“એલા મેપા ! આ આભમાં વાદળી ચડી. તારાં નળીઆ ઝટ ઝટ ઢાંકી વાળ્ય. નીકર હજારૂ રૂપીયાનું પાણી થૈ જાશે. ”
“આપા રતા ! આમાં નળીયાં ઢાંકયાં રે’ એમ નથી. વાદળ તૂટું તૂટું થયું છે ત્યાં, ઠાકર વિના બીજુ કોણ આડા હાથ દઇ શકે એમ છે ? આટલો પથારો શે ઢંકાય ?”
“માળા મૂરખ ! ઠાકર તારો ક્યાંય સૂઈ રે’શે. આ બીજા સહુ કુંભારૂએ પોતાનાં નળીઆં ઢાંકી લીધાં એમ ઢાંકી લે, ઠાકર તારો ઠાકર સો ગાઉ છેટો રહી જાશે.”
“ના ના દરબાર, ઠાકરને ઢાંકવું હશે તો વાર નહિ લાગે. ઠાકરને પલાળવું હશે તો ઢાંક્યાં ય રહેશે નહિ.”
પાંચાળમાં નવું મોલડી ગામ બંધાય છે. ખોરડાં માળવા માટે નળીઆં પાડવા થાન ગામના કુંભારોને તેડાવ્યા છે. ગામને પાદર એક સામટા પચીસ ચાકડા વહેતા થઇને નળીઆંના નિંભાડ ઉતારે છે, પણ હજુ નીંભાડો નથી ખડક્યો, ત્યાં તો જેઠ મહિનાની કાળી વાદળીએ આભને ઢાંકી દીધો, સહુ કુંભારોએ દોટાદોટ કરી પોતાનાં કચરીઆં નળીયાં ઢાંક્યા, પણ એક મેપો નામનો કુંભાર તો માત્ર ઈશ્વર ઉપર જ આસ્થા રાખીને ઉભો થઇ રહ્યો.
એટલાં બધાં નળીઆંના પથારા ઉપર ઢાંકવાનું મેપાની પાસે કંઇ સાધન જ નથી. મેપા કુંભારની ઈશ્વર ઉપરની આસ્થાની હાંસી કરનાર આપો રતો તો મોલડી ગામનો કાઠી ગલઢેરો હતો. ઠાકરની એ ઠેકડી જ કરતો.
એટલી વારમાં તો આકાશ માથે વિજળીનો કડાકો ગાજ્યો. વાદળી તૂટી. રતા દરબારે હસીને રીડ પાડી કે “લે મેપા, હવે બોલાવ તારા ઠાકરને. તે છતરી ધરે !”
“ઠાકરને રાખવું હશે તો એ…આની ઓથે ય રાખશે !” એટલું બોલીને મેપાએ પોતાના અંગનું કેડીયું ઉતારી નળીયાંના પથરા ઉપર ફગાવ્યું, અને મે’નાં અનરાધાર પાણી જ્યારે બીજાનાં નળીઆંને પલાળી તાણી ગયાં, ત્યારે મેપાનાં નળીઆં ઉપર છાંટો પણ ન પડ્યો; ચારે કોર છેટેથી જ પાણી ખળેળીને ચાલ્યાં જાય છે. મેપો આકાશ સન્મુખ બે હાથ જોડીને ઇશ્વરધ્યાનમાં તલ્લીન બનેલો ઉભો છે. અને રતા કાઠીનું શું થયું ? ઈશ્વરી ગેબની અંદરથી એને તો જાણે કે આજ આ કાદવ ખુંદનાર કુંભારની મારફત કોઇએ ઈશારો કર્યો. આભનાં નોતરાં ઉતર્યા.
સદ્દગુરૂએ સમજાવ્યું સાનમાં બહુનામી, માર્યાં બાણ; વિચા૨ કરૂં તો વેદના ભારીએ જી મારે જળહળ પ્રગટ્યા રવિ ભાણ! રણક ઝાલરીઝણણ વાગી રે ! એ જી મુને સંત મળ્યા રે સુહાગીરણક ઝાલરીઝણણ વાગી રે ! એ જી મેં તો જોયું રે તખત પર જાગીરણક ઝાલરીઝણણ વાગી રે ! વરસાદનાં પાણીમાં તે દિવસ જેવી માટી પીગળી ગઈ હતી, તેવા જ ઓગળી ગયેલા અંતરવાળો રતો દરબાર, પોતાની ડેલી મેલીને હોકો લઈ મેપા કુંભારને ચાકડે આવી બેસવા લાગ્યો. કુંભાર અને કાઠી વચ્ચેના ભેદ એને મનથી ટળી ગયા હતા. એણે હાથ લંબાવીને કહ્યું “લ્યો ભગત, હોકો પીશો ?”
“અરે આપા ! તમે ગલઢેરા, ને અમે વસવાયાં ! તમારો હોકો એઠો કેમ કરાય ? આ મારા ગારાળા હાથમાં હોકો બગડશે.”
“ના ભગત, હવે સૂગ મેલી દીધી. ગારો ગમવા માંડ્યો છે.”
એમ હોકો પીવા લાગ્યા. પછી તો રતા દરબારે મેપાનો હોકો ભરી દેવા માંડ્યું. અને ત્રીજે દિવસે તો મેપાના પગમાં ૫ડી અરજ કરી કે “ભગત ! મને તમારી કંઠી બાંધો.”
કુંભારની પાસે ભક્તિની દીક્ષા લઈને કાઠી દરેક મહિનાની બીજે મોલડીથી આઠ ગાઉ થાન ગામની જાત્રાએ આવતો થયો. એક દીકરી સિવાય રતાને કાંઈ છોરૂ નથી. દીકરીને થાન પાસેના સોનગઢ ગામના એક કાઠી વેરે પરણાવીને રતો આત્મજ્ઞાનમાં બેસી ગયો છે. એનો ‘માયલો’ મરી ગયો છે…..
વધુ આવતા અંકે.
– ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રની રસધાર
સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)