંતુલન ગુમાવ્યું અને હું અને મારો પુત્ર બંને જણા ગાડી પરથી નીચે પડી ગયા. મારા શરીર પર ઘણા ઉઝરડા આવ્યા હતા, પરંતુ પ્રભુની કૃપાથી મારા પુત્રને કઈ ના થયું.

અમને નીચે પડતા જોઈને આસપાસ કેટલાક લોકો ભેગા થઈ ગયા અને તેઓ અમને મદદ કરવા આવ્યા, પણ ત્યારે અમારી કામવાળી બાઈ રાધાએ મને દૂરથી જોઈ અને તે ફટાફટ દોડી આવી. તેણીએ મને ટેકો આપી ઉભી કરી અને પોતાના એક પરિચિત દ્વારા મારી ગાડી એક દુકાનની બહાર પાર્ક કરાવ્યા પછી, તે મને તેના ખભાનો ટેકો આપી અમને તેમના ઘરે લઈ ગઈ, તેનું ઘર નજીકમાં જ હતું.

અમે ઘરે પહોંચ્યા કે તરત જ રાધાના બંને બાળકો અમારી પાસે આવ્યા. રાધાએ પોતાની સાડીના છેડે બાંધેલી 100 રૂપિયાની નોટ કાઢી અને તેના પુત્ર રાજુને દૂધ, પાટો અને એન્ટિસેપ્ટિક ક્રીમ લેવા મોકલ્યો અને તેની પુત્રી રાનીને પાણી ગરમ કરવા કહ્યું. તેણીએ મને ખુરશી પર બેસાડી અને માટલાનું ઠંડુ પાણી પીવડાવ્યું.

થોડી વારમાં ગેસ પર મૂકેલું પાણી પણ ગરમ થઈ ગયું. તે મને બાથરૂમમાં લઈ ગઈ અને ત્યાં તેણીએ મારા બધા ઘાને હુંફાળા પાણીથી સારી રીતે સાફ કર્યા અને પછી તે ઉઠીને બહાર ગઈ અને મારા માટે નવો ટુવાલ અને નવું ગાઉન લઈને આવી.

તેણીએ મારું ગંદુ શરીર ટુવાલ વડે લૂછ્યું અને જ્યાં જરૂર હતી ત્યાં બેન્ડેડ લગાવી. આ સાથે નાની-મોટી ઇજાઓ પર એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવી. હવે હું થોડી રાહત અનુભવી રહી હતી. તેણીએ મને પહેરવા માટે નવો ગાઉન આપ્યો. તેણીએ કહ્યું, “મેં આ ગાઉન થોડા દિવસો પહેલા ખરીદ્યો હતો પરંતુ આજ સુધી પહેર્યો નથી. મેડમ, તમે આ પહેરો અને થોડો સમય આરામ કરો. તમારા કપડા ખૂબ જ ગંદા થઈ ગયા છે, હું તેને ધોઈને સુકવી દઈશ પછી તમે તમારા કપડાં બદલી દેજો.”

મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. હું ગાઉન પહેરીને બાથરૂમમાંથી બહાર આવી. તેણીએ તરત જ કબાટમાંથી એક નવી ચાદર કાઢીને પલંગ પર પાથરતા કહ્યું, તમે થોડીવાર અહીં આરામ કરો. એટલામાં દીકરીએ દૂધ પણ ગરમ કરી દીધું. રાધાએ દૂધમાં બે ચમચી હળદર ભેળવીને મને પીવા માટે આપ્યું અને ખૂબ જ આત્મવિશ્વાસથી કહ્યું! મેડમ, આ દૂધ પી લો, તમારા બધા ઘા રૂઝાઈ જશે. પણ હવે મારું ધ્યાન મારા શરીર પર હતું જ નહી, મારા પોતાના મન પર હતું. મારા મનના બધા જ ઘા એક પછી એક તાજા થઈ રહ્યા હતા.

હું વિચારતી હતી “હું ક્યાં અને આ રાધા ક્યાં?” રાધા, જેને હું ફાટેલા જૂના કપડા આપતી હતી, તેણીએ આજે મને એક નવો ટુવાલ, નવો ગાઉન અને નવી બેડશીટ આપી. ધન્ય છે આ રાધાને. એક તરફ મારા મગજમાં આ બધું ચાલતું હતું, તો બીજી તરફ રાધા ગરમાગરમ રોટલી અને બટેટાનું શાક બનાવી રહી હતી. થોડી વાર પછી તે થાળી લઈને આવી. તેણીએ કહ્યું, “તમે બંને ખાવાનું ખાઈ લો.”

રાધા જાણતી હતી કે મારા દીકરાને બટેટાનું શાક ખુબ ગમે છે અને તેને ગરમ ગરમ રોટલી જોઈએ છે. તેથી જ તેણીએ શાક રોટલી બનાવી દીધા. રાની પ્રેમથી મારા પુત્રને બટાકાનું શાક અને રોટલી ખવડાવી રહી હતી અને હું અહીં પ્રાયશ્ચિતની આગમાં બળી રહી હતી. વિચારતી હતી કે જ્યારે પણ તેનો પુત્ર રાજુ મારા ઘરે આવતો ત્યારે હું તેને એક બાજુ પર બેસાડતી હતી, તેને નફરતથી જોતી હતી અને આ લોકોના દિલમાં અમારા માટે કેટલો પ્રેમ છે.

