હિન્દુ ધર્મમાં પંચકન્યાઓનું ખૂબ મહત્વ છે, જેને ‘પંચસતી’ પણ કહેવામાં આવે છે.
આ પાંચેયને સમગ્ર સ્ત્રી જાતિના આદર અને સન્માનની સાક્ષી માનવામાં આવે છે.
ખાસ વાત એ છે કે આ પાંચ સ્ત્રીઓને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ સર્વેના એકથી વધુ પુરુષો સાથે સંબંધ રહ્યા હોવાથી, તેમનાં પતિવ્રત ધર્મ પર પણ સમય સમય પર સવાલો ઉભા થયા, પરંતુ તે ઉપરાંત પણ, તેમને હંમેશા પવિત્ર અને પતિવ્રત ધર્મનું પ્રતીક માનવામાં આવી છે.
વિવિધ વરદાનોના પ્રતાપે તેમનું કૌ મા ર્યભં ગ થયું ન હોવાથી સદૈવ આ સર્વે કું વારી જ રહી હોવાની માન્યતા છે, જેને કારણે આ પાંચેય સતીઓનો ‘પંચકન્યા’ તરીકે પણ ઉલ્લેખ થતો આવ્યો છે.
તેમના મહિમા વિશે કહેવામાં આવ્યું છે –
अहिल्या द्रौपदी कुन्ती तारा मन्दोदरी तथा।
पंचकन्या स्मरणित्यं महापातक नाशक॥
અર્થાત:
અહિલ્યા, દ્રૌપદી, કુંતી, તારા અને મંદોદરી, આ પાંચ કન્યાઓનું નિત્ય-સ્મરણ કરવાથી સર્વે પાપનો નાશ થાય છે.
મંદોદરી :
મંદોદરી મયદાનવ અને હેમા નામની અપ્સરાની પુત્રી, તથા લંકાનરેશ રાવણની પટ્ટમહિષી હતી.
તેને પંચસતીઓમાંની એક માનવામાં આવે છે.
માયા અને હેમાને બે પુત્રો પણ હતા – દુદુમ્ભી અને માયાવી.
આ બંનેનો અંત વાનરરાજ વાલીએ કર્યો હતો.
ઘણા ગ્રંથો કહે છે કે મયદાનવ તેનો દત્તક પિતામાત્ર હતો.
એટલે કે, મયદાનવ અને હેમાએ મંદોદરીનો માત્ર ઉછેર કર્યો હતો.
આ વિષયમાં મંદોદરીના પાછલા જન્મની ખૂબ જ અનોખી કથા છે.
એક દંતકથા અનુસાર, મધુરા નામની એક અપ્સરા હતી, જે ભગવાન શંકરના દર્શન કરવા માટે કૈલાશ પહોંચી હતી.
ભોલેનાથ તે સમયે સમાધિમાં હતા.
મધુરા તેનું અલૌકિક સ્વરૂપ જોઈને મુગ્ધ થઈ ગઈ.
માતા પાર્વતીને આસપાસ ન જોતા, મધુરાએ નૃત્ય, સંગીત અને આલિંગન વડે મહાદેવને આકર્ષવાનો પ્રયાસ શરૂ કર્યો.
ઘણો પ્રયત્ન કર્યા પછી પણ તે મહાદેવની તપસ્યાને તોડી શકી નહીં.
તે જ સમયે માતા પાર્વતી ત્યાં જઈ પહોંચ્યાં અને મધુરાના શરીર પર મહાદેવની ભસ્મ જોઈને ખૂબ ક્રોધિત થયા અને તેમણે મધુરાને દેડકી બનવાનો શ્રાપ આપ્યો.
માતાના શાપને કારણે દેડકીમાં ફેરવાયા બાદ મધુરાએ અહીં અને ત્યાં ભટકવાનું શરૂ કર્યું.
એક દિવસ તે ભટકતી ભટકતી ત્યાં આવી કે જ્યાં સપ્તર્ષિઓ પોતાના ખોરાક માટે ખીર બનાવી રહ્યા હતા.
ચૂલા પર વાસણ રાખીને, તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા કે અચાનક એક ઝેરી સાપ તેમની ખીરમાં આવી પડ્યો પણ સપ્તર્ષિઓએ તે જોયું નહીં, કિન્તુ દેડકી બની ગયેલી મધુરાએ તેને જોયો.
