પંચકન્યાઓ ભાગ 2 : જાણો પંચકન્યાઓમાંથી એક “અહિલ્યા” વિષે, જેમણે સૈકાઓ સુધી પથ્થર બનીને રહેવું પડ્યું.

0
443

હિન્દુ ધર્મમાં પંચકન્યાઓનું ખૂબ મહત્વ છે, જેને પંચસતી પણ કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પાંચ સ્ત્રીઓને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સર્વેના એકથી વધુ પુરુષો સાથે સંબંધ રહ્યા હોવાથી, તેમનાં પતિવ્રત ધર્મ પર પણ સમય સમય પર સવાલો ઉભા થયા, પરંતુ તે ઉપરાંત પણ, તેમને હંમેશા પવિત્ર અને પતિવ્રત ધર્મનું પ્રતીક માનવામાં આવી છે. વિવિધ વરદાનોના પ્રતાપે તેમનું કૌ માર્ય ભંગ થયું ન હોવાથી સદૈવ આ સર્વે કું વારી જ રહી હોવાની માન્યતા છે, જેને કારણે આ પાંચેય સતીઓનો ‘પંચકન્યા’ તરીકે પણ ઉલ્લેખ થતો આવ્યો છે.

તેમના મહિમા વિશે કહેવામાં આવ્યું છે –

अहिल्या द्रौपदी कुन्ती तारा मन्दोदरी तथा।

पंचकन्या स्मरणित्यं महापातक नाशक॥

અર્થાત:

અહિલ્યા, દ્રૌપદી, કુંતી, તારા અને મંદોદરી, આ પાંચ કન્યાઓનું નિત્ય-સ્મરણ કરવાથી સર્વે પાપનો નાશ થાય છે.

અહિલ્યા :

દેવી અહિલ્યા હિન્દુ ધર્મની સૌથી આદરણીય મહિલાઓમાંની એક છે જેમને પંચસતીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

તેઓ મહર્ષિ ગૌતમના પત્ની હતા અને દેવરાજ ઇન્દ્રના છળને કારણે તેમણે સૈકાઓ સુધી પથ્થર બની રહેવાનું દુ:ખ સહન કર્યું.

દેવી અહિલ્યાનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કેમ કે તેમને સર્વોચ્ચ પિતા બ્રહ્માએ પોતે ઘડી હતી અને માટે તેમને તેમની પુત્રી માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેમને “અયોનિજા” પણ કહેવામાં આવે છે.

કથાઓ અનુસાર, એક વખત પરમપિતા બ્રહ્માના મનમાં એક એવી સ્ત્રી બનાવવાનો વિચાર આવ્યો જેનામાં કોઈ પણ પ્રકારની ત્રુટી ન હોય. એટલે પછી તેમણે અહિલ્યાની રચના કરી જે ત્રિલોકમાં સૌથી સુંદર સ્ત્રી હતી. તે એટલી સુંદર હતી કે સ્વર્ગની અપ્સરાઓ પણ તેની ઈર્ષ્યા કરતી હતી.

પરમપિતા બ્રહ્માએ તેનું નામ અહિલ્યા (અ + હલ્યા) રાખ્યું, જેનો અર્થ છે- ‘જેનામાં કોઈ દોષ નથી’.

ઉપરાંત, બ્રહ્માજીએ તેને શાશ્વત યૌવનનું વરદાન આપ્યું કે તેની કાયા હંમેશા સોળ વર્ષ જેટલી જ રહેશે, તથા અખંડ કૌ માર્યનું પણ વરદાન આપ્યું, જેને કારણે તેને આ નામ અહિલ્યા મળ્યું કારણ કે અહિલ્યાનો એક અર્થ એ પણ છે- ‘એ જમીન જેનું ક્યારેય ખેડાણ કરવામાં આવ્યું નથી’, સ્ત્રીના સંદર્ભમાં તેનો અર્થ- ‘એ સ્ત્રી જેનું કૌ માર્ય નાશ નથી પામ્યું’.

ત્યાર પછી બ્રહ્માજી તેના લગ્ન માટે ચિંતિત હતા. દેવ, દૈત્ય, માનવ, નાગ, ગંધર્વ વગેરે ત્યાં કોઈ એવું નહોતું જે અહિલ્યા સાથે લગ્ન કરવા ન માંગતો હોય.

આ સર્વેમાં સૌથી વધુ ઉત્કંઠા દેવરાજ ઇન્દ્રને હતી.

તેના લગ્ન માટે, બ્રહ્મદેવે એક શરત રાખી કે, સમગ્ર વિશ્વની પરિક્રમા કરીને જે સૌ પ્રથમ આવશે તેને અહિલ્યા પત્ની સ્વરૂપે મળશે.

સર્વે ઇચ્છુકો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા, પણ મહર્ષિ ગૌતમે સમજદારીથી કામ લીધું.

તેમણે કામધેનુ ગાયની પરિક્રમા કરી અને અહિલ્યાનો હાથ માંગવા બ્રહ્મદેવ પાસે પહોંચ્યા.

