પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવને 1 હજાર કમળના ફૂલ ચડાવવા પાછળ આ છે કારણ. આમ તો કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ ફળ મળે છે. કારતક મહિનામાં દેવઉઠી એકાદશી અને વૈકુંઠ ચૌદશ જેવા મોટા પર્વ આવતા હોવાથી તેનું ખાસ મહત્વ જણાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની વિશેષ કૃપાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ શકે છે.
એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવને 1 હજાર કમળના ફૂલ અર્પણ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થઈને દરેક મનોકામના પુરી કરે છે, અને જીવનમાં ખુશહાલી આવે છે. પણ છેવટે શિવ શંકરને 1 હજાર ફૂલ અર્પણ કરવા પાછળનું પૌરાણિક કારણ કયું છે? શા માટે શિવજીને કમળના ફૂલ અર્પણ કરવામાં આવે છે, અને એ પણ આટલી મોટી સંખ્યામાં? ચાલો જાણીએ તેની સાથે જોડાયેલી કથા.
આ દિવસે ચતુર્માસ પછી ભગવાન શિવને મળ્યા હતા વિષ્ણુ : એ તો તમે જાણતા જ હશો કે જયારે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે નિંદ્રામાં જાય છે, તો સૃષ્ટિનો કાર્યભાર ભગવાન શિવને સોંપવામાં આવે છે. અને જયારે દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન નારાયણ ચાર મહિના પછી નિંદ્રામાંથી જાગે છે, તો તેમને ફરીથી સૃષ્ટિના કાર્યભારની જવાબદારી મળી જાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, વૈકુંઠ ચૌદશ જ તે દિવસ હોય છે જયારે ભગવાન વિષ્ણુ ભગવાન શિવને મળવા માટે કાશી જાય છે. આ કારણે આ દિવસને ઘણો જ શુભ માનવામાં આવે છે.
શા માટે ચડાવવામાં આવે છે 1 હજાર કમળના ફૂલ : હવે વાત કમળના ફૂલો અર્પણ કરવા પાછળના કારણની કરીએ, તો પૌરાણિક માન્યતાઓનું માનીએ તો ભગવાન વિષ્ણુ ચાર મહિનાના વિશ્રામમાંથી જાગ્યા પછી કાશીમાં શિવ શંકરને મળવા ગયા હતા. ત્યારે તેમણે મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કર્યા પછી 1 હજાર કમળના ફૂલથી શિવજીની પૂજાનો સંકલ્પ લીધો હતો. પણ શિવજીએ ભક્તોની જેમ ભગવાન નારાયણની પણ પરીક્ષા લેવાનું નક્કી કર્યું, અને ચુપચાપ એક કમળનું ફૂલ ગાયબ કરી દીધું. જ્યારે ભગવાન વિષ્ણુ શિવજીને ફૂલ અર્પણ કરવા ગયા તો 1 ફૂલ ઓછું નીકળવા પર તે વિચારમાં પડી ગયા કે, આ દુવિધામાંથી કઈ રીતે નીકળી શકાય અને પોતાનો સંકલ્પ કઈ રીતે પૂરો કરી શકાય?
પોતાના નયન કરવાના હતા સમર્પિત : પછી ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે તેમની આંખો (નયન) પણ કમળ સમાન જ છે, તો શિવજીને આંખ અર્પણ કરી દઉં. અને ભગવાન વિષ્ણુ પોતાની આંખ શિવજીને અર્પણ કરવાના જ હતા કે ભગવાન શિવ ત્યાં પ્રકટ થયા અને ભગવાન વિષ્ણુને એવું કરતા અટકાવ્યા. અને તેમણે માન્યું કે ભગવાન વિષ્ણુ જેટલા મોટા ભક્ત કોઈ નથી. એટલા માટે ‘હર’ અને ‘હરિ’ ના મિલનની આ ચૌદશ વૈકુંઠ ચૌદશ તરીકે ઓળખાવા લાગી. અને લોકોએ ભગવાન શિવને 1 હજાર કમળના ફૂલ અર્પણ કરવાનું શરૂ કર્યું, જેથી તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય.
આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.