તેણીએ વિચાર્યું કે હવે આ ખોરાક ખાવાથી આ સર્વે નો અંત થશે, તેથી તેણીએ તેમની આસપાસ કૂદવાનું શરૂ કર્યું.
પરંતુ એક સામાન્ય લાગતા દેડકાની હિલચાલ પર કોણ ધ્યાન આપે? તે બધા ઋષિઓ તો આપસના વાર્તાલાપમાં વ્યસ્ત રહ્યા.
થોડા સમય પછી તેઓ ભોજન લેવા આવ્યા; પણ જ્યારે મધુરાએ જોયું કે હવે તેઓ તે ઝેરી ખોરાક ખાવા જઇ રહ્યા છે, તો બીજો કોઇ વિકલ્પ ન જોતા, તે સ્વયં જ એ ઉકળતી ખીરમાં કૂદી પડી જીવ ગુમાવ્યો.
જ્યારે સપ્તર્ષિઓએ જોયું કે એક દેડકો ખીરમાં જઈ પડ્યો છે, તો તેઓએ તે ખીર નીચે ઢોળી નાખી, પણ ત્યારે તેમાંથી તે દેડકીની સાથોસાથ તે ખીરમાંથી સાપ પણ બહાર આવ્યો.
આ જોઈને સપ્તર્ષિઓ ગદગદ થઈ ગયા કે તેઓ પોતે તો બધાં અમર છે, પરંતુ તેમના કારણે એ દેડકાએ નાહકનો પોતાનો જીવ ગુમાવ્યો.
પછી તેના બલિદાનની કદરરૂપે તેને ફરી જીવિત કરી, તો એ એક બાળકી સ્વરૂપે જ જીવતી થઈ.
તે પછી, થોડા સમય માટે તે સપ્તર્ષિઓ સાથે રહી પરંતુ ઋષિઓ કેટલો સમય સુધી તેને પોતાની સાથે રાખી શકવાના?
અમુક સમય બાદ મયદાનવ તેની પત્ની હેમા સાથે તેમની પાસે આવ્યો અને આ નિઃસંતાન દંપતીએ બાળકની ઇચ્છા વ્યક્ત કરી.
એટલે સપ્તર્ષિઓએ એ કન્યા મયદાનવને સોંપી દીધી.
તેની પાતળી કાયાને જોઈને આ દંપતીએ તેનું નામ મંદોદરી રાખ્યું. મંદોદરી એટલે પાતળા ઉદરવાળી.
મોટી થયા બાદ તેણીએ શ્રી બિલ્વેશ્વરનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈને મહાદેવે તેને અદભૂત સુંદરતા આપી અને તેને અખંડકું વારી રહેવાનું વરદાન પણ આપ્યુ.
પછી મંદોદરીએ એવા પતિની કામના કરી જે વિશ્વનો સૌથી શક્તિશાળી અને વિદ્વાન પુરુષ હોય.
મહાદેવે તેને આ વરદાન પણ આપ્યું. (તે બિલ્વેશ્વરનાથ મંદિર આજના મેરઠ શહેરમાં આવેલું છે.)
જ્યારે મંદોદરી નાની હતી, ત્યારે મયદાનવ વિશ્વભરમાં તેના માટે યોગ્ય વર શોધતો રહ્યો, પરંતુ મંદોદરી માટે કોઈ યોગ્ય વર દેખાઈ શક્યો નહીં.
બસ ત્યારે જ ધરા પર રાવણનો ઉદય થયો, જેણે પોતાના પ્રચંડ પરાક્રમોથી મનુષ્યો, સર્પો, ગંધર્વ, યક્ષ, દૈત્ય, દાનવો અને દેવતાઓનો પણ વિજય મેળવ્યો.
તે બ્રહ્માના પ્રપૌત્ર હતો, તો મહર્ષિ પુલતસ્યનો એ પૌત્ર હતો અને મુનિ વિશ્રવનો પુત્ર હતો.
ચારેય વેદ તેને કંઠસ્થ હતા અર્થાત તે યુગમાં તેનાથી વધુ વિદ્વાન બીજું કોઈ જ ન હતું.
આમ રાવણના ગુણોએ મહાદેવના બંને વરદાનને સંતોષ્યા. વધુમાં, તે સ્વયં પણ મહાદેવનો કૃપાપાત્ર હતો.