બીજી બાજુ, દરેકને પરાજિત કરી દેવરાજ ઇન્દ્ર પણ સૌપ્રથમ પૃથ્વીની પરિક્રમા કરીને બ્રહ્માજી પાસે પહોંચ્યા.

બંનેએ બ્રહ્મદેવને પ્રાર્થના કરી કે અહિલ્યાના તેમની સાથે જ લગ્ન થવા જોઈએ.

પણ પછી બ્રહ્મદેવે નક્કી કર્યું કે કામધેનુ ગાય આખી વિશ્વનું નિવાસસ્થાન છે અને મહર્ષિ ગૌતમે સૌપ્રથમ તેની પ્રદક્ષિણા કરીને આ સ્પર્ધા જીતી હતી, એટલે અહિલ્યા તેની સાથે જ લગ્ન કરશે.

આ સાંભળીને ઇન્દ્રને બહુ અફસોસ થયો, પણ બ્રહ્માજીની મરજી સામે તેમનું કઈં ચાલી શકે તેમ નહોતું.

આમ અહિલ્યાના લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયા, પરંતુ ઇન્દ્ર અહિલ્યાને ભૂલી શક્યા નહીં અને તેમણે નક્કી કર્યું કે છળથી, કળથી કે બળથી અહલ્યાને પ્રાપ્ત કરીને જ જંપવુ.

ઘણો સમય વીતી ગયો. ગૌતમ અને અહિલ્યા પ્રેમાળ લગ્નજીવન વ્યતીત કરવા લાગ્યા. બંનેને ઘણા પુત્રો થયા, જેમાં શતાનંદ સૌથી જયેષ્ઠ હતા. આટલો લાંબો સમય વીતી ગયો છતાં પણ ઇન્દ્ર હજુ પણ અહિલ્યાને પ્રાપ્ત કરી લેવાની તક શોધી રહ્યા હતાં.

રોજ પ્રભાતે મહર્ષિ ગૌતમ કુકડાની બાંગ સાંભળીને જ જાગતા અને નદી કિનારે જઈ સ્નાન કરીને પાછા ફરતા. તેમનો આ નિત્યક્રમ જોઈને એક વખત ઈન્દ્રએ ગૌતમ ઋષિના આશ્રમની બહાર અડધી રાત્રે જ કૂકડ જેવા અવાજે બાંગ આપી.

તો એ સાંભળીને મહર્ષિ ગૌતમને લાગ્યું કે પ્રભાત થયું અને તેઓ ઉઠીને સ્નાનાર્થે નદી કિનારે ચાલી નીકળ્યા.

લાગ જોઈને ઈન્દ્ર મહર્ષિ ગૌતમનું રૂપ ધરીને ઋષિને આશ્રમે ગયા અને તેમની પત્ની સાથે સહ વાસ કર્યો. અહિલ્યાને આ છળનો કોઈ ખ્યાલ ન આવ્યો. બીજી બાજુ, નદી પર પહોંચ્યા પછી, મહર્ષિ ગૌતમે આકાશના તારાઓ જોઈને વિચાર્યું કે હજુ તો રાત્રીપ્રહર વીત્યો જ નથી. કઈંક રમતની આશંકા જતાં તેઓ તુરંત પોતાની ઝૂંપડીએ પાછા આવ્યા, ત્યારે ઇન્દ્ર ત્યાંથી નીકળી રહ્યા હતા.

જ્યારે દેવી અહિલ્યાએ બે -બે મહર્ષિ ગૌતમને જોયા, ત્યારે તેણીને છેતરાઈ ગયાનો ખ્યાલ આવી ગયો. ઇન્દ્ર તો તરત જ ત્યાંથી નાસી છૂટ્યા, પણ મહર્ષિ ગૌતમને તેની દિવ્ય દ્રષ્ટિથી ખબર પડી કે તે વ્યક્તિ દેવરાજ ઇન્દ્ર હતા.

ક્રોધવસ્થામાં પછી મહર્ષિ ગૌતમે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે- ‘ સ્ત્રીના જે અંગની લાલસામાં તમે આ અધમ કૃત્ય કર્યું છે, તે જ પ્રકારના સહસ્ર અંગ તમારા શરીર પર ઊગી નીકળે.”

પરિણામે ઈન્દ્રના શરીર પર હજાર યો નીઓ ઉપસ્થિત થઈ આવી. આ જોઈને બધા દેવો અને અપ્સરાઓ હાંસી ઉડાવી તેમનો ઉપહાસ કરવા લાગ્યા.

