ભક્તિના માર્ગે ચાલનાર વાનપ્રસ્થીને ધ્યાનમાં દેખાવા લાગી અજાણી યુવતી, તેનું કારણ જાણીને રહી જશો દંગ.

0
105

“પાપના અન્નનું ખરાબ પરિણામ”

પૂજ્ય મહાત્મા હંસરાજજી એક સમયે હરિદ્વારના મોહન આશ્રમમાં ગયા હતા. એક વાનપ્રસ્થી તેમના ઓરડાની પાસે જ રહેતો હતો. એક દિવસ વાનપ્રસ્થી સીધો જ મહાત્માજીની પાસે જ આવ્યો. અને જોર જોરથી રડવા લાગ્યો.

મહાત્માજીએ પૂછ્યું : “તને શું થયું છે?”

તે બોલ્યો : “હું લુંટાઈ ગયો, મહાત્માજી! મારી જીંદગીની કમાણી નાશ પામી.”

મહાત્માજી ગભરાયા! પૂછવાથી ખબર પડી કે તે વાનપ્રસ્થી પાછલા કેટલા વખતથી ઈશ્વર ભક્તિના માર્ગે ચાલીને ધ્યાન અને ઉપાસનાના પગથિયા સુધી પહોંચી ગયો હતો. રાત્રે પોતાના ઓરડામાં બેસી જતો હતો. ભગવાનનું ધ્યાન કરતો. ઈશ્વરની શીતળ જ્યોતિ તેને દેખાતી. તેમાં આનંદથી મસ્ત થઈને ક્લાકો સુધી બેસી રહેતો, પરંતુ ગઈકાલે રાત્રે એક અદભુત બનાવ બન્યો.

રડીને તેણે કહ્યું : “મહાત્માજી! હું ધ્યાનમાં બેઠો હતો તો એવું લાગ્યું કે પ્રકાશમાં લાલ દુપટ્ટાવાળી એક નવયુવતી ઊભી છે. મેં ગભરાઈને આંખો ઉઘાડી. માન્યું કે કંઈ ભૂલ થઈ છે. ફરી પ્રાણાયામ કરીને જ્યોતિ જોઈ, પરંતુ તે યુવતી હજી પણ ત્યાં હતી. હું તેને ઓળખતો નથી, પરંતુ વારંવાર મારી સામે આવીને ઊભી થઈ જાય છે.

મેં વારે ઘડીએ હાથ-મોઢું ધોઈને પ્રાણાયામ કરવાનો પ્રયત્ન કર્યો. વારંવાર તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ જ્યોતિમાં તેના સિવાય કંઈ દેખાતું નથી. મારી તો આખી જિંદગીની કમાણી નાશ પામી. હું તો નકામો બની ગયો છું. કોણ જાણે મને શું થઈ ગયું છે?” તે કહેતો હતો અને રડતો હતો.

મહાત્માજીએ પૂછ્યું : “કોઈ ખરાબ મનુષ્યની સાથે તો બેઠા હતા કે નહિ? કોઈ ખરાબ પુસ્તક તો વાંચ્યું નથી?”

તેણે કહ્યું : “એવું કંઈ કર્યું નથી?”

મહાત્માજી બોલ્યા : “કાલે તમે આશ્રમની બહાર ગયા હતા?”

તે બોલ્યો : “એક ભંડારામાં ગયો હતો, એક શેઠ આવ્યા છે. તેમણે ભંડારો કર્યો હતો. ત્યાં જમવા ગયો હતો.”

મહાત્માજીએ કહ્યું : “ખબર કાઢો કે તે શેઠ કોણ છે અને ભંડારો શા માટે કર્યો છે?”

વાનપ્રસ્થી ગયો. પૂછતાં તેને ખબર પડી કે એક શેઠ અમુક શહેરના છે. ત્યાં તેણે પોતાની જુવાન દીકરી ડોસાને દસ હજાર રૂપિયા લઈને વેચી છે. બે હજાર લઈને તે હરિદ્વાર આવ્યો હતો અને પાપના પ્રાયશ્ચિત તરીકે ભંડારો કર્યો હતો.

મહાત્માજીએ આ વાત સાંભળીને કહ્યું : “એ જ તે યુવાન દીકરી છે, જે તમને દેખાય છે. તમે જે કંઈ ખાધું તે પુણ્યભાવથી આપેલ દાન હતું નહિ. પાપની કમાણીનો એક ભાગ હતો. આ હતભાગ્ય દીકરીનું મૂલ્ય. જ્યાં સુધી તમારા શરીરમાંથી આ અન્ન બહાર નીકળશે નહિ ત્યાં સુધી તમને આ સ્ત્રી દેખાતી બંધ થશે નહિ.”

પાપનું અન્ન ખાવાનું પરિણામ આવું હોય છે. એનાથી આત્માનું પતન થાય છે. આગળ ઉન્નતિ કરતો મનુષ્ય પાછળ પડી જાય છે.

(બોધ કથાઓ માંથી)