મયદાનવને મંદોદરી માટે રાવણ કરતાં વધુ યોગ્ય વર કોઈ દેખાયો નહીં માટે તેણે રાવણ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
તો મંદોદરી જેવી અલૌકિક સૌન્દર્યવં યુવતી વિશ્વમાં અન્ય કોઈ નહોતી તેવું જણાતા રાવણે એ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો.
આજે રાજસ્થાનના જોધપુર જિલ્લામાં “મંડોર” નામનું સ્થળ છે, જેનું નામ મંદોદરીના નામ પરથી જ પડ્યું છે અને મંદોદરીને ત્યાં કુળદેવી માનવામાં આવે છે.
ત્યાંના લોકોની માન્યતા છે કે રાવણ અને મંદોદરીના લગ્ન આ સ્થળે થયા હતા.
રાવણ સાથે લગ્ન કર્યા પછી, મંદોદરી એ લંકાનગરીની મહારાણી બની, જે નગરી રાવણે પોતાના ઓરમાન ભાઈ કુબેર પાસેથી યુ ધકરીને છીનવી લીધી હતી.
મંદોદરી સ્વયં એક વિદુષી સ્ત્રી હતી, અને તેણે ઘણી વખત રાવણને રાજ્યકારભાર ચલાવવામાં મદદ કરી હતી.
રાવણને મંદોદરી થકી મેઘનાદ, પ્રહસ્ત અને અક્ષયકુમાર જેવા તેજસ્વી પરાક્રમી પુત્રો પ્રાપ્ત થયા હતા.
ત્રિકુટા પર્વતની ટોચ પર રાવણે પોતાની ભવ્ય વૈભવી મહેલાત બનાવી હતી, જ્યાં માત્ર મંદોદરીને જ રાવણ સંગે બેસવાની અનુમતિ હતી.
એવું માનવામાં આવે છે કે વિશ્વમાં સૌપ્રથમ મંદોદરીએ જ શતરંજ નામની રમતનો આરંભ રાવણ સાથે મનોરંજનાર્થે કર્યો હતો.
પછી આ જ રમતથી ચતુરંગિણી અને અક્ષૌહિણી સેનાના સંદર્ભનો આરંભ થયો.
મંદોદરી હંમેશા જાણતી હતી કે રાવણમાં કેટલી દુષ્ટતા ભરી છે, પરંતુ તોય તે હંમેશા તેને પ્રેમ કરતી હતી. ને તે છતાં ય તે હંમેશા રાવણને સાચા માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરતી, તો તેણે જ રાવણને નવગ્રહોને બંદી બનાવતા અટકાવ્યો હતો.
રાવણ જ્યારે વેદવતી પર મોહિત થયો ત્યારે પણ મંદોદરીએ તેને આવું ન કરવા માટે સમજાવ્યો હતો, પરંતુ રાવણ માન્યો નહીં અને આમ તેનાથી તેનું જ અનિષ્ટ થયું હતું.
રાવણને મંદોદરીની સલાહ ક્યારેય ગમી ન હતી, પરંતુ તે ઉપરાંત પણ રાવણના મનમાં તેના પ્રત્યેનો આદર ક્યારેય ઓછો થયો નહોતો.
લક્ષ્મણ દ્વારા અપમાનિત થયા બાદ જ્યારે શૂર્પણખા લંકા આવી ત્યારે મંદોદરીએ તેને સાંત્વનાઓ આપી હતી; પરંતુ જ્યારે તેણે રાવણને સીતાનું હરણ કરવાનું સૂચન કર્યું ત્યારે મંદોદરીએ જ તેનો વિરોધ કર્યો.
જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું, ત્યારે મંદોદરીએ જ રાવણને મહેલના બદલે તેને અશોક વાટિકામાં રાખવાનું સૂચન કર્યું.
મંદોદરી સીતા કરતા મોટી હતી અને હંમેશા તેના પ્રત્યે સહાનુભૂતિ રાખતી હતી.
જ્યારે સીતા અશોક વાટિકામાં હતી ત્યારે મંદોદરી તેના માટે ઉત્તમ વસ્ત્રો મોકલીને કહેતી કે તે એક રાણી તરફથી બીજી રાણીને ભેટ છે; જો કે, માતા સીતા તે કપડાં લેતા નહીં પણ એમ કહેતા કે તેમની પાસે તો માતા અનુસુયાએ આપેલા દિવ્ય વસ્ત્રો છે જ.
