વુદ્ધ વ્યક્તિએ આખી જીંદગી પોતાનું કિંમતી વાસણ વાપર્યું નહિ, જાણો પછી તે વૃદ્ધ અને તેમના વાસણનું શું થયું.

0
1924

આપણી પાસે એવી ઘણી બધી વસ્તુઓ છે, જે આપણે ફક્ત ખાસ પ્રસંગો પર જ કાઢીએ છીએ, જેમ કે ડિનર સેટ વગેરે. તે ખાસ લોકો માટે ખાસ પ્રસંગોએ બહાર કાઢવામાં આવે છે. અને જો આપણે યોગ્ય સમયે પણ આવી વસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ, તો તેનો કોઈ અર્થ રહેશે નહીં.

કેટલીક વસ્તુઓ જેને આપણે ખાસ દિવસ માટે સાચવીને રાખીએ છીએ, કેટલીકવાર તે વસ્તુઓ એમ જ પડી પડી ખરાબ થઈ જાય છે અને તેનું મહત્વ પણ ખતમ થઈ જાય છે. આજે અમે તમને એવા જ એક પ્રસંગ વિષે જણાવી રહ્યા છીએ, જે સમજાવે છે કે કોઈપણ વસ્તુનું મહત્વ ત્યારે જ રહે છે જ્યારે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે.

જ્યારે વૃદ્ધના કિંમતી વાસણનો થતો આવો ઉપયોગ :

ઘણા સમય પહેલાની વાત છે. એક ગામમાં એક વૃદ્ધ રહેતા હતા. તેમને બે પુત્રો હતા. તે વૃદ્ધ વસ્તુઓના ઉપયોગની બાબતમાં કંજૂસ હતા અને કોઈ પણ વસ્તુને બચાવી બચાવીને ઉપયોગ કરતા હતા. તેમની પાસે ચાંદીનું એક વાસણ હતું. તે તેમની સૌથી કિંમતી વસ્તુ હતી. તે વૃદ્ધ તેને ખુબ સંભાળીને એક પેટીમાં બંધ રાખતા હતા. તેમણે વિચાર્યું હતું કે, જ્યારે ખાસ અવસર આવશે ત્યારે તેનો ઉપયોગ કરીશ.

એક દિવસ તેમને ત્યાં એક સંત આવ્યા. જ્યારે તેમને ભોજન પીરસવાનું હતું ત્યારે એક ક્ષણ માટે વૃદ્ધે વિચાર્યું કે, પેલા ચાંદીના વાસણમાં સંતને ભોજન પીરસવું જોઈએ. પણ બીજી જ ક્ષણે તેમણે વિચાર્યું કે, મારું ચાંદીનું વાસણ બહુ કિંમતી છે. ગામડે ગામડે ભટકતા આ સંત માટે તેનો ઉપયોગ શા માટે કરવો? જ્યારે કોઈ રાજવી વ્યક્તિ મારા ઘરે આવશે, ત્યારે હું આ પાત્રને બહાર કાઢીશ. એમ વિચારીને એણે પાત્ર બહાર કાઢ્યું નહિ.

પ્રતીકાત્મક

થોડા દિવસો પછી રાજાના એક મંત્રી તેમના ઘરે ભોજન માટે આવ્યા. તે સમયે વૃદ્ધે વિચાર્યું કે, મારે ચાંદીનું વાસણ બહાર કાઢવું ​​જોઈએ. પણ પછી તેમને લાગ્યું કે આ તો રાજાનો મંત્રી છે. જ્યારે રાજા પોતે મારા ઘરે ભોજન માટે આવશે, ત્યારે હું મારું કિંમતી વાસણ બહાર કાઢીશ.

થોડા દિવસો પછી રાજા પોતે ભોજન માટે તેમના ઘરે આવ્યા. રાજા તે સમયે પડોશી રાજ્ય સામે યુદ્ધ હારી ગયા હતા અને પોતાના રાજ્યનો કેટલોક ભાગ પડોશી રાજાએ કબજે કરી લીધો હતો. ભોજન પીરસતી વખતે વૃદ્ધ માણસે વિચાર્યું કે, હાલમાં જ મળેલી હારથી રાજાનું ગૌરવ ઓછું થઈ ગયું છે. મારું વાસણ હું માત્ર ગૌરવશાળી વ્યક્તિ માટે જ બહાર કાઢીશ. તેથી તેમણે ચાંદીનું વાસણ બહાર કાઢ્યું નહીં.

આ રીતે તેમનું વાસણ એમ ને એમ પડ્યું રહ્યું. એક દિવસ તે વૃદ્ધનું અ-વ-સા-ન થયું. તેમના ગયા પછી તેમના પુત્રોએ તેમની પેટી ખોલી. તેમાં તેમને એક કાળું પડી ગયેલું ચાંદીનું વાસણ મળ્યું. તેમણે પોતાની પત્નીઓને તે બતાવ્યું અને પૂછ્યું, “આનું શું કરવું?”

પત્નીઓએ કાળા પડી ગયેલા વાસણ તરફ જોયું અને ચહેરો બનાવીને કહ્યું, “આનું શું કરવું? જુઓને આ કેટલું ગંદુ પોટ છે. એક કામ કરો આને કૂતરાને ખવડાવવા માટે બહાર મૂકી દો.”

તે દિવસથી ઘરનો પાલતુ કૂતરો તે ચાંદીના વાસણમાં ખાવા લાગ્યો. જે વાસણ વૃદ્ધે જીવનભર કોઈ ખાસ વ્યક્તિ માટે રાખ્યું હતું, તે આખરે કુતરા પાસે ગયું.

બોધ : કોઈ પણ વસ્તુનું મૂલ્ય ત્યારે જ ગણાય ​​છે જ્યારે તેનો ઉપયોગ કરી શકાય. બિનઉપયોગી પડેલી કિંમતી વસ્તુઓનું કોઈ મૂલ્ય નથી હોતું. તેથી જો તમારી પાસે કંઈક હોય, તો તેનો યોગ્ય સમયે ઉપયોગ કરો.