દાન આપવા વાળા માણસના ધન ઉપર નહિ, તેની લાગણીઓ ઉપર ધ્યાન આપવું જોઈએ.

0
439

ગરીબ અને શ્રીમંત બંને જણા સંત માટે લાવ્યા પગરખાં, પણ સંતે શ્રીમંતે આપેલા પગરખાં પહેરવાની ના પાડી, જાણો શું કામ.

દાનથી સમાજમાં સમાનતાનો ભાવ આવે છે. જે લોકો દાન કરે છે, તેમની અંદર ત્યાગ કરવાની અને મોહ છોડવાની ઈચ્છા જાગે છે. શાસ્ત્રોમાં દાનને સૌથી પુણ્ય કર્મો માંથી એક માનવામાં આવે છે. જે લોકો દાન કરે છે, તેમના ધન ઉપર નહિ પણ તેમની લાગણીઓ ઉપર ધ્યાન આપવું જોઈએ. એ વાત એક લોક કથાથી સમજી શકાય છે.

પહેલાના સમયમાં એક સંતને શ્રીમંત અને ગરીબ દરેક વર્ગના લોકો દાન આપતા હતા. શ્રીમંત લોકો ઘણું બધું દાન આપતા હતા અને ગરીબ ઘણું ઓછું દાન આપતા હતા, પણ સંત શ્રીમંત લોકોની અપેક્ષાએ ગરીબ લોકોને વધુ માન-સન્માન આપતા હતા.

એક દિવસ સંત ગામમાં ભિક્ષા માંગી રહ્યા હતા, ત્યારે એક ગરીબે જોયું કે સંત ઉઘાડા પગે ચાલી રહ્યા છે તો તેમણે તરત કપડા માંથી બનેલા પગરખાં ખરીદીને સંતને આપી દીધા. સંતે તેમનો પ્રેમ જોઇને તે પગરખાં પહેરી લીધા.

ઘણા સમય પછી તેમનો એક શ્રીમંત શિષ્ય સંત માટે નવા પગરખાં લઈને આવ્યો, પણ સંતે તે પગરખાં પહેરવાની ના પાડી. તે સંતે કહ્યું કે કપડાના બનેલા આ પગરખાં મને એક ગરીબ વ્યક્તિએ પોતાની મહેતન અને ઈમાનદારીની કમાણીમાંથી ખરીદી આપ્યા છે, જ્યાં સુધી તે ફાટી નહિ જાય, હું બીજા પગરખાં નથી પહેરી શકતો.

એક દિવસ સંતના આશ્રમમાં ભંડારાનું આયોજન થયું. દુર દુરથી લોકો આશ્રમમાં ભોજન કરવા પહોંચ્યા હતા. ત્યારે સંતના કેટલાક શિષ્ય એક વૃદ્ધ ગરીબ મહિલાને ધક્કા મારીને બહાર કાઢી રહ્યા હતા. સંતે તે જોયું તો તરત જ તે વૃદ્ધ મહિલાને બોલાવી લીધા. મહિલા સંત પાસે પહોંચી અને પોતાની થેલીમાંથી બે હજાર રૂપિયા કાઢીને સંતના હાથમાં મૂકી દીધા. તે મહિલાએ કહ્યું કે, હું પણ આ ભંડારામાં દાન આપવા માંગતી હતી, પણ આ લોકો મને ભગાડી રહ્યા હતા.

સંતે તે પૈસા માંથી મીઠું ખરીદ્યું અને ભંડારામાં જમવાનું બનાવવા માટે મોકલી દીધું. પછી સંતે શિષ્યોને સમજાવ્યા કે દાન આપવા વાળાના ધન ઉપર નહિ, તેની લાગણીઓ ઉપર ધ્યાન આપવું જોઈએ. જે લોકો પોતાની મહેનત અને ઈમાનદારીથી કમાયેલા પૈસાનું દાન કરે છે, તેનું મુલ્ય ઘણું વધુ હોય છે. આ વૃદ્ધ મહિલાની પરસેવાની કમાણી આપણા ભંડારામાં વપરાશે તો તે ભોજન ભગવાનનો પ્રસાદ બની જશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.