જ્યારે રાવણ સીતાને કોઈ પણ પ્રકારના પ્રલોભનો વડે મનાવી શક્યો નહીં, એટલે તેણે તેમનો અંત કરવાનો નિર્ધાર કર્યો ત્યારે મંદોદરીએ રાવણનો હાથ પકડીને સમજાવટથી આમ ન કરવા માટે સમજાવ્યો હતો.
મંદોદરીએ જ મેઘનાદ અને તેના અન્ય પુત્રોને સીતાનો સામનો ન કરવાનો આદેશ આપ્યો હતો.
ભગવાન શિવના વરદાનને કારણે, મંદોદરી હંમેશા યુવાન જ રહી; અને તે એટલી સુંદર હતી કે જ્યારે હનુમાનજી સીતાની શોધ માટે લંકા આવ્યા, અને તેમણે મંદોદરીને જોઈ, તો તેની તેજસ્વિતા જોઈને તેમણે વિચાર્યું કે આ જ માતા સીતા છે, એટલે તેને જ તેઓ વંદન કરતા રહ્યા.
પરંતુ પછી જ્યારે તેણીને રાવણ સંગે શયનકક્ષમાં સુતેલી જોઈ ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે આ માતા સીતા નથી કારણ કે તેઓ તો આવું કદાપિ કરે જ નહીં.
મંદોદરી અશોકવનમાં સીતાને મળવા પણ ગઈ હતી પણ ત્યારે રાવણ તેની સાથે જ હતો.
પછી મંદોદરીએ જ ત્રિજટા નામની એક વયસ્ક રાક્ષસીને સીતાની યોગ્ય સંભાળ રાખવા અને તેમનું મનોબળ ઊંચું અને મક્કમ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો.
વખત આવ્યે, મંદોદરીએ રાવણનો અનાદર પણ કર્યો હતો અને વિભીષણને ટેકો આપ્યો કે સીતા શ્રીરામને પરત કરવી જોઈએ.
(દેવી ભાગવત પુરાણ અનુસાર, જ્યારે રાવણના લગ્ન મંદોદરી સાથે થયા હતા, ત્યારે એક આકાશવાણી હતી કે તેનું પ્રથમ સંતાન જ રાવણના વિનાશનું કારણ બનશે. એટલે પછી જ્યારે સીતાનો જન્મ થયો ત્યારે રાવણે તેનો ત્યાગ કરીને તેને જમીન નીચે દફનાવી દીધેલી જ્યાંથી જનકે તેને પ્રાપ્ત પ્રાપ્ત કરી હતી. તો દક્ષિણ ભારતની ‘અદ્ભુત રામાયણ’ અનુસાર પણ રાવણને સીતાના પિતા અને મંદોદરીને સીતાની માતા તરીકે માનવામાં આવે છે.)
જ્યારે મંદોદરીએ રાવણને સીતા પરત કરવા માટે વારંવાર કહ્યું, ત્યારે રાવણ ક્રોધિત થઈ ગયો અને તેને ‘સ્ત્રીઓના આઠ અવગુણો’ વિષયે વ્યાખ્યાન આપ્યું હતું.
કહેવાય છે કે રાવણનો અંત માત્ર એક દિવ્ય બાણથી જ થઈ શકતો હતો જે રાવણે સ્વયં જ રાખ્યું હતું તેણે તે બાણ મંદોદરીને સંભાળીને રાખવા માટે આપ્યું.
પાછળથી, વિભીષણે આ ભેદ ખોલ્યાં બાદ, હનુમાને મંદોદરી પાસેથી બ્રાહ્મણના રૂપે તે બાણ ચોરી લીધેલું, જેના કારણે આખરે શ્રીરામે રાવણનો અંત કર્યો. રાવણનો અંત થયો ત્યારે મંદોદરીના કરુણ વિલાપનું વર્ણન આવે છે.
તે રાવણ સાથે સતી થવા ઇચ્છતી હતી, પરંતુ શ્રીરામની સમજાવટ બાદ તેણે તે વિચાર ત્યાગી દીધો.
પાછળથી, જ્યારે વિભીષણનો રાજ્યાભિષેક થયો, ત્યારે તેણે શ્રીરામના સૂચન પર વિભીષણ સાથે લગ્ન કર્યા.
તો આ મંદોદરીનું નામ ‘પંચસતી’ માં ગણાય છે, જેનું સ્મરણમાત્ર જ બધા પાપોનો નાશ કરે છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ મહાન સતીઓમાં મંદોદરીનું નામ પ્રમુખતાથી લેવામાં આવે છે.
(ક્રમશ:)
સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)