પદ્મ પુરાણની કથા : જાણો કેમ પોતે શ્રીરામે જ તોડી નાખ્યો હતો રામસેતુ

0
629

જાણો કેમ વિભીષણના કહેવા પર શ્રીરામે પોતે જ તોડી નાખ્યો વાનરોએ બનાવેલો રામસેતુ. વાલ્મીકી રામાયણ મુજબ લંકા ઉપર ચડાઈ કરતી વખતે ભગવાન શ્રીરામના કહેવાથી વાનરોએ રામસેતુનું નિર્માણ કર્યું હતું, તે વાત આપણે બધા જાણીએ છીએ. પરંતુ જયારે શ્રીરામ વિભીષણને મળવા ફરી લંકા ગયા, ત્યારે તેમણે રામસેતુનો એક ભાગ સ્વયં તોડી નાખ્યો હતો, તે વાત ઘણા ઓછા લોકો જાણે છે. તેની સાથે જોડાયેલી કથાનું વર્ણન પદ્મ પુરાણની શૃષ્ટિ ખંડમાં મળે છે.

શ્રીરામ એટલા માટે ગયા હતા લંકા : પદ્મ પુરાણ મુજબ, અયોધ્યાના રાજા બન્યા પછી એક દિવસ ભગવાન રામને વિભીષણનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે રાવણના મૃત્યુ પછી વિભીષણ કઈ રીતે લંકાનું શાસન કરી રહ્યા છે, તેને કોઈ તકલીફ તો નથી ને. જયારે શ્રીરામ એ વિચારી રહ્યા હતા, તે સમયે ત્યાં ભરતજી આવ્યા. ભરતના પૂછવાથી શ્રીરામે તેને સંપૂર્ણ વાત જણાવી. એવો વિચાર મનમાં આવવાથી શ્રીરામ લંકા જવાનું વિચારે છે. ભરત પણ તેની સાથે જવા માટે તૈયાર થઇ જાય છે. અયોધ્યાનું રક્ષણ કરવાની જવાબદારી લક્ષ્મણને સોપીને શ્રીરામ અને ભરત પુષ્પક વિમાન ઉપર સવાર થઈને લંકા જાય છે.

જયારે શ્રીરામને મળ્યા સુગ્રીવ અને વિભીષણ : જયારે શ્રીરામ અને ભરત વિમાન દ્વારા લંકા જઈ રહ્યા હોય છે, રસ્તામાં કિષ્કિન્ધા નગરી આવે છે. શ્રીરામ અને ભરત થોડી વાર ત્યાં રોકાય છે અને સુગ્રીવ સાથે બીજા વાનરોને પણ મળે છે. જયારે સુગ્રીવને ખબર પડે છે કે શ્રીરામ અને ભરત વિભીષણને મળવા લંકા જઈ રહ્યા છે, તો તે તેની સાથે જ જાય છે. રસ્તામાં શ્રીરામ ભરતને તે પુલ દેખાડે છે, જે વાનરોએ અને રીંછે સમુદ્ર ઉપર બનાવ્યો હતો, જયારે વિભીષણને ખબર પડે છે કે શ્રીરામ, ભરત અને સુગ્રીવ લંકા આવી રહ્યા છે, તો તે આખા નગરને શણગારવા માટે કહે છે. વિભીષણ શ્રીરામ, ભરત અને સુગ્રીવને મળીને ઘણા ખુશ થાય છે.

શ્રીરામે એટલા માટે તોડ્યો હતો સેતુ : શ્રીરામ ત્રણ દિવસ સુધી લંકામાં રોકાય છે અને વિભીષણને ધર્મ અધર્મનું જ્ઞાન આપે છે અને કહે છે કે તું હંમેશા ધર્મ પૂર્વક આ નગર ઉપર રાજ્ય કરજે. જયારે શ્રીરામ પુનઃ અયોધ્યા જવા માટે પુષ્પક વિમાન ઉપર બેસે છે, તો વિભીષણ તેમને કહે છે કે શ્રીરામ તમે જેવું મને કહ્યું છે, બસ એ રીતે જ ધર્મ પૂર્વક રાજ્ય કરીશ. પરંતુ આ સેતુ (પુલ) ના રસ્તેથી માનવ અહિયાં આવીને અમને હેરાન કરશે, તે સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? વિભીષણના એમ કહેવાથી શ્રીરામે તેના બાણોથી તે સેતુના બે ટુકડા કરી દીધા. પછી ત્રણ ભાગ કરીને વચ્ચેનો ભાગ પણ તેમના બાણોથી તોડી નાખ્યો. આ રીતે સ્વયં શ્રીરામે જ રામસેતુ તોડ્યો હતો.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.