આ બધું વિચારીને હું આત્મગ્લાનિથી ભરાઈ રહી હતી. મારું હૃદય દુઃખ અને પસ્તાવાથી ભરાઈ ગયું. ત્યારે મારી નજર રાજુના પગ પર પડી જે લંગડાઈને ચાલી રહ્યો હતો. મેં રાધાને પૂછ્યું, “રાધા, તેના પગને શું થયું, તે સારવાર નથી કરાવી?”

demo pic

રાધાએ ખૂબ જ ઉદાસ શબ્દોમાં કહ્યું! મેં અને રાજુના પિતાએ રાત અને દિવસ એક કરીને 5000 રૂપિયા ભેગા કર્યા, પણ તેની સારવારમાં બીજા 5000 ની જરૂર છે. અમે ઘણા પ્રયત્ન કર્યા પણ ક્યાંયથી મળ્યા નહિ. ઠીક છે, ભગવાન પર ભરોસો છે, જયારે આવશે ત્યારે ઈલાજ થઈ જશે. અને અમે ગરીબ માણસો કરી પણ શું શકીએ?

ત્યારે મને યાદ આવ્યું કે રાધાએ મારી પાસે એક વખત ઉપાડ તરીકે 5000 રૂપિયા માંગ્યા હતા અને મેં એક બહાનું બનાવીને ના પાડી દીધી હતી. આજે એ જ રાધા પોતાની સાડીના છેડે બાંધેલા બધા પૈસા અમારા પર ખર્ચ કરીને ખુશ હતી અને અમે પૈસા હોવા છતાં બહાનું કાઢીએ છીએ અને વિચારીએ છીએ કે ટેંશન ગયું.

આજે મને ખબર પડી કે એ સમયે આ લોકોને પૈસાની કેટલી જરૂર હતી. હું મારી જ નજરોમાં નીચી ઉતરતી જ જતી હતી. હવે મને મારા શારિરીક ઘાની જરાય ચિંતા ન હતી, પણ તે ઘાની હતી જે મારા આત્માને મેં જ માર્યા હતા. મેં નક્કી કર્યું હતું કે જે થયું તે થયું, પરંતુ આગળ જે થશે તે સર્વશ્રેષ્ઠ જ હશે.

તે જ સમયે મેં મારા મનમાં રાધાના ઘરમાં જે વસ્તુઓની અછત હતી તેની યાદી તૈયાર કરી. થોડા સમય પછી હું લગભગ સ્વસ્થ થઈ ગઈ. મેં મારા કપડા બદલ્યા, પણ મેં તે ગાઉન મારી પાસે જ રાખ્યો અને રાધાને કહ્યું, “હું આ ગાઉન તને ફરી ક્યારેય નહીં આપું, આ ગાઉન મારા જીવનનો સૌથી અમૂલ્ય વારસો છે.”

રાધા બોલી મેડમ આ ખૂબ જ હલકી કિંમતનો છે. રાધાની વાતનો મારી પાસે કોઈ જવાબ નહોતો. હું ઘરે આવી પણ આખી રાત ઊંઘ ન આવી. મેં બીજા દિવસે રાજુ માટે મારી બહેનપણી ના મિસ્ટર જેઓ ઓર્થોપેડિસ્ટ હતા તેમની એપોઇન્ટમેન્ટ લીધી. બીજા દિવસે મારી કીટી પાર્ટી હતી. પણ મેં એ પાર્ટી કેન્સલ કરી અને રાધાને જોઈતી બધી જ વસ્તુઓ ખરીદી અને એ સામાન લઈને હું રાધાના ઘરે પહોંચી. રાધા સમજી શકી નહિ કે હું એક જ વારમાં આટલો સામાન શા માટે તેના ઘરે લઈ આવી.

મેં તેને ધીમે રહીને નજીકમાં બેસાડી અને કહ્યું કે મને મેડમ ન કહીશ, મને તારી બહેન સમજ અને હા કાલે સવારે 7:00 વાગે મારે રાજુને ડોક્ટર પાસે લઈ જવાનો છે, આપણે તેનું ઓપરેશન જલદી કરાવી દઈશું અને પછી રાજુનો પગ સારો થઈ જશે. આ બધું જોઈ રાધા આનંદથી રડી પડી, પણ તે કહેતી રહી “મેડમ તમે આ બધું કેમ કરો છો?” અમે બહુ નાના માણસો છીએ, અમારે ત્યાં તો આ બધું ચાલતું જ રહે છે. તે મારા પગમાં પડી ગઈ. આ બધું સાંભળીને અને જોઈને મારું હૃદય પણ દ્રવિત થઈ ગયું અને મારી આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા.

મેં તેને બંને હાથ વડે ઉભી કરીને ગળે લગાડી દીધી. મેં કહ્યું બહેન રડવાની જરૂર નથી, હવે આ ઘરની બધી જવાબદારી મારી છે. મેં મનમાં કહ્યું, રાધા, તને શું ખબર કે હું કેટલી નાની છું અને તું કેટલી મોટી છે, આજે તમારા લોકોના કારણે મારી આંખ ખુલી શકી. મારી પાસે આટલું બધું હોવા છતાં, હું ભગવાન પાસે વધુ મેળવવા માટે ભીખ માંગતી રહી, મને ક્યારેય સંતોષનો અનુભવ નથી થયો. પણ આજે મને ખબર પડી કે સાચી ખુશી મેળવવામાં નથી પણ આપવામાં છે.