એટલે પછી સ્વર્ગમાંથી પલાયન થઈને દેવરાજ ઇન્દ્ર શ્રાપમાંથી મુક્તિ મેળવવા શ્રીહરિની તપસ્યા કરવા લાગ્યા. તપસ્યાના અંતે પ્રગટ થઈને શ્રીહરિએ કહ્યું કે તેઓ ગૌતમ ઋષિના શાપને સંપૂર્ણપણે મિથ્યા તો ન જ કરી શકે. અલબત્ત, તેમણે તે હજાર યો નિઓને હજાર આંખોમાં બદલી નાખી, જેને કારણે ઇન્દ્ર ‘સહસ્ત્રાક્ષ’ના નામથી પ્રખ્યાત થયા.

ઈન્દ્રને શાપ આપ્યા પછી પણ ગૌતમ ઋષિનો ક્રોધ શાંત તો ન જ થયો, કે ન એ ઓછો થયો.

અહિલ્યાએ વારંવાર તેની ક્ષમા માંગી, પણ તેમ છતાં ઋષિએ તેમને શ્રાપ આપ્યો- “જે સ્ત્રી પોતાના પતિનો સ્પર્શ પણ પારખી નથી શકતી એ તો કોઈ પાષાણ સમાન જ છે માટે તમે તરત જ પથ્થરસ્વરૂપ બની જાઓ.”

ત્યારે અહિલ્યાએ વિનંતીભર્યા સ્વરે કહ્યું – “હે સ્વામી..! ત્રિકાલદર્શી હોવા છતાં જ્યારે તમે ઈન્દ્રના છળને સમજી ન શક્યા અને ખોટા સમયે નદીએ સ્નાનાર્થે ચાલી નીકળ્યા, તો હું તો એક સામાન્ય સ્ત્રી છું. જો હું ઈન્દ્રની છેતરપીંડી સમજી શકી નહિ, તો આમાં મારો કેટલો વાંક?”

આ સાંભળીને મહર્ષિ ગૌતમનો ગુસ્સો થોડો શાંત થયો અને તેમને લાગ્યું કે તેમણે વિના કારણ જ અહિલ્યાને શાપ આપ્યો છે. એટલે પછી તેમણે કહ્યું કે “ત્રેતાયુગના અંતિમ ચરણમાં શ્રીરામ દ્વારા તમારો ઉદ્ધાર થશે અને તમે ફરીથી મને પ્રાપ્ત કરશો.”

એમ કહીને મહર્ષિ ગૌતમ પોતાનો આશ્રમ છોડીને તપ કરવા ચાલ્યા ગયા અને દેવી અહિલ્યા શ્રાપની અસરને કારણે એક શિલા સ્વરૂપમાં ફેરવાઈ ગયા.

પછી જ્યારે શ્રીરામ મહર્ષિ વિશ્વામિત્ર સાથે તાડકાવ ધ માટે નીકળ્યા, તો પ્રવાસ દરમિયાન, તેઓ મહર્ષિ ગૌતમના ઉજ્જડ આશ્રમમાં પહોંચ્યા.

ત્યાં મહર્ષિ વિશ્વામિત્રએ શ્રીરામને અહિલ્યાની કથા સંભળાવી અને પછી શ્રીરામે પથ્થર સ્વરૂપની અહિલ્યાનો પગ-સ્પર્શ કરીને ઉદ્ધાર કર્યો.

ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે કે, પોતાના પૂર્વવત સ્વરૂપમાં પાછા આવ્યા પછી, અહિલ્યાએ શ્રીરામનો ધન્યવાદ માન્યો અને પછી પોતાનો દેહત્યાગ કરીને મહર્ષિ ગૌતમના લોકમાં પ્રસ્થાન કરી ગયા.

પાછળથી, જ્યારે વિશ્વામિત્ર શ્રીરામ અને લક્ષ્મણ સાથે જનકપુરી પહોંચ્યા, ત્યારે તેમણે સૌ પ્રથમ અહિલ્યાના પુત્ર શતાનંદ ઋષિ, કે જેઓ તે સમયે મહારાજ જનકના કુળગુરુ હતા, તેમને તેમની માતાના ઉદ્ધાર વિશે અવગત કર્યા, જે જાણીને તેમણે અપાર શાંતિ અનુભવી.

બિહારના દરભંગા જિલ્લાનું અહિયારી ગામ “અહિલ્યા સ્થાન” તરીકે પ્રખ્યાત છે.

એવું માનવામાં આવે છે કે મહર્ષિ વિશ્વામિત્રના આદેશ પર શ્રીરામે અહિલ્યાનો આ સ્થળ પર જ ઉદ્ધાર કર્યો હતો.

માતા સીતાના જન્મસ્થળ સીતામઢીથી આ સ્થળ લગભગ ચાલીસ કિમી દૂર છે.

ઘણા ઇતિહાસકારોએ પણ પુષ્ટિ કરી છે કે ભૌગોલિક દ્રષ્ટિએ આ જ સ્થાન ક્યારેક મહર્ષિ ગૌતમનું નિવાસસ્થાન હોવું જોઈએ, તો ત્યાંની રાજ્ય સરકાર આ સ્થળને સંરક્ષિત કરી ત્યાં વધુ સંશોધન કરાવે એ ઇચ્છનીય છે.

(ક્રમશ